Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફૉર યૉર આઇઝ ઓન્લી : ગાયને માતા માનનારા ગૌમાતા પ્રત્યે આટલા બેદરકાર કેવી રીતે રહી શકે?

ફૉર યૉર આઇઝ ઓન્લી : ગાયને માતા માનનારા ગૌમાતા પ્રત્યે આટલા બેદરકાર કેવી રીતે રહી શકે?

29 March, 2023 03:38 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

રખડતાં ઢોરના ગુના હેઠળ જો એ ગાય પકડી જાય તો એના માલિક હજારેક લોકોનું ટોળું લઈને આવે અને દેકારો બોલાવી દે કે ગૌમાતાને તમે આ રીતે પકડી કેવી રીતે જઈ શકો?!

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


હમણાં ગુજરાતની યાત્રા ચાલે છે. જ્યારે પણ ગુજરાત જવાનું બને ત્યારે એનો ઉત્સાહ સાવ જુદો જ હોય. ગુજરાતની ખાણીપીણીથી માંડીને ગુજરાતની રહેણીકરણી અને મિત્રોને મળવાની મજા હંમેશાં અલગ જ રહી છે એટલે ગુજરાત ટ્રિપ મને હંમેશાં ગમી છે, પણ આ વખતની ટ્રિપમાં મેં ઑલમોસ્ટ ગુજરાતના દરેક શહેરમાં એક વાત નોંધી. જ્યાં-ત્યાં ગાયો રખડતી હોય છે. રસ્તા પર. હા, મેઇન રોડ કહેવાય એવા રસ્તા પર અને ખાસ કરીને ડસ્ટબિનની આજુબાજુમાં એ મોઢું માંડેલી દેખાય. એક-બે કે ચાર ગાયની વાત નથી, ગાયોનું રીતસર ધણ હોય અને આઠ-દસ ગાયો એકસાથે રસ્તા પર બેઠેલી કે પછી ડસ્ટબિનમાં મોઢું માંડીને એમાંથી ખાવાનું શોધતી જોવા મળે.

જીવ બળી ગયો એ દૃશ્ય જોઈને. હા, ખરેખર. આ કોઈ રીત નથી કે તમે ગાયોને આ રીતે રસ્તા પર રઝળતી મૂકી દો અને એ પણ આ રીતે, ડસ્ટબિનમાં મોઢું માંડીને પ્લાસ્ટિક ખાતી થઈ જાય એ રીતે. પૃચ્છા કરી તો ખબર પડી કે એ બધી ગાયો માલિકીની ગાયો છે અને એના માલિકો જ પોતાની ગાયોને આમ છૂટી મૂકી દે. આખો દિવસ આ ગાયો આમ જ ફરતી રહે અને રાત પડ્યે એનો માલિક આવીને લઈ જાય. વધારે જાણકારી મેળવવાની કોશિશ કરી તો ખબર પડી કે મ્યુનિસિપાલિટી પણ એમાં કશું કરી શકતી નથી. રખડતાં ઢોરના ગુના હેઠળ જો એ ગાય પકડી જાય તો એના માલિક હજારેક લોકોનું ટોળું લઈને આવે અને દેકારો બોલાવી દે કે ગૌમાતાને તમે આ રીતે પકડી કેવી રીતે જઈ શકો?!



આ પણ વાંચો: બકવાસની ચરમસીમા અને પરાકાષ્ઠા : હું ગાંધી છું અને ગાંધી ક્યારેય માફી ન માગે


ખરેખર, હદ કહેવાય આ તો. માતાને તમે ઘરમાંથી બહાર તગેડી શકો અને તગેડાયેલી એ માતા રસ્તા પરથી પસાર થતાં વાહનોને અડચણરૂપ બને, રસ્તા પરથી પસાર થતાં નાનાં બાળકોથી માંડીને વૃદ્ધોને મારી બેસે તો પણ કોઈએ પગલાં નહીં લેવાનાં?! શું કામ, તો જવાબ છે, એ ગૌમાતા છે. આ સગવડિયો ધર્મ છે અને આવા સગવડિયા ધર્મને એક પણ પાર્ટીએ, એક પણ શાસનાધિકારીએ કે પછી કોઈ પણ ધર્મ સંસ્થાઓએ સહકાર ન આપવો જોઈએ. નથી ગમતું અને એ પછી પણ કહેવું પડે છે કે આપણે ત્યાં ખરેખર આ પ્રકારના સગવડિયા ધર્મની માનસિકતા બહુ મોટી થઈ ગઈ છે અને એ પણ ખાસ કરીને આ પ્રકારે ઢોર ઘરમાં રાખનારાઓના કિસ્સામાં. જોકે મુંબઈમાં નિરાંત છે અને એ વાતનો મુંબઈકરોએ ખરેખર ગર્વ લેવો જોઈએ, પણ જો તમે ગુજરાતમાં જઈને જુઓ તો રીતસર તમને ત્રાસ છૂટે કે આ તે વળી શું છે, આ તે વળી કેવી રીત છે કે તમે તમારી ગાયો આ રીતે રસ્તા પર રઝળતી મૂકી દો. ભલે એ બીજાને ત્રાસ આપવાનું કામ કરે?! તમે ચતુરાઈ જુઓ સાહેબ, એ લોકો ગાયો જ રસ્તા પર મૂકે છે. મારી ગુજરાતી ટ્રિપ દરમ્યાન મેં ક્યાંય ભેંસ આ રીતે રસ્તા પર આવી ગયેલી જોઈ નહીં, જેનો જવાબ પણ મને મળી ગયો. એ લોકો માત્ર અને માત્ર આ ગૌમાતાની છટકબારીની આડશમાં રહેવા માગે છે. બસ, બીજું કાંઈ નહીં.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2023 03:38 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK