Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > > > જુગાર જિંદગીનો (પ્રકરણ-૧)

જુગાર જિંદગીનો (પ્રકરણ-૧)

20 November, 2023 06:50 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

ઘરરખ્ખુ ગૃહિણીની આદર્શ ઇમેજ ધરાવતી શર્વરીના તેવરે અવનિને ડઘાવી દીધેલી. ‘આત્મન શું કામ પત્ની પર નજર રખાવે?’

ઇલસ્ટ્રેશન વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. મલાડના ઘરે સવાર આમ જ ઊગતી, વર્ષોથી. પરોઢિયે ઊઠી મા ભજનાવલિ ચાલુ કરી દે, સમાંતરે ઘર ચોખ્ખું કરી સ્નાન-પૂજામાંથી પરવારે ત્યાં સુધીમાં પિતાજી જાગી ગયા હોય. મને તો કૉફીની મીઠી સુગંધ આવે પછી જ હું જાગું! 

કૉફીનો મગ લઈ બાલ્કનીમાં ઊભી અવનિએ ઊંડો શ્વાસ લઈ તાજી હવા શ્વાસમાં ભરીને કડી સાંધી...ઘરકામ બાબતે એકની એક દીકરીને છૂટ આપનાર માવતર જોકે તેના ઘડતર બાબતે સભાન હતાં. બૅન્કમાં જૉબ કરતા પિતા સત્યેનભાઈ શાળાના ભણતર જેટલો જ ભાર ગણતર પર મૂકતા અને એટલે જ યૌવનના ઉંબરે પગ મૂકતી અવનિનો આત્મવિશ્વાસ છલોછલ હતો. રૂપાળી તો તે હતી જ. કૉમર્સમા માસ્ટર્સ કરી તેણે પ્રાઇવેટ ફર્મમાં પહેલી જૉબ લીધી ત્યારે પપ્પાની પાંપણ ભીની થયેલી ઃ ‘તને પગભર થતી જોવી અમારા જીવનની ધન્ય ઘડી છે!


-મને પરણાવવાના તેમના કોડ જોકે અધૂરા રહ્યા...

અવનિએ હળવો નિઃશ્વાસ નાખ્યો ઃ ચાર વરસ અગાઉ ૬ મહિનાના ટૂંકા ગાળામાં મા-પિતાજી પાછાં થયાં ત્યારે પોતે હજી તો પચીસ વરસની... મુશ્કેલ હતું, પણ જીવનને ઉલ્લાસથી માણવાની મા-પિતાની શીખ સાંભરી તે ટકી ગઈ. જૉબ જમ્પ મારી સૅલેરી રાઇઝ ઉપરાંત વર્ક વેરિએશનની ચૅલેન્જ સ્વીકારી ખુદને અપડેટ કરતા રહેવાનું તેને ગમતું.


‘ઇમ્પ્રેસિવ!’ આત્મને પોતાનું રિઝ્‍‍યુમે જોઈને કહેલું.

‘આત્મન.’ પ્રિય પુરુષના સ્મરણ માત્રએ કૉફીની ઉષ્મા શરીરમાં પ્રસરી ગઈ હોય એવું લાગ્યું અવનિને!

બે વરસ અગાઉ પોતે ‘મહેતા સ્પેક્ટિકલ્સ’માં સેક્રેટરીના ઇન્ટરવ્યુ માટે ગઈ ત્યારે જોકે નોકરી મળવાની આશા પણ નહોતી. આખરે પોતે ક્યારેય સેક્રેટરીનું કામ કર્યું નહોતું. પોતે તો બસ ઇન્ટરવ્યુના અનુભવ માટે, ઉમેદવારો સાથે પ્રોફેશનલ નેટવર્કિંગ કેળવવાના આશયે ગયેલી. હા, આદત મુજબ થોડું ઘણું હોમવર્ક જરૂર કરેલું.

માંડ બાવીસની ઉંમરે આઇઆઇટી પાસ આઉટ આત્મન મહેતાએ ચશ્માંને લગતું સ્ટાર્ટઅપ શરૂ કર્યું ત્યારે સાથે ભણનારા હસેલા ઃ ‘કંઈ નહીં ને ચશ્માં?!’

પણ પાંચ જ વરસમાં આત્મન મહેતાની ‘બ્યુ આઇ’ (બ્યુટિફુલ આઇઝનું શૉર્ટ નેમ) બ્રૅન્ડ ખાસ તો યંગસ્ટર્સમાં ખ્યાત બની ચૂકેલી. દેશનાં તમામ મુખ્ય શહેરોમાં એનાં આઉટલેટ્સ હતાં અને ૧૦૦૦ કરોડના ટર્નઓવરનો ટાર્ગેટ આંબી આત્મને બધાની બોલતી બંધ કરી દીધેલી... એ બધું વાંચીને પોતે ઇન્ટરવ્યુમાં ગઈ હતી.

અને કદાચ એટલી તૈયારી કરી કોઈ આવ્યું નહીં હોય, એટલે પણ મારું રિઝ્‍યુમે જોઈ ઇમ્પ્રેસ થનારા આત્મને કંપનીના ગ્રોથ બાબતના સવાલના જવાબમાં ફ્ટાફ્ટ આંકડા સાંભળી નક્કી કરી લીધેલું, ‘યુ આર સિલેક્ટેડ!’

‘જી!’ તેના ત્વરિત નિર્ણયથી જરાતરા અચરજ પણ થયેલું ઃ ‘મને આ કામનો અનુભવ નથી એ આપે નોંધ્યું તો હશે...’

‘મેં એ નોંધ્યું મિસ શાહ કે કરીઅરમાં તમે નવાનવા આયામ અચીવ કરતાં રહ્યાં છો. આયેમ સ્યૉર સેક્રેટરીનુ કામ પણ તમે કરી જ લેશો.’

‘આ માણસ કેટલો શાર્પ છે! નિર્ણયમાં એટલો જ ઝડપી. આની સાથે કામ કરવુ ચૅલેન્જિંગ રહેશે ને એટલે જ મજા આવશે!’

અને એવું જ થયું... બહુ જલદી બૉસ-સેક્રેટરીનું ટ્યુનિંગ જામી ગયું.

કંપનીના ઑફિસ-અવર્સ ૧૦થી ૬ના હતા, પણ આત્મન તેની વરલી સી ફેસની વિલાથી નીકળી સવારે ૮ વાગ્યે તો રેસકોર્સ ખાતેની ઑફિસે ટચ થઈ જાય. રાતે ૯ વાગ્યે ઑફિસ બંધ કરવી તેને માટે તો વહેલું ગણાય! આખા દિવસમાં ૨૦ મિનિટનો લંચ-બ્રેક, પાંચ-પાંચ મિનિટના બે કૉફી-બ્રેક સિવાય કોઈ વિક્ષેપ નહીં. વાઇફને તેણે તો ફોન કરવાનો જ નહીં, અને ભૂલેચૂકે ઘરેથી રિંગ આવે તો બિઝનેસ-કૉલ કરતાં ઓછા સમયમાં વાત પતાવી દે!

 કામનું આ કેવું પૅશન!

અવનિને શરૂ-શરૂમાં અચરજ થતું. આમાં ગમી જાય એવી વાત એટલી જ હતી કે નકરા વર્કોહૉલિક ગણાતા આત્મનને કોઈ કામની નાનમ નહોતી. સવારે પ્યુનને મોડું થાય તો પોતે ઑફિસ ખોલી કૅબિન પણ સાફ કરી દે! પોતે રવિવારે પણ કામ કરે, એટલે સ્ટાફમાં પણ શનિ-રવિનુ રોટેશન ચાલતું હોય. અવનિને જોકે રવિવારે રજા રહેતી.

‘અરે, મિસ શાહ! તમે અહીં જ છો?’

નોકરીનાં પહેલાં બે વીક સુધી અવનિને અવઢવ હતી ઃ ‘આમ તો છ વાગ્યે મારી ડ્યુટી પૂરી થયેલી ગણાય. મોટા ભાગનો સ્ટાફ નીકળી જાય, સેક્રેટરી તરીકે મારે બૉસ રોકાય ત્યાં સુધી રોકાવાનું કે પછી સરને કહી નીકળી જવાનું? રોકાવામાં વાંધો એટલો જ કે બૉસ-સેક્રેટરી એકલાં ઓવર ટાઇમ કરે એના અર્થનો અનર્થ કરતાં લોકોને વાર શી!’

‘અને પ્રોફેશનલ જેલસી તો હજી સમજ્યા, સરના ઘરે આવી ગેરસમજ થઈ તો...’

એટલી તો જાણ હતી કે પેરન્ટ્સના દેહાંત બાદ વરલીની આલીશાન વિલામાં પતિ-પત્ની એકલાં હતાં. બાવીસની ઉંમરે સ્ટાર્ટઅપ શરૂ કરનારા આત્મન મહેતા પચીસની વયે પરણી ચૂકેલા. સરનાં વાઇફ શર્વરી મુંબઈનાં જ છે, તેમનું પિયર જોકે એટલું ખાસ સધ્ધર નહીં. રૂપવતી શર્વરી અત્યંત સોહામણા આત્મન જોડે શોભી ઊઠે એવી. સરના ડેસ્ક પર તેમનો સજોડે ફોટો છે. મોસ્ટલી તેમની ફર્સ્ટ ઍનિવર્સરીનો. મૅરેજ લાઇફ્ની હૅપીનેસ બેઉના ચહેરા પર પ્રતિબિંબિત થાય છે.

-એ ઇનટેક્ટ રહેવી જોઈએ! મોડે સુધી પતિ સાથે ઑફિસમાં રોકાતી સેક્રેટરી શર્વરીમૅમને પતિ-પત્ની વચ્ચે આવેલી વેમ્પ જેવી ન લાગવી જોઈએ...

પછી થતું, શર્વરીમૅમને મળ્યા વિના મારે તેમનો પ્રત્યાઘાત શું કામ ધારી લેવો જોઈએ? પતિની વ્યસ્તતાને સમજનાર, સ્વીકારનાર સ્ત્રી આટલી સંકુચિત હોઈ જ ન શકે.

આવા જ વિચારવમળમાં એ સાંજે રોકાયેલી તે ગોથાં ખાતી હતી ત્યાં કશા કામે કૅબિનની બહાર નીકળેલા આત્મનનું ધ્યાન ગયું ઃ ‘તમે અહીં જ છો?’

‘બૉસ કામ કરતા હોય તો સેક્રેટરી કેમ જઈ શકે!’

સાંભળીને આત્મન હસેલો ઃ ‘ત્યારે તો સેક્રેટરીએ બૉસ આવે ત્યારે આવીય રહેવું જોઈએ!’

પછી ગંભીરપણે ઉમેરેલું ઃ ‘છૂટીને તમારે છેક મલાડ સુધી જવાનું અવનિ. તમારે રોકાવાની જરૂર નથી. પ્લીઝ ગો.’

બૉસની કાળજીએ સેક્રેટરી જિતાઈ ગઈ હોય એમ અવનિએ ઑફિસ વહેલું જવાનું ગોઠવી કાઢ્યું ઃ ‘સવારના મેળમાં કુથલીનું કારણ નહીં હોય!’

હવે પટાવાળા કરતાં તે વહેલી પહોંચી જતી. આત્મનની કૅબિન ખોલી મઘમઘતાં ફ્લાવર્સ સજાવી દેતી, દિવસભરના કામની, અપૉઇન્ટમેન્ટની યાદી ટેબલ પર મૂકી દેતી.

અને જેમ-જેમ અવનિ તેના કામમાં નીખરતી ગઈ એમ આત્મનને અવનિની આદત થતી ગઈ. ઘરમાં એસી બગડે કે પ્લમ્બરની જરૂર હોય એવાં કામમાંય આત્મન તેને સાંભરતો એ અવનિને તો ગમતું. આત્મનના શેડ્યુલથી માંડી કંપનીના પર્ફોર્મન્સ સુધીનો ડાટા અવનિને જુબાની રહેતો.

‘ક્યાં હતી તું અવનિ!’ આત્મન જુદી રીતે તેને વખાણે ઃ ‘પહેલાં મળી હોત તો પાંત્રીસનો ટાર્ગેટ મેં ત્રીસમાં અચીવ કરી લીધો હોત...’

‘ટાર્ગેટ?’

અવનિ જાણવા-સમજવા મથતી ને એકાદ વાર કૉફી-બ્રેકમાં આત્મન ખૂલેલો ઃ ‘મારા પિતા પણ તારા ફાધરની જેમ બૅન્કના કર્મચારી હતા. મધરને આંખની તકલીફ રહી... કદાચ એટલે પણ ચશ્માંનું સ્ટાર્ટઅપ સૂઝ્‍યું. ભણતાં-ભણતાં મેં આના પર પીએચડી કરી નાખેલી. બીજાં કોઈ માબાપ હોત તો કૅમ્પસ ઇન્ટરવ્યુમાં લાખોની જૉબની ઑફર ઠુકરાવનાર દીકરાને વઢ્યા હોત, મારા પપ્પાએ ઘર ગીરવી મૂકી મને સ્ટાર્ટઅપ માટેની મૂડી આપેલી..’ આત્મનનો અહોભાવ છાનો ન રહ્યો ઃ ‘લોકો મારી સક્સેસ જુએ છે. હું મારા પિતાના પરસેવાની કમાણી ઊગી નીકળી એમ માનું છું.’

‘અને શર્વરીમૅમનાં પગલાં પણ શુકનિયાળને.’

‘શર્વરી...’ આત્મનના ચહેરા પર આછી ગ્લાનિ છવાતી ઃ ‘ક્યારેક થાય છે કે મારે પરણવું જ નહોતું જોઈતું. મા-પિતાજીના આગ્રહે લગ્ન કર્યાં, અફ્કોર્સ, લગ્ન અગાઉ એકમેકને મળી-સમજી અમે પોતાની મરજીથી પરણ્યાં. મેં જોકે શર્વરીથી મારો ફ્યુચર પ્લાન છુપાવ્યો નહોતો...’

‘ફ્યુચર પ્લાન!’ અવનિ ટટ્ટાર થયેલી.

‘યા, મેં નક્કી રાખેલું અવનિ કે પાંત્રીસનો થાઉં ત્યાં સુધી ઊંધું ઘાલીને કામ કરીશ... કોઈ રજા નહીં, કોઈ વેકેશન નહીં... પછીની ફાયનૅન્શિયલી સિક્યૉર્ડ હાઇફાઇ રિટાયર લાઇફ ફૅમિલી સાથે. નો વર્ક, નો બિઝનેસ, નો જૉબ!’

‘ઓહ...’ અવનિને હવે આત્મનની ઝડપની ગડ બેઠી. માણસ પોતાના લક્ષને પામવા મથે તો કોઈ ગોલ અશક્ય નથી.

‘અલબત્ત, પહેલા મેળાપમાં મેં શર્વરી સાથે આ વિશે સ્પષ્ટ શબ્દોમાં ચર્ચા કરેલી. અરે, આપણે સંતાન પણ મારા રિટાયરમેન્ટ બાદ કરીશું, ત્યાં સુધીની ચોખવટ કરેલી. નૅચરલી, મારે મારા સંતાનને ઉછેરવાનો, તેને નાનપણથી મોટું થતો જોવાનો લહાવો ગુમાવવો નહોતો...’

અવનિ અભિભૂત થયેલી ઃ ‘વર્કોહૉલિક મનાતા આદમીમાં ઊર્મિશીલ હૈયું વસે છે! એ જ ખરો આત્મન.’

‘શર્વરીની આમાં સંમતિ હતી.’ આત્મને હળવા ટોનમાં ઉમેરેલું ઃ લગ્ન જિંદગીનો જુગાર કહેવાતો હોય તો એ જુગાર મને ફળ્યો ગણાય!’

પછી ગંભીર બન્યો : ‘છતાં મને હમણાંની ક્યારેક ગિલ્ટ થઈ આવે છે. યુ નો, અવનિ, શર્વરીનો બર્થ-ડે હોય કે અમારી મૅરેજ ઍનિવર્સરી, મેં ક્યારેય રજા નથી રાખી. મોડે-મોડે ડિનર પર જઈએ એ જ સેલિબ્રેશન. મૅરેજનાં પહેલાં ત્રણ-ચાર વરસ તો મારા અને એના પેરન્ટ્સ રહ્યા એટલે તેને એકલું નહીં લાગ્યું હોય, પણ પછીય તેણે ક્યારેય મને ફરિયાદ નથી કરી... હા, મન થાય તો તે ફરવા ઊપડી જાય ખરી. પણ એકલાં ફરવામાં એ મજા ક્યાં! એટલે ક્યારેક થાય કે મારા ધ્યેયની લહાયમાં મે શર્વરીનાં અમૂલ્ય વરસો તો નથી વેડફ્યાંને!’

‘વર્કોહૉલિક ગણાતો આત્મન આ ક્ષણોમાં લાગણીથી ધબકતો પુરુષ હતો. કોઈ પણ સ્ત્રીને ગમી જાય એવો. મને પણ ગમી ગયો...’

અવનિએ નિઃશ્વાસ નાખ્યો ઃ ‘સાવ અસાવધપણે હું હૈયું હારી! પહેલાં તો માન્યું, એ આત્મનની વાતો સાંભળીને ઉદ્ભવેલો ક્ષણિક આવેગ હશે, અહોભાવ હશે.. પણ ના. એ પ્રીત હતી. રાતોરાત હું બદલાઈ ગઈ હતી.’

બીજી સવારે ઑફિસ માટે તૈયાર થતી વેળા આપોઆપ યલો ડ્રેસ કબાટમાંથી નીકળેલો કે આત્મનનો આ પ્રિય રંગ! તેની કૅબિનમાં ફૂલો સજાવતી વેળા હોઠે ગીત ફૂટેલું ઃ ‘રજનીગંધા ફૂલ તુમ્હારે મહેકે યું હી જીવન મેં...’ સાંજે પરાણે નીકળવું પડ્યું : ‘કાશ, હું આત્મન જોડે રોકાઈ શકત! ક્યારેક એ દેશ-વિદેશના પ્રવાસે જાય ત્યારે ઑફિસમાં મન ન લાગે ને જેવો તે પાછો આવે કે હું નિખરી ઊઠું!’

‘આ પ્યાર નહીં તો બીજું શું! ના, આ પ્યારમાં લગ્નની મંજિલ સંભવ નથી, એની અપેક્ષા પણ નથી, પણ ઑફિસમાંય તેમના સાથનું સુખ હવે કેટલું?’

અત્યારે, કૉફીની સિપ લેતી અવનિથી નિઃશ્વાસ નખાઈ ગયો, ‘આઠ મહિનામાં તેમને પાંત્રીસમું બેસવાનું, પછી એ આ કે કોઈ ઑફિસમાં નહીં આવે... તે રહેશે શર્વરીના પાલવમાં!’

‘શર્વરી.’

વીત્યા આ સમયગાળામાં બેચાર વાર બૉસનાં પત્નીને મળવાનું થયું છે. વચમાં ફ્લુને કારણે આત્મને બે દિવસ ઘરેથી કામ કર્યું ત્યારે તેમની વિલામાં પણ પોતે ગઈ છે. પતિની સફ઼ળતામાં આ સ્ત્રીનો પૂરેપૂરો હાથ ગણાવો જોઈએ. અવનિ તેને માન આપતી. પોતે આવી પતિવ્રતા સ્ત્રીના સુહાગને ચાહવાનું પાપ કરી બેઠી એનો ડંખ પજવતો હોય એમ આત્મનની ગેરહાજરીમાં ફોન પણ કરતી ઃ મૅમ, તમારે કંઈ લાવવું-મૂકવું હોય, જરૂર હોય તો સ્ટાફ્ને મોકલું?’

એકબે વાર આવું થયું પછી શર્વરીએ સહેજ તીખાશથી પૂછેલું ઃ ‘આ તારી પોતાની બુદ્ધિ છે અવનિ કે પછી તારા સાહેબે મારા પર ચોકી રાખી છે?’

ઘરરખ્ખુ ગૃહિણીની આદર્શ ઇમેજ ધરાવતી શર્વરીના તેવરે અવનિને ડઘાવી દીધેલી. ‘આત્મન શું કામ પત્ની પર નજર રખાવે?’

‘તો પછી તને ભાન હોવું જોઈએ કે મારી પાસે ઘરે પણ પૂરતો સ્ટાફ છે....’ કહી ફોન પછાડનારી શર્વરીથી પછી તો દૂર રહેવામાં જ અવનિએ સાર જોયો!

‘શર્વરીનો પૉઇન્ટ તો સાચો હતો. મારે શું કામ બૉસના ઘરની મૅટરમાં પડવું જોઈએ! અરે, એક પરિણીત પુરુષને ચાહવો જ શું કામ જોઈએ!’

આનો જવાબ આજે પણ અવનિ પાસે નહોતો!

ત્યાં તેનો ફોન રણક્યો. બાજુની વિન્ગમાં રહેતાં વિદ્યામાસી પૂછતાં હતાં ઃ ‘આ રવિવારે સોસાયટીવાળા દહાણુ મહાલક્ષ્મીમાના મંદિરે જવાના છે. દર્શન કરી, બોરડીના દરિયાકિનારે ફરી ત્યાંની બહુ વખણાતી પાણીપૂરી ખાઈ રાતે પાછાં ફરવાનો પ્રોગ્રામ છે. તારે આવવું હોય તો નામ લખાવી દઉં?’

અવનિએ હકાર તો ભણ્યો, પણ એ એક દિવસીય પ્રવાસમાં શું થવાનું હતું એની તેને ક્યાં ખબર હતી?

 

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2023 06:50 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK