ભલભલા જુવાનો મારી કંપની માટે મારી આસપાસ ફીલ્ડિંગ ભરતા હોય છે, આઇ ઍમ સ્ટિલ વેરી હૉટ
ઇલસ્ટ્રેશન
એક તો ધુમ્મસ. એમાંય લાંબો-કાળો ડામરનો લાંબો અજગર જેવો રસ્તો. ઉપરથી વહેલી પરોઢનો સમય.
દૂર મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી ટ્રકો આવા સમયે ધીમી જ ચાલતી હતી, કેમ કે પરોઢના આ ધુમ્મસને કારણે હેડલાઇટો ફુલ-ઑન હોય તો પણ માંડ ૨૦ ફુટ દૂરનું જ જરા ઠીકઠાક દેખાતું હતું.
ADVERTISEMENT
આવા સમયે ટ્રક-ડ્રાઇવરોના માથે બે જોખમ હોય છે : એક, ક્યાંકથી અચાનક કોઈ જાનવર રસ્તામાંથી ફૂટી ન નીકળે અથવા બે, રસ્તામાં કોઈ મોટો ખાડો ન પડ્યો હોય.
પરંતુ પરોઢનો આ સમય એવો હોય છે જેમાં ડ્રાઇવરો માટે જે ત્રીજું જોખમ હોય છે એ ટ્રકની બહાર નહીં પણ ટ્રકની અંદર હોય છે. માત્ર ટ્રકની અંદર નહીં, દિમાગની અંદર હોય છે... તે એ કે દિમાગ ઝોલાં ખાવા લાગે છે અને એને લીધે આંખો ઝોકાં ખાવા લાગે છે.
પરંતુ સાવ સીધી લીટી જેવા એ પુણે-મુંબઈ હાઇવેની એક ચોક્કસ જગ્યાએ આવતાં જ દરેક ટ્રકનો ડ્રાઇવર અચાનક ચોંકીને બ્રેક મારી દેતો હતો!
બ્રેક મારવાનું કારણ એ કાળા ડિબાંગ હાઇવે પર પડેલી એક લાશ હતી!
તમે જો ડ્રાઇવરના ઍન્ગલથી જુઓ તો આ દૃશ્ય તમને ખરેખર ડરામણું લાગશે, કેમ કે તમારી ટ્રકની પીળી હેડલાઇટમાં જે ધુમ્મસ રોડ પર ઝળૂંબી રહ્યું છે એ એટલું ગાઢ છે કે તમને તમારી હેડલાઇટના બે મોટા શેરડા જ દેખાય છે.
એ શેરડાઓના ઉપરના ભાગે નર્યો કાળો અંધકાર છે અને નીચેના ભાગે કોઈ હૉરર ફિલ્મના પહેલા દૃશ્યની જેમ તમારી તરફ સરકી રહેલો પેલો કાળો રોડ છે.
અચાનક એ કાળા રોડ પર તમને કંઈક ઝાંખો આકાર દેખાય છે! તમે હજી ટ્રકને ધીમી પાડો ત્યાં તો એ આકાર અચાનક ૩૦ ફુટથી ૧૦ ફુટના અંતરે આવી જાય છે! અને ત્યારે જ તમને ખ્યાલ આવે છે કે આ તો કોઈની લાશ છે!
તમે બ્રેક મારો છો, ધુમ્મસથી ધૂંધળા થયેલા કાચને હથેળી વડે સાફ કરીને જુઓ છો તો તમને દેખાય છે કે લાલ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલા તે માણસની ખોપરી ફાટી ગઈ છે!
બીજી જ ક્ષણે તમને વિચાર આવે છે કે ભાઈ, આમાં પડવા જેવું નથી, આ તો સાલો પોલીસકેસ છે! અને તમે, એટલે કે ટ્રક-ડ્રાઇવર, ટ્રકને લાશથી અલગ તારવીને ચૂપચાપ આગળ નીકળી જાઓ છો.
પરંતુ બધા ડ્રાઇવરો એટલા સતર્ક ન પણ હોય. લગભગ છ વાગ્યાની આસપાસ જ્યારે આકાશનો ઉજાસ ખૂલી રહ્યો હતો ત્યારે એક ટ્રકે અચાનક બ્રેક મારી!
તેનું પૈડું પેલી ફાટી ગયેલી ખોપરીથી ફક્ત ત્રણ જ ફુટ દૂર થંભી ગયું હતું!
lll
(આ ઘટનાના એક મહિના પહેલાં...)
‘વ્હુઉઉઉઉ!’ બધી સ્ત્રીઓ એકસાથે ચિચિયારીઓ પાડી રહી હતી. બધાની આંખોમાં એક ગજબની ચમક હતી અને ચહેરા ૫૨ સાવ જુદા જ પ્રકારનો આનંદ...
કારણ કે દિલ્હીના એ પૉશ બંગલાના વિશાળ ડ્રૉઇંગરૂમમાં સોફાઓ અને ગાદી-તકિયા પર ગોઠવાયેલી ધનવાન હાઈ સોસાયટીની લગભગ વીસેક સ્ત્રીઓની વચ્ચે એક યુવાન મ્યુઝિકના તાલે નાચી રહ્યો હતો. ડાન્સ કરતાં-કરતાં તે પોતાનાં એક પછી એક વસ્ત્રો ઉતારી રહ્યો હતો!
‘વાઆઆઆઉઉઉઉ!!’
યુવાને તેનું ટી-શર્ટ ઉતારીને હવામાં ફંગોળવા માંડ્યું. એ જોઈને બધી જ સ્ત્રીઓ ઉત્તેજિત થઈને ચિચિયારીઓ પાડવા માંડી. સૌથી નજીકના સોફા પર બેઠેલી એક જાડી ઔરત અચાનક ઊભી થઈ ગઈ અને યુવાનને બાથ ભરીને ચોંટી પડી! બીજી સ્ત્રીઓએ ફરી
જોર-જોરથી ચિચિયારી પાડવા માંડી.
‘સિક... ધિસ ઇઝ સિક...’ પાછળના સોફા પર બેઠેલી રેશમા સૂદ બબડી ઊઠી.
‘તેં કંઈ કહ્યું?’ તેની બાજુમાં બેઠેલી તેની મોટી બહેન બીનાએ પૂછ્યું, ‘યુ સેઇડ સમથિંગ?’
‘નો... નો.’ રેશમાએ જાણીજોઈને ખોટું સ્માઇલ આપતાં ગ્લાસમાંથી વૉડકાનું એક સિપ લીધું. ‘મેં તો એમ કહ્યું કે ધિસ ઇઝ સિ... સિઝલિંગ!’
‘ઑફકોર્સ!’ બીના બોલી. એ સાથે જ તે ઊભી થઈને નાચવા લાગી, કારણ કે હવે પેલો યુવાન વચ્ચે મૂકેલા ટેબલ પર ચડીને શીર્ષાસન કરી રહ્યો હતો!
પછી તેણે તેની બન્ને ટાંગો હવામાં પહોળી કરી. એ સાથે જ આખા ઓરડાની તમામ સ્ત્રીઓ ફરી ચિચિયારીઓ પાડી ઊઠી.
રેશમા સૂદ શાંતિથી બેઠી-બેઠી આ તમાશો જોતી રહી. તે ચાળીસેક વરસની થોડી ભરાવદાર પરંતુ આકર્ષક ઔરત હતી. તેની મોટી બહેન બીના પિસ્તાળીસેક વરસની હતી. એકદમ ઢોલ જેવી બની ગઈ હતી, પણ બન્નેના ધણીઓ કરોડપતિ હતા. ઇન ફૅક્ટ, અહીં જેટલી સ્ત્રીઓ ભેગી થઈ હતી એ તમામના પતિઓ અતિશય પૈસાદાર બિઝનેસમેન હતા. તે બધી જ દિલ્હીની પાર્ટીઓમાં અવારનવાર નજરે ચડતી શોખીન ઔરતો હતી.
પરંતુ રેશમા સૂદ મુંબઈથી આવી હતી. તેનો પતિ એક મહિનો મધ્ય યુરોપના દેશોની બિઝનેસ-ટ્રિપ પર ગયો હતો અને રેશમા અહીં તેની બહેનના ઘરે રહેવા આવી હતી.
પાર્ટી ચાલતી રહી. રેશમાએ આવી ‘મેલ-સ્ટ્રિપર્સ’ પાર્ટીઓ વિશે સાંભળ્યું તો હતું, પણ આજે પહેલી વાર જોયું. પેલો યુવાન હવે ટેબલ પરથી નીચે ઊતરીને વારાફરતી જુદી-જુદી સ્ત્રીઓના ખોળામાં બેસતો હતો, તેમની સાથે અડપલાં કરતો હતો. કોઈના ગાલે કિસ કરતો હતો તો કોઈના શરીર સાથે શરીર ઘસીને ડાન્સ કરતો હતો.
‘સિક... સિક...’ રેશમા ફરી બબડી ઊઠી.
‘યુ નો સમથિંગ?’ તેની બહેને તેને કહ્યું, ‘આ જે ગોલ્ડન કલરના વાળવાળો છેને? તે ટીવી પર પણ કોઈ શોમાં આવી ગયો છે. હી ઇઝ વેરી ફેમસ!’
રેશમા કંઈ ન બોલી. તમાશો બે-ત્રણ કલાક સુધી ચાલતો રહ્યો. ત્રણ-ચાર યુવાનો વારાફરતી આવ્યા અને પછી ગ્રુપમાં પણ આવી ગયા. બિચારાઓ પરસેવો-પરસેવો થઈ જાય ત્યાં લગી નાચતા રહ્યા. પાર્ટીમાંથી પાછા ફરતાં બીનાએ પૂછ્યું, ‘બોલ રેશમા, કેવું રહ્યું? ડિડ યુ એન્જૉય ઇટ?’
‘ડિસગસ્ટિંગ!’ રેશમાએ કહ્યું, ‘મને પેલા બિચારા બાબલાઓની દયા આવતી હતી અને બુઢ્ઢીઓને જોઈને હસવું આવતું હતું.’
‘અચ્છા? અને તું કોણ છે? બુઢ્ઢી નથી?’
‘નૉટ ઍટ ઑલ!’ રેશમાએ કહ્યું, ‘ભલભલા જુવાનો મારી કંપની માટે મારી આસપાસ ફીલ્ડિંગ ભરતા હોય છે. ભલે મારા લગ્નજીવનમાં હવે કંઈ રહ્યું નથી, પણ આઇ ઍમ સ્ટિલ વેરી હૉટ.’
‘ઓ.કે., ઓ.કે. હું માની લઉં છું, બસ?’ બીનાએ કહ્યું, ‘આ તો તેં કહ્યું કે તને દિલ્હીની હૉટ લાઇફમાં ઇન્ટરેસ્ટ છે એટલે તને આ પાર્ટીમાં લઈ આવી.’
‘હૉટ લાઇફમાં તો હજી રસ છે જ.’ રેશમા હસી પડી, ‘પણ મારી ડિયર દીદી, આવી હૉટ લાઇફ નહીં, સમજી?’
‘ઓ...!’ બીના પણ હસી પડી, ‘તો એમ બોલને? એ પણ મૅનેજ કરી આપું!’
‘બોલી મોટી! મૅનેજ કરી આપું.’ રેશમાએ ચાળો કર્યો, ‘મને તારા કોઈ બુઢ્ઢા બૉયફ્રેન્ડ જોડે જરાય નહીં ફાવે હોં?’
‘તું જોયા કરને?’ બીનાએ એક હાથે સ્ટિયરિંગ સંભાળતાં બીજા હાથે મોબાઇલમાં એક નંબર જોડવા માંડ્યો.
‘એક મિનિટ.’ રેશમા બોલી, ‘તું જેને યુઝ કરતી હોય એવો કોઈ બુલ પણ મને નથી જોઈતો.’
‘શટ-અપ યાર!’ બીનાએ રેશમાનો હાથ હડસેલતાં ફોનમાં વાત કરવા માંડી, ‘સુનિએ, બૉમ્બે સે હમારી એક ગેસ્ટ આયી હૈ, ઉનકો એક જેન્ટલમૅન કી કંપની ચાહિએ...’
lll
થોડી વાર પછી બીનાની કાર એક બહુમાળી અપાર્ટમેન્ટની સામે ઊભી રહી. રેશમા અને બીના લિફ્ટ વડે છઠ્ઠા માળે જે અપાર્ટમેન્ટમાં પહોંચ્યાં ત્યાં તેમનું સ્વાગત કરવા માટે એક કાળો ઠીંગણો માણસ હાજર હતો.
‘આઇએ મૅડમ, આઇએ!’
બે-ચાર ઔપચારિક વાતો પછી તે ઠીંગણાએ તેમને સોફા પર બેસાડીને કહ્યું, ‘મૅડમ, આપકો તીન લડકે દિખાતા હૂં વો દેખ લીજિએ. પસંદ ન આએ તો ઔર ભી મિલ જાએંગે.’
‘મારી એક ફ્રેન્ડ છે તે આ બિઝનેસ ચલાવે છે.’ બીનાએ
કહ્યું, ‘ટ્રસ્ટ મી, આ લોકો ખૂબ જ સેફ છે.’
‘ઓકે?’ રેશમાએ બેફિકરાઈથી હોઠ વાંકા કર્યા.
થોડી વારમાં રેશમા અને બીના સામે ત્રણ કસાયેલા યુવાનો આવીને ઊભા રહ્યા. બીના હજી તેમને પગથી માથા સુધી જોઈને સરખામણી કરી રહી હતી ત્યાં રેશમા ઊભી થઈને તેમની પાસે ગઈ. જાણે કોઈ શોરૂમમાં હૅન્ગર પર લટકતાં રેડીમેડ કપડાંનું નિરીક્ષણ કરતી હોય એમ તેણે ત્રણે છોકરાઓની આસપાસ આંટા માર્યા. પછી બધાના ખભે, છાતી પર હાથ ફેરવીને જોયું. એક છોકરાના વાળમાં આંગળાં નાખીને, તેની ગરદન ઊંચી કરી-કરીને ધ્યાનથી જોયું અને પછી વચ્ચે ઊભેલા એક છોકરાના શર્ટનાં બટન ખોલી નાખ્યાં!
બીના તો ડઘાઈને જોતી જ
રહી ગઈ!
રેશમાએ તેનું શર્ટ લગભગ અડધોઅડધ ખોલી નાખ્યું. પછી છાતી પાસે પોતાનું નાક લઈ જઈને જરા સૂંઘ્યું, હાથ ઊંચો કરીને તેની બગલમાં સૂંઘ્યું અને પછી પેલા ઠીંગણાને કહ્યું, ‘આ ઠીક છે, પણ એને નવડાવી-ધોવડાવીને મોકલજો. મને પરસેવાથી ગંધાતા પુરુષો જરાય નથી ગમતા!’
‘જી મૅડમ.’ ઠીંગણાએ ઇશારો કર્યો કે તરત પેલા ત્રણે યુવાનો અંદર જતા રહ્યા, ‘લડકે કો કહાં ભેજું? ઔર કિતને બજે?’
રેશમાએ બીનાનું કાર્ડ આપતાં કહ્યું, ‘યહાં ભેજના. ઔર પૈસે કી ચિંતા મત કરના. મુઝે દિલ્હી મેં એક મહિને તક રહના હૈ.’
lll
નીચે ઊતરતી લિફ્ટમાં બીજા બે-ચાર જણ હતા એટલે બીના કંઈ બોલી જ નહીં, પણ કારમાં
બેસતાંની સાથે જ તે બોલી ઊઠી, ‘કમાલ છે રેશમા, તું તો બહુ અનુભવી લાગે છે.’
‘શટ-અપ...’ રેશમાએ કડક અવાજે જવાબ આપ્યો, ‘ધિસ ઇઝ માય લાઇફ.’
‘ઓહ, વૉટ અ લાઇફ યાર!’ કહેતાં બીના હસી પડી. સાથે રેશમા પણ ખડખડાટ હસવા લાગી.
‘તારા હસબન્ડને તારી આ લાઇફની ખબર છે?’ બીનાએ પૂછ્યું.
‘તને શું લાગે છે, તારો જીજુ મને આનું સેપરેટ અલાવન્સ આપતો હશે?’ રેશમા હસી રહી હતી.
‘પણ જીજુને તારા શોખની ખબર તો હશેને!’
‘ઓહો... જાણે તું પણ તારા શોખની ડીટેલ્સ તારા હસબન્ડ સાથે શૅર કરતી હશે, નહીં?’
બન્ને સિસ્ટર્સ એકબીજાને તાળી આપીને હસતી રહી...
‘વૉટ અ લાઇફ...’ બીના હસતાં-હસતાં ફરી બોલી ઊઠી.
(ક્રમશઃ)

