Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જાણે-અજાણે યે કહાં આ ગએ હમ પ્રકરણ-૧

જાણે-અજાણે યે કહાં આ ગએ હમ પ્રકરણ-૧

Published : 28 April, 2025 02:07 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

આ દેશમાં નજીકના ભવિષ્યમાં સત્તાપલટો થાય એમ લાગતું નથી, આપણે અહીં બિલકુલ સુરક્ષિત નથી

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


ઝિંદગી કી ન ટૂટે લડી... દૂર ક્યાંક ગુંજતા લતાના ચિરંજીવ કંઠે તેના સોહામણા ચહેરા પર આછી મુસ્કાન ફરી વળી. આ તો મારું પ્રિય ગીત! ‘યુ આર વેરી ઓલ્ડ-ફૅશન્ડ.’ ગતખંડમાંથી વહી આવતા અવાજે તેનું સ્મિત હરી લીધું. જડબાં પળ પૂરતાં તંગ થયાં ને બીજી પળે હળવો નિ:શ્વાસ સરી ગયો. બિચારી કજરી, સુરતથી સહેજ અંતરિયાળ આવેલા આઝમગઢ ગામની હવેલીના આંગણે તેની ડોલી ઊતરી ત્યારે તેને સપનેય ખ્યાલ નહીં હોય કે લગ્નનાં ત્રણ જ વર્ષમાં આ જ આંગણેથી તેની અર્થી ઊઠવાની છે... એ પણ કેવા સંજોગોમાં! ‘સંજોગો અહીં રહેવા જેવા નથી રહ્યા, મોટા ભાઈ...’ બાર વર્ષ અગાઉના ભૂતકાળમાંથી હનુમાનકૂદકો મારી આનંદનું મન વર્તમાનમાં આવી ગયું. હજી ચાર દિવસ પહેલાં જ ઢાકાની તેની દુકાનના વાણોતર માવજીએ કહ્યું હતું : અહીંના કટ્ટરપંથીઓ લઘુમતી હિન્દુ વસ્તીને વીણી-વીણીને ઉજાડી રહ્યા છે... દેશ છોડી જવામાં જ આપણું હિત છે! ત્યારે આનંદના હોઠ સુધી આવી ગયેલું કે એક વાર તો એક હત્યાનું પાપ લઈ દેશ છોડી ચૂક્યો છું, હવે ફરી ઉચાળા ક્યાં ભરવા! પણ ના, હું ઢાકાનો ખમતીધર વેપારી આનંદ વીરાણી મૂળ સુરતનો આકાર મહેતા છું એની અહીં કોઈ કહેતા કોઈને ગંધ સુધ્ધાં નથી, એ ભેદ ખોલવોય શીદ!

બાકી બંગલાદેશના સંજોગ હિન્દુ જાતિ માટે ખતરારૂપ છે એ તો સાચું... ઊંડો શ્વાસ લઈ સિગારેટ પેટાવતાં આકાર ઉર્ફે આનંદે વાગોળ્યું :



તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનને પરાસ્ત કરી એની પૂર્વ પાંખ જ કાપી નાખી અને બંગલાદેશનો જન્મ થયો, પછી ભારત સાથેનો સંબંધ બહુધા સુમેળભર્યો રહ્યો છે. અલબત્ત, સરહદથી ભારતમાં ઘૂસણખોરીની સમસ્યા તો રહી જ, જે તાજેતરના ઇતિહાસમાં ખાસ કરીને બંગાળમાં વોટબૅન્કને કારણે વકરી છે.


એ ભલે જે કાંઈ હોય, એની લૂ અહીં ઢાકાવાસીઓને સ્પર્શતી નહોતી. પણ પાછલી ત્રણ-ત્રણ ટર્મથી સત્તા સંભાળતા શેખ હસીના સામે બળવો થયો. તેમણે ભાગીને ભારતમાં રાજ્યાશ્રય લેવો પડ્યો. પછી અહીં સતત અરાજકતાનો માહોલ છે. ભારતદ્વેષી તત્ત્વો સત્તામાં આરૂઢ થયા પછી ચીન તરફ ઢળી પાકિસ્તાન માટે નાજુક લાગણી દર્શાવી રહ્યાં છે. ભારત વિરોધી નીતિઓ અપનાવી પોતે પોતાની જ ઘોર ખોદી રહ્યા છે એની ગવાહી આવનારો સમય પૂરશે, પણ આ બધામાં પિસાઈ રહ્યો છે અહીંનો હિન્દુ વર્ગ! સત્તાપલટા પછી બંગલાદેશમાં ધાર્મિક ઝનૂન એની ચરમસીમાએ છે. મોગલકાળના અત્યાચારોની યાદ તાજી કરાવતાં હોય એમ મંદિરો તૂટી રહ્યાં છે. હિન્દુઓનાં ઘરો શું, માણસોને જીવતા ભૂંજી દેવાય છે. બંગલાદેશની GDPમાં ગૌરવપૂર્વક હિસ્સેદારી કરનારા હિન્દુઓનો આજે કોઈ બેલી નથી. અગાઉ અહીં હિન્દુ-મુસ્લિમના ઝઘડા નહોતા, પણ સત્તાપલટા પછી એકતાની વાતો કરનારા મુસ્લિમ આગેવાનોને, ઍક્ટિવિસ્ટોને, વકીલોને જેલભેગા કરી દેવાયા છે એટલે એ લોકોમાં પણ ભયનો માહોલ છે. હિન્દુઓની મદદે કોઈ આવે એમ નથી. રમખાણખોરોને સત્તાનું પીઠબળ હોય ત્યારે જ અત્યાચાર માઝા મૂકતો હોય છે.
‘આજે સાંકળચંદ શેઠની પેઢી લૂંટાઈ... ખુલ્લી તલવાર સાથે ધસી આવેલા ટોળાના આગેવાને પેઢી પર બેઠેલા શેઠની ગરદન જ વાઢી નાખી!’ પાછલાં થોડાં અઠવાડિયાંથી આવા ને આવા જ હિન્દુઓ પર થતા હુમલાના ખબર કાને પડતા રહે છે. એક ગામમાં તો જાલિમોએ પુરુષોની સામે તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કર્યો. કેટલી હેવાનિયત, કેવી જંગલિયત! અને છતાં દુનિયાભરમાં ભાગ્યે જ ક્યાંક આના વિરુદ્ધ સૂર ઊઠ્યો. કહેવાતા માનવતાવાદીઓ હિન્દુઓ પર થતા જુલમને વણદેખ્યો કરે એ કેવું તેમનું બેવડું ધોરણ!

‘સત્તા આગળ શાણપણ નકામું...’ અગાઉ વર્ષમાં ત્રણેક વાર શહેરનું હિન્દુ વેપારી મંડળ ભેગું થતું; વેપારની તકોની, સરકારને કરવાની થતી ભલામણોની ચર્ચા મેળાવડામાં થતી. હવે છાનેછૂપે મુલાકાતો ગોઠવવી પડે છે. એનો સૂર એટલો જ કે : આ દેશમાં નજીકના ભવિષ્યમાં સત્તાપલટો થાય એમ લાગતું નથી. આપણે અહીં બિલકુલ સુરક્ષિત નથી. માટે ભારત, નેપાલ કે બીજે ક્યાંક ભાગી છૂટવામાં સલામતી છે... અને કેટલાય પરિવારો ધરાર માલમિલકત છોડી હિજરત કરીને ગયા પણ ખરા... આનંદે સિગારેટ કચડી : શહેરના મુખ્ય બજારમાં સૂકા મેવાની મારી મોટી દુકાન છે એમાં કામ કરનારા છોકરાઓ પણ ભાગી છૂટ્યા. એક માવજી રહેલો, એ પણ...


પાંપણે આવેલી ભીનાશ ખંખેરી આનંદે કડી સાંધી: છ-સાત વર્ષથી દુકાનમાં કામ કરતો માવજી તરવરિયો જુવાન હતો. તેનામાં વધુ શીખવાની ધગશ હતી, જીવનમાં કંઈક કરી દેખાડવાની આકાંક્ષા હતી. તેની લગન જોઈ આનંદ પણ તેને ઘડતો રહ્યો. દુકાનમાં બીજા આનંદને માલિક કે શેઠ કહેતા, પણ તે મોટા ભાઈ કહેતો. બંગલાદેશના બદલાતા હાલાતમાં તે શરૂ-શરૂમાં તો આશાવાદી હતો - બેચાર મહિનામાં બધું થાળે પડી જશે... દેશ ન છોડવા દુકાનના બીજા છોકરાઓને સમજાવતો પણ ખરો... પરિસ્થિતિ જોકે વણસવા માંડી. હવે તો દુકાન ખોલતાં પણ ડર લાગે છે. આમાં ગયા અઠવાડિયે ઢાકાની મુખ્ય બજારમાં ભરબપોરે હિન્દુ વેપારી સંઘના પ્રમુખ ગિરધરલાલની કરપીણ હત્યા થઈ. રાત્રે તેમના ઘરપરિવારને આગમાં ભૂંજી દેવાયો. એ ઘટનાએ સૌનું મોરાલ ભાંગી નાખ્યું. દુકાને જવાનું બંધ કર્યું છતાં વફાદાર ચાકરની જેમ માવજી દિવસભર ઘરે મારી સેવામાં રહેતો. ચાર દિવસ અગાઉ જ તે બોલી ગયેલો કે હવે અહીં રહેવાય એવા સંજોગ જ નથી... માવજી માટે તો આ જ તેનું વતન હતું. ઘરે ઘરડાં માબાપ હતાં, નાની બહેન હતી એ હિસાબે માવજી તેના ઘરનો મોભ હતો. બંગલાદેશના સત્તાપલટાના થોડા દિવસ પહેલાં જ આનંદે તેને કહ્યું હતું કે તને નવી દુકાન કરાવી દઉં છું, તારો ખુદનો ધંધો જમાવ! સાંભળીને તે ગદ્ગદ થયેલો : તમે સાચે જ દેવતા સમાન છો, મોટા ભાઈ!

‘દેવ... કે પછી દાનવ એ તો ઈશ્વર જ જાણે માવજી, પણ હું તારા પર કોઈ ઉપકાર નથી કરતો. મારું ઋણ હળવું કરું છું.’ ‘ઋણ?’ જવાબમાં આનંદે ડોક ધુણાવેલી : માવજી, આપણી દુકાનના મંદિરે ગણેશજી બિરાજે છે એમ સામી દીવાલે એક તસવીર લટકે છે...’ ‘જાણું છું મોટા ભાઈ, એ સ્વર્ગીય શેઠ રતનદાસની તસવીર છે જેના પર તમે રોજ તાજાં ફૂલોનો હાર ચડાવો છો. શેઠજીની સખાવત ઢાકામાં કોણ નથી જાણતું! શેઠજી ઢાકાના ભામાશા તરીકે ખ્યાત હતા.’  ‘હા, મારા જેવા કંઈકનો હાથ પકડી તેમણે રંકમાંથી રાજા બનાવ્યા... આજે શેઠજી તો નથી, પણ તેમનાં કાર્યોની સુવાસ પ્રસરાવવામાં નિમિત્ત બની તેમનું થોડું ઋણ તો ફેડી શકું. તેમણે મારો ઉદ્ધાર કર્યો, હું તારા માટે કંઈક કરી છૂટવા માગું છું કેમ કે તારી એ પાત્રતા છે.’

ગંભીર થયેલા વાતાવરણને હળવું કરતાં આનંદ ટહુક્યો હતો, ‘ઢઢઅને છ મહિનામાં તને પરણાવી પણ દેવાનો છું... ’

લગ્નની વાતે માવજી શરમાયેલો. પછી કુતૂહલ હાથ ન રહેતું હોય એમ પૂછી બેઠેલો : ‘મોટા ભાઈ, આજે તમે લગ્નની વાત છેડી તો પૂછવાની ધૃષ્ટતા કરું છું. સંસારમાં તમે સાવ એકલા છો. તમે કેમ પરણ્યા નહીં?’

આનો સાચો જવાબ અપાય એમ નહોતો એટલે આનંદે હસવામાં વાત ઉડાવી દીધેલી, ‘કેમ, મારી આઝાદીની તને ઈર્ષા થાય છે! જોકે તને હું એવી આઝાદી ભોગવવા નથી દેવાનો... તારી દુકાન જામે એટલે લગ્ન પાકાં!’

પણ પછી સત્તાપલટાએ બધી ગણતરી ફેરવી તોળી અને ચાર દિવસ અગાઉ આ દેશ હવે રહેવા જેવો નથી રહ્યો એમ કહેનારા માવજીની વસ્તી પર એ જ રાત્રે કાળ ત્રાટક્યો.
મુસ્લિમોની વસ્તી વચ્ચે દસ-બાર હિન્દુઓનાં કાચાં-પાકાં મકાન હતાં. અડધી રાત્રે તેમનાં ઘરોને આગ ચંપાઈ, નસીબદાર હતા એ ઊંઘમાં જ ભૂંજાયા ને જે અગ્નિ-ધુમાડાથી જાગી બચવા માટે બહાર દોડ્યા તેમના પર પાશવી અત્યાચારો ગુજારાયા.

‘મોટા ભા...ઈ...’ ત્યાંથી લોહીલુહાણ હાતમાં છટકેલો માવજી જાણે કઈ હામે આ વિલા સુધી પહોંચ્યો હશે! મળસ્કાનો સમય હતો, ભોંભાંખળું થયું નહોતું. વિલાના દ્વારે ટકોરા પડતાં ઊંઘમાંથી જાગી આનંદે તકિયા નીચે મૂકેલી રિવૉલ્વર કબજે કરી હતી. થોડા દિવસ પહેલાં જ સ્વરક્ષણ માટે આનંદે બ્લૅકમાં ગન ખરીદી હતી. એને ચલાવવાનો મહાવરો પણ પાકો કર્યો હતો. તોફાની તત્ત્વો વિલા સુધી પહોંચ્યાં કે શું? પહેલા માળની મારી રૂમના કર્ટન આડેથી આંગણામાં નજર નાખતાં ચોંકી જવાયું: આ તો મા...વજી! દોડીને નીચે પહોંચ્યો, દરવાજો ખોલતાં જ માવજી આનંદના હાથોમાં ઢળી પડ્યો, ‘મો...ટા ભા...ઈ....’ ‘માવજી!’ આનંદની ચીખ ફૂટી, રુદન વહ્યું. ‘મો...ટા... ભાઈ... મારા જ દેશબાંધવોએ અમને તારાજ કર્યા. પિતાજી તલવારના ઘાએ મર્યા, વહેશીઓના વારથી બચવા મારી માએ શું કર્યું ખબર છે મોટા ભાઈ? મારી મા મારી બહેનને તાણી ગઈ... મારી નજર સામે તેમણે કૂવો પૂર્યો મોટા ભાઈ!’ અરેરે.

માવજીના ઘર સાથે આનંદને ઘરોબો હતો. દિવાળીએ આનંદ તેના ખોરડે જતો. કેટલો હેતાળ, કેટલો વિવેકશીલ પરિવાર હતો તેનો. તહેવારમાં ઘરની, સ્વજનોની હૂંફ વર્તાતી.

‘હું પણ હવે જાઉં છું, મોટા ભાઈ...’ માવજી છેવટનાં ડચકાં ખાતો હતો, ’આ ભવની આટલી જ લેણદેણ... પણ તમારે જીવવાનું છે, મોટા ભાઈ... આ દેશ છોડીને જતા રહો મોટા ભાઈ... એટલું જ કહેવા આ...વ્યો... છું.’ અને તેણે ડોક ઢાળી દીધી.... વધુ એક નિર્દોષનો માળો રહેંસી શિકારબાજોને શું મળ્યું? તેનાં અશ્રુ અત્યારે પણ આનંદની આંખોમાંથી વહી રહ્યાં.

અંત સમયે પણ માવજીને આનંદની ખેવના હતી! તેને આનંદના ભૂતકાળની જાણ હોત તો? તે ભારતથી ભાગેલો હત્યારો છે એ માલૂમ હોત તો? -તો પણ કદાચ તેણે આનંદમાંથી શ્રદ્ધા ગુમાવી ન હોત, મોટા ભાઈના પદેથી ઉતાર્યો ન હોત. કેટલાક જીવ હોય છે જ એવા નિરાળા.

માવજીની વિદાયે ખરેખર આ દેશમાંથી આનંદનું મન ઊઠી ગયું. દુકાન-વિલાનો સોદો કરી દેશ છોડવાનો ઢંઢેરો પીટવો નહોતો એટલે ઘરે-બૅન્કમાં જે કંઈ કૅશ, ઝવેરાત હતું એને હીરામાં વટાવી સરહદ પાર જવાની  વ્યવસ્થા તેણે ગોઠવી રાખી છે... અને આનંદ વિચારવમળમાંથી ઝબક્યો. દીવાનખંડની ગ્લાસ વૉલમાં આગની હુતાશની લબકારા લેતી લાગી.
ઓહ, આ તો સામેનું ઘર સળગી રહ્યું છે! મતલબ, કટ્ટરવાદીઓ કેર વર્તાવવા આવી પહોંચ્યા...

હવે આનંદે ઉતાવળ કરી. ઝડપભેર ઉપલા માળના બેડરૂમમાં જઈ ચોરખાનામાંથી હીરાનું પડીકું પૅન્ટના અન્ડરપૉકેટમાં સરકાવ્યું. થોડીઘણી કૅશ લીધી, કમરના હોલ્ડરમાં રિવૉલ્વર સરકાવી. એક નજર વિલામાં ફેંકી તેણે વીજપ્રવાહ બંધ કર્યો ને પાછલા દરવાજે મૂકેલી કારમાં ગોઠવાયો એ જ ક્ષણે આગળનો ગેટ તોડી તોફાની ટોળું વિલાના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યું.

કારમાં ગલીની બહાર નીકળતા આનંદે સાઇડ મિરરમાં આગનો ભડકો જોયો. તેની  વિલા હવે સળગી રહી હતી. અલવિદા, ઢાકા! પાંપણે બાઝેલી બે બૂંદ ખંખેરી, ઍક્સેલરેટર દબાવી તેણે કાર ભગાવી મૂકી! ચોવીસ કલાક પછી તે કલકત્તાની નિરાશ્રિત છાવણીમાં હતો. પૈસા વેરી સરહદ પાર કરવાની ગોઠવણ હતી એટલે બાકીની મુસાફરીમાં ક્યાંય અડચણ ન આવી છતાં એક પ્રશ્ન તો ઊભો જ રહે છે: હવે શું? આનંદ પાસે ત્રણ કરોડના હીરાની મૂડી છે, નિરાશ્રિત તરીકે રહેવાની જરૂર નથી, પણ સવાલ છે કે જવું ક્યાં? અને ભીતરનાં ઊંડાણોથી જવાબ જાગ્યો : ઘરે!
બાર વર્ષ અગાઉ એક હત્યા કરી પોતે જે ઘર છોડ્યું ત્યાં પાછા જવાની કલ્પનાએ આનંદ ઉર્ફે આકારને પગથી માથા સુધી થથરાવી મૂક્યો!

(વધુ આવતી કાલે)

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2025 02:07 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK