શિયાળામાં આવું કોઈ ક્યે તો સારાયે લાગીએ પણ આ જગતની માલી પાર એવાયે લોકો છે જેને રોજેરોજ નાવું પણ પાપ લાગે છે
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
મને મુંબઈની એક વાતની ઈર્ષ્યા આવે. માળા બેટા એ લોકો ફૅશન માટે શિયાળામાં સ્વેટર લ્યે. અમારા ગુજરાત ને એમાંય કાઠિયાવાડની વાત સાવ નોખી. અમારે સ્વેટર લીધા પછી માથે જૅકેટ પેરવું પડે ને પછી હાથમોજાંયે ઠઠાળવાં પડે ને કાનપટ્ટી બાંધીને નાકનેયે રક્ષણ દેવું પડે, નઈ તો અમે આખેઆખા થીજી જાય.
એવું માનતા નઈ કે આ શિયાળાનો લેખ વે’લો મોકલાવી દીધો, પણ આ તો ચોમાસુ જાવાના સમાચાર વાંચીને શિયાળાની અસર વર્તાવા લાગી એટલે વાત માંડી, પણ આ વાતમાં મેઇન વાત તો છે ના’વાને લગતી. ગુજરાતીઓમાંથી કેટલાક ગુજરાતીઓમાં એક ખાસિયત કૉમન છે, એ નવડાવી દેવામાં પાછું વાળીને જુએ નઈ ને ના’વાની વાત આવે ત્યારે મૂરત જોવા બેસી જાય. આપણા ગુજરાતીમાંથી કેટલાક વળી એવાયે ખરા જે ભલભલાના ભેજાને કસરતે ચડાવી દ્યે પણ પોતાને કસરત કરવાની આવે તો જાતજાતનાં ને ભાતભાતનાં બા’નાં કાઢે. એક ખાનગી વાત જાહેરમાં કહું, દર શિયાળે મારી એક ઇચ્છા રહી છે કસરત કરવી અને મજાની વાત એ છે કે મારી આ ઇચ્છા ક્યારેય પૂરી નથી થઈ. આવું જ દર ૩૧ ડિસેમ્બરે પણ મારી ભેગું થાય. હું કાંય પણ રેઝલ્યુશન લઉં અને બીજા દિવસે ધબાય નમ થઈ જાય. કહેવાનો ભાવાર્થ એટલો કે હું નક્કી કરું એવું ન તો મારી આજુબાજુવાળા કરે છે કે ન તો મારો માંહ્યલો કરે છે એટલે હમણાં મેં રેઝલ્યુશન લીધું કે ક્યારેય કોઈ રેઝલ્યુશન લેવું નઈ.
ન દેખવું, ન દાઝવું.
આટલું નક્કી કર્યા પછી મેં નક્કી કર્યું કે કર્યું કામ. હાલો, આપણે કાલથી જ કસરત ચાલુ કરી દઈ, પરંતુ ફરી એક વાર નસીબે યારી ન આપી. સવાર પડતાં આંખ એવી ઘેરાવા માંડી, એવી ઘેરાવા માંડી કે થ્યું કે કહેવત કાનમાં આવીને જાતે બોલવા માંડીઃ સૂતા જેવું સુખ નઈ, જાગ્યા જેવું દુઃખ નઈ.
મારા સંકલ્પો ફરી એક વાર કેજરીવાલની જેમ નિરર્થક ઉદ્યમ સાબિત થયા. નાગદમન વખતે બાલકૃષ્ણની સામે નાગપત્નીઓએ એના પતિને જગાડવા જેટલા પ્રયત્નો કર્યા હતા એટલા જ પ્રયત્નો સવારમાં મારી એકની એક પત્ની દ્વારા કરવામાં આવ્યા, પરંતુ આ કે.કે. (અર્થાત કુંભકર્ણની) નિદ્રામાં અને આળસરૂપી અપ્સરાની બાહુપાશમાં જકડાયેલું મારું શરીર પત્નીના પ્રયત્નોને સફળતા આપતું નથી. અંતે પત્ની કટુવાક્યો અને વ્યંગબાણોનો વરસાદ વરસાવે છે. એકાદ ઉદાહરણ ટાંકું તો...
‘મોટા ઉપાડે કે’તા’તા કે કસરત કરવી છે હં.... (મોટેથી ત્રણ વાર) તમારાથી શરત થાય, કસરત નઈ...’
આ અને આ પ્રકારનાં વાક્બાણોનો કર્કશ ધ્વનિ સતત ચાલુ રહ્યો પણ મિત્રો, હું મારા ગાદલામાં મારી નિદ્રાશક્તિના પ્રબળ ઉપયોગથી પહોંચવા નથી દેતો એટલે અંતિમ ઉપાયના ભાગરૂપે દુઃશાસને જે ભાવથી દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું એના કરતાં પણ વધુ બળથી મારું શાલહરણ કરવામાં આવે છે. આ શાલહરણની તાકાત જોઈને મને દર વખતે વિચાર આવે કે દુઃશાસન મારો સાળો તો નહીં હોયને?!
અને તરત જ બીજો વિચાર પણ આવે, ક્યાં છે કૃષ્ણ?
અફસોસ, કે એવે ટાણે જ કૃષ્ણ બિઝી હોવાને લીધે દ્રૌપદીની જેમ મને સહાય સાંપડતી નથી અને મારી એકની એક શાલનું અનાવરણ થાય છે. પાતળા સિલ્કના જર્જરીત નાઇટ ડ્રેસમાં થરથરતી મારી કાયા કોચવાતા મને જાગી ઊઠે છે.
સ્વામીનાથને જગાડ્યાનો પરમ આનંદ પત્નીના ચહેરા પર સ્પષ્ટ વંચાય છે. સવારે સાડાપાંચની જાગી ગયેલી પત્ની સાડાઆઠે મને જગાડવામાં માંડ સફળ થાય છે. તેનો ક્રોધ પણ આંખોમાં વંચાય છે. અગેઇન સ-શાલે પત્ની ઉવાચ.
‘હવે જો સૂતા તો આજે નહીં જ ઉઠાડું...! ને બીજી વાર ચા પણ નહીં મૂકું...!’
તરત જ મનમાં બીજો વિચાર આવે, દુઃશાસન મારો સાળો હોય કે નઈ; મારી વાઇફ મુંબઈના ભાઈલોગની તો બેન નક્કી હશે અને એટલે જ તે આવી, ભાઈલોગ જેવી ધમકીઓથી મારી સવાર પાડે છે.
ચોળતી આંખે મનોમન મને એક વિચાર આવે કે મને એક દિવસ ઊઠવામાં કષ્ટ પડે છે. આ પેઢીઓને આખેઆખી ઊઠી જાતાં કેમ જીવ હાલતો હશે!
વેલ, વણશાલે પલંગ પર બેઠેલો હું પછી ભરતનાટ્યમની કોઈ શૃંગારિક મુદ્રા કરતો હોઉં એમ આળસ મરડું છું અને મારાં બગાસાંઓથી બેડરૂમ ગુંજી ઊઠે છે. ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવાર જે રીતે વિજયની હેટ્રિક મારનાર મુખ્ય પ્રધાનને નિહાળે, સેમ ટુ સેમ એ જ ભાવથી સ્થિતપ્રજ્ઞ અને ભગ્ન હૃદયે (?) મેં મારી સામે ઊભેલી પત્નીને કશું કહ્યા વગર માત્ર જોયા કરી. આંખોમાંથી ભ્રષ્ટાચારરૂપી ચીપડાઓ કાઢ્યા બાદ ‘હું જાગી ગયો છું અને હવે પાછો નિદ્રાધીન નહીં જ થાઉં!’ એવો અટલ વિશ્વાસ પત્નીને ઇશારાના હાવભાવથી આપું છું. જોકે આ દેશમાં એવા કરોડો પતિદેવો છે જે હવે જાગતાંની સાથે ભગવાનને નથી ગોતતા, પણ મોબાઇલને ગોતે છે.
‘ક્યાંક કો’કના ન આવવાના મેસેજ તો રાતે નથી આવી ગ્યાને કે પછી કોઈ મિસનો મિસ-કૉલ વાઇફની નજરે નથી ચડ્યોને!’
મોબાઇલ હાથમાં લેતાં જ દરેક પુરુષના મગજને હેવી કમાન્ડ મળી જાય છે. પતિદેવ તરીકે મેં પણ અમુક અનિવાર્ય અનિષ્ટોના વૉટ્સઍપિયા મેસેજ ડિલીટ/ફૉર્વર્ડ કર્યા, ત્યાં વળી પાછી પત્નીની ઉષ્ણોદક ઉપસ્થિતિ થઈ.
‘હજી તમે મોબાઇલમાં શું પડ્યા છો, ના’વા જાવ, બે દી’થી નાયા નથી.’
અને મને અંતઃસ્ફુરણા થાય છેઃ રોજેરોજ નાય એને ગાલ પચોળિયાં થાય.
હું જવાબ આપું એ પહેલાં જ વાઇફ ઉવાચે છે, ‘મનમાં જે જવાબ આયવો છે એને કાર્યક્રમ માટે અકબંધ રાખી હવે નાહી નાખો. બીજા કોઈના નામનું નહીં તો કસરતના નામનું નાહી નાખો, જાવ...’


