પૈસાની ચિંતા ન કરીશ, તારી બૉસ જેટલું તારા વડે કમાશે એના કરતાં ડબલ પૈસા હું તને ટિપ તરીકે આપીશ
ઇલસ્ટ્રેશન
અંગ્રેજીમાં તેમને ‘જિગલો’ કહેવામાં આવે છે. જરા સારી ભાષામાં તેમને ‘મેલ સેક્સવર્કર’ કહે છે અને હાઈ સોશ્યલ સર્કલમાં તેમને ‘મેલ એસ્કૉર્ટ’ કહેવાય છે.
આ મેલ સેક્સવર્કરોનું કોઈ અસોસિએશન નથી હોતું. તેમને કોઈ લાઇસન્સ પણ આપવામાં આવતું નથી. તેમનું કામ જરા વિચિત્ર હોય છે. સામાન્ય લોકો જેને ‘મજા’ કહે છે, ‘જલસો’ કહે છે, ‘આનંદ’ અથવા ‘પ્લેઝર’ કહે છે એ તેમનું ‘વર્ક’ છે.
ADVERTISEMENT
જોકે મહિલા સેક્સવર્કર અને પુરુષ સેક્સવર્કરમાં મોટામાં મોટો ફરક એ છે કે પુરુષ એક ‘શિફ્ટ’માં વધુમાં વધુ બે ક્લાયન્ટને જ સંતોષી શકે છે. કોઈ વર્કર વધુ મજબૂત હોય તો ત્રણ. એથી વધુ ક્લાયન્ટોને સંતોષ આપવામાં તેની હેલ્થ પર અસર થઈ શકે છે.
બીજો મોટો ફરક એ છે કે ‘પર્ફોર્મન્સ’ની પૂરી જવાબદારી પુરુષ વર્કર પર હોય છે. તે ‘શિથિલ’, ‘ડલ’ અથવા ‘પૅસિવ’ રહી શકે નહીં. બહુ કડવી ભાષામાં કહી શકાય કે ગ્રાહકનો સંતોષ એ જ તેમનો મુદ્રાલેખ હોય છે.
હા, તેમના ગ્રાહકો એટલે કે ‘ક્લાયન્ટો’ મોટા ભાગે ધનિક હોય છે એટલું જ નહીં, સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવનારા હોય છે એટલે તેમની સર્વિસ બદલ મળનારી ફી ઘણી ઊંચી હોય છે. જોકે એની સાથે-સાથે ક્લાયન્ટોની અન્ય અપેક્ષાઓ પણ ઊંચી હોય છે. જેમ કે વર્કર કદી મેલોઘેલો, ગંદો કે લઘરવઘર રહી શકે નહીં. વર્કરે બીડી-સિગારેટ, પાન-મસાલા, ગુટકા જેવા દુર્ગંધ પેદા કરનારા પદાર્થોનું સેવન, કમસે કમ સર્વિસ-ટાઇમમાં, કરવું ન જોઈએ.
અને હા, મૅનર્સ બહુ સારી હોવી જોઈએ. એલફેલ બોલવું, લવારો કરવો કે ક્લાયન્ટ વિશે બીજી કોઈ વ્યક્તિ આગળ તેની વાતો કરવી કે ઈવન ક્લાયન્ટનું નામ પણ લેવાવું ન જોઈએ. પ્રાઇવસી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
જાહેરમાં કોઈને ગંધ સરખી ન આવવી જોઈએ કે તે આ લાઇનમાં છે. જાહેરમાં જો કોઈ સ્થળે તેના ક્લાયન્ટનો ભેટો થઈ જાય તો ખૂબ જ સાવધ રહેવું પડે. જો ભૂલેચૂકે કોઈ વાત કે વર્તન વડે ક્લાયન્ટની સામાજિક છબિ ડિસ્ટર્બ થઈ જાય તો તે પહોંચેલા ઉચ્ચ વર્ગના લોકો આ વર્કરની જિંદગી બરબાદ કરી શકે.
એટલે જ બ્લૅકમેઇલિંગનો તો વિચાર સુધ્ધાં કરવાની મનાઈ હોય છે.
lll
જોગિન્દર આ લાઇનમાં નાછૂટકે આવ્યો હતો. હરિયાણાના એક નાનકડા ગામની નિશાળમાં ભણતાં-ભણતાં તે બે વાર નાપાસ થયો હતો. બારમા ધોરણમાં તે માંડ-માંડ નાપાસ થતાં બચ્યો હતો.
જોગિન્દરના બાપા અભણ હતા. બિલ્ડિંગોમાં મજૂરી કરતાં એક વાર તેમનો પગ ભાંગી ગયો. તે દસમા માળેથી સીધા નીચે પડ્યા હતા. ત્યારથી તેમની પાસે કોઈ કામ નહોતું. મા ખેતરોમાં મજૂરી કરીને ઘર ચલાવતી હતી.
બારમું પાસ કર્યા પછી જોગિન્દર રોજ એસટી બસમાં કર્નાલની એક કૉલેજમાં ભણવા જતો હતો. જેમતેમ કરીને તે બીકૉમ થયો. સેકન્ડ ક્લાસમાં પાસ થયો હતો એટલે નોકરીનાં તો ફાંફાં જ હતાં. એવામાં કોઈના કહેવાથી તે દિલ્હીમાં નોકરી શોધવા આવ્યો હતો.
ભાડાની એક ખોલીમાં ચાર જણ રહેતા હતા. એક રાત્રે કોઈ દોસ્તના સ્કૂટર પર દારૂ પીને રખડતા હતા ત્યાં તેમનું ઠાઠિયું સ્કૂટર એક મોંઘી શાનદાર કારની અડફેટે આવતાં બચી ગયું.
એ કાર જઈને લાઇટના થાંભલા સાથે ભટકાઈ હતી. સ્ટિયરિંગ વ્હીલ પર લગભગ બેહોશ પડેલી એક મૅડમને જોઈને જોગિન્દરના દોસ્તો ભાગી ગયા.
જોગિન્દર પણ છટકી જવાની વેતરણમાં હતો. ત્યાં તે મૅડમે કહ્યું, ‘વિલ યુ પ્લીઝ હેલ્પ મી? મૈંને પી રખ્ખી હૈ. પુલિસ આએગી તો ડબલ લફડા હોગા.’
જોગિન્દરે જેમતેમ કરીને તેને કારની બહાર કાઢી. તે મૅડમ રીતસરની તેના ખભા પકડીને લટકી પડી હતી. તેણે કહ્યું, ‘યાર, મુઝે ઘર પહોંચા દે, તેરા એહસાન નહીં ભૂલૂંગી...’
જોગિન્દરે તેને જેમતેમ કરીને ઘરે પહોંચાડી હતી.
બસ, એ રાત્રે જોગિન્દરનું નસીબ પલટાયું!
કેમ કે એ મૅડમનું નામ હતું રોમા અસ્થાના. તેમનો જરા ‘સ્પેશ્યલ’ ટાઇપનો બિઝનેસ હતો.
એ જ બિઝનેસની સર્વિસના ભાગરૂપે જોગિન્દરે આજે રાત્રે અહીં દિલ્હીના એક ફાર્મહાઉસમાં તેની નવી ક્લાયન્ટ મિસિસ રેશમા સૂદને ભરપૂર સંતોષ આપ્યો હતો.
lll
જોકે રેશમાના દિલમાં ઊંડે-ઊંડે કંઈક ખટકી રહ્યું હતું. ફાર્મહાઉસની બારીનો પડદો ખસેડતાં તેણે સિગારેટનો એક કશ ખેંચીને બહારની હવામાં ધુમાડો તરતો મૂક્યો.
‘યુ સ્મોક?’ રેશમાએ પોતાનો ગાઉન સરખો કરતાં પેલા યુવાનને પૂછ્યું, ‘સિગારેટ પીવી છે?’
‘જી? નહીં મૅડમ.’ યુવાને કહ્યું. તે હજી પથારીમાં પડ્યો-પડ્યો થાક ખાઈ રહ્યો હતો.
‘કેમ? પીવી નથી કે પીતો જ નથી?’
યુવાને ધીમા અવાજે કહ્યું, ‘એવું નથી મૅડમ. પીઉં છું, પણ અમારી ક્લાયન્ટને એની સ્મેલ પસંદ નથી હોતી.’
‘આઇ લાઇક ધૅટ સ્મેલ.’ રેશમાએ તેની તરફ સિગારેટનું પાકીટ અને લાઇટર ફેંક્યાં. યુવાને સિગારેટ સળગાવી.
‘શું નામ છે તારું?’
‘જી મૅડમ, જોગિન્દર.’’
રેશમાએ એક નિ:શ્વાસ મૂક્યો. ‘જો જોગિન્દર, આજે તેં મને ભરપૂર સંતોષ આપ્યો છે. જેની કલ્પના હું વરસોથી મારાં સપનાંઓમાં કરતી હતી એવો આનંદ તેં મને આજે આપ્યો છે, પણ...’
‘જી મૅડમ?’
‘તું બહુ ક્યુટ છે.’ રેશમાએ કહ્યું, ‘અને બહુ જ ઓછું બોલે છે. શું ભણ્યો છે?’
‘જી મૅડમ, બીકૉમ કિયા થા, મગર...’
‘મતલબ કે થોડું અંગ્રેજી બોલતાં તો આવડે છે, એમને?’ રેશમા થોડી વાર સુધી જોગિન્દર સામે જોતી રહી. પછી તેણે પલંગની ધા૨ ૫૨ બેસતાં કહ્યું, ‘જો છોકરા, મારી ઘણા વખતની પ્યાસ તો બુઝાઈ ગઈ છે. કદાચ હું તને ફરી ક્યારેક બોલાવું પણ ખરી. યુ આર ગુડ.’
‘થૅન્ક્સ મૅડમ.’
‘પણ મારી જરૂરિયાત જુદા પ્રકારની છે.’ રેશમાએ નજીક પડેલી ઍશ-ટ્રેમાં સિગારેટ બુઝાવતાં કહ્યું, ‘તું મને રોજ કંપની આપી શકે?’
‘મૅડમ, આપ જો બોલેગી વો હો જાએગા.’
‘કંપની એટલે સેક્સ નહીં.’ રેશમાએ કહ્યું, ‘મને આમ છુપાઈને-સંતાઈને સેક્સ માણવાનું ગમતું નથી. જો તું રોજ રાત્રે મારી સાથે પાર્ટીઓમાં આવી શકે, મારી સાથે ને સાથે રહી શકે, ડિનર અને ડાન્સમાં પણ કંપની આપી શકે તો...’
‘વો ભી હો જાએગા, આપ મેરી બૉસ સે બાત કર લેં તો ઠીક રહેગા.’ જોગિન્દરે નમ્રતાથી કહ્યું.
‘વો તો મૈં કર લૂંગી, પણ મૂળ વાત એ નથી.’ રેશમાએ કહ્યું,
‘મને અહીંની હાઈ સોસાયટીમાં ફાલતુ વાતો થયા કરે એ જરાય પસંદ નથી. એટલે...’
રેશમાએ ધીમે રહીને મૂળ વાત કહેવા માંડી, ‘બધાને હું એમ કહું કે આ મિસ્ટર મહેશ ભંડારકર છે, તે મુંબઈના છે, તેમનો મુંબઈમાં કેમિકલ્સનો બિઝનેસ છે અને અહીં બિઝનેસના કામે જ આવ્યા છે... ઇન ફૅક્ટ, અમે બહુ સારા મિત્રો છીએ. મારા હસબન્ડના તો તે બિઝનેસ અસોસિએટ છે... તો તને કોઈ વાંધો નથીને?’
‘મને શું વાંધો હોય મૅડમ?’
‘ઓ.કે. તો પછી એક-બે દિવસમાં હું તારાં વિઝિટિંગ કાર્ડ્સ અને બીજી સ્ટેશનરી વગેરે પણ બનાવડાવી આપીશ. બીજા બિઝનેસમેન આગળ ટૂંકાણમાં છતાં પકડાઈ ન જવાય એ રીતે બિઝનેસની શી વાતો કરવી એ પણ હું તને સમજાવી દઈશ.’
‘જી મૅડમ.’
‘અને હા, પૈસાની ચિંતા ન કરીશ. તારી બૉસ જેટલું તારા વડે કમાશે એના કરતાં ડબલ પૈસા હું તને ટિપ તરીકે આપીશ. ઓ.કે.?’
‘જી મૅડમ.’
‘ગુડ બૉય!’ કહેતાં રેશમાએ જોગિન્દરના ગાલ ૫૨ ટપલી મારી.
lll
બે-ચાર દિવસમાં તો જોગિન્દરની આખી પર્સનાલિટી બદલાઈ ગઈ. તે હૅન્ડસમ તો હતો જ, પણ રેશમાની ચૉઇસનાં સોબર છતાં અતિશય મોંઘાં વસ્ત્રો પહેર્યાં પછી કોઈને શક પણ ન જાય કે આ કોઈ ‘જિગલો’ હશે. વળી રેશમા પણ બહુ સાવચેત રહેતી હતી. તેને અઠવાડિયે બે કે ત્રણ જ વાર બોલાવતી અને એ પણ ખૂબ સારી રેસ્ટોરાંમાં જ. વળી અઠવાડિયે એકાદ પાર્ટીમાં લઈ જતી એ પણ ‘ક્લીન-પાર્ટી’ હોય એની રેશમા ચોકસાઈ રાખતી. ‘ક્લીન પાર્ટી’ એટલે માત્ર ડિનર, ડ્રિન્ક્સ અને ડાન્સિંગ; બીજું કંઈ જ નહીં.
પંદર-વીસ દિવસમાં તો દિલ્હીની હાઈ-સોસાયટીમાં રેશમા સૂદ અને ‘મહેશ ભંડારકર’ નામના કપલ સામે કોઈ ધ્યાન પણ નહોતું આપતું.
રેશમા આવા જ સમયની રાહ જોતી હતી.
એક રાત્રે રેશમાએ તેને ભરપૂર રીતે ભોગવ્યા પછી વાતની માંડણી કરતાં પૂછ્યું, ‘ડિયર મહેશ, તું મારું એક કામ ન કરે?’
‘બોલોને મિસિસ સૂદ?’ જોગિન્દરને હવે આ બનાવટી ભાષા આવડી ગઈ હતી.
‘કામ એવું છે કે તારે મારી સાથે મુંબઈ આવવાનું છે.’
‘એમાં શું? હું મારી બૉસને કહી દઉં એટલી જ વાર.’
‘ના, તારી બૉસને કશું જ કહેવાનું નથી. તારે માત્ર એટલું જ કહેવાનું કે મારે મારા વતનમાં જવું છે, મારી મા બીમાર છે, તેમનું ઑપરેશન થવાનું છે, પંદરેક દિવસ લાગશે.’
‘પણ...’
‘પૈસાની ચિંતા શા માટે કરે છે? તને પૈસા પૂરેપૂરા મળશે.’
‘મને ખબર છે મિસિસ સૂદ. તમે જનરસ છો, પણ મુંબઈ શા માટે?’
‘ઇડિયટ! હું મુંબઈની છું. ભૂલી ગયો? અહીં તો હું મારી બહેનના બંગલામાં રહું છું. મુંબઈમાં મારું ઘર છે અને...’
‘અને શું?’
‘અને જો તને મુંબઈ ગમી જાય તો તું ત્યાં જ રહી શકે છે. એ બધી વ્યવસ્થા પણ થઈ જશે. બોલ, શું કહે છે?’
‘મૅડમ, તમારી ઑફર તો સારી છે, પણ મારી બૉસ મને છોડશે નહીં. આ લાઇનમાં આવું રિસ્ક લેવામાં જાનનું જોખમ હોય છે. તમને કદાચ ખબર નહીં હોય..’
‘આઇ કૅન અન્ડરસ્ટૅન્ડ માય બૉય, પણ તું ચિંતા ન કરીશ. તારી બૉસને તારી જે પ્રાઇસ જોઈતી હોય એ હું ચૂકવી દેવા તૈયાર છું. આઇ જસ્ટ લવ યુ માય બૉય! યુ આર સો ક્યુટ!’
જોગિન્દર બે-ચાર ક્ષણ માટે વિચારતો રહ્યો. પછી બોલ્યો:
‘એ બધી વાત પછી. હમણાં એક અઠવાડિયા માટે તો આવી જોઉં?’
‘ધૅટ્સ માય ગુડ બૉય!’ રેશમાએ તેના ગાલ પર ટપલી મારી.
જોગિન્દર સમજી રહ્યો હતો કે હાશ, આખરે તેની જિંદગી પાટા પર ચડી જશે ખરી. જો આ બાઈ તેને મુંબઈમાં એકાદ અપાર્ટમેન્ટ લઈ આપે અને ભલેને બે ચાર વરસ જ તેને રાખે... કેમ કે આવી ઔરતોનો કોઈ ભરોસો નહીં. હમણાં ફિદા-ફિદા છે, પણ થોડા સમયમાં તે બોર પણ થઈ જાય.
એ દરમ્યાનમાં પોતે કાં તો ફિલ્મલાઇનમાં કાં તો બીજા કોઈ નાનકડા બિઝનેસમાં સેટલ થઈ જાય તો પછી આ જિગલોની જિંદગી છોડી દેવાય અને કર્નાલ પાસેના નાનકડા ગામમાં રહેતી તેની મા અને બહેનને પણ મુંબઈમાં બોલાવી લેવાય.
પણ જોગિન્દરને ખબર નહોતી કે તે એક બહુ મોટું જોખમ લઈ રહ્યો હતો જેની કિંમત તેની જિંદગી વડે ચૂકવવી પડવાની હતી.
(ક્રમશઃ)

