આજે નીરેન ભટ્ટ બૉલીવુડની ટોચની કંપની મૅડૉક ફિલ્મ્સના હૉરર કૉમેડી યુનિવર્સના કો-ક્રીએટર બની ગયા છે ત્યારે તેમની પ્રેરણારૂપ લેખનસફરનો સાક્ષાત્કાર કરીએ
નીરેન ભટ્ટ
‘બે યાર’ દ્વારા ગુજરાતી ફિલ્મજગતમાં બદલાવનો અને ‘સ્ત્રી 2’ દ્વારા હિન્દી ફિલ્મજગતમાં સફળતાનો નવો અધ્યાય લખાયો. આ બન્ને ફિલ્મના રાઇટર છે નીરેન ભટ્ટ. મૂળ ભાવનગરના નીરેન ભટ્ટ આ ઉપરાંત ‘રૉન્ગ સાઇડ રાજુ’ અને ‘વેન્ટિલેટર’ જેવી ગુજરાતી ફિલ્મો; ‘બાલા’, ‘ભેડિયા’, ‘મુંજ્યા’ જેવી હિન્દી ફિલ્મો; ‘ઇનસાઇડ એજ’ અને ‘અસુર’ જેવી વેબ-સિરીઝ; ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જેવી ટીવી-સિરિયલ તથા અનેક ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં ગીતો લખી ચૂક્યા છે. આજે નીરેન ભટ્ટ બૉલીવુડની ટોચની કંપની મૅડૉક ફિલ્મ્સના હૉરર કૉમેડી યુનિવર્સના કો-ક્રીએટર બની ગયા છે ત્યારે તેમની પ્રેરણારૂપ લેખનસફરનો સાક્ષાત્કાર કરીએ
દરેક ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી ઘણુંબધું થઈ ચૂક્યું હોય છે, પણ જે થઈ ચૂક્યું છે અને થઈ રહ્યું છે એ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક એક ગૅપ હોય છે જેને આપણે અવકાશ કહીએ છીએ. આ ગૅપને ઓળખવો જરૂરી છે. જોકે ફક્ત ઓળખવાથી વાત બનતી નથી. એ અવકાશને પૂરવાની ક્ષમતા પણ તમારામાં હોવી જરૂરી છે. ઘણા લોકો છે જે સમજી શકે છે કે આ કામમાં આ પ્રકારનો અવકાશ છે, પણ જે લોકો એને વ્યવસ્થિત પૂરી શકે એ વ્યક્તિ સફળ બને છે. મારા મતે સફળતાનો કોઈ બીજો મંત્ર નથી.
ADVERTISEMENT
આ શબ્દો છે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની આજ સુધીની બૉક્સ-ઑફિસ પર સૌથી સફળ સાબિત થનારી ફિલ્મ ‘સ્ત્રી 2’ના લેખક નીરેન ભટ્ટના. ‘સ્ત્રી 2’ની સફળતા માટે કહેવાય છે કે કોઈ સુપરસ્ટાર વગર પણ પ્રેક્ષકોએ વાર્તાને જ હીરોનું સ્થાન આપીને આ ફિલ્મને આટલી પસંદ કરી છે. નીરેનભાઈની બીજી ઓળખ એ છે કે ગુજરાતી ફિલ્મોનું જે નવું સ્વરૂપ આપણી સામે આવ્યું છે - જેને ઘણા લોકો ગુજરાતી ફિલ્મોનો પુનર્જન્મ ગણે છે - એ સ્વરૂપની શરૂઆત ‘બે યાર’ નામની સુપરહિટ ફિલ્મથી થઈ હતી એ ફિલ્મ પણ તેમણે જ લખી છે. આમ હિન્દી અને ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી બન્નેમાં એક બદલાવ અને સફળતાના નવા અધ્યાયો આ લેખકની કલમે લખાયા છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી.
નાનપણ
મુંબઈમાં કાંદિવલીમાં રહેતા ૪૬ વર્ષના નીરેન ભટ્ટ મૂળ ભાવનગરના છે. ભાષા અને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ તેમને તેમનાં મમ્મી અને દાદી પાસેથી મળ્યો છે એમ જણાવતાં નીરેનભાઈ કહે છે, ‘મારાં મમ્મી ભાવનગર યુનિવર્સિટીમાં સોશ્યોલૉજી અને સાઇકોલૉજીનાં પ્રોફેસર હતાં. મારાં દાદી સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતાં એટલે અમારું ઘર પુસ્તકોથી ભરેલું હતું. સ્કૂલમાં મને યાદ છે કે ત્રીજા ધોરણમાં મેં પહેલું નાટક લખેલું. હું સ્કૂલમાં હતો, પણ મારાં મમ્મી એ વખતે મને યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં લઈ જતાં. વળી ભાવનગરમાં ગીતો અને સુગમ સંગીતનો માહોલ પણ ખૂબ સારો. આ બધું નાનપણથી જ અંદર રેડાયું છે.’
ભણતર
નીરેનભાઈ ભણવામાં ખૂબ હોશિયાર હતા. તેમણે એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું છે અને MBA પણ કર્યું છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેઓ ફકત સફળ લેખક તરીકે નહીં, સૌથી વધુ ભણેલા લેખક તરીકે પણ પ્રખ્યાત છે. તેમણે એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ભાવનગરથી અને અનુસ્નાતક એટલે કે માસ્ટર્સ ડિગ્રી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી લીધી, જ્યારે MBA મુંબઈથી કર્યું. જો નાનપણથી લેખન અને નાટકોમાં રસ હતો તો સાયન્સ લેવા પાછળનું શું કારણ? આ પ્રશ્નનો જવાબ આપતાં નીરેનભાઈ કહે છે, ‘અમે જ્યારે નાના હતા ત્યારે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેઓ સાયન્સ જ લેતા. જે મીડિયમ હોય કે જે બિઝનેસ ફૅમિલીમાંથી હોય તેઓ કૉમર્સ લેતા અને બચેલા ઠોઠ વિદ્યાર્થીઓ આર્ટ્સમાં જતા. જોકે અમારા જમાનામાં ભણતર અને કરીઅર બન્ને એક જ હોય એવું જરૂરી નહોતું. એવું જરાય નથી કે આર્ટ્સ લેત તો હું વધુ સારો લેખક બનત. એન્જિનિયરિંગ અને મૅનેજમેન્ટ શીખવાના પણ ભરપૂર ફાયદા એક લેખક તરીકે મને થયા છે. વ્યવસ્થિત અપ્રોચ અને દરેક વસ્તુને નાના-નાના ભાગમાં વિભાજિત કરીને સમજવાની સ્કિલ્સ મેં અહીં શીખી છે. લેખક બનવા માટે ફક્ત ભાષાજ્ઞાન જરૂરી નથી, જીવનના અઢળક અનુભવો અનિવાર્ય છે. આથી જ દરેક લેખક અલગ હોય છે, તેમની વાર્તાઓ અને તેમનો અભિગમ પણ અલગ હોય છે.’
રંગમંચ સાથેનું જોડાણ
નીરેનભાઈના મામા વિનય દવે હાસ્યલેખક છે. બાળકો વેકેશનમાં મામાના ઘરે જાય એમ નીરેનભાઈ ભાવનગરથી અમદાવાદ જતા અને મામા સાથે બેસતા. એ પછી મામા-ભાણાએ મળીને ગીતોનું એક આલબમ પણ બહાર પાડેલું. વળી નાનપણથી તેમણે રમેશ પારેખ, કનૈયાલાલ મુનશી, અનિલ જોશીને વાંચેલા. ગદ્ય અને પદ્ય બન્નેમાં તેમને એટલો જ રસ હતો. તેમના જૂના દિવસો યાદ કરતાં નીરેનભાઈ કહે છે, ‘રંગમંચ સાથે પહેલેથી પ્રેમ હતો મને. જ્યારે એન્જિનિયરિંગ ભણવા વડોદરા ગયો ત્યારે ત્યાંની પર્ફોર્મિંગ આર્ટ્સ ફૅકલ્ટીના લોકો સાથે જોડાઈને મેં ખૂબ નાટકો કર્યાં. ફક્ત લખ્યાં નહીં; ઍક્ટિંગ પણ કરી, ડિરેક્શન પણ કર્યું. બધું જ શીખવામાં, કરવામાં રસ પડતો અને મજા આવતી. આ મજા જ છે જે તમારું પ્રેરકબળ છે. એ પછી MBA કરવા મુંબઈ આવ્યો ત્યારે ત્યાંનાં નાટકોમાં કામ શરૂ કરી દીધું હતું.’
બે-બે કરીઅર
MBA પૂરું કર્યા પછી નીરેનભાઈ કૉર્પોરેટ જૉબમાં જોડાયા. ૨૦૦૭થી ૨૦૧૧ સુધી તેમણે આ જૉબ કરી. એ સમય દરમ્યાન તેમણે નાટકોમાં નાનું-નાનું કામ ચાલુ રાખ્યું, પણ વધુ કામ કરી શકતા નહોતા કારણ કે જૉબ જરૂરી હતી. એ દિવસો યાદ કરતાં નીરેનભાઈ કહે છે, ‘દરેક વ્યક્તિના જીવનમાં અમુક સમયે પ્રશ્નો ઊભા થાય કે શા માટે તમે જીવો છો? તમારું નિર્માણ શેના માટે થયું છે? ત્યારે મારો એ સમય હતો. મને લાગ્યું કે મને ક્રીએટિવ કામ જ કરવું છે; પણ તકલીફ એ હતી કે મારી નોકરી સારી હતી, ભણતર સારું હતું અને કમાઈ પણ. એટલે જ લગભગ ૪-૫ વર્ષ મેં બે-બે કરીઅર સાથે ચલાવી. એક સમયે હું ક્રાઇમ શો પણ લખતો હતો. ભાવનગરના પત્રકારમિત્રોને ફોન કરી-કરીને તેમણે કવર કરેલી સ્ટોરીઓ પૂછતો. ત્યારે તેઓ મને કહેતા કે ભાઈ, તું આટલો ભણેલો છો, આટલી સારી જૉબ છે, ક્યાં તું આવી વાર્તાઓના રવાડે ચડે છે? ત્યારે હું એટલું જ કહેતો કે હા, મને ગમે છે.’
નિષ્ફળતાના કોળિયા
સફળતાનો સ્વાદ ચાખતાં પહેલાં નિષ્ફળતાના કેટલા કડવા કોળિયા તમે ભર્યા છે? આ પ્રશ્નના જવાબમાં હસતાં-હસતાં નીરેનભાઈ કહે છે, ‘મારા તો જમણની શરૂઆત જ એનાથી થઈ છે. મુંબઈમાં મારું પહેલું કમર્શિયલ નાટક હતું જેના પ્રોડ્યુસર ઉમેશ શુક્લ હતા. એ નાટકનું નામ ‘રિટર્ન ટિકિટ’ હતું જેમાં અમુક મિત્રો તેમના ગયા જન્મમાં એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હતા એની વાત હતી. એનો પ્રીમિયર શો હતો અને એ દિવસે મ્યુઝિકની ફાઇલ કરપ્ટ થઇ ગઈ તો લોકોને ટિકિટના પૈસા પાછા આપવા પડેલા. શોનું નામ ‘રિટર્ન ટિકિટ’ હતું અને ટિકિટો પણ રિટર્ન થઈ ગઈ. એ સમયે પ્રોડ્યુસર વિપુલ શાહની સબ ટીવી પર એક સિરિયલ શરૂ થઈ હતી. દેવેન ભોજાણી એને ડિરેક્ટ કરવાના હતા જેમાં મને મુખ્ય લેખક તરીકે કામ મળ્યું હતું. મને લાગ્યું કે આ સેફ ગેમ છે, આ શો તો ચાલશે જ એમ વિચારીને મેં જૉબ મૂકી દીધી અને બે જ મહિનામાં શો બંધ થઈ ગયો. હાલત ખરાબ થઈ ગઈ. હવે બે રસ્તા હતા. કાં તો ફરી કૉર્પોરેટ જૉબમાં ઘૂસી જાઉં અને નહીંતર કંઈ પણ કરીને આ જ કામ પકડી રાખું. મેં વિચાર્યું કે જે કામ મળશે એ કરીશ પણ લેખન નહીં મૂકું અને ખરેખર જે કામ મળ્યું એ બધું જ મેં કર્યું.’
કૉમ્પ્રોમાઇઝ કે આવડત?
ઘણા ક્રીએટિવ લોકો પોતાના કામ સાથે કૉમ્પ્રોમાઇઝ કરવા નથી માગતા, તેમને પોતાની ચૉઇસનું કામ જ કરવું હોય છે. તમને એવું નથી થતું કે મારે જે પ્રકારની વાર્તાઓ લખવી છે એ આ નથી? આ પ્રશ્નનો જવાબ આપતાં નીરેનભાઈ કહે છે, ‘અમુક ક્રીએટિવ લોકો પાસે એવો પ્રિવિલેજ હોય છે. જો તમે કુંવારા હો, જો તમે એકદમ યુવાન હો તો વિચારો કે હું તો આવું કામ મળે તો જ કરીશ, બાકી નહીં કરું. એ સમયે હું ફક્ત પરણેલો જ નહોતો, મારી નાની દીકરી પણ હતી એટલે મને એવું પોસાય નહીં. બીજું એ કે દરેક કામ આખરે કામ છે. એ તમને ઘણું શીખવી જાય છે. કંઈ જ કામ ન કરીને ઘરે બેસીને પોતાના મનગમતા કામની રાહ જોતાં-જોતાં દિવસો પસાર કરીએ તો શીખી ન શકાય. જે કામ મળે એ કરવાથી અનુભવો ભેગા થાય જે તમને શીખવે છે. મેં આજ સુધી દરેક વાર્તા, દરેક ગીત, દરેક નાટક અને દરેક સ્ક્રિપ્ટ જાતે જ લખી છે. મારી નીચે લેખકોની કોઈ ટીમ નથી. હું અને મારું લૅપટૉપ બે જણ હોઈએ અને મારી બાજુમાં મારો ડૉગી પેબ્રો આવીને બેસે છે અને મારું કામ ચાલે છે.’
ગુજરાતી સિનેમા
નીરેનભાઈએ એ પછી ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ શો ૨૦૧૨થી ૨૦૧૯ સુધી લખ્યો જેના દ્વારા સફળતાની શરૂઆત થઈ. એ દરમ્યાન તેમની મુલાકાત ‘કાનજી વિરુદ્ધ કાનજી’ નાટકના લેખક ભાવેશ માંડલિયા સાથે થઈ. તેમણે તેમની મુલાકાત પ્રોડ્યુસર અભિષેક જૈન સાથે કરાવી. તેમના માટે ભાવેશભાઈ અને નીરેનભાઈએ સાથે એક વાર્તા ડેવલપ કરી જે હતી પ્રતીક ગાંધી અને દિવ્યાંગ ઠક્કર અભિનીત ફિલ્મ ‘બે યાર’. એ ફિલ્મ આવી એ પહેલાંનું ગુજરાતી સિનેમા આજ જેવું નહોતું. આ મહાબદલાવ સમજી-વિચારીને લાવવામાં આવ્યો કે બસ, થઈ ગયું? એ વિશે વાત કરતાં નીરેનભાઈ કહે છે, ‘ગુજરાતી સિનેમામાં અમે શહેરી ઑડિયન્સ લાવવા ઇચ્છતા હતા. પહેલાં જે ફિલ્મો બનતી એમાં તળપદી ભાષા અથવા તો એકદમ ક્લિષ્ટ ભાષાનો જ ઉપયોગ થતો. અમને થયું કે આપણી બોલચાલની ભાષામાં કેમ ફિલ્મ ન બનાવાય? એવી ભાષા વાપરીશું તો લોકોને પોતીકી લાગશે. બીજું એ કે હિન્દી સિનેમામાં પણ જે યુથનું રિપ્રેઝન્ટેશન છે એ મને હંમેશાં ખૂંચતું. યુવાનો એટલે દારૂ પીને ક્લબમાં નાચતા હોય કે બસ જીવનમાં જલસા જ કરતા હોય એવું નથી. અમે જ્યારે મોટા થયા ત્યારે મારી આજુબાજુના યુવાનો ખૂબ મહેનતુ હતા, CAT જેવી એક્ઝામની તૈયારી ખંતથી કરતા, તેમને જીવનમાં કશું બનવું હતું, બહારની યુનિવર્સિટીમાં જવા માટે લાગી પડતા. એટલે મને એવા યુવાનોની વાત લોકો સુધી પહોંચાડવી હતી. ત્રીજું એ કે એ પહેલાં ગુજરાતી ફિલ્મોમાં કાં તો લોકગીત, કાં તો ભજન કે સુગમ સંગીત જ વાપરવામાં આવતાં. અમને એવું સંગીત જોઈતું હતું જે યુવાનોને અપીલ કરે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમે ફિલ્મ બનાવી અને બસ, પછી જે રચાયું એ ઇતિહાસ છે.’
બૉલીવુડમાં જગ્યા મેળવવી કેટલી અઘરી
ભાવનગરના એક કાઠિયાવાડી છોકરા માટે બૉલીવુડમાં જગ્યા મેળવવી કેટલી અઘરી છે? એમાં પણ ખાસ કરીને જ્યારે તે રીજનલ સિનેમાનો કે ટીવીનો લેખક રહી ચૂક્યો હોય ત્યારે. આ પ્રશ્નનો જવાબ આપતાં નીરેનભાઈ કહે છે, ‘અઘરું તો છે. કોઈ આપણને ઓળખે નહીં એટલે દરેક વખતે કામ જ તમારી ઓળખ બને. જો તમારા પર કોઈને ભરોસો ન હોય તો કામ કરીને જ તમે તેમનો ભરોસો જીતી શકો. કામ સારું કરીએ એટલે લોકો ધીમે-ધીમે માનતા થાય કે ના, તમને કામ આવડે છે. નાનપણથી મારી હિન્દી અને ઉર્દૂ બન્ને ભાષા પર પકડ સારી છે કારણ કે મેં આ ભાષાનાં પુસ્તકો વાંચ્યાં છે. મેં વર્લ્ડ સિનેમા જોયું છે. મને સાહિત્યમાં ખૂબ રસ છે અને જુદાં-જુદાં સાહિત્યો મેં વાંચ્યાં છે. વ્યાકરણ અને ઉચ્ચારણ બન્ને મેં રસથી શીખેલાં છે. ‘એક રે’ નામની વેબસિરીઝ હતી જેમાં અમુક ઉર્દૂ શબ્દો ગજરાજ રાઓ અને મનોજ બાજપાઈ જેવા કલાકારોને પણ નહોતા ખબર. તેમને એનો અર્થ સમજાવવા અને એના ઉચ્ચારો શીખવવા હું સેટ પર રહેતો. ભરેલી થાળી મને નથી મળી અને મેં દરેક કોળિયા માટે મહેનત કરી છે એનો મને આનંદ છે, કારણ કે એ જ તમારા જીવનરસને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.’
ગુજરાતી-હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી
ગુજરાતી અને હિન્દી બન્ને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બહોળું કામ કર્યા પછી બન્ને વચ્ચેનો મૂળભૂત તફાવત જણાવતાં નીરેનભાઈ કહે છે, ‘ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આખા યુનિટમાં મુખ્ય ચાર વ્યક્તિ સિવાયની બધી શિખાઉ વ્યક્તિ હોય છે, કામનો વધુ અનુભવ તેમને હોતો નથી. જોકે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એકદમ સ્કિલ્ડ લોકો હોય છે. તેમને અનુભવ તો છે જ, સાથે આવડત પણ ઘણી વધુ હોય છે જેને લીધે કામમાં વ્યવસ્થિતતા વધુ હોય છે; પરંતુ એને કારણે અહીં સ્ટાર-સિસ્ટમ સ્ટ્રૉન્ગ છે. જેઓ શીખેલા છે તેઓ જ કામ કરે છે, બહારની વ્યક્તિઓ સરળતાથી કામ ન કરી શકે. ગુજરાતીમાં એવું નથી. દરેક વ્યક્તિ અહીં કામ કરી શકે છે. ઊલટું કોઈ ટ્રેન્ડ બન્યો નથી એટલે તમે જે કામ કરો એ ટ્રેન્ડ બની જાય છે. આજકાલ ઘણું કામ વધી ગયું છે. એટલે ગુજરાતી ફિલ્મો લખવાનો સમય નથી રહેતો, પરંતુ ગુજરાતી ગીતો હજી પણ લખું છું. એ મને લખવાં ખૂબ ગમે છે.’
લેખકનું નામ
મૅડૉક ફિલ્મ્સ નામના પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવેલા હૉરર કૉમેડીના યુનિવર્સમાં જેમાં ‘સ્ત્રી’, ‘ભેડિયા’, ‘મુંજ્યા’ જેવી ફિલ્મો આવે છે એમાં કો-ક્રીએટરનું બિરુદ પામેલા નીરેન ભટ્ટની ‘સ્ત્રી 2’ની સફળતા પછી ખાસ્સી નામના વધી છે. એક લેખકને કો-ક્રીએટરનું બિરુદ મળે એવી ઘટના ભાગ્યે જ બને છે. એક સમયે સલીમ-જાવેદની પ્રસિદ્ધિ એટલી હતી. બાકી સંપૂર્ણ સ્ટોરી તેની હોવા છતાં, આખું વિશ્વ તેણે રચેલું હોવા છતાં એક લેખક હંમેશાં પોતાની ઓળખ અને ખ્યાતિ માટે લડતો જોવા મળે છે. તો શું આ બદલાવને લેખકોનો સુવર્ણયુગ માની શકાય? એનો અદ્ભુત જવાબ આપતાં નીરેન ભટ્ટ કહે છે, ‘સલીમ-જાવેદ પણ ઇતિહાસ એટલે રચી શક્યા કારણ કે ૨૫માંથી ૨૩ ફિલ્મો તેમણે સુપરહિટ આપી હતી. બાકી લેખકોની સ્થિતિ તો સદીઓથી આવી જ છે. દરેક વ્યક્તિને ભીમ, અર્જુન, કર્ણ કે અશ્વત્થામા યાદ છે અને ઘણી જગ્યાએ તેમનાં મંદિરો બનાવવામાં આવ્યાં છે, લોકો માને છે કે આ પાત્રો અમર છે; પણ કોણ વેદવ્યાસને યાદ કરે છે? તેમનું તો એક પણ મંદિર નથી. જો આ મહાન ગ્રંથના લેખક પણ પુસ્તકનાં પાનાં પાછળ સંતાયેલા રહી જતા હોય તો અમારા બધાનું તો શું ગજું? અમે વાર્તા લખીએ છીએ, પાત્રો બનાવીએ છીએ. એ વાર્તા યાદગાર થઈ જાય, પાત્રો અમર થઈ જાય બસ, એ જ અમારું કામ છે.’
સફળતાનું મહત્ત્વ
‘સ્ત્રી 2’ની ધરખમ સફળતા તમારા માટે કેટલી મહત્ત્વની છે અને એની અસર તમારા પર શું છે? આ પ્રશ્નનો જવાબ આપતાં નીરેનભાઈ કહે છે, ‘ઝાકિર હુસૈનને તેમના ઑડિયન્સમાં ૫૦ જણ હોય કે ૫૦૦૦, ફરક પડતો નથી. તે તો તબલાં વગાડવાના જ છે. જોકે ઑડિયન્સ તરફથી વાહ ઉસ્તાદ સાંભળવા મળે તો તેમની થાપ થોડી વધુ દમદાર પડે. એમ સફળતા મળે કે ન મળે, હું તો લખવાનો જ છું; પરંતુ સફળતા એટલે મહત્ત્વની છે કે તમે જે પણ લખો છો એ લખાણમાં આત્મવિશ્વાસ વધે છે. તમે કોઈ પણ વાત કે કોઈ પણ વિચારને વધુ દૃઢતાપૂર્વક કહી શકો છો, લખી શકો છો. આમ એ સફળતા મહત્ત્વની છે.’
નીરેન ભટ્ટની ફિલ્મોગ્રાફી
ગીતકાર તરીકેની ગુજરાતી-હિન્દી ફિલ્મો
ફગલી, ગોલુ ઔર પપ્પુ, બે યાર, દાવ થઈ ગયો, તું તો ગયો, દુનિયાદારી, ચોર બની થનગાટ કરે, તંબૂરો, પપ્પા તમને નહીં સમજાય, બેસ્ટ ઑફ લક લાલુ, લવની ભવાઈ, ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ, લવયાત્રી, શરતો લાગુ, ચાલ જીવી લઈએ, સાહેબ, ધુનકી, વેન્ટિલેટર, ગજબ થઈ ગયો, વિકીડાનો વરઘોડો, પ્રેમપ્રકરણ, હેય! કેમ છો લંડન, ચબૂતરો, ઓમ મંગલમ સિંગલમ, ધ બકિંગમ મર્ડર્સ
હિન્દી ફિલ્મો લેખક તરીકે
ઑલ ઇઝ વેલ, લવ વિલ ટેકઓવર, મેડ ઇન ચાઇના, બાલા, ભેડિયા, મુંજ્યા, સ્ત્રી 2 - સરકટે કા આતંક
ગુજરાતી ફિલ્મો લેખક તરીકે
બે યાર, રૉન્ગ સાઇડ રાજુ, વેન્ટિલેટર
ટીવી અને વેબસિરીઝ લેખક તરીકે
જીની ઔર જુજુ, ઇનસાઇડ એજ, અસુર, સિરિયસ મૅન, રે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા, ભાઈ-ભૈયા ઔર બ્રધર

