Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ડ્રાય કરેલાં ફ્રૂટ્સમાં કોઈ પણ પ્રિઝર્વેટિવ નાખ્યા વિના એને ચિપ્સની જેમ ખાઈ શકાય?

ડ્રાય કરેલાં ફ્રૂટ્સમાં કોઈ પણ પ્રિઝર્વેટિવ નાખ્યા વિના એને ચિપ્સની જેમ ખાઈ શકાય?

Published : 12 February, 2026 12:49 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

હા, આ પ્રકારનું સ્ટાર્ટઅપ કર્યું છે માટુંગામાં રહેતા રાહિલ ઠક્કરે, એ વિશે વાત કરીએ..

માટુંગામાં રહેતા રાહિલ ઠક્કરને પોતાના સ્ટાર્ટઅપનો આઇડિયા કેવી રીતે આવ્યો અને એની જર્ની કેવી રહી એ ખરેખર જાણવા જેવું છે

માટુંગામાં રહેતા રાહિલ ઠક્કરને પોતાના સ્ટાર્ટઅપનો આઇડિયા કેવી રીતે આવ્યો અને એની જર્ની કેવી રહી એ ખરેખર જાણવા જેવું છે


હા, આ પ્રકારનું સ્ટાર્ટઅપ કર્યું છે માટુંગામાં રહેતા રાહિલ ઠક્કરે. હેલ્ધી સ્નૅકિંગ વિદેશમાં પૉપ્યુલર થઈ રહ્યું છે ત્યારે ભારતમાં પણ ફૂડ ટેક્નૉલૉજીની મદદથી સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર એવાં ફળો, કૅન્ડીઝ અને આઇસક્રીમનું ડ્રાય વર્ઝન બનાવતી ક્રન્ચીફાય નામની તેણે શરૂ કરેલી આ બ્રૅન્ડની ખાસિયત શું અને એ કઈ રીતે શરૂ થઈ એ વિશે વાત કરીએ

નાનપણથી એન્જિનિયરિંગ કરવાનું વિચારનારા યુવાને લગભગ બે વર્ષના રિસર્ચ પછી ભારતમાં હજી પા પા પગલી માંડી રહેલા એક અનોખા ઇનોવેશનની દિશામાં પગ માંડ્યા અને શરૂ થયું ક્રન્ચીફાય. IITમાં જવું હતું અને એન્જિનિયરિંગ કરવું હતું પણ એમાં ફૂડ-એન્જિનિયરિંગ કરીને ફૂડ-ટેક્નૉલૉજિસ્ટ તરીકેની ડિગ્રી લેનારા માટુંગામાં રહેતા રાહિલ ઠક્કરને પોતાના સ્ટાર્ટઅપનો આઇડિયા કેવી રીતે આવ્યો અને એની જર્ની કેવી રહી એ વિશે વાત કરીએ.



પપ્પાની ના હતી


રાહિલના પિતા પાસે કેટલીક મોટી-મોટી ફૂડ અને બેવરેજ કંપનીની ડીલરશિપ છે અને બહુ જ સ્ટ્રૉન્ગ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે. રાહિલ કહે છે, ‘પિતાના ફૂડ-કનેક્શનને કારણે જ મારે પણ ફૂડ-એન્જિનિયરિંગ કરવું હતું જે હજી પણ ઇમર્જિંગ એટલે કે ધીમે-ધીમે વિકસી રહેલું ક્ષેત્ર છે. મારા પપ્પા જ લગભગ ૬૦૦ જેટલી ખાદ્ય સામગ્રીના ડિસ્ટ્રિબ્યુટર છે પણ તેમણે મને પોતાના બિઝનેસમાં ચાલતી ગાડીએ બેસાડવાની ચોખ્ખી ના પાડી. જે કરવું હોય એ જાતે ઊભું કરો એવું કહેનારા પપ્પાના શબ્દો ત્યારે તો હાર્શ લાગેલા, પણ આજે એની પાછળનું કારણ સમજાય છે. મારે નવું જે કરવું હોય એ કરવા માટે પિતા તરીકેનો જે સપોર્ટ કરવાનો હોય એ તેમણે કર્યો. મારું ભણવાનું ચાલતું હતું એ દરમ્યાન જ ફૂડમાં જ કંઈક શરૂ કરવાનો વિચાર આવ્યો અને એના માટે હું બહુ બધાં ફૂડ-એક્ઝિબિશનમાં જતો. અમેરિકા, દુબઈના બેસ્ટ ફૂડ-એક્સ્પોમાં ગયો હતો અને ત્યાં જ હેલ્ધી સનૅકિંગમાં આવી રહેલા ઇનોવેશન વિશે ખબર પડી અને માર્કેટ રિસર્ચમાં એ પણ સમજાયું કે ભારતમાં બહુ જ ઓછા પ્રમાણમાં હજી એ વ્યાપક બન્યું છે એટલે બિઝનેસમાં સ્કોપ છે.’

પ્રોડક્ટ શું છે?


ચોવીસ વર્ષની ઉંમરે ડાર્ક ડિલાઇટ્સ નામની કંપની શરૂ કરી એ વિશે વાત કરીને રાહિલ કહે છે, ‘હું છ વર્ષથી ફૂડ-એક્ઝિબિશન ફરતો હતો ત્યારે મેં જોયું છે કે પ્રોડક્ટની ન્યુટ્રિશનલ વૅલ્યુને હાનિ પહોંચાડ્યા વિના એની શેલ્ફ-લાઇફ વધારી શકાય એવી ટેક્નૉલૉજી આવી ગઈ છે એની ખબર પડી. મને એમાં રસ પડ્યો. ભારતમાં આપણે ગુજરાતીઓ તો ખાસ લાંબી શેલ્ફ-લાઇફ ધરાવતા સૂકા નાસ્તા વગેરે ખાવામાં પાવરધા છીએ. જોકે મોટા ભાગે ખાદ્ય સામગ્રીને લાંબી ટકાવવા માટે એમાં દુનિયાભરનાં કેમિકલ્સ નખાય છે. જોકે નવી ટેક્નૉલૉજીથી એ ટાળી શકાય એવાં મશીનોની ખબર પડી એટલે નક્કી કર્યું કે આવી જ પ્રોડક્ટ બનાવવી. કોઈ પણ વસ્તુને રૂમ-ટેમ્પરેચર પર રાખીને જ એમાં રહેલું મૉઇશ્ચર એટલે કે પાણીનો ભાગ જો કાઢી શકો તો એનાં પોષક તત્ત્વોને અસર ન થાય અને એ વધુ લાંબા સમય માટે ટકી જાય. ક્રન્ચીફાય બ્રૅન્ડ નામ સાથે એવી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું જેમાં શરૂઆત ફ્રૂટ્સથી કરી. કેરી, જાંબુ, સ્ટ્રૉબેરી, મલબેરી, લીચી જેવાં ફ્રૂટ્સમાંથી મૉઇશ્ચર કાઢીને એને ક્રન્ચી ફૉર્મમાં વેચવાનું શરૂ કર્યું છે. એ સિવાય અમે આઇસક્રીમનું ડ્રાય વર્ઝન લૉન્ચ કર્યું જેને ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો. પ્રોડક્ટ ડિઝાઇનિંગથી લઈને એનું પૅકેજિંગ, ડિસ્ટ્રિબ્યુશન વગેરે બધું જ શરૂઆતમાં જાતે કર્યું. અત્યારે ઍમૅઝૉન પર અમારું લગભગ લાખેક રૂપિયાનું મહિનાનું સેલ છે. ભારતીયોને સ્કૅનિંગની એટલે કે વચ્ચે-વચ્ચે નાસ્તો-પાણી કરવાની આદત છે જેમાં તળેલી વસ્તુઓ ખાવા કરતાં આ હેલ્ધી ઑપ્શન થઈ શકે છે. સો અને બસો રૂપિયાનાં પૅકેટ્સ અમે ઉપલબ્ધ કર્યાં છે. બધા ડીલર્સ જાતે શોધ્યા, બધાની સાથે માર્કેટ રેટ કરતાં ઓછા રેટમાં નેગોશિયેશન પણ જાતે કર્યું અને હવે ધીમે-ધીમે બ્રૅન્ડ લોકોના ધ્યાનમાં આવી રહી છે કારણ કે કોઈ પણ પ્રિઝર્વેટિવ વિના રિયલ ફ્રૂટ્સ એનાં ઓરિજિનલ પોષક તત્ત્વો સાથે આપે એવી વસ્તુઓ ભાગ્યે જ માર્કેટમાં છે.’

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 12:49 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK