૩૧ વર્ષની વયે ૮૪૦૦ કરોડ રૂપિયા કમાઈ લીધા પછી યુવાન શું કરે?
વિનય હિરેમઠ
પૂરતો પૈસો કમાઈ લઉં એ પછી પૅશનેટ જિંદગી જીવીશ એવું વિચારતા હો તો ૩૩ વર્ષના ઑન્ટ્રપ્રનર વિનય હિરેમઠનું મનોમંથન તમારા માટે જ છે. લખલૂટ સંપત્તિ મેળવ્યા પછી એશઆરામમાં પૈસો વેડફવાને બદલે તેણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો, હિમાલયની ૬૫૦૦ મીટરની ચોટી સર કરી અને બીજાં અનેક સૉફ્ટવેર બિઝનેસમાં પણ ઝંપલાવ્યું. એમાં પણ આર્થિક સફળતાનાં સોપાનો સર થઈ રહ્યાં હોવા છતાં તેને મનમાં એક જ અજંપો છે : મારા જીવનનો હેતુ શું?
આ માણસ કદાચ વિશ્વનો પહેલો એવો માનવી હશે જે કહી રહ્યો છે કે ‘હું ધનવાન છું. મારી પાસે લખલૂટ પૈસો છે, પણ હવે એ પૈસાનું શું કરવું અને એને ક્યાં અને કઈ રીતે ખર્ચવા એની મને ખબર નથી.’ આવા વિશ્વના એકમાત્ર માલેતુજારનું નામ છે વિનય હિરેમઠ. શું? અમારી વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો એમ? અચ્છા, વિનય વિશે વિગતે બધી વાત નહીં જાણો ત્યાં સુધી વિશ્વાસ નહીં થાય? તો લો, આજે અમે મળાવીએ તમને આ હજારો કરોડના માલિક સાથે. ‘લૂમ’ કંપનીનું ક્યારેય નામ સાંભળ્યું છે? વાસ્તવમાં લૂમ એ એક વિડિયો શૅરિંગ પ્લૅટફૉર્મ છે અને મૂળ ભારતીય એવા વિનય હિરેમઠ આ સ્ટાર્ટઅપ પ્લૅટફૉર્મના કો-ફાઉન્ડર હતા. લૂમની ધૂમ ચાલતી હતી અને બિઝનેસ જબરદસ્ત ગ્રો કરી રહ્યો હતો ત્યારે આ સ્ટાર્ટઅપના ફાઉન્ડર વિનય હિરેમઠ એટલા લાઇમલાઇટમાં નથી આવ્યા જેટલા હમણાં થોડા વખતમાં એના વેચાણને કારણે આવ્યા છે. વિનય હિરેમઠ એક એવા ઑન્ટ્રપ્રનર છે જેમણે ૨૦૨૩માં ‘લૂમ’ નામની પોતાની કંપની એક ઑસ્ટ્રેલિયન સૉફ્ટવેર કંપનીને ૯૭૫ મિલ્યન ડૉલર એટલે કે ૮૪૦૦ કરોડ રૂપિયામાં વેચી નાખી હતી. એ પછી શું થયું એની કહાણી જેટલી રસપ્રદ છે એથીયે વધુ આ વ્યક્તિનું વ્યક્તિત્વ રસપ્રદ છે.
ADVERTISEMENT
કોણ છે વિનય હિરેમઠ?
વિનય હિરેમઠના જીવનની સફર ઇલિનૉઇ યુનિવર્સિટીથી શરૂ થઈ હતી. તેણે બે વર્ષ સુધી કૉલેજ અટેન્ડ કરી અને પછી અચાનક છોડી દીધી. ત્યાર બાદ તેણે ચાર મહિના એક સૉફ્ટવેર એન્જિનિયરિંગ ઇન્ટર્ન તરીકે વિશ્વની સૌથી મશહૂર કંપનીઓમાંની એક એવી ફેસબુકમાં કામ કર્યું.
એન્જિનિયર તરીકે વિનય હિરેમઠને તેની જિંદગીનો સૌથી પહેલો બ્રેક મળ્યો ઑગસ્ટ ૨૦૧૨માં, જ્યારે તે બૅકપ્લેન નામના સ્ટાર્ટઅપમાં જોડાયો હતો. અહીંથી હિરેમઠની વાસ્તવિક પ્રોફેશનલ સફર શરૂ થઈ એમ કહીએ તો ચાલે. બૅકપ્લેનમાં તે હૅકિંગ કરતાં શીખ્યો અને બૅકપ્લેન સ્ટાર્ટઅપમાં જ તે શાહેદ ખાનને પણ મળ્યો, જેની સાથે તેણે એક વિડિયો મેસેજિંગ કંપની શરૂ કરવાનું વિચાર્યું. વિનય અને શાહેદનું શરૂ થયેલું સાહસ એટલે તેમની કંપની ‘લૂમ.’
બૅકપ્લેનમાં વિનયે લગભગ એક વર્ષ જેવું કામ કર્યું અને ત્યાર બાદ સપ્ટેમ્બર ૨૦૧૩માં તેણે બૅકપ્લેન છોડી અપધેર નામના બીજા એક સ્ટાર્ટઅપમાં નોકરી જૉઇન કરી. અપધેરની નોકરીએ તેને ટેક્નિકલ નૉલેજની બાબતમાં ઘણું શીખવ્યું એમ કહીએ તો ચાલે. બૅકપ્લેનમાં બનેલો મિત્ર શાહેદ ખાન અને અપધેરમાં મળ્યો બીજો એક મિત્ર જો થૉમસ. વિનયે આ બન્ને મિત્રો સાથે મળીને ૨૦૧૫માં ‘લૂમ’ નામે એક સ્ટાર્ટઅપની સ્થાપના કરી.
લૂમ શું છે?
લૂમ એ એક વિડિયો મેસેજિંગ પ્લૅટફૉર્મ છે જે કદાચ સૌથી સરળ સ્ક્રીન રેકૉર્ડર તરીકેનું પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. વિશ્વભરની ૪,૦૦,૦૦૦ કંપનીઓમાં એના ૨૫ મિલ્યનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. લૂમ એના સબસ્ક્રાઇબર્સને કે યુઝર્સને તેમના કલીગ્સ કે કલાયન્ટ્સ કે કાઉન્ટર પાર્ટીઝ સાથે AI સંચાલિત વિડિયો રેકૉર્ડ અને શૅર કરવાની મંજૂરી આપે છે.
હવે શું કરે છે હિરેમઠ?
વિનય હિરેમઠ હાલમાં પોતાના હજારો કરોડ રૂપિયા સાથે હવાઈમાં રહે છે, પણ રખે એમ માનતા કે આટલી બધી મિલકત કમાઈ લીધી એટલે હવે હવાઈમાં દિવસ-રાત જલસાની જિંદગી જીવી રહ્યો હશે. ‘સ્વની ઓળખની ભૂખ’ સામાન્ય રીતે મનુષ્યને જીવનમાં ત્રણ સંજોગોમાં જાગે છે. એક, જ્યારે તે વ્યક્તિ પૂર્વજન્મોનાં કર્મોને કારણે જાગ્રત મનઃસ્થિતિ સાથે જ જન્મ્યો હોય. બીજું, જ્યારે જિંદગી તેને એવા-એવા દુખદ અનુભવો કે નિરાશા અને નિષ્ફળતામાંથી પસાર કરી રહી હોય અને ત્રીજું, સુખ-વૈભવ કે સફળતાનો એક દોર ઘણી વાર માનવીના જીવનમાં એવો આવે જ્યારે એ સુખ-વૈભવ કે સફળતા તેને વધુ આકર્ષી ન શકે ત્યારે મહદંશે મનુષ્યને સતત એક વિચાર સતાવે છે કે ‘હું આ વિશ્વમાં શા માટે જન્મ્યો છું? મારા અસ્તિત્વનું કારણ શું?’ કદાચ કંઈક આવી જ માનસિક પરિસ્થિતિમાંથી વિનય પસાર થયો હશે અથવા થઈ રહ્યો હશે. કારણ કે આજે આટલી સફળતા અને મિલકત કમાઈ લીધી હોવા છતાં વિનય હમણાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યો છે. સાથે જ વિનયનું કહેવું છે કે હું મારા ભવિષ્ય વિશે વિચારી રહ્યો છું.
વિનય નિખાલસતાથી કહે છે, ‘હું મારી જાતને કહેતો રહું છું કે મારા જન્મનો હેતુ શોધવો જોઈએ. મારે હવે સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે હું વાસ્તવિક દુનિયાને ઉપયોગમાં આવે એવી કોઈક વસ્તુનું ઉત્પાદન કરતી કંપની શરૂ કરું. સાચું કહું તો હું હમણાં માત્ર સ્વીકારવાનું શીખી રહ્યો છું જેનું પહેલું પગથિયું છે ફિઝિક્સ.’ આ એ જ વિનય હિરેમઠ છે જે પોતાનું સ્ટાર્ટઅપ વેચીને ૯૭૫ મિલ્યન ડૉલર કમાયો. ભૌતિક જીવનની દૃષ્ટિએ જોઈએ તો કદાચ મોટા ભાગના લોકો કહેશે કે આ એક મોટી સફળતા કહેવાય; વિનય હિરેમઠ પોતાના જીવનમાં અત્યંત સફળ વ્યક્તિ છે, પરંતુ એ જ વિનયનું આ કમાણી પછી કહેવું છે કે મને ખબર નથી કે મારે મારા જીવનમાં શું કરવું છે.
ઑસ્ટ્રેલિયન કંપની ઍટલાસિયન સાથે લૂમનો સોદો થયો અને વિનયને ૯૭૫ મિલ્યન ડૉલર મળ્યા. ત્યારે નિખાલસ સ્વભાવના વિનયે પોતાના બ્લૉગ પર અને વિડિયો દ્વારા દર્શકો અને પોતાના ફૉલોઅર્સ સાથે વાત કરતાં કહ્યું, ‘હું સમૃદ્ધ છું અને મારા જીવનમાં મારે શું કરવું એ વિશે મને કોઈ ખ્યાલ નથી. મોટા પાયે નાણાકીય નુકસાન વેઠ્યા પછીનું જીવન ખરેખર એટલું સુંદર નથી હોતું જેટલું લાગે છે!’
આ શબ્દો વિનય હિરેમઠના છે. નવાઈની વાત એ છે કે લૂમનો સોદો થઈ ગયો ત્યાર પછી પણ એને ખરીદનારી કંપની ઍટલાસિયને વિનયને મોટા પગારે જૉબ ઑફર કરી હતી. વિનયને કંપનીએ કહ્યું કે તે કંપનીના ચીફ ટેક્નિકલ ઑફિસર તરીકે કામ કરે અને એના બદલામાં કંપની તેને ૬૦ મિલ્યન ડૉલરનો પગાર પણ ચૂકવશે. પરંતુ વિનયે એ ઑફરને નકારી કાઢી અને એ સમયે વિનયે કહ્યું, ‘જો પૈસા સ્વતંત્રતા માટે ન હોય તો એનો શું અર્થ? જો તમારી પાસે સમય જ નથી તો પછી તમારી પાસે સૌથી દુર્લભ સંસાધન બીજું શું છે? તો એવી પરિસ્થિતમાં પૈસાને તો દુર્લભ સંસાધન તરીકે તમે ન જ ગણાવી શકો.’
આત્મખોજનો તબક્કો
લૂમ તો વેચાઈ ગઈ અને ખૂબ સારા પૈસામાં સોદો થયો, હવે શું? વિનય હિરેમઠે એ પછી પોતાના જીવનનો હેતુ શોધવા માટેના અલગ-અલગ રીતે પ્રયાસ શરૂ કર્યા. હમણાં જે સેક્ટર જબરદસ્ત ઝડપે ડેવલપ થઈ રહ્યું છે એવા રોબોટિક્સ ક્ષેત્રે તેણે શોધખોળ શરૂ કરી દીધી છે. વિનય ઘણા નવા રોકાણકારોને મળ્યો. સ્વાભાવિક છે, લૂમની સફળતા બાદ લગભગ બધા જ રોકાણકારોએ વિનયની નવી કંપનીમાં રોકાણ કરવા માટે પણ તૈયારી બતાવી હશે, પરંતુ વિનયને તરત સમજાઈ ગયું કે તે બીજું કંઈ પણ કરવા માગતો હોઈ શકે, પણ રોબોટિક્સ કંપની શરૂ કરવા તો નથી જ માગતો એથી એ વિચાર પડતો મૂક્યો. વિનયનું મનોમંથન શરૂ થયું. તેને સમજાઈ ગયું કે રોબોટિક્સ તરફ તેનું આકર્ષણ માત્ર એટલા કારણથી હતું કે તે ખરેખર તો ઈલૉન મસ્ક જેવો બનવા માગતો હતો, જે વાસ્તવમાં મૂળ ઉદ્દેશ નહીં પરંતુ કોઈ એક વ્યક્તિત્વ પ્રત્યેનું આકર્ષણ માત્ર હતું અને એ યોગ્ય નથી. એથી રોબોટિક્સ દિમાગમાંથી નીકળીને ફરી ડબ્બામાં ચાલી ગયું.
ગર્લફ્રેન્ડ સાથે પણ બ્રેકઅપ
રોબોટિક્સમાંથી રસ ઊઠ્યા પછી વિનયને લાગ્યું કે પોતે સાવ જ દિશાહીન છે. હવે આગળ શું કરવું એની કોઈ સ્પષ્ટતા જ નથી. જ્યારે આવું લાગે ત્યારે શું કરવું? દુનિયા જોવા અને ફરવા નીકળી પડવું. વિનયે પણ એવું જ કર્યું. તે ગર્લફ્રેન્ડ સાથે દુનિયાની સુંદર જગ્યાઓ ફર્યો. જોકે છ મહિના મસ્ત છુટ્ટી માણ્યા પછી તેને એમાંય કંઈક ખૂટવા લાગ્યું અને તેણે બ્રેકઅપ કરી નાખ્યું. વિનય પોતાના બ્લૉગમાં લખે છે, ‘છ મહિના (હવે એક્સ) ગર્લફ્રેન્ડ સાથે ફર્યા પછી પણ મને કશું જ સાચી દિશામાં જઈ રહ્યું હોય એવું નહોતું લાગતું. અમારી આર્ગ્યુમેન્ટ્સ શરૂ થઈ ગઈ. મને ખબર હતી કે એમાં તેનો કોઈ વાંક નથી. એ મારી અંદરની અસલામતી હતી. છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાન હું ખૂબ અસલામતીથી પીડાયો હતો અને મને લાગતું હતું કે તેની સાથે રહીને હું એ અસલામતીઓ પર કામ નહીં કરી શકું. અમારા બે વર્ષના અનકન્ડિશનલ પ્રેમસંબંધોને મેં તોડી નાખ્યા. એ બહુ પેઇનફુલ હતું, પણ એ ખૂબ સાચું પગલું હતું. મારે મારી જાતનો સામનો કરવાની જરૂર હતી. લૂમ કંપનીના શરૂઆતના સમયમાં હું મારી જાતને સિક્યૉર અનુભવતો હતો. હું ખૂબ ખુશ હતો અને જે હોવું જોઈએ એ બધું જ હતું. મેં કલ્પના પણ કરી નહોતી એટલો ગ્રોથ કંપનીએ જોયો. મને એમાં સિક્યૉર ફીલ થતું. (કંપની વેચી દીધા પછી) બીજા જ દિવસે એ બધું જ ખતમ. અત્યારે જો મારી એક્સ-ગર્લફ્રેન્ડ આ વાંચતી હોય તો મારે તેને માત્ર થેન્ક યુ કહેવું છે. અને તે મને જેવો જોવા ઇચ્છતી હતી એવો હું ન બની શક્યો એ માટે દિલગીર છું.’
પર્વતારોહણ
ગર્લફ્રેન્ડથી છૂટા પડ્યા પછી પણ ફરી એ જ પ્રશ્ન આવ્યો, હવે શું કરવું? વિનયે પોતાની જ જાતને પડકાર આપવાનો નિર્ધાર કર્યો. પર્વતારોહણ શરૂ કર્યું. પર્વતારોહણનો આ પહેલાં કોઈ અનુભવ નહોતો છતાં તે હિમાલયના પહાડોનું ૬૮૦૦ મીટર ઊંચું એક શિખર સર કરી આવ્યો. બીજું કાંઈ નહીં તો પર્વતારોહણના એ અનુભવે વિનયને સ્થિતપ્રજ્ઞતા અને સ્થિતિસ્થાપકતા શીખવી દીધી. તેને સમજાઈ ગયું કે આ બધી કઠોર ચૅલેન્જિસ કદાચ મારા જીવનની એ અધૂરપ પૂર્ણ કરી રહી છે જેની ખોટ મારા જીવનમાં બાળપણથી જ હતી. એ સિવાય તેણે રોડ-ટ્રિપ્સથી લઈને ઍડ્વેન્ચર ગેમ્સમાં પણ સમય વ્યતીત કર્યો; પણ હાય રે, વિહ્વળ મન. વિનય ત્યાંથી પણ તરત પાછો ફર્યો.
સરકાર માટે પણ કામ કર્યું
વિનયે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશ્યન્સી (DOGE) પ્રોજેક્ટ માટે પણ કામ કર્યું. એ પ્રોજેક્ટમાં વિનયે એકથી એક ચડિયાતા દિમાગ સાથે કામ કરવાનું આવ્યું. વિનયે એ કામ પણ સફળતાપૂર્વક પાર પાડ્યું, પરંતુ ત્યાં ફરી તેને લાગ્યું કે મારી અંગત સફરમાં આ મને ક્યાંય કામ આવે એમ નથી. તેણે વિચાર્યું કે ભલે હજીય મને સ્પષ્ટતા નહીં મળી રહી હોય. ભલે થોડો સમય મારે મારી અસ્પષ્ટતા અને અસલામતીની લાગણી સાથે જ રહેવું પડે, પણ મારે મારું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને એ કોઈ પણ રીતે DOGE સાથે સંકળાયેલા રહીને શક્ય નહોતું. આ અનુભવ વિશે વિનય પોતાના બ્લૉગમાં લખે છે, ‘બે મિનિટના ફાઇનલ ઇન્ટરવ્યુમાં જ મેં DOGE પ્રોજેક્ટ માટે કામ કરવાનું સ્વીકારી લીધું. અને રાતોરાત હું શૂન્યમાંથી સેંકડો મીટિંગો લેતો થઈ ગયો. રોજ સેંકડો કૉલ અટેન્ડ કર્યા અને વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું, જેની વાત હું જાહેર નહીં કરી શકું. જોકે મને એટલું સમજાઈ ગયેલું કે ગવર્નમેન્ટ કેટલી ડિસફંક્શનલ છે. ચાર વીકના સમયમાં મને સમજાઈ ગયું કે DOGEનું મિશન ભલે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, પણ એ મારા જીવનનું ફોકસ નથી. બસ, મેં એ જ ઘડીએ કામ છોડીને ફરી હવાઈની વન-વે ટિકિટ લઈ લીધી.’

