વિલે પાર્લેમાં રહેતા સંદીપ દેસાઈ ૨૫ વર્ષ પહેલાં ચીનથી તાઈ ચી શીખીને આવનારા સૌથી પહેલા ભારતીય છે. આજે તેમના વિશ્વભરમાં લાખો ફૉલોઅર્સ છે તેમ જ ફિલ્મોમાં પણ તેઓ ટોચના ઍક્ટર્સને તાઈ ચી શીખવી રહ્યા છે
સંદીપ દેસાઈ સ્ટુડન્ટ્સ સાથે.
રણબીર કપૂર અને સઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’ની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે આ ચર્ચિત ફિલ્મમાં કેટલાંક ઍક્શન દૃશ્યો સંદીપ દેસાઈએ તાઈ ચી ટેક્નિકથી શીખવ્યાં છે. જોકે તેમનો પરિચય અહીં પૂર્ણ થતો નથી, શરૂ થાય છે. સંદીપ દેસાઈ હાલ ૬૧ વર્ષના છે. તેમણે જપાનમાં જઈને કરાટેમાં ફિફ્થ ડિગ્રી બ્લૅક બેલ્ટ મેળવ્યો છે. ચીનમાં જઈને તાઈ ચીની ટ્રેઇનિંગ લઈ સર્ટિફિકેટ અને માસ્ટરી હાંસલ કરી છે. તથા ભારતમાં અષ્ટાંગ યોગમાં સૌપ્રથમ સર્ટિફાઇડ ભારતીય શિષ્ય પણ છે. આમ તેઓ ત્રણ અલગ સંસ્કૃતિની કળામાં સામટી નિપુણતા ધરાવવા બદલ વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે. આટલું ઓછું હોય એમ ચીનની પ્રખ્યાત અને પ્રાચીન કહી શકાય એવી કળા તાઈ ચીને ભારતમાં લાવનાર તેઓ પહેલી વ્યક્તિ છે.
ADVERTISEMENT
છેલ્લાં ૪૫ વર્ષોથી માર્શલ આર્ટ સાથે સંકળાયેલા સંદીપ દેસાઈ કહે છે, ‘મારી કરીઅરની શરૂઆત જ કરાટેથી થઈ હતી. હું માત્ર ૧૫ વર્ષનો હતો ત્યારથી મેં કરાટેનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. લગભગ ૧૯ વર્ષ સુધી મેં કરાટે શીખ્યું. આ દરમિયાન એટલે કે ૧૯૮૭-’૮૯ના ગાળામાં હું કરાટેની ટ્રેઇનિંગના સંદર્ભે પાંચ વખત જપાન જઈ આવ્યો હતો. હું પોતે કરાટેમાં ફિફ્થ ડિગ્રી બ્લૅક બેલ્ટ વિજેતા પણ છું. આ ઉપલબ્ધિ મને મળી હતી ત્યારે આખા ભારતમાં માત્ર બે-ચાર જણ જ હતા જેઓ ફિફ્થ ડિગ્રી બ્લૅક બેલ્ટ સુધી પહોંચી શક્યા હતા. પણ પછી થયું એવું કે એ જ અરસામાં મારા જૅપનીઝ ગ્રૅન્ડમાસ્ટર એટલે કે મારા ગુરુ ૯૨ વર્ષની જૈફ વયે મૃત્યુ પામ્યા. એક તરફ ગુરુનો માથા પરથી હાથ હટી જવાનો વસવસો હતો અને બીજી તરફ તેમના નિધન બાદ તેઓ જ્યાં મને તાલીમ આપતા હતા ત્યાંનો કારભાર ખોરવાઈ જવાથી ત્યાંનું વાતાવરણ પણ બદલાઈ ગયું હતું જેથી મને હવે ત્યાં શીખવાનો રસ ઓછો થઈ ગયો હતો. જોકે મારી અહીં પ્રૅક્ટિસ તો ચાલુ જ હતી જે ખૂબ જ ગહન રહેતી. એને લીધે મને એક વખત ઘૂંટણમાં પણ ઈજા થઈ હતી. એક કરાટે ચૅમ્પિયનને માટે ઘૂંટણમાં ઈજા એટલે બહુ મોટી વાત થઈ જાય. મેં અનેક ડૉક્ટરોને બતાવ્યું. દરેકે સર્જરી કરવાની સલાહ આપી. ત્યાં સુધી કે મેં અમિતાભ બચ્ચનના ઑર્થોપેડિક સર્જ્યન ડૉક્ટર દિલીપ નાડકર્ણીનો પણ સંપર્ક કર્યો. તેમણે મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે જો તમારે સાજા થવું હોય તો ઑપરેશન તો કરાવવું જ પડશે, અથવા તો કરાટેને અલવિદા કરી દેવું પડશે. મારે ઘૂંટણની સાથે કોઈ છેડછાડ કરવી નહોતી એટલે હું ઑપરેશન માટે તૈયાર નહોતો. કંઈ સમજાતું નહોતું કે શું કરું. આ જ વિચારો સાથે હું એ દિવસે ઘરે પરત ફર્યો. ઘરમાં દાખલ થવાની સાથે મારી નજર ટેબલ પર પડેલી બુક પર પડી. તમે એને જોગાનુજોગ કહો કે પછી ઈશ્વરનો કોઈ ઇશારો, મેં એ બુક હાથમાં લીધી જેમાં કેટલીક ચીની એક્સરસાઇઝ વિશે વર્ણવામાં આવેલું હતું. મને એ રસપ્રદ લાગી એટલે એમાં જણાવી હતી એ પ્રમાણે મેં એ કરવાની ચાલુ કરી. મને ઘણું સારું લાગવા માંડ્યું હતું. થોડા દિવસની અંદર મારો ઘૂંટણનો દુખાવો એકદમ ઓછો થઈ ગયો. મને નવાઈ લાગી. મેં આ સંદર્ભમાં વધુ માહિતી મેળવી ત્યારે ખબર પડી કે આ તો ચીની માર્શલ આર્ટ તાઈ ચી શીખવા પહેલાંની એક્સરસાઇઝ હતી. એટલે સ્વાભાવિક રીતે મને આ કલા શીખવા માટેનો રસ જાગ્યો. જોકે એ વખતે તાઈ ચી શું એ ૯૦ ટકા લોકોને ખબર નહોતી. અને ત્યારે તો ગૂગલ પણ ક્યાં હતું કે એના પર જઈને સર્ચ કરી શકાય. તાઈ ચીની જાણકારી મેળવવા માટે હું ખૂબ ફર્યો. ચર્ચગેટમાં ફોર્ટ પાસે પુસ્તકો અને મૅગેઝિનનો જૂનો મોટો સ્ટૉલ હતો. ત્યાં મુંબઈમાં કશે ન મળે એવાં મૅગેઝિનો મળી જતાં. ત્યાં વિદેશી સ્પોર્ટ્સ, કરાટે અને માર્શલ આર્ટ વિશેના લેખો છાપતાં કેટલાંક વિદેશી મૅગેઝિન્સ પણ આવતાં જેમાં ખૂણેખાંચરે તાઈ ચી વિશે લેખ આવતો હતો. એ હું વાંચતો. જેટલું હું વાંચતો ગયો એમ મને તાઈ ચી વિશે જાણવાની અને શીખવાની જિજ્ઞાસા વધુ ને વધુ તીવ્ર બનતી ગઈ. હું લગભગ રોજ ત્યાં જતો અને સ્પોર્ટ્સ મૅગેઝિનનાં પાનાં ઉથલાવતો. એ સમયે કરાટે જ સન્માનજનક રીતે જોવામાં આવતું હતું. આ સિવાયની કળા પણ હોય છે એ વિશે લોકોને જાણવાની અને સમજવાની કોઈ ઇચ્છા નહોતી. એ સમયે જો કોઈ કરાટેમાં બ્લૅક બેલ્ટ મેળવે તો એ બહુ મોટી વાત કહેવાતી હતી. જ્યારે કોઈ કરાટે કરે ત્યારે આ આર્ટ ખૂબ પ્રભાવશાળી અને આકર્ષક લાગે છે. લોકોનાં મનને જલદીથી સ્પર્શી જાય છે, જ્યારે તાઈ ચીનું એવું નથી. એ કરતાં કોઈ જુએ તો લાગે કે આ શું કરે છે? આ તો ચીની કળા છે, એનું શું કામ? પણ ખરું પૂછો તો એવું જરાય નથી.
હૉલીવુડના સ્ટન્ટ ડિરેક્ટર સાથે સંદીપ દેસાઈ.
કેવી રીતે સફર થઈ શરૂ
મૂળ પલસાણાના અનાવિલ બ્રાહ્મણ પણ વર્ષોથી મુંબઈમાં રહેતાં સંદીપ દેસાઈ કહે છે, ‘જપાનમાં મારા એક સિનિયર ટીચર છે જેનું નામ કૅથરીન બેકસ્ટર છે. તેમને મેં તાઈ ચી શીખવા વિશે વાત કરી. તેમણે મને એક અમેરિકન વ્યક્તિનું નામ આપ્યું અને કહ્યું કે તું આ વ્યક્તિને જઈને મળી લે. આ વ્યક્તિ કરાટેમાં ચેમ્પિયન તો છે જ અને સાથે તાઈ ચીમાં પણ સારીએવી હથોટી ધરાવે છે. એટલે હું તેમને મળવા જર્મની ગયો. આ વાત ૧૯૯૮ની સાલની છે. તેમની પાસે જઈને તાઈ ચીનો બેઝિક કોર્સ કર્યો. એ વ્યક્તિ કાયરોપ્રૅક્ટર હતી. તેમણે મને તાઈ ચીની ત્રણ-ચાર સ્ટાઇલ શીખવી અને પોતે કાયરોપ્રૅક્ટરર હોવાથી મને મેડિકલ પૉઇન્ટ ઑફ વ્યુથી શીખવ્યું કે કેવી રીતે તમારા સ્નાયુઓની સ્ટિફનેસને તમે દૂર કરી એને લવચીક બનાવી શકો છો. પછી તો મને તાઈ ચીમાં સારીએવી ફાવટ આવી ગઈ અને ભારતમાં આવીને આ કળા શીખવવાનું નક્કી કર્યું.’
એક પાદ શીર્ષાસન કરી રહેલા સંદીપ દેસાઈ.
મંઝિલ આસાન નહીં થી
તાઈ ચી દરેકને ઉપયોગી થઈ શકે છે. ત્યાં સુધી કે વ્હીલચૅર પર બેઠેલો માણસ અને સિનિયર સિટિઝન પણ આ કળા શીખી શકે છે, પણ એ માટે પ્રૉપર ટ્રેઇનિંગની જરૂર સાથે પેશન્સ અને પ્રૅક્ટિસ પણ અનિવાર્ય છે. આ વિશે લોકોને માહિતગાર કરવા મેં પ્રિન્ટ મીડિયાનો સહારો લીધો. એક અંગ્રેજી અખબારમાં તાઈ ચી પર હું નિયમિત કૉલમ લખતો, બુક પણ લખી; જેના લીધે ઘણા લોકો સુધી મારા શબ્દો પહોંચી શક્યા. જોકે દરેક બાબતમાં શબ્દોથી કામ આગળ વધી શકતું નથી, અમુક બાબતો વ્યુઝથી પણ સમજવી પડે છે. એટલે મેં એક DVD બનાવવાનો વિચાર કર્યો. એ સમયે DVDનો ઉપયોગ ઘણો પ્રચલિત હતો. તાઈ ચીનો વિડિયો શૂટ કરવા હું લદ્દાખ ગયો. ૨૧ દિવસ લદ્દાખમાં રહ્યો. અગેઇન ત્યારે લદ્દાખ સુધી જવાનો રસ્તો સરળ નહોતો. ત્યાં જઈને મેં અલગ-અલગ તાઈ ચીના પોઝ શીખવાડતો વિડિયો શૂટ કર્યો અને DVD સ્વરૂપે બજારમાં મૂક્યો જેમાં મને ટોચના મીડિયા ગ્રુપે પણ સાથ આપ્યો હતો.’
હૃતિક રોશન અને રણવીર સિંહ સાથે સંદીપ દેસાઈ.
મિલ્યન ફૉલોઅર્સ
તાઈ ચી આજની તારીખમાં પણ અન્ય માર્શલ આર્ટ્સની સરખામણીમાં એટલી પૉપ્યુલર નથી, જેની સામે વિશ્વના અન્ય દેશોમાં આ કળાના લાખો ચાહક છે એમ જણાવતાં સંદીપ દેસાઈ કહે છે, ‘દેશમાં તાઈ ચીને પ્રોત્સાહન મળે અને વધુ ને વધુ લોકો એનો લાભ લઈ શકે એ માટે હું મારા થકી થતા તમામ પ્રયત્નો કરું છું, પણ જોવાનું એ છે કે ભારતીયો તાઈ ચી શીખવા પ્રત્યે એટલા આકર્ષાતા નથી જેટલા વિદેશીઓ આ કળા શીખવા માટે ખેંચાય છે. અત્યારે તેઓ ઇન્ટરનૅશનલ તાઈ ચી ઍકૅડેમી ચલાવે છે. ન્યુ યૉર્કના વુડસ્ટોકમાં યોજાતા મ્યુઝિક ઍન્ડ આર્ટ ફેસ્ટિવલમાં પણ એમનાં સેશન્સ થાય છે. છેલ્લાં ૧૮ વર્ષથી હું દર વર્ષે હૃષીકેશ ખાતે થતા આંતરરાષ્ટ્રીય યોગ ફેસ્ટિવલમાં યોગ શીખવવા જાઉં છું, જ્યાં દેશ-વિદેશની ઘણી મોટી હસ્તીઓ મારા સંપર્કમાં આવી હતી જેમને મેં તાઈ ચી શીખવી છે. હું બૉલીવુડની ફિલ્મો માટે પણ તાઈ ચી શીખવું છું. બૉલીવુડમાં મારો પ્રવેશ થવા પાછળ હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા સુરેશ ઑબેરૉય કારણરૂપ બન્યા હતા એમ કહું તો ચાલે. તેઓ એક પ્રસંગે મારા સંપર્કમાં આવ્યા હતા ત્યારે તેમણે મને માર્શલ આર્ટની બેઝિક તાલીમ આપવા કહ્યું હતું. જોકે આ તાલીમ બહુ લાંબી નહોતી ચાલી. થોડા સમય બાદ જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમણે તાલીમને લીધે શરીરમાં કેટલાક પૉઝિટિવ ફેરફાર થયા હોવાનું નોંધ્યું. એટલે તેમણે મને ફોન કરીને કહ્યું કે તમે મારા દીકરા વિવેકને તાઈ ચી શીખવો. ત્યારે વિવેક ઑબેરૉય ઊગતો સ્ટાર હતો. મેં તેને તાઈ ચીના કેટલાક પાઠ શીખવ્યા. ત્યાર બાદ મને ધીરે-ધીરે ટેલિવિઝન પર આવતી ઍડ માટે ઍક્ટર્સને તાઈ ચીની તાલીમ આપવાની ઑફર્સ આવવા લાગી જેમાં હૃતિક રોશન, રણવીર સિંહ, લિસા રે વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેં રિલાયન્સ, આદિત્ય બિરલા, તાતા મોટર્સ વગેરે સાથે કૉર્પોરેટ વર્ક પણ કર્યું. મોટી-મોટી હૉસ્પિટલમાં પણ જઈને દરદીઓને શીખવ્યું. હવે તમને થશે કે દરદીઓને તાઈ ચી સાથે શું લેવાદેવા? તો તમને કહી દઉં કે તાઈ ચીને ઉંમર અને માણસની હેલ્થ કેવી છે એની સાથે કોઈ સબંધ નથી. એમાં કરવામાં આવતી એક્સરસાઇઝ હળવી રીતે કરવાની હોય છે અને લાંબા ગાળે આ એક્સરસાઇઝ શરીર અને મનની અંદર ઊર્જા ભરી દે છે. શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને સ્મૂધ બનાવે છે. એટલે બીમાર વ્યક્તિ અને સિનિયર સિટિઝન્સ માટે તો આ સૌથી બેસ્ટ હોય છે. યોગ જેટલા પાવરફુલ છે એટલી જ તાઈ ચી પણ છે. માત્ર એમાં રિવર્સ બ્રીધિંગ થાય છે જેનાથી ફેફસાં અને ઇન્ટરનલ ઑર્ગન મજબૂત બની શકે છે.’
કોઈ પણ તાઈ ચી કરી શકે
તાઈ ચી કોઈ પણ વ્યક્તિ ગમેતેવી શારીરિક સ્થિતિમાં પણ યોગ્ય માર્ગદર્શન હેઠળ કરી શકે છે એમ જણાવતાં સંદીપ દેસાઈ કહે છે, ‘તાઈ ચીની ફિલોસૉફી તદ્દન અલગ છે. એમાં દરેક મૂવમેન્ટ સ્લો કરવાની હોય છે અને સર્ક્યુલર મોશનમાં કરવાની હોય છે. સર્ક્યુલર મોશન ઘણું પાવરફુલ હોય છે. ઉદાહરણ આપું તો જ્યારે સીધો પવન ફોર્સમાં આવતો હોય તો એટલું નુકસાન નથી થતું, પણ આ જ પવન સર્ક્યુલર ફૉર્મમાં વંટોળનું સ્વરૂપ લે ત્યારે તબાહી મચાવે છે. સર્ક્યુલર ફૉર્મમાં પાવર વધી જાય છે અને એ સમયે એનાથી બચવું અને એનો પ્રતિકાર કરવો પણ અશક્ય બની જાય છે. તાઈ ચી આ ફિલસૂફી પર કામ કરે છે. ધ્યાન, અધ્યાત્મ, આત્મરક્ષા, આરોગ્ય તથા તત્ત્વજ્ઞાનની અભિવ્યક્તિ તાઈ ચીનાં પાંચ અંગ છે. કરાટે જૅપનીઝ માર્શલ આર્ટ છે, જ્યારે તાઈ ચી ચીની માર્શલ આર્ટ છે જેમાં જ્યાં સુધી માસ્ટરી ન આવે ત્યાં સુધી એક જ મોશનને રિપીટ કર્યા કરવાનું હોય છે. ઘણા લોકો તાઈ ચીની તાલીમ જોઈને કહે છે કે આ તો માત્ર એક પ્રકારની એક્સરસાઇઝ છે, એનાથી શું થશે? પણ એવું નથી. તાઈ ચીની એક્સરસાઇઝ એવી હોય છે જે શરીરમાં રહેલી ઊર્જાને પ્રોત્સાહિત કરે છે. નિયમિત અભ્યાસથી શરીરમાં ઊર્જાનો એટલોબધો ફ્લો વહેવા માંડે છે કે માણસ ચાહે તો હાથથી પથ્થરને પણ તોડી શકવા સમર્થ બની શકે છે. આ તાઈ ચી માર્શલ આર્ટનું ડેડલી ફૉર્મ છે અને સેલ્ફ-ડિફેન્સ માટે એનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. એનું કારણ એ છે કે જે માણસ ઉપર આ આર્ટનો ઉપયોગ થાય છે તે એક જ ઝટકામાં હોશ ગુમાવીને નીચે ગબડી જાય છે.’
હાલમાં સંદીપ દેસાઈ હૉલીવુડના પ્રખ્યાત સ્ટન્ટ-ડિરેક્ટર ટૅરી નોટરીની સાથે કામ કરી રહ્યા છે અને રણબીર કપૂર અને સઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’ કરી રહ્યા છે જેમાં અત્યારે રણબીર કપૂરને ટ્રેઇનિંગ આપી રહ્યા છે. પોતાની જાતને ફિટ રાખવા તેઓ ૧૫ વર્ષથી રાંધ્યા વગરનો કાચો ખોરાક જ લે છે અને આજની તારીખમાં પણ કલાકો સુધી તાઈ ચીનો અભ્યાસ કરે છે.

