પૂછ તારા બાપને! જૂનાગઢના તવાયફ બજારમાંથી તે જ લાવ્યો હતો તારી માને!
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
રવિવારની સાંજે કેતુ-તર્જની હિંમતગઢમાં જંગલ સફારી માણી રહ્યાં હતાં, ત્રિકમગઢમાં લેખા પતિ-દિયર સાથે ચાની બેઠક પર અલકમલકની વાતો કરી રહી હતી ત્યારે વીરનગરમાં...
નંદકુમારીનો મોબાઇલ રણક્યો.
ADVERTISEMENT
વળી એ જ નંબર!
નંદકુમારીના કપાળે પ્રસ્વેદ ફૂટ્યો. કૉલ ન લેવાય એમ પણ ક્યાં હતું?
‘કેમ છો, રાજકુમારી?’
એ જ અજાણ્યો નંબર. અવાજ ઘોઘરો બનાવીને બોલતો એ જ પુરુષ... નંદકુમારીએ કંપન અનુભવ્યું.
પોતાના કક્ષમાં કોઈ નથી એની
ખાતરી કરી લીધી.
‘તમે કોણ છો? શા માટે મારી પાછળ પડ્યા છો!’ એનો સ્વર તરડાયો.
‘તમે તો રડમસ થઈ ગયાં રાજકુમારી! અરેરે... કંઈ નહીં, ચાલો, આ એક વારનું કામ કરી આપો, પછી તમે છુટ્ટાં.’
‘કેટલો ખંધો પુરુષ છે!
આજકાલ કરતાં મહિનાથી મારી પાછળ પડ્યો છે.’
‘બાકી કેવી સરળ, ખુશનુમા જિંદગી વીતી રહી હતી મારી! અભ્યાસ પૂરો થતાં મા-પિતાએ મારાં લગ્નની વાત આરંભી એમાં ત્રણ મહિના અગાઉ અર્ણવ મારી
જિંદગીમાં આવ્યા...’
પિયુના સ્મરણે નંદકુમારીના ચહેરા પર તાણ વચ્ચેય મુસ્કાન આવી ગઈ.
‘ખરેખર તો ત્રિકમગઢના મહારાજા ઉદયસિંહજી પરિવાર સહિત ઉદયપુરની સહેલગાહે આવ્યા હતા. જોગાનુજોગ અમે પણ ત્યારે ત્યાં જ હતાં. પિતાશ્રીને તો હાઇનેસ સાથે ઓળખાણ હતી જ. કુંવરી માટે મુરતિયો જોઈએ છે એવી વાત થઈ એટલે તારામતી મહારાણી તરત બોલી ઊઠ્યાં, અમે પણ અમારા અર્ણવ માટે કન્યા ગોતીએ છીએ. તેને કોઈ ગમતું જ નથી, બોલો! મારે કહેવું તો ન જોઈએ પણ રાજનગરના હાઇનેસ તેમની એકની એક પ્રિન્સેસ મહાશ્વેતાકુંવરી માટે કહો કે પાછળ પડી ગયેલા અમારી. બે-ત્રણ વાર બન્ને મળ્યાં પણ ખરાં, પરંતુ ફૅશનેબલ છોકરી માટે અર્ણવનું મન ન માન્યું. તેની પસંદ સીધીસાદી છતાં ગુણવાન કન્યાની હોય તો દબાણેય કેટલું થાય? એટલે ઇનકાર કરવો પડ્યો.’
‘અમારી નંદા પણ શો-ઑફમાં નથી માનતી...’ સૂર્યામૉમે વાત ઊંચકી લીધી, ‘રાજકુમારી હોવાનો ઘમંડ તેનામાં દીઠો નથી.’
‘એકંદરે વડીલોને ગમતું લાગ્યું એટલે પછી તો ‘કરો કંકુનાં’ની જેમ તેમણે લેક પૅલેસમાં અમારી મુલાકાત ગોઠવી દીધી. અર્ણવસિંહને જોતાં જ હૈયું ધબકારો ચૂકી ગયું. જેવા સોહામણા એવા જ શાલીન. મોટા રાજવીરભાઈ તેમનો આદર્શ અને ભાભીના લાડકવાયા.’
‘મારાં લેખાભાભી રાજકુટુંબનાં નથી. ઘણાને એનો પણ વાંધો હોય છે. તમને તો...’
‘નહીં, માણસનું મૂલ્ય તેની માણસાઈથી કરવાનું મને મારા પેરન્ટ્સે શીખવ્યું છે.’
‘આમાં દંભ કે દેખાડો નહોતા. અર્ણવને એ વધુ ગમ્યું. મને તો ઇનકાર હતો જ ક્યાં! શુકનના સવા રૂપિયાની આપ-લે ઉદયપુરમાં જ થઈ. સગાઈનું મુરત પરમ દિવસનું નીકળ્યું. દરમ્યાન અમારાં હૈયાં મળી ચૂક્યાં, ખરેખર તો રાજવીર-લેખાભાભી સાથે અમારી ચોકડી જામી ગઈ. લેખાભાભીની જેમ પોતે પણ સાસરિયાંનાં હૈયાં જીતવા કટિબદ્ધ હતી, પણ મહિના અગાઉ સાવ જ અણધાર્યું કંઈ બન્યું...’
‘અજાણ્યા નંબર પરથી પહેલાં તો મને એક તસવીર મળી.’
‘મારો સાવ જ ન્યુડ ફોટોગ્રાફ!’
‘અલબત્ત, એ ફર્જી તસવીર હતી, પણ કોઈએ આવું કરવું જ શા માટે જોઈએ?’
આનો જવાબ એ જ નંબર પરથી આવેલા ફોન પર મળ્યો. ઘોઘરા કંઠમાં એ અજાણ્યા પુરુષે કહ્યું, ‘તમારી તો આવી કંઈકેટલી તસવીરો મેં બનાવી છે રાજકુમારીજી. કેટલીક તો આવા જ ઉઘાડા પુરુષ મૉડલ્સ સાથે છે, યુ નો! તમારો ફોન હૅક કરીને આ તસવીરો તમારા સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર અલપોડ કરવી એ મારા માટે ચુટકી બજાવવા જેવું કામ છે.’
‘ધ્રૂજી જવાયેલું. ભલે એ તસવીરો મારી ન હોય, પણ આવું કેટલાને કહેતા ફરો? પોલીસ-ફરિયાદ કરવામાં પણ રાજકુટુંબની બદનામી તો ખરી જને. એમાં મારે તો હવે સાસરીવાળાની આબરૂનું પણ વિચારવાનું!’
‘તો પછી બધાનું વિચારીને તમે મને ૧૦ લાખ રૂપિયા ચૂકવી દો. શું છે કે મારો ધંધો જ આ છે. ખાનદાન ઘરની છોકરીઓના પ્રોફાઇલ્સ જોતો રહું. પછી તેમનાં કપડાં દૂર કરવાનું કામ બહુ ઝીણવટભર્યું છે હોં. એની જ ફી વસૂલું છું અને આજ સુધી કદીયે ચાર્જ ન ચૂકવ્યો હોય એવું બન્યું નથી.’
‘લોકો કેવા-કેવા ધંધા ખોળી
કાઢે છે!’
‘નૅચરલી, પોતે પણ તેણે કહ્યા મુજબ દસ લાખ ચૂકવી દીધા. ગામની હીરક નદીના કાંઠે મહાદેવનું જૂનું મંદિર છે. ત્યાં નધણિયાતી હાલતમાં પડેલા સ્કૂટરની ખુલ્લી ડિકીમાં ૧૦ લાખ રૂપિયાની થોકડી નાખી આવતા રહેવાનું હતું મારે. પોતે એવું જ કર્યું અને માન્યું કે એક કિસ્સાનો અંત આવ્યો. પણ ના, અઠવાડિયા પછી તેણે સોનાનો દાગીનો માગ્યો, પછી હીરાનાં બાજુબંધ... દર વખતે ચીજ તેને પહોંચાડવાના નુસખા જુદા અને એવા કે એ પુરુષની કોઈ ક્લુ મળે નહીં! તે અવાજ બદલીને વાત કરે છે. તેનો ફોન પણ કૉલર આઇડીમાં ઝડપાય નહીં, ગમે એટલી વાર લગાડો તો નૉટ રિચેબલ જ આવે. આ બધી ચોકસાઈ પરથી એટલો અંદેશો તો આવ્યો કે બ્લૅકમેઇલર રીઢો છે.’
‘ક્યારેક થાય કે પિતાશ્રીને સઘળું કહી દઉં, અર્ણવને વિશ્વાસમાં લઉં. આખરે કોઈ જાતના વાંકગુના વિના આમ કોઈના બ્લૅકમેઇલિંગને વશ થવામાં નાદાની છે!’
‘પછી થતું, પિતાશ્રી મારી ચિંતામાં વલોપાત અનુભવશે અને અર્ણવનો કદાચ મારામાંથી વિશ્વાસ ડગી ગયો તો? એના કરતાં બટકું રોટલો નાખી ભસતા કૂતરાને શાંત રાખવામાં શાણપણ છે! છેવટે તે માગે છે તો રૂપિયા-ઘરેણાં જને! એની ક્યાં
નવાઈ છે?’
- ‘અને હવે અત્યારે તેણે કહ્યું એમ આ વખતે તેની આખરી માગણી હોય તો પૂરી કરી હું છૂટું! પછી મારે ઘરનાથી, અર્ણવથી કશું છુપાવવાનું નહીં હશે, મનના ખૂણે ચિંતા સળવળતી ન રહે.’
‘બોલો, આ વખતે શું જોઈએ છે, તમને?’
‘આ વખતની માગણી છેલ્લી છે એટલે થોડી સ્પેશ્યલ છે. શું છે કે
તમે તમારા પિયરમાંથી ઘણું આપ્યું, હવે થોડું સાસરીવાળાના પક્ષેથી
પણ લઈએને?’
નંદકુમારીની ફોન પર પકડ
કડક બની.
lll
રાજ કેવા ગહેરી નિંદમાં સૂતા છે!
પ્રણયકીડાની મસ્તી આદરી મોજથી પોઢી જતો પિયુ દરેક માનુનીને અતિવહાલો જ લાગતો હશે. લેખાને પણ થયું, ‘રાજને મેંશનું ટપકું કરી લઉં!’
‘બળ્યું આ રૂપ!’
લલિતામાના શબ્દો પડઘાતાં લેખા ટટ્ટાર થઈ. રાજનું ઓઢવાનું સરખું કરી, પોતે પલંગ પર લંબાવતાં
સાંભરી રહી ઃ
સગી સાવિત્રીમા તો પોતે ૯ મહિનાની હતી ત્યારની ગુજરી ગયેલી. સમજ આવી ત્યારથી લલિતામાને પોતાને વઢતાં ને ત્રણ વર્ષ નાના ભાઈ રણજિતને લાડ લડાવતાં જ જોઈ છે. આવું કેમ? પિતાને પૂછતી તો તેઓ બિચારા નિઃસાસો નાખતા, ‘કેવળ હું જ ભૂલ્યો, દીકરી! નમાયી દીકરી ખાતર મા લાવ્યો, પણ તારી નવી માને મા બનતાં ન આવડ્યું?’
થોડી વધુ મોટી થયા પછી સમજ વિસ્તરી ઃ ‘આનો અર્થ એ કે હું લલિતામાની સગી દીકરી નથી, રણજિત મારો ઓરમાન ભાઈ છે!’
પછી તો માના જુલમ અને ત્રાસ કોઠે પડતા ગયા. લલિતાનું એવું બંધારણ જ નહોતું કે ઓરમાન દીકરીને પોંખી શકે. દીકરીના બચાવમાં કૂદતા પતિનેય તેઓ વડચકું ભરતાં. તેમનાં મહેણાં કે મારથી મન બહુ ભરાઈ આવતું તો પિતાની સોડમાં લપાઈ જતી યા માની એકમાત્ર નિશાની એવી તેની છબિને હૈયે ચાંપી અશ્રુ વહાવી લેતી.
‘માને આમ છાતીએ વળગાડે છે તે તારી મા જેવી ન થતી!’ લલિતામા શબ્દોના ડામ દેતાં, જીવ વધુ પીંજાતો - ‘મા જેવી ન થતી એટલે? મારી મામાં શું ખરાબી હતી?’
‘ખરાબી?’ લલિતામા હોઠ વંકાવતાં, ‘પૂછ તારા બાપને! જૂનાગઢના તવાયફ બજારમાંથી તે જ લાવ્યો હતો તારી માને!’
‘તવાયફ?’ પંદરની ઊઘડતી જવાનીમાં આ શબ્દ, એનો અર્થ અજાણ્યા નહોતા. કાળજે ઘા થયો. બાપુ પહેલાં મા પર ભડક્યા, પછી મને ફોડ પાડ્યો : ‘તારી મા તવાયફ નહોતી દીકરી...’ પિતાએ અથરા સ્વરે સુધારેલું, ‘બલકે તે તવાયફ કેસરબાઈની દીકરી હતી, જેને કેસરબાઈએ ગંદા માહોલથી દૂર રાખેલી. અમે કૉલેજમાં સાથે થયાં, પ્રેમ થયો. તેણે પોતાના વિશે કશું છુપાવ્યું નહીં એથી પ્રીત ગાઢ બની. બેશક, આપણે ઊંચી જ્ઞાતિનાં એટલે ઘરે વિરોધ થયો અને બસ, બધાંને પાછળ છોડીને અમે આગળ નીકળી ગયાં. ત્રિકમગઢ આવીને વસ્યાં. તારો જન્મ થયો ને બહુ નાની ઉંમરે સાવિત્રી આપણને છોડીને જતી રહી. હવે કેસરબાઈ પણ નથી. મારા કુટુંબમાં પણ કોઈ રહ્યું નથી. અહીં કોઈ સાવિત્રીના મૂળ વિશે જાણતું નથી. લલિતાને કહીને મેં મોટી ભૂલ કરી.’ પિતાજી સાવકી માને વઢતા, ‘ખબરદાર જો ફરી સાવિત્રી વિશે ઘસાતું બોલી તો.’
લલિતા એથી ઓછપાતી નહીં, ‘હાસ્તો, તમને તો હું જ ભૂંડી લાગવાની! પણ યાદ રાખજો,
નામની સાવિત્રી હોવાથી તે સતી
નથી ગણાવાની!’
‘સાવકી માને તો જીભ કાતરની જેમ ચલાવતાં આવડતું હતું. અવગુણી વ્યક્તિ બીજાના ગુણ સહી શકતી નથી. લલિતામાને મારું ઊઘડતું રૂપ પણ આંખે બળતું.’
‘બળ્યું આ રૂપ! છેવટે તો તવાયફની દેણ!’ એ ટલ્લા ફોડતી. બાપુ વચ્ચે પડતા તો ઊલટી વધુ
આગ ઓકતી. બાપુનું હૈયું તેના શબ્દબાણ ઝાઝા ખમી શકે એમ નહોતું. દીકરી પર થતા જુલમને પડકારી ન શકવાની નિઃસહાયતા તેમને ભીતર ને ભીતર કોરી ખાતી. આનું પરિણામ આવી શકે એ જ આવ્યું. લલિતામા સાથેની બોલાચાલમાં જ હૃદયરોગનો તીવ્ર હુમલો થયો અને ઘડીકમાં તો ખેલ ખતમ!’
‘ના, લલિતામાને આનો પસ્તાવોય નહીં. બલકે તે બાપુને ભાંડતી ઃ તારા બાપે જીવતાં કોઈ સુખ ન આપ્યું ને મરતાં-મરતાંય મારા માથે કુંવારી છોકરીનો ભારો નાખતો ગયો!’
‘એ તો રાજના કારભારી રહેલા પિતાની બચતમૂડી સારી એટલે ગુજારો થઈ રહ્યો. મા ઘરનાં કામ કરાવે, મહેણાંનો મારો ચલાવે ને પછી તો રણજિત પણ દાદાગીરી દાખવી લેતો એ બધું સહન કરીને હું ભણતી રહી, પછી નોકરીએ લાગી.’
‘એ પણ પોલો ક્લબમાં, જ્યાં રાજવી કુટુંબના સભ્યો ઉપરાંત શહેરના ઉમરાવો પોલો રમવા આવતા. વાર્ષિક જલસામાં તો મેદાનમાં મેળાવડો જામતો. જોકે ક્લબની મૅનેજર તરીકે મને ઇન્તેજાર રહેતો શનિ-રવિનો!’
અને એનું કારણ હતા પ્રિન્સ રાજવીર! અર્ણવસિંહને એટલો શોખ નહીં કદાચ રમતનો, તેઓ ક્લબમાં ઓછું આવે, પણ રાજવીર તો ઘોડેસવારી કરવા પણ આવી જતા. વાઇટ ટી-શર્ટ, શૉર્ટ્સમાં તેમનો ખડતલ દેહ ખીલી ઊઠતો, કૅબિનની બારીમાંથી હું તેમની ઘોડેસવારી નિહાળતી ક્યારે તેમના પ્રેમમાં પડી એની સૂધ ન રહી!’
‘અલબત્ત, પ્રેમમાં પડવાનું કારણ કેવળ તેમનો દેખાવ નહોતો. તેમના સ્વભાવની સરળતા, નિરાભિમાનીપણું મને વધુ ગમી ગયેલું. ક્યારેક ક્લબનો રાઉન્ડ લેવાનો થાય ત્યારે તેઓ પણ મને તાકતા જણાય ખરા! પછી તો એવું બનતું કે રાજવીર ઘોડેસવારીથી વધુ સમય કૅબિનમાં વિતાવતા. માલિક-નોકરની સ્થિતિ એ ક્ષણોમાં ખરી પડતી. સમય થંભી જતો
કે પછી ક્યાં વહી જતો એની ગત ન રહેતી અને એક દિવસ અચાનક જ તેમણે પૂછી લીધું, લેખા, મારી
જોડે પરણીશ?’
અત્યારે પણ એ ઘડીની ધન્યતા લેખાના રોમેરોમમાં વ્યાપી રહી. પોતાના સુખને સરકવા દેવું ન હોય એમ વિચારમેળો સમેટીને રાજના પડખે ભરાઈ તેણે પતિની છાતીમાં મોં છુપાવ્યું ઃ ‘તમને પામીને મારો લાખચોર્યાસીનો ફેરો ફળ્યો રાજ, મારા એ સુખને હું ગ્રહણ લાગવા નહીં દઉં!’
ભાવિમાં શું લખ્યું હોય છે એની જોકે માનવીને ક્યાં ખબર હોય છે?
(વધુ આવતી કાલે)