Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પરફ્યુમ (પ્રકરણ ૪)

પરફ્યુમ (પ્રકરણ ૪)

12 January, 2023 12:03 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ફ્રેન્ચ વિન્ડોની ડાબી અને જમણી બાજુએ આવેલી બન્ને દીવાલો પર એકેક સોફા ગોઠવ્યા હતા, તો વિન્ડોની બરાબર આગળની બાજુએ કિંગ-ચૅર પડી હતી, જેના પર સુનયના બેઠી હતી.

પરફ્યુમ (પ્રકરણ ૪)

વાર્તા-સપ્તાહ

પરફ્યુમ (પ્રકરણ ૪)


‘સર, સબ આ ગયે...’
‘હંઅઅઅ...’ મોબાઇલ પર ‘મુંબઈ માફિયા’ પૂરી કરતા ઇન્સ્પેક્ટર દીવાને પાટીલ સામે જોયું, ‘બિઠાઓ સબ કો...’
પાટીલ અંદર ગયો એટલે દીવાને ફોન કર્યો.
‘કહાં હૈ રે મેરે ડિટેક્ટિવ સોમચંદ?’
મોબાઇલના સામા છેડે સિક્યૉરિટી ગાર્ડ શંકર હતો.

‘બસ, સા’બ. ઘર પે હી હૂં...’ શંકરનું દોઢડહાપણ સતત ઝળક્યા કરતું હતું, ‘આજ તો પતા ચલ જાએગાના...’
- ‘હંઅઅઅ, ગર્લફ્રેન્ડે ન્યુઝ આપી દીધા તને કે આજે પંડિતના મોતમાં શું થયું હતું એ ફાઇનલી ઇન્સ્પેક્ટર દીવાન કહેવાના છે.’
‘હા યાર, ઔર સૂન, તુઝે થૅન્ક્સ ભી કહના હૈ, સબ કે સામને... તૂ ભી આજા.’
‘ક્યા સા’બ, આપ ભી. મૈંને તો વો હી કિયા જો આપને બતાયા...’
‘તો અભી ભી વો હી કર, જો મૈં બોલ રહા હૂં...’ દીવાને ફોન મૂકતાં પહેલાં તાકીદ કરી દીધી, ‘આજા જલદી... તેરી રાહ દેખતા હૂં.’ ‘જી સા’બ...’
lll



ધ હોમ અપાર્ટમેન્ટમાંના પંડિતના ફ્લૅટમાં ઇન્સ્પેક્ટર દીવાન દાખલ થયા ત્યારે ફ્લૅટમાં સૌ એકબીજાથી સહેજ અકળાયેલી અવસ્થામાં બેઠા હતા. દરેકનું ધ્યાન પોતપોતાના મોબાઇલમાં હતું, પણ ચહેરા પર રહેલી અકળામણ સ્પષ્ટ વર્તાતી હતી.
‘જેકંઈ કહેવું હોય એ જલદી કહો...’ દીવાનને અંદર આવેલો જોઈ સૌથી પહેલાં પંડિતની વાઇફ માધવી ઊભી થઈ, ‘મને મોડું થાય છે.’
‘કેમ, મીટિંગમાં જવાનું છે?’ દીવાને પ્રોફેસર મહાજન સામે જોયું, ‘મીટિંગમાં ક્યાં જવાનું હોય મૅડમ. મહાજનસાહેબ તો અહીં જ બેઠા છે.’
માધવી કરતાં હવે મહાજન વધારે ચોંક્યા. અલબત્ત, તેમણે બોલવાની હિંમત કરી નહીં એટલે દીવાને ડાઇનિંગ ટેબલ પાસે જઈને ચૅર લીધી અને બેઠેલા સૌની સામે મૂકીને એના પર બેઠક જમાવી.


ફ્રેન્ચ વિન્ડોની ડાબી અને જમણી બાજુએ આવેલી બન્ને દીવાલો પર એકેક સોફા ગોઠવ્યા હતા, તો વિન્ડોની બરાબર આગળની બાજુએ કિંગ-ચૅર પડી હતી, જેના પર સુનયના બેઠી હતી. ડાબી બાજુના સોફા પર મહાજન અને તેની વાઇફ લતા હતી, તો જમણી બાજુના સોફા પર માધવી પંડિત બેઠી હતી.
‘આ આખા કેસને એટલી શિફતથી હૅન્ડલ કરવામાં આવ્યો છે કે ખરેખર મારે તમને બધાને કહેવું પડે કે જો સિક્યૉરિટી ગાર્ડ શંકર ન હોત તો ડૅફિનેટલી મર્ડરરનું કામ પૂરું થઈ ગયું હોત, તેને કોઈ પકડી નહોતું શકવાનું, પણ... શંકરને કારણે આખી ગેમ ખુલ્લી પડી ગઈ અને પંડિતજીનું નૅચરલ ડેથ નહીં, પણ મર્ડર થયું હતું એ ખૂલ્યું.’
‘સર, પંડિતને કોણ મારે અને શું કામ... મને એ નથી સમજાતું કે તમે...’ મહાજનની વાત દીવાને કાપી..

આ પણ વાંચો : પરફ્યુમ (પ્રકરણ ૧)


‘એ સમજાવવા માટે તો હું અહીં બેઠો છુંને પ્રોફેસર. તમે ચિંતા ન કરો...’ દીવાને સિગારેટ કાઢીને બે હોઠ વચ્ચે ગોઠવી, ‘એક વાર, બે વાર, ચાર વાર... તમને સમજાશે નહીં ત્યાં સુધી હું તમને સમજાવીશ.’
‘હા, પણ પ્લીઝ, જલદી વાત કરો હવે તમે.’  લતા પહેલી વાર બોલી, તેની આંખમાં આવતાં આંસુ તેણે મહામહેનતે દબાવ્યાં હતાં અને એ પછી પણ એ આંખો ભીની થતી રહેતી હતી.

‘મિસિસ મહાજન, બે મિનિટ. શંકર આવે એની જ રાહ છે. તે આવી જાય એટલે આપણે વાત ચાલુ કરીએ.’ શંકરનું નામ દીવાન આદરપૂવર્ક લેતા હતા, ‘એ છોકરાની મહેનતની કદર થવી જોઈએ. અમે પોલીસવાળા બીજી તો શું કદર કરવાના. બસ, તમારી હાજરીમાં તેને શાબાશી મળી જાય તો એ નેક્સ્ટ ટાઇમ પણ આટલી જ ચીવટ...’ એ જ સમયે ઇન્સ્પેક્ટર દીવાનની પીઠ પાછળથી નોક સંભળાયું. દીવાને પાછળ ફર્યા વિના જ કહી દીધું.

‘આવી જા અંદર...’
દીવાનની પીઠ પાછળ આવેલા મેઇન ડોરમાંથી એ શખ્સ ધીમેકથી અંદર આવ્યો અને પાછળની બાજુએ બન્ને હાથ બાંધીને અદબ સાથે ઊભો રહ્યો.
‘જી સા’બ...’
શંકર હજી તો કંઈ બોલે એ પહેલાં ચિત્તા જેવી ઝડપ સાથે દીવાન ઊભો થયો અને શંકરના ચહેરા પર થપ્પડ જડી દીધી.
શંકર જ નહીં, ત્યાં હાજર રહેલાં સૌકોઈ હેબતાઈ ગયા.

‘તને મેં ફક્ત આવવાનું કહ્યું હતું, એ પછી પણ તને ખબર પડી ગઈ કે તારે અહીં આવવાનું છે?!’
‘તમે, તમે મને કીધું કે...’
‘મેં નહીં...’ દીવાન ઝાટકા સાથે બન્ને સોફા વચ્ચે આવેલી કિંગ-ચૅર પાસે પહોંચ્યા અને તેણે સુનયનાના હાથમાંથી મોબાઇલ છીનવી લીધો, ‘આણે... આ છોકરીએ તને મેસેજ કરીને કીધું કે અમે ધી હોમ પર છીએ.’
દીવાને મોબાઇલની સ્ક્રીન ખોલવાની કોશિશ કરી, પણ ઍપલના ફોને ફેસ-રીડ ન કરતાં મોબાઇલ લૉક રહ્યો એટલે દીવાન ફરી સુનયના પાસે ગયા. સુનયના કંઈ બોલે કે કહે એ પહેલાં તેણે સુનયનાની હડપચી કડક હાથે પકડીને મોબાઇલની સામે ચહેરો ધરી દીધો. ફેસ રેકગ્નાઇઝ થઈ ગયો અને લૉક ખૂલી ગયું. સ્ક્રીન પર વૉટ્સઍપ ખુલ્લું હતું, જેમાં સૌથી ઉપર ‘જાનુ’ નામની વ્યક્તિ સાથે થતી ચૅટનું બૉક્સ હતું. દીવાને બૉક્સ ખોલ્યું અને શંકર સામે ધર્યું.
‘વાંચ, શું લખ્યું છે...’

શંકરની નજર નીચી રહી એટલે દીવાનનો હાથ ચાલ્યો.
સટાક.
‘વાંચવાનું કહું છુંને તને... વાંચ.’
શંકરે મહામહેનતે સ્ક્રીન પર નજર કરી.
‘બાસ... બાસ...’ 

શંકરની જીભ થોથવાતી હતી, ત્રીજી થપ્પડે થોથવાતી એ જીભને સીધી કરી.
‘બાસ્ટર્ડ દીવાને અમને બોરીવલીના ફ્લૅટમાં શું કામ બોલાવ્યા હશે...’
દીવાન કે સુનયના કંઈ રીઍક્ટ કરે એ પહેલાં તેની મમ્મી માધવી ઊભી થઈ. 
‘આ બધું શું ચાલે છે, ખબર પડે મને કંઈ?’

આ પણ વાંચો : પરફ્યુમ (પ્રકરણ ૨)

‘પડશેને, ખબર પડશે તમને. તમને ખબર પાડવા તો અહીં બોલાવ્યાં છે.’ દીવાને શંકરને ધક્કો મારી જમીન પર બેસાડ્યો, ‘એક શબ્દ પણ ખોટો બોલ્યો છે તો યાદ રાખજે, અત્યારે ને અત્યારે એન્કાઉન્ટરમાં મારી નાખીશ...’
હવે પ્રોફેસર મહાજન આગળ આવ્યા.
‘તેણે બોલવાનું છે કે તમે અમને કહેવાના છો?’
‘કહીશ હું, તેણે તો માત્ર વચ્ચે હોંકારો દેતા જવાનો છે...’ 
ઊંડો શ્વાસ લઈ દીવાન ફરી ચૅર પર બેઠો અને વાત કરતાં-કરતાં શૂઝની લેસ ખોલવાની શરૂઆત કરી.
‘મિસિસ પંડિત તમારા હસબન્ડનું...’ દીવાનની નજર એક પછી એક વ્યક્તિ પર સ્થિર થતી જતી હતી, ‘મિસિસ મહાજન, તમારા લવરનું... અને મિસ્ટર મહાજન, તમારા ફ્રેન્ડનું મર્ડર શંકરે કર્યું છે.’

‘ના સા’બ...’
‘પૂરી બાત સૂન...’ શંકર આગળ કંઈ બોલે એ પહેલાં દીવાને પોતાનું શૂઝ તેના પર ફેંક્યું, ‘શંકરને આ મર્ડર કરવા માટે ઉશ્કેરવાનું કામ માધવીબહેન, તમારી આ દીકરી સુનયનાએ કર્યું હતું...’
આખા ઘરમાં સન્નાટો પ્રસરી ગયો અને સન્નાટાને ચીરતી વાત આગળ વધી.
‘સુનયના અને શંકરને અફેર છે...’ માધવીનું ફાટેલું મોઢું જોઈને દીવાને સ્પષ્ટતા કરી, ‘પુરાવા પણ છે એ બન્નેની ચૅટના. વૉટ્સઍપ-ચૅટ કંપનીમાંથી મગાવી લીધી છે અને એ સિવાયના પુરાવા ઍક્સિડન્ટલી કાલે રાતે મને ફેસબુક પર મળ્યા. ફેસબુકે મોબાઇલ નંબર કનેક્ટ કરી દીધા એટલે તમે મોબાઇલમાં કોઈનો નંબર સેવ કરો એના અડધા જ કલાકમાં તમને ફેસબુક પર સજેશન આવે છે કે તમારે આમને ફ્રેન્ડ બનાવવા છે.’ સહેજ ઊંડો શ્વાસ લઈને દીવાને વાત આગળ વધારી.

‘રાતે મને ફ્રેન્ડ-સજેશન આવ્યું સુનયના પંડિતનું. મૅડમ મને મળવા આવ્યાં ત્યારે મોબાઇલ-નંબર આપીને ગયાં, જે મેં મોબાઇલમાં સેવ કર્યો, પણ મને તેની અમુક વાતો અજુગતી લાગી. બાપ મરી ગયો હોય એ પછી પણ દીકરી પરફ્યુમ લગાડે એ મને સમજાયું નહીં, તો એ પણ સમજાયું નહીં કે તે તમારા હસબન્ડની ગર્લફ્રેન્ડને પગે લાગવા જેટલી મહાન કેમ બને છે, પણ... એ બધું તેનું નાટક હતું. આપણે મૂળ વાત કરીએ.’ ફરી મોઢામાં સિગારેટ મૂકી દીવાને વાત આગળ વધારી, ‘ફેસબુક-સજેશન મળ્યું એટલે રિક્વેસ્ટ મોકલ્યા વિના જ મેં તેનો પ્રોફાઇલ ઓપન કર્યો અને સુનયનાના ફ્રેન્ડ્સ પર નજર કરવાનું ચાલુ કર્યું ત્યારે મેં જોયું કે શંકર શ્રીવાસ્તવ પણ તેના ફ્રેન્ડ-લિસ્ટમાં હતો. દુબઈનો મસ્ત ફોટો તેણે ડીપીમાં રાખ્યો હતો અને એ સેલ્ફી નહોતો, એ ફોટો કોઈકે પાડ્યો હતો. સનગ્લાસમાં શંકરને ખબર ન પડી કે ફોટો પાડનાર વ્યક્તિ એ ગ્લાસમાં દેખાય છે!’ દીવાને બૉમ્બ ફોડ્યો.

‘શંકરના સનગ્લાસમાં દેખાતી અને ફોટો પાડતી એ વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ સુનયના હતી. ફોટો હજી પણ ફેસબુક પર છે, જોવો હોય તમે જોઈ શકશો.’
માધવીએ તેજ નજરે સુનયના સામે જોયું.
‘આ લુક પછી આપજો, તમને ૧૦ મિનિટ આપીશ... પહેલાં આખી ઘટના સાંભળી લો...’ સૌનું ધ્યાન ફરી દીવાન પર આવ્યું, ‘પંડિતજીને ખબર પડી ગઈ કે દીકરી એક સિક્યૉરિટી ગાર્ડના પ્રેમમાં છે જે સ્વાભાવિક રીતે તેને મંજૂર નહોતું એટલે તેમણે શંકરની કંપનીના માલિકને બોલાવી આ જ ફ્લૅટમાં અતિશય માર મરાવ્યો અને પછી બીજા જ દિવસે શંકરને કાઢી મૂક્યો, પણ અહીં સુનયના તેને કામ લાગી. સુનયનાએ બાપને બ્લૅકમેઇલ કરીને એવું પ્રૉમિસ લીધું કે હું આ રિલેશનમાં ક્યારેય આગળ નહીં વધું, બસ શંકરને ફરીથી જૉબ મળે. બાપ વાત માની ગયો એટલે શંકર અહીં જ ડ્યુટી પર આવી ગયો અને સુનયના દુબઈ ચાલી ગઈ. એ દુબઈ હતી એ દરમ્યાન બે-ત્રણ વાર શંકર તેની પાસે દુબઈ પણ જઈ આવ્યો. સુનયના ગયા મહિને દુબઈથી પાછી આવી એટલે પંડિતજીએ શંકરની ટ્રાન્સફર બીજા બિલ્ડિંગમાં થઈ જાય એ માટે સિક્યૉરિટી એજન્સીને ફોન કર્યો, જેની નૅચરલી શંકરને ખબર પડી. શંકરે વાત સુનયનાને કરી અને એ પણ કહ્યું કે તારા પપ્પાને મળવા લતા મહાજન રેગ્યુલરલી આવે છે. બસ, દીકરીએ નક્કી કરી લીધું કે કાયમ માટે પંડિતને આવજો કહી દેવું પડે તો કહી દેવું.’
દીવાને સુનયના સામે જોયું.

આ પણ વાંચો : પરફ્યુમ (પ્રકરણ ૩)

‘પ્લાન આખો સુનયનાનો હતો. સુનયનાને ખબર હતી કે પપ્પાને હાર્ટનો પ્રૉબ્લેમ છે એટલે તેણે પપ્પાની હાર્ટની ટૅબ્લેટમાં સલફાસ નામના ડ્રગ્સનો પાઉડર ચડાવી દીધો. આ સલફાસ ડ્રગ્સ બ્લડપ્રેશર શૂટઅપ કરે છે. ૮ વાગ્યે પપ્પા ગોળી લેશે એટલે ૧૦ મિનિટમાં તેમની હેલ્થ બગડશે એવા કૅલ્ક્યુલેશન સાથે દીકરીએ તમારા પાર્લાના ઘરમાં જ મેડિસિનમાં સલફાસ ભેળવી દીધો, પણ પ્લાન એ સમયે બગડ્યો જ્યારે લતા આન્ટી પપ્પા સાથે જૉઇન થયાં. અહીં ફ્લૅટ પર આવીને પંડિતજીએ મેડિસિન લીધી અને ૧૦ મિનિટમાં તેમને અનઇઝીનેસ લાગવા માંડ્યું. લતાબહેને પંડિતજીને હૅન્ડલ કરવાની કોશિશ કરી, પણ લતાજીને કોઈ પ્રૉબ્લેમ ન થાય એટલે પંડિતે તેમને તાત્કાલિક રવાના કરી દીધાં. લતાજીને ઉતાવળે બિલ્ડિંગમાંથી નીકળતાં જોઈને શંકરને આઇડિયા આવી ગયો. તે ઉપર ગયો, પણ ત્યાં સુધી પંડિતનો જીવ નીકળી ગયો હતો. શંકરે સુનયનાને ફોન કર્યો અને લતાબહેન આવ્યાં હતાં એ વાત કરી એટલે સુનયનાએ જ કાચની બંગડી તોડીને બૉડીની નીચે ફર્શ પર રાખી દેવાનું સૂચન કર્યું, પણ એ બંગડી મહાજને લઈ લીધી એટલે સુનયનાએ નવો પ્લાન બનાવ્યો અને ઇન્ફર્મેશન આપવાના બહાને શંકરને આગળ કર્યો, પણ શંકરે મૂર્ખામી એ કરી કે તે વધારે પડતો ડાહ્યો થઈને વર્તતો હતો. મારી શંકાનું આ પહેલું કારણ...’ દીવાને નિઃસાસો નાખ્યો, ‘બીજું કારણ, પરફ્યુમની અરેબિક ફ્રૅગ્રન્સ અને એ પણ ત્રણ-ત્રણ લોકોની ફેવરિટ હોવી.’

‘સર, એક વાત પૂછું?’ અત્યાર સુધી ચૂપ ઊભેલો પાટીલ સહેજ આગળ આવ્યો, ‘લતાબહેન અને પંડિતજી વચ્ચે સંબંધ હતા એ બધાને ખબર હતી...’
‘હા, જે રીતે મહાજન અને મિસિસ પંડિતના સંબંધોની બધાને ખબર છે...’ દીવાન ઊભા થયા, ‘આ જ તો કારણ છે કે દીકરી મા-બાપની હાજરી હોવા છતાં બહાર પ્રેમ શોધતી રહી અને શંકર જેવા ગાર્ડના પ્રેમમાં પડી.’

સંપૂર્ણ

Whatsapp-channel Whatsapp-channel

12 January, 2023 12:03 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK