મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરવાની સલાહ નહીં આપું, પણ મોબાઇલને સાઇલન્ટ રાખવાની સલાહ તો આપવી જ પડે એમ છે.
મેરે દિલ મેં આજ કયા હે
પ્રતીકાત્મક તસવીર
સૌથી પહેલી ચોખવટ. લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેતા લોકોએ કોઈ દલીલબાજી નથી કરવાની અને તેમણે પણ આ વાતને ફૉલો કરવાની છે, પણ જરૂરી રીતે અને વાજબી પ્રમાણમાં.
મોબાઇલથી દૂર રહેવું અનિવાર્ય બનતું જાય છે. મોબાઇલ વ્યક્તિમાં કેટલું ડિસ્ટ્રક્શન ઊભું કરે છે એના વિશે કોઈ જાણકારને પૂછશો તો તમને સમજાશે કે માણસને વિચલિત કરવાનાં કારણોમાં હવે ચિંતાની ઉપરના ક્રમે મોબાઇલ આવી ગયો છે. એક સમય હતો કે માણસ ટેન્શન વચ્ચે કે પછી ચિંતાને લીધે વિચારોમાં સ્થિરતા નહોતો પામતો, પણ આજે એ વાત આખી બદલાઈ ગઈ છે. હવે મોબાઇલે ચિંતાનું સ્થાન લઈ લીધું છે અને મોબાઇલની આડઅસર વચ્ચે માણસમાં સ્થિરતા રહી નથી.
જો ચિંતા અને ટેન્શન જેવાં તત્ત્વોને પણ મોબાઇલ ખાઈ જતું હોય તો જરા વિચારો કે એની તાકાત કેવી છે અને જ્યારે દુશ્મન તાકાતવર હોય ત્યારે એનાથી નિશ્ચિત અંતર રાખવું એવું ચાણક્ય કહી ચૂક્યા છે. મોબાઇલ ઇમોશન્સથી લઈને માનસિક શાંતિ માટે જોખમી છે. આર્થિક રીતે પણ જોખમી છે, શારીરિક અને માનસિક રીતે પણ જોખમી છે; પણ અત્યારે આપણે વાત માત્ર માનસિક સ્તર પર કરવાની છે.
ADVERTISEMENT
માણસના વિચારોમાં એવી તાકાત છે કે તે ધારે એ કરી શકે છે, પણ આ ધારવાની જે વિચારધારા છે એમાં ખલેલ પહોંચાડવાનું કામ મોબાઇલે કરવા માંડ્યું છે. મોબાઇલથી દૂર થવું જરૂરી છે અને મોબાઇલનો વપરાશ ઘટે એ દિશામાં કામ કરવું અગત્યનું છે. બહુ વધારે કશું નથી કરવાનું, માત્ર એનો વપરાશ ઘટાડવાનો છે અને જરૂર સિવાય એનો ઉપયોગ ટાળવાનો છે. જો આપણે આપણી આવતી કાલ સુધારવી હોય તો આજે જ આ કામ કરવું પડશે, દૃઢતા સાથે કરવું પડશે અને બહેતર દૃષ્ટિકોણથી કરવું પડશે.
મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરવાની સલાહ નહીં આપું, પણ મોબાઇલને સાઇલન્ટ રાખવાની સલાહ તો આપવી જ પડે એમ છે. જો અનિવાર્યતા ન હોય, જો કોઈને ચિંતા ન થવાની હોય અને જો કોઈ હેરાન ન થવાનું હોય તો મોબાઇલને ચૂપ રહેતાં શીખવો. એનાથી પહેલો ફાયદો એ થશે કે વારંવાર આવનારા ફોન-કૉલ્સ તમારા વિચારોમાં વંટોળ ઊભું કરવાનું કામ નહીં કરે અને આપણને એ જ જોઈએ છે. જાતને ચૅલેન્જ આપવાનું કામ કરો. એક કલાક સોશ્યલ મીડિયાથી દૂર રહેવું છે અને એક કલાક યુટ્યુબ પર કોઈ ભાંગડા જોવા જવું નથી. નક્કી કરો કે દિવસમાં એક કલાક મોબાઇલ સ્વિચ્ડ-ઑફ રાખીશ અને એવું કરતાં પહેલાં તમારા પ્રિયજનને કહી પણ દો કે પછી પ્રયાસ કરો કે તમારી આજુબાજુમાં લૅન્ડલાઇન હોય. લૅન્ડલાઇન આજના સમયમાં લક્ઝરી બની ગઈ છે ત્યારે એ પણ સમજવું પડશે કે લૅન્ડલાઇનનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એ હતો કે એ રણકે ત્યારે જ એની યાદ આવતી હતી, પણ મોબાઇલ રણકતો નથી એ પછીયે દિવસ દરમ્યાન સતત હાથમાં લેવાતો રહે છે. હાથમાં લેવાતો મોબાઇલ મન પર પથરાયેલો હોય છે અને મન પર પથરાયેલા એ મોબાઇલમાં તાકાત છે કે એ એક પણ નવી, સારી અને સર્જનાત્મક વાતનો જન્મ અંદર ન થવા દે. તો બહેતર છે કે આવતી કાલ માટે પણ આજે મોબાઇલથી દૂર રહેવાનું શરૂ કરો. ઍટ લીસ્ટ ટ્રાય ચાલુ કરો.