સોમચંદે સહેજ સૉફ્ટનેસ સાથે કહ્યું, ‘જ્યાં સુધી જૉબ પર છું ત્યાં સુધી તો ડ્યુટી કરી લઉં’
ઇલસ્ટ્રેશન
‘ટૅક્સી સે લડકી કા ફોન આયા હૈ. કિસી ડ્રાઇવરને છેડખાની કી હૈ.’
‘નોટેડ.’
ADVERTISEMENT
‘ઓવર ઍન્ડ આઉટ.’
વાયરલેસ સેટ બંધ થયો કે તરત શંભુ દોડતો સોમચંદ પાસે આવ્યો.
‘સર, એસ. વી. રોડ પર લોટસ પેટ્રોલ-પમ્પ પાસે છોકરીની છેડતી થઈ છે.’
સોમચંદના પગ ઊપડ્યા.
‘ચાલ, જલદી ગાડી લે...’
‘જો અત્યારે ડંડો હોત તો કામ લાગ્યો હોતને?’ શંભુના મોઢામાં ગાળ પણ આવી ગઈ, ‘છોકરી હિંમતવાળી કહેવાય કે તેણે ત્યાં ટૅક્સી ઊભી રખાવી દીધી અને ટૅક્સીવાળાની હાજરીમાં જ પોલીસમાં ફોન પણ કરી દીધો છે...’
‘ટૅક્સીવાળો ભાગ્યો નહીં?’
‘ના સર, એ તો સામે ઝઘડો કરે છે...’ શંભુએ ચોખવટ કરી, ‘હન્ડ્રેડ નંબર પરથી એવું કહે છે ને એવું પણ કહે છે જલદી પહોંચવાનું છે.’
‘હંમ...’ સોમચંદે સ્ટિયરિંગ સામે જોયું, ‘તું ચલાવે છે, તારી ઇચ્છા તું કેટલી સ્પીડથી ચલાવવા માગે છે.’
lll
‘એ મૅડમ... તમીઝ સે બાત કરો. મૈંને કોઈ ગાલીગલોચ નહીં કી...’
અંગ્રેજીમાં આપવામાં આવેલી ગંદી ગાળ સમજી જતાં ટૅક્સી-ડ્રાઇવર કેશવે આંખો મોટી કરી.
‘જેને બોલાવવા હોય તેને બોલાવો, મને ફરક નથી પડતો પણ બોલવામાં ધ્યાન રાખજો...’
કેશવ વધારે કંઈ કહે કે બોલે એ પહેલાં ટૅક્સીમાં બેઠેલી બીજી છોકરી બહાર આવી.
‘ભૈયા, મુઝે દેરી હો રહી હૈ... મૈં નિકલું પ્લીઝ?’
‘હાં મૅડમ, આપ જાઓ... ઔર મૅડમ... સોરી.’ કેશવે પલકની સામે જોયું, ‘ઇનકી વજહ સે મૈં આપકો ડ્રૉપ નહીં કર પાયા.’
‘ઇટ્સ ઓકે.’ પૈસા આપતાં પેલી છોકરીએ કેશવની સામે જોયું, ‘આપકા ભાડા...’
‘કૈસે ભાડા લે સકૂંગા મૅડમ. તમને ઘરે તો પહોંચાડ્યાં નથી.’ કેશવે હાથ જોડ્યા, ‘પૈસા નેકસ્ટ ટાઇમ આપી દેજો. મળીએ તો...’
પેલી છોકરી નીકળી ગઈ અને કેશવે પલકની સામે જોયું.
‘એ બુલાના તેરી પોલીસ કો, મુઝે દેરી હો રહી હૈ...’
પલકે ફરી ૧૦૦ નંબર ડાયલ કર્યો પણ રિંગ જાય એ પહેલાં તેની આંખો સામે લાલ રંગની લાઇટ સાથે આવતી જીપ આવી અને તેણે ફોન કટ કરી નાખ્યો.
‘ક્યા હુઆ...’
પોલીસ જીપ હજી તો ઊભી નહોતી રહી ત્યાં જ સોમચંદ એમાંથી ઊતરીને સીધા ટૅક્સી પાસે પહોંચ્યા.
‘સર, ઇસને મુઝે ટચ કિયા...’
પલકે ડ્રાઇવર સામે હાથ કર્યો કે તરત કેશવ ઘૂરક્યો.
‘એય મૈંને ટચ નહીં કિયા...’
કેશવનો ટોન અને એમાં રહેલા ગુસ્સાને જોઈને પલકે સોમંચદની સામે જોયું.
‘દેખો સર, આપકે સામને ભી કૈસે બાત કરતા હૈ?’
‘ક્યૂં ભાઈ, ડૉન સમઝતા હૈ અપને આપ કો...’
‘ના સર, એવી વાત નથી પણ આ છોકરી ખોટું બોલે છે.’
કેશવને જવાબ પલકે આપ્યો,
‘ખોટું હું નહીં તું બોલશ... તારાથી મને ટચ થાય જ કેવી રીતે? હાઉ ડેર યુ?’
પોલીસ જોઈને પલકમાં જોર આવી ગયું હતું. તે કેશવની સાવ નજીક પહોંચી ગઈ હતી. તેણે મર્યાદા છોડીને ટૅક્સી-ડ્રાઇવરને કહી પણ દીધું.
‘અબ ટચ કર કે દિખા... દિખા અબ.’ પલકની આંખોમાં પાણી આવી ગયાં હતાં, ‘દાંત તોડ દૂંગી તેરે...’
‘તેરે બાપ કા માલ હૈ... બોલી દાંત તોડ દૂંગી.’ કેશવે બન્ને હાથની બાંય ઉપર ચડાવતાં કહ્યું, ‘હાથ લગા કે દિખા, ફિર બતાતા હૂં મૈં ભી...’
‘એય... એય...’
કેશવ કે પલકે સોમચંદ તરફ ધ્યાન આપ્યું નહીં એટલે સોમચંદે પોતાના હાથમાં રહેલી સ્ટિક ટૅક્સી પર ભટકાડી.
ઠક... ઠક... ઠક...
સેકન્ડમાં તો સન્નાટો પ્રસરી ગયો અને સોમચંદને એ જ જોઈતું હતું.
સોમચંદ કેશવની સામે ફર્યા.
‘એક કામ કર, અપની ગલતી કી માફી માંગ ઔર બાત ખતમ કર...’
‘હું માફી-બાફી નથી માગવાનો... મેં કંઈ કર્યું જ નથી સાહેબ.’
કેશવને વળતો જવાબ આપતી હોય એમ પલકે પણ પોતાનો નિર્ણય કહી દીધો,
‘સર, નો સૉરી-વૉરી... હું, હું આના પર કેસ કરવા માગું છું.’
‘તો કર ના કેસ, તેરે સે અપન ડરતા નહીં હૈ રે..’
પલકનો અવાજ સાંભળતાં જ કેશવને જોર ચડતું હતું અને કેશવનું જોર જોઈને સોમચંદને હવે ગુસ્સો આવતો હતો.
‘તૂં અપની ઔકાત મેં રહ... વર્ના ઇતના લંબા ચક્કર હોગા કિ સાલોં તક બાહર નહીં નિકલેગા...’
‘પણ સાહેબ, સાચું કહું છું, મેં કંઈ નથી કર્યું...’
‘જે હોય એ, સૉરી બોલ... બાત ખતમ કર.’
‘નહીં, મૈં સૉરી નહીં બોલેગા... મારો વાંક જ નથી.’
‘સર, હું ખોટું નથી બોલતી. તેણે, તેણે મને અહીં ટચ કર્યું.’ પલકે પોતાની છાતીના ભાગ પર હાથ મૂક્યો, ‘અહીં સર... મારી સાથે બીજી પણ એક છોકરી હતી, પૂછો તેને તમે. હું, હું જરા પણ ખોટું નથી બોલતી.’
પલકની આંખો તગતગવા માંડી અને સોમચંદે કેશવનો હાથ પકડ્યો.
‘પોલીસ-સ્ટેશન આવ, પછી જો તને તારી નાની યાદ દેવડાવું છું કે નહીં...’
શંભુ કંઈ સમજે એ પહેલાં તેના માટે પણ સોમચંદનો આદેશ આવી ગયો.
‘મૅડમ અને ટૅક્સી લઈને પોલીસ-સ્ટેશન આવ...’
lll
‘હું તને થોડી વારમાં ફોન કરું?’ સોમચંદે ધીમેકથી કહ્યું, ‘એક કેસમાં બિઝી છું...’
‘અત્યારે રાતે બાર વાગ્યે કેસ?!’ જાહનવીએ છણકો કર્યો, ‘તારા કરતાં તો વૉચમૅનની જૉબ સારી...’
‘આઇ નો. હવે હું કરું થોડી વારમાં ફોન?’
‘ના...’
‘આઇ હૅવ ટુ ગો જાહનવી...’ સોમચંદે સહેજ સૉફ્ટનેસ સાથે કહ્યું, ‘જ્યાં સુધી જૉબ પર છું ત્યાં સુધી તો ડ્યુટી કરી લઉં.’
‘ના...’ સોમચંદ કંઈ કહે કે સમજે એ પહેલાં જાહનવીએ કહી દીધું, ‘જો તેં ફોન કટ કર્યો છે તો યાદ રાખજે, આપણું બ્રેકઅપ...’
‘મજાક નહીં કર યાર... મારે સાચે જ કામ છે.’
સોમચંદે પાછળ ફરીને જોયું. તેની ચેમ્બરમાં પલક બેઠી હતી અને કેશવ અકળામણની હાલતમાં ઊભો હતો.
‘હું કલાકમાં ફોન કરું છું.’
‘નો મીન્સ નો.’ ગુસ્સાને બદલે હવે જાહનવીને મજાક સૂઝતી હતી, ‘ફોન કટ એટલે રિલેશન કટ કર.’
‘એક કામ કર. તું ત્યાંથી ફોન મ્યુટ કરી દે. હું કામ પતાવું પછી તારી સાઇડથી અનમ્યુટ કરી નાખજે, બસ?’
‘ના, તારે ક્યાંય નથી જવાનું.’
સોમચંદ જવાબ આપે એ પહેલાં પાછળથી પલકનો અવાજ આવ્યો.
‘સર, વાર લાગશે?’
‘વાઓ, તું અત્યારે આની સાથે ડ્યુટી પર છે?’
‘કોણ આની સાથે?’ સોમચંદે કહ્યું, ‘મને તેનું નામ પણ નથી ખબર.’
‘મીન્સ પ્રોસ્ટિટ્યુટ છે, રાઇટ?’
‘સચ અ નૉન્સેન્સ...’ સોમચંદે દાંત ભીંસ્યા, ‘ઍટ લીસ્ટ છોકરી થઈને તો બીજી છોકરીનો રિસ્પેક્ટ કરતાં શીખ...’
‘મને એક પણ જાતનું અત્યારે જ્ઞાન નથી જોઈતું.’
‘મારી પાસે ટાઇમ પણ નથી.’ સોમચંદે નક્કી કરી લીધું, ‘હું ફોન કટ કરું છું, તારે બ્રેકઅપ સમજવું હોય તો એમ... બાય...’
lll
‘એટલે સર, અત્યારે જે આ જાહનવી મૅડમ છે એ જ આ...’
મનોહરની આંખો પહોળી થઈ અને સોમચંદના ચહેરા પર સ્માઇલ આવી ગયું. રાતના બે વાગી ગયા હતા અને નરીમાન પૉઇન્ટ પર સન્નાટો પ્રસરી ગયો હતો. એકલદોકલ ગાડીઓ નીકળીને દીવાલ સાથે અથડાતાં દરિયાનાં મોજાંના અવાજમાં ખલેલ ઊભી કરતી હતી.
‘હા એ જ...’ સોમચંદે જવાબ આપ્યો, ‘એ રાતે તેણે બ્રેકઅપ કર્યું, જે ત્યાર પછી ઑલમોસ્ટ ૧૪ વર્ષે ફરીથી પૅચઅપ થયું અને એની પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે.’
‘મારે એ પણ સાંભળવી છે પણ પહેલાં આપણે આ... તમારા રેઝિગ્નેશનવાળી સ્ટોરી પૂરી કરીએ...’ કૉન્સ્ટેબલ મનોહરે કન્ટિન્યુ આપતાં યાદ કરાવ્યું, ‘તમે ફોન પર બાય કહી દીધું. પછી...’
lll
‘મને આખી વાત કરો. બન્યું શું હતું?’
‘સર, હું કહું શું થયું એ....’ સવાલ પલકને પુછાયો હતો પણ જવાબ કેશવ આપ્યો, ‘મૅડમ વધારે પડતાં ઈગોમાં છે.’
‘એ તું નક્કી કરશે?’ સોમચંદનો અવાજ મોટો થયો, ‘તું નક્કી કરશે?’
સોમચંદે શંભુ સામે જોયું અને ઑર્ડર કર્યો.
‘આને બહાર લઈ જા... વચ્ચે ડબડબ કરે છે.’
‘સર, મારી વાત તો સાંભળો... હું, હું સાચું કહું છું...’
કેશવનો અવાજ ધીમે-ધીમે દૂર થયો અને પછી અચાનક જ અવાજ આવ્યો.
ધડામ...
અવાજની સાથે જ કેશવની ચીસ નીકળી અને પલક હેબતાઈ ગઈ.
‘હવે વચ્ચે નહીં બોલે... અમારી સર્વિસ એને મળવા માંડી.’ સોમચંદ કહ્યું, ‘તમે વાત કરો, શું થયું હતું?’
‘સર, હું IT કંપનીમાં છું.’
‘નામ...’
‘પલક દેસાઈ. વડોદરાની છું પણ બે વર્ષથી મુંબઈમાં છું. અહીં સૉફ્ટવેર કંપનીમાં જૉબ કરું છું. આજે ત્યાં...’
પલકનો અવાજ ભારે થયો કે તરત સોમચંદે ઊભા થઈને જગમાંથી પાણીનો ગ્લાસ ભરી તેની સામે મૂક્યો.
‘આરામથી. કોઈ ઉતાવળ નથી.’
‘નાઓ બેટર...’ પાણીનો આખો ગ્લાસ ગળા નીચે ઉતારી લીધા પછી પલકે વાત આગળ વધારી, ‘આ જે ડ્રાઇવર છે તે રેગ્યુલરલી અમારી ઑફિસની સામે ગાડી પાર્ક કરીને ઊભો હોય છે. મોસ્ટલી રાતે તે જ મને મળે. આજે મારી પહેલાં મારી જ કંપનીમાં કામ કરતી છોકરી નીચે આવી ગઈ અને તે ટૅક્સી કરીને જતી હતી ત્યાં હું આવી એટલે ડ્રાઇવરે ગાડી ઊભી રાખી મને રાડ પાડીને પૂછ્યું...’
lll
‘મૅડમ, આના હૈ?’
મોબાઇલમાં ટાઇમ જોઈ પહેલાં તો પલકે ઇશારાથી જ ના પાડી દીધી, પણ પછી તરત જ તેણે રાડ પાડીને ટૅક્સી ઊભી રખાવી.
‘મૅડમ, અચ્છા હુઆ આપ આ ગએ... વરના અબ ટૅક્સી નહીં મિલતી...’
કેશવે વાત શરૂ કરી. પલકે કોઈ જવાબ આપ્યો નહીં એટલે કેશવે વાત આગળ વધારી, ‘હવે રાતના અગિયાર પછી અહીં ઊભા રહેવાની મનાઈ કરી દીધી છે. આજથી જ નિયમ આવ્યો એટલે કાલથી રાતે અગિયાર પછી તમને બિલ્ડિંગની સામેથી ટૅક્સી નહીં મળે...’
‘તો પછી અમારે શું કરવાનું?’ બીજી છોકરીએ તરત કેશવને પૂછ્યું, ‘અમારી તો ડ્યુટી જ અગિયાર વાગ્યે પૂરી થાય છે.’
‘મારો નંબર આપી દઈશ. તમે ફોન કરશો તો તરત પહોંચી જઈશ.’
‘એનું એક્સ્ટ્રા પેમેન્ટ...’
‘મૅડમ, લંબા ભાડા રહેગા તો એક્સ્ટ્રા પેમેન્ટ નહીં રહેગા...’
lll
‘એ છોકરી કોણ હતી?’
સોમચંદે સવાલ કર્યો કે તરત જ પલકે જવાબ આપ્યો.
‘કૃતિ... મારી સાથે જ કંપનીમાં છે.’
‘તે કેમ જતી રહી?’
સોમચંદ પલકની સામે જોયું અને તરત નજર ફેરવી લીધી. શૉલ્ડર પરનું લવબાઇટ પલકના ટી-શર્ટની બહાર ડોકાતું હતું.
‘કૃતિનો આજે બર્થ-ડે હતો, ઘરે પાર્ટી હતી.’
‘હંમ... નંબર આપો તેનો...’
(વધુ આવતી કાલે)

