પ્રમુખસ્વામીની જન્મ શતાબ્દીની ઉજવણી શરૂ થઈ ત્યારથી એમાં જોડાવાની ઇચ્છા હતી, પણ સમયના અભાવ અને કામના ભારણ વચ્ચે એ પાછળ ઠેલાતું ગયું અને છેક અંતિમ ચરણમાં અમદાવાદ જવા મળ્યું
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આયોજિત લાઇટ ઍન્ડ સાઉન્ડ શો (તસવીર સૌજન્ય મિડ-ડે)
હા, જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું એ માત્ર અને માત્ર ઈશ્વરકૃપા જ કહેવાય. સહેજ પણ ઓછું નહીં, સહેજ પણ વધારે નહીં. આપણે ત્યાં મહોત્સવનો સ્તર શું હોય છે એનું આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ હોઈ જ ન શકે. ભૂતકાળમાં ક્યારેય થયો ન હોય અને ભવિષ્યમાં આ સ્તરે ક્યારેય કોઈ મહોત્સવની ઉજવણી થઈ ન શકે એ કામ પ્રમુખસ્વામી જન્મશતાબ્દી દરમ્યાન સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું અને અમદાવાદમાં જોયેલી એ પ્રત્યેક ઝલક આજે પણ, મહોત્સવ પૂર્ણ થયાના ૧૦ દિવસ પછી પણ હજી આંખ સામે છે. આ જ કારણે કહેવું પડે છે કે જો તમે એ ઉજવણી જોઈ ન શક્યા હો, જો તમે અમદાવાદના એ મહોત્સવમાં જઈ ન શક્યા હો તો ખરેખર તમે કમનસીબ છો. જીવનમાં આનાથી મોટી કમનસીબી બીજી કોઈ હોઈ ન શકે, ક્યારેય હોઈ ન શકે.
પ્રમુખસ્વામીની જન્મ શતાબ્દીની ઉજવણી શરૂ થઈ ત્યારથી એમાં જોડાવાની ઇચ્છા હતી, પણ સમયના અભાવ અને કામના ભારણ વચ્ચે એ પાછળ ઠેલાતું ગયું અને છેક અંતિમ ચરણમાં અમદાવાદ જવા મળ્યું, પણ ગયા પછી ખરેખર થયું કે ભલું થજો આ જીવનું કે મહોત્સવ જોવા માટે જઈ શકાયું.
ADVERTISEMENT
જે પ્રકારનું આયોજન હતું એની વાત ક્યાંથી શરૂ કરવી એની ખરેખર સમજ નથી પડતી. એકથી એક ચડિયાતા કહેવાય એવા પ્રોગ્રામ અને એ બધાથી પણ ક્યાંય ચડિયાતી કહેવાય એવી અરેન્જમેન્ટ. જે શિસ્ત હતું એની તો વાત જ છોડી દો સાહેબ, ખરા અર્થમાં કહેવાનું મન થાય કે આપણે શિસ્તબદ્ધતા માટે ખરેખર બાળકોને સ્વામીનારાયણ સંપ્રદાયના આ સાધુભગવંતોને સોંપી દેવાં જોઈએ. ૬૦૦ એકરની જગ્યા અને એ ૬૦૦ એકરની જગ્યા માટે એક પણ પેઇડ વ્યક્તિ નહીં. દરેકેદરેક વ્યક્તિ શ્રદ્ધા અને પ્રેમભાવથી સ્વયંસેવક તરીકે જોડાયેલી અને એ પણ કેટલા સમયથી?
આ પણ વાંચો : બસ એક સ્માઇલઃ અજાણ્યા સામે સસ્નેહ સ્માઇલ કરવામાં આપણને થતો ખચકાટ શું સૂચવે છે?
ઓછામાં ઓછા એક મહિનાથી લઈને અમુક એવા ભાવિકો પણ હતા જેઓ બે અને અઢી વર્ષ સુધી આ બધાં કાર્યમાં લાગી ગયા હતા. શ્રદ્ધા સાહેબ, શ્રદ્ધા. આ સિવાય બીજું કશું નહીં અને એ તમારે પણ સ્વીકારવું પડે. સ્વીકારવું પણ પડે અને માનવું પણ પડે કે પ્રમુખસ્વામીનાં આ તમામ સંતાનોએ ખરેખર તેમની પાછળ જીવ રેડી દીધો હતો. જે મહેનત કરી, જે જહેમત ઉઠાવી એ ખરેખર અદ્ભુત રહી છે.
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી દરમ્યાન જ્યારે હું અમદાવાદ ગયો ત્યારે મનમાં એક ચોક્કસ આભા ઊભી થઈ ચૂકી હતી. ન્યુઝપેપરમાં અને ટીવીમાં અનેક જગ્યાએ એના વિશે સાંભળી-વાંચી લીધું હતું અને એટલે જ એક ચોક્કસ માનસિકતા ઊભી કરી લીધી હતી; પણ ના, એ માનસિકતા ઊભી કરી હોવા છતાં જે સ્તરનું કામ ત્યાં થયું હતું એની કલ્પના સુધ્ધાં ન થઈ શકે. તમે વિચારી પણ ન શકો અને ધારી પણ ન શકો કે આટલું અદ્ભુત કામ થયું હશે. શબ્દો ટૂંકા પડે, વર્ણને કોઈની આંગળી પકડવી પડે અને એ પછી પણ એ વર્ણન માટે તમારી પાસે શબ્દોનો દુકાળ સર્જાઈ જાય. ખરેખર. આજે, આટલાં વર્ષોથી કૉલમ ચાલતી હોવા છતાં અને મહોત્સવ પૂર્ણ થયાને આટલા દિવસો પસાર થઈ ગયા હોવા છતાં રીતસર શબ્દોનો દુકાળ છે અને આ જ તો પ્રમુખસ્વામી મહારાજની તાકાત છે... સિમ્પલી સ્પીચલેસ.