Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હડતાળ

હડતાળ

20 June, 2022 11:28 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘મને શું ખબર તમારી ઘડિયાળ ક્યાં છે?’ મંજુલાએ છણકો કરી ફરી રસોડામાં જવા પગ ઉપાડ્યા, ‘પ્રતીકને પૂછો’

હડતાળ

વાર્તા-સપ્તાહ

હડતાળ


આજે શરીર જરા અસુખ વર્તતું હતું. મનસુખભાઈએ ઘડિયાળમાં જોવા શરીર ફેરવ્યા વિના ડોક અવળી કરી. નાનો કાંટો બે પર અને મોટો કાંટો ચાર પર હતો. બે વાગીને વીસ મિનિટ થઈ હતી. પ્રતીક હજી આવ્યો નહોતો. 
- ‘આજે આવે એટલી વાર...’ 
મનસુખભાઈએ થૂંક ગળાની નીચે ઉતાર્યું. ‘છેલ્લા બે મહિનાથી કહી દીધું છે કે રાતે ૧૧ વાગ્યા પછી ઘરની બહાર નહીં રહેવાનું અને એ પછી પણ છોકરો ગણકારતો નથી અને દર વખતે તેની મા વચ્ચે પડીને એક વાત માંડી દે કે છોકરાંવ અત્યારે ફરે નહીં તો ક્યારે ફરે, તમારી જેમ માથે ધોળા આવે ત્યારે?’
મનસુખભાઈએ આંખો ખોલી. મંજુલા બાજુમાં જ સૂતી હતી. 
‘મોટા ઉપાડે રાતે સૂતાં પહેલાં ઠાકોરજીની માળા કરવાની બાધા રાખી, પણ હરામ જો માળા પૂરી કરીને સૂતી હોય. પથારીમાં પડે, માળા હાથમાં લે અને માંડ પાંચ-પંદર પારા આગળ વધે કે મંજુલાની આંખો મીંચાઈ જાય.’
અડધી માળાએ મંજુલાની આંખો બંધ થાય એની સામે મનસુખભાઈને કોઈ વાંધો નહોતો. વાંધો હતો, માળા પથારીમાં રખડતી હોય એની સામે. અત્યારે પણ માળા મંજુલાની છાતી નીચે દબાયેલી હતી. મનસુખભાઈએ હાથ લંબાવીને માળા ખેંચી લીધી. માળાના સળવળાટથી મંજુલાની આંખો ખૂલી ગઈ. મંજુલાનું ધ્યાન મનસુખભાઈના હાથ પર ગયું. મનસુખભાઈનો હાથ મંજુલાની છાતીને સ્પર્શતો હતો. 
‘શું તમે આ ઉંમરે...’ 
મંજુલાએ છણકો કરીને મનસુખભાઈના હાથને ધક્કો માર્યો. મનસુખભાઈ કંઈ કહે એ પહેલાં તો તેણે પડખું પણ ફેરવી લીધું. માળા હજી પણ મંજુલાના શરીર નીચે હતી. 
- ‘ભલે ઠાકોરજીને આભડછેટ લાગતી.’
મનસુખભાઈએ માળા પરથી નજર ફેરવી લીધી 
- ‘મારા બાપનું શું જાય?’ 
‘ટનનન...’
ઘડિયાળે એક ટંકોરો વગાડીને અઢી વાગ્યાનો અણસાર આપ્યો. પ્રતીકને આ ઘડિયાળ ગમતી નહોતી. એક વાર તો તેણે ઘડિયાળ બદલાવી પણ નાખી હતી. રાતે રૂમમાં સૂવા ગયા ત્યારે મનસુખભાઈનું ધ્યાન ગયું અને તેમણે દેકારો મચાવી દીધો.
‘મને પૂછ્યા વિના ઘડિયાળ કોણે બદલાવી?’ 
‘બદલાવી...’
પ્રતીકે હૉલમાં બેઠાં-બઠાં જ જવાબ આપ્યો અને મનસુખભાઈ સમસમી ગયા. 
‘ક્યારેય સામો જવાબ નહીં દેનારાં છોકરાંવ છેલ્લા કેટલાય વખતથી જવાબ આપવાનો એક પણ મોકો ચૂકતાં નહોતાં. કાલે પૂજાએ ચાદર કામવાળી બાઈને આપી દીધી હતી. પૂછ્યું તો નફ્ફટની જેમ કહી દીધું, ફાટેલી હતી અને કામવાળીને પણ ગમતી હતી!’ 
‘બાની યાદ જેવી ચાદર આપી દેતાં એ છોકરીનો જીવ ચાલ્યો કેમ હશે એ જ મને સમજાયું નહોતું. બહુ ગુસ્સો આવ્યો હતો પૂજા પર પણ હું ગમ ખાઈ ગયો હતો. આજે આ ઘડિયાળ...’
‘ક્યાં ગઈ ઘડિયાળ?’ 
મનસુખભાઈ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે પ્રતીક ટીવી સામે ઊભો રહીને સની લીઓનીનો નાચ જોતો હતો, ‘મેં પૂછ્યું, ક્યાં છે મારી ઘડિયાળ?’ 
‘મને નથી ખબર, મમ્મીને પૂછો.’
પ્રતીકે પપ્પાની સામું જોવાની તસ્દી પણ નહોતી લીધી. 
‘મંજુલા...’ 
મનસુખભાઈએ રાડ પાડી, તેમની કમાન છટકતી હતી. ‘જો ઘડિયાળ ભંગારમાં દીધી હશે તો આજે ઘરમાં જોવા જેવી થશે.’ 
‘મંજુલા...’ 
‘શેનો દેકારો કરો છો?!’
‘ઘડિયાળ ક્યાં?’ 
મનસુખભાઈને બીજી કોઈ વાતમાં રસ નહોતો. એ બાપુજીની ઘડિયાળ હતી. બાપુજીએ ઘડિયાળ દુકાનમાં લગાવી હતી. ડંકો વાગતી પહેલી ઘડિયાળ ગામમાં આવી હતી. એ ઘડિયાળ જોવા આખું ગામ ભેગું થતું હતું. મનસુખભાઈ મુંબઈ આવવા નીકળ્યા ત્યારે બાપુજીએ દુકાનની દીવાલ પરથી ઘડિયાળ ઉતારી મનસુખભાઈને આપીને કહ્યું હતું,
‘બેટા, આંખનું રતન જતું હોય ત્યારે કાનને સાબૂત રાખીને શું કરવાનું.’
‘બાપુજીની એ ઘડિયાળ આ લોકોએ દીવાલ પરથી ઉતારી લીધી.’ 
‘મને શું ખબર તમારી ઘડિયાળ ક્યાં છે?’ મંજુલાએ છણકો કરી ફરી રસોડામાં જવા પગ ઉપાડ્યા, ‘પ્રતીકને પૂછો.’
મનસુખભાઈએ પ્રતીક સામે જોયું, તેમની આંખો લાલ થઈ ગઈ હતી. 
‘પગથિયે છે, ભંગાર રાખીએ છીએ ત્યાં...’ 
મનસુખભાઈ ફ્લૅટનો દરવાજો ખોલીને રીતસર ભાગ્યા. 
‘મમ્મી, પપ્પાને તો છેને...’ પ્રતીકે પપ્પાની ગેરહાજરીનો લાભ લીધો, ‘દેશમાં પાછા મોકલી દેવાની જરૂર છે.’ 
‘તારી ઘરવાળી આવે એટલે એવું જ કરવું છે.’ 
‘પપ્પા છે ત્યાં સુધી ઘરવાળી આવે એવું લાગતું નથી.’ 
મનસુખભાઈ ઘરમાં દાખલ થયા એટલે મા-દીકરાની વાત અટકી ગઈ. 
‘આજ પછી મારી એક પણ વસ્તુને હાથ અડાડ્યો છે તો યાદ રાખજો...’ 
પપ્પાએ બાકીની વાત અધ્યાર છોડી દીધી એ પ્રતીકના ધ્યાનમાં હતું અને તેણે કિચનમાં મમ્મી સામે જોઈ પણ લીધું હતું.
મમ્મીએ હોઠ પર આંગળી મૂકીને મૂંગા રહેવાનો ઇશારો કર્યો હતો. 
એક વાર ઊંઘ આવી ને મનસુખભાઈની આંખો ફરી વાર ખૂલી ગઈ હતી. 
સામાન્ય રીતે તો તેઓ રાતે અગિયાર વાગ્યે રૂમમાં જતા રહે. થોડી વાર વાંચવાનું અને પછી સૂઈ જવાનું. પહેલાં તો રોજ રાતે મનસુખભાઈ હવેલી સંગીત સાંભળતા, હવેલી સંગીત સાંભળીને કંટાળે એટલે આશિત દેસાઈ કે રૂપા બાવરીએ ગાયેલાં ઠાકોરજીનાં પદો સાંભળે. બાળકોને પણ બાજુમાં બેસાડીને પદનો ભાવાર્થ સમજાવે. જોકે વર્ષોનો આ નિયમ તૂટી ગયાને પણ વર્ષો વીતી ગયાં હતાં. ‘હવે તો રાતે ઘરમાં ડેઇલી સોપના દેકારા જ સંભળાય. બે-ચાર વાર ટીવી બંધ કરવાનું કહ્યું તો મંજુલાએ ઘસીને ના પાડી દીધી.’ બાળકોની હાજરીમાં ઝઘડો ન થાય એવા હેતુથી મનસુખભાઈ ચૂપ થઈ ગયા અને તેમની આ ચુપકીદીનો ઘરના મેમ્બરોએ પોતપોતાની ઇચ્છા મુજબનો અર્થ કર્યો. 
‘વર્ષોની આદત કેવી રીતે છૂટે એ મેં બહુ બારીકાઈથી અનુભવ્યું છે.’ મનસુખભાઈએ ભાઈબંધ રમણીકભાઈને એક વાર કહ્યું હતું. 
‘જમાનો બદલાયો છે મનસુખ, જે પાણીએ ચોખા ચડે એ જ પાણી વાપરવું પડે.’ 
‘ચોખાને ગંધાતા પાણીની આદત પડી જાય તો ચોખા ખાવાનું છોડી શકાય, પણ પોતાનાઓનું શું?’ 
રમણીકભાઈ જવાબ આપવાને બદલે મનસુખભાઈને ખેંચીને જલારામ જલેબી સેન્ટરમાં ખેંચી ગયા. ઑપેરા હાઉસની મધમીઠી જલેબીથી મનસુખભાઈના મનની કડવાશ હળવી થાય એવા હેતુથી, પણ તેમને ક્યાં ખબર હતી કે આ કડવાશ નહીં, હકીકત હતી જે હકીકત મનસુખભાઈ દરરોજ જીવતા હતા.
- ‘આજે કેમ આંખને બંધ થવાનું ગમતું નથી.’ 
મનસુખભાઈએ ત્રીજી વખત ઘડિયાળમાં જોયું. હજી માંડ અઢી થયા હતા.
એકેક મિનિટ અને દરેકેદરેક ક્ષણને આંગળીના વેઢે ગણી શકાય એવી ધીમી અને ભારે હતી. 
સવારે ઑફિસ જતાં પહેલાં પ્રતીક સાથે બોલાચાલી થઈ હતી. આમ તો એ હવે રોજનું હતું, પણ આજે સહેજ વધારે પડતા સામા જવાબ પ્રતીકે આપી દીધા. મનસુખભાઈની બંધ આંખ સામે અંધારું હતું, પણ એ અંધારાની આરપાર સવારનો ઝઘડો પસાર થતો હતો. 
‘પ્રતીક, તારે હવે ઑફિસ આવવાનું ક્યારથી શરૂ કરવું છે?’ 
‘કેમ, પ્યુનને છુટ્ટો કરી દીધો?’ પ્રતીકે શૂઝની લેસ બાંધવા માંડી.
‘આવી તોછડાઈ તને કૉલેજમાં શીખવે છે?’ 
મનસુખભાઈએ ગુસ્સો દબાવી રાખ્યો. 
‘ના, ઘરમાંથી...’ 
‘પ્રતીક...’ મનસુખભાઈએ રાડ પાડી. 
‘દેકારા શું કરો છો?’ મંજુલા તરત વચ્ચે આવી, ‘જરા શાંતિથી વાત કરોને’ 
‘શું શાંતિથી વાત કરવી આ ડોબા સાથે...’ મનસુખભાઈની કમાન છટકી ગઈ હતી, ‘શાંતિથી વાત કરું છું તો નવરીનો આડા જવાબ આપે છે.’
‘એની ક્યાં વાત કરો છો, તમારી ભાષા જુઓને.’ 
મંજુલાએ રાબેતા મુજબ દોષનો ટોપલો મનસુખભાઈ પર ઢોળી દીધો. 
‘મંજુલા, તું જરા જોતો ખરરી કે તે પોતાના બાપ સાથે કેવી રીતે વાત કરે છે. તેને કોણ આવું બધું...’ 
‘તમે ક્યારેય તેને પ્રેમથી બોલાવ્યો છે કે તે તમારી સામે પ્રેમથી બોલે.’ 
મંજુલાએ મનસુખભાઈની વાત કાપી નાખી. 
‘કળવાણી કડવી હોય, પણ સરવાળે એનો કડવો સ્વાદ લાભદાયી જ હોય.’ 
‘તમારે કળવાણી બનવાની જરૂર નથી, એ બધું હું ફોડી લઈશ.’ 
મનસુખભાઈ ઘડીભર મંજુલાને જોઈ રહ્યા. તેને નવાઈ એ વાતની હતી કે પત્ની કોઈ હિસાબે માનવા તૈયાર નહોતી કે દીકરો હાથમાં નથી રહ્યો.
મનસુખભાઈના મોઢામાંથી નિઃસાસો નીકળી ગયો. 
બજારઆખીમાં કહેવાતું કે મનસુખભાઈ જેવો હીરાનો જાણકાર બીજો કોઈ નથી અને એ જ ડાયમન્ડ બ્રોકરના ઘરમાં કથીરને કંચન માનવામાં આવતું હતું. 
મનસુખભાઈના ડાબા પડખાનું રુધિર હવે જરા ઝડપથી ચાલતું હતું. ચાલતું હતું, ના, ભાગતું હતું. મનસુખભાઈ આખા શરીરના લોહીના પરિભ્રમણને અનુભવી શકતા હતા. તેમની ડાબી છાતીમાં જરા દુખાવો થતો હતો. 
‘શું હૃદયરોગનો હુમલો આવે એ પહેલાં છાતીમાં આવો ઝીણો દુખાવો થતો હશે?’ 
મનસુખભાઈએ આંખ ઉઘાડી નાખી.
‘ના, એમ કંઈ હૃદયરોગનો હુમલો થોડો નવરો છે કે મન ફાવે ત્યારે આવી જાય. હશે, સ્નાયુનો દુખાવો. આમ પણ ડૉક્ટર કહેતા જ હતાને કે હવે બહુ દોડાદોડ કરવાનું છોડી કામકાજ છોકરાના હાથમાં સોંપી દઈને ઘરમાં આરામ કરો.’ 
‘છોકરો? કયો છોકરો, જે રાતે ત્રણ-ત્રણ વાગ્યા સુધી બહાર ભટકતો રહે છે તે?’
સામે ભીંત પર એક ગરોળી એકીટશે મનસુખભાઈને તાકતી હતી. 
‘સી...સ...’ 
મનસુખભાઈએ ધીમો સિસકારો કર્યો, પણ ગરોળીને કોઈ અસર થઈ નહીં. 
‘ઘરની ગરોળીને પણ હવે મારી બીક નથી રહી.’ 
મનસુખભાઈને પોતાના જ વિચારો પર હસવું આવી ગયું. મનસુખભાઈ હસ્યા ત્યારે તેમના હોઠના ખૂણામાંથી સહેજ થૂંક બહાર ધસી આવ્યું.
થૂંક લૂંછવાનું ટાળીને મનસુખભાઈએ ફરી આંખો બંધ કરી, પણ ઊંઘ?
ના, આજે મનસુખભાઈને એકાએક ઊંઘ સાથે કંઈક વાંકું પડ્યું હતું.
બાકી મનસુખભાઈ અને રાતની ઊંઘ? બેય જાણે લોહચુંબક. 
એકબીજાને દીઠાં ન મૂકે. 
મંજુલાબહેન તો ઘરે આવતાં સગાંઓને એવું કહેતાં ફરે કે તમારા ભાઈની સાથે જો વાતો કરવી હોય તો તેમને ક્યારેય પથારીમાં બેસવા નહીં દેવાના. 
મનસુખભાઈ હસીને કહે પણ ખરા કે ‘દિવસમાં કોઈ પાપ ન થાય એનું ધ્યાન રાખું છું એટલે ઠાકોરજી રાતે મારું ધ્યાન રાખે છે.’ 
પણ, પણ આજે મનસુખભાઈનો ઠાકોરજી બીજા કોઈનું ધ્યાન રાખવામાં વ્યસ્ત હતો અને મનસુખભાઈની ઊંઘ વેરણ હતી.
- ‘કાલે ઊઠવામાં મોડું થાય તો 
સારું છે.’ 
મનસુખભાઈને આમ તો ખબર જ હતી કે રાતે ગમે એટલું મોડું થાય તો પણ તેમની સવાર ૬ વાગ્યે પડી જ જાય.
દીકરી પૂજા તો પપ્પાને અલાર્મ જ કહેતી. 
‘દીકરી...’ 
મનસુખભાઈથી હળવો ઊંહકારો નીકળી ગયો, 
‘એ છોકરીને હવે પાછી વાળવી પણ અઘરી છે.’ 
છાતી આખી ખુલ્લી હોય અને ભાઈબંધો ભેગી રખડતી હોય. જરાઅમસ્તી સલાહ આપો તો તરત સામો જવાબ આપે, ‘તમને શું ખબર પડે, તમે તો આઉટડેટેડ છો.’
‘ભલામાણસ, દરેકનો બાપ આઉટડેટેડ જ હોય.’
હવે મનસુખભાઈના શરીરના જમણા હિસ્સામાં ચહલપહલ શરૂ થઈ હતી. ધોરી નસનું લોહી એકધારું મુંબઈની જેમ નૉન-સ્ટૉપ ભાગતું હતું. મનસુખભાઈ લોહીની આ ઝડપ રીતસર અનુભવી શકતા હતા. 
મનસુખભાઈને લોહીને રોકીને પૂછવાનું મન થઈ આવ્યું કે ‘ભાઈ, દરરોજ તો તું નિરાંતે શરીરમાં ટહેલે છે. આજે તને આ ઉતાવળ શાની છે?’ 
પૂછવાની વાત પરથી મનસુખભાઈનું ધ્યાન મોઢામાં રહેલી જીભ પર ગયું. જીભ ભારે થઈ ગઈ હતી. 
‘જીભ પર ચાંદા તો પડ્યા નથી.’ 
- ‘તો, તો શું રાતે અલ્સર થયું હશે?’ 
મનસુખભાઈએ ભાર દઈને જીભ ગલોફામાં ફેરવી. જીભને પણ મનસુખભાઈના આદેશ સામે વાંધો હોય એમ ધીમે રહીને કંટાળા સાથે મોંમાં ચક્કર લગાવી આવી. 

વધુ આવતી કાલે


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 11:28 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK