ગુજરાતી વાક્ય વચ્ચે અંગ્રેજી શબ્દોના છાંટણાં કરીને તમે જે રીતે વાત કરો છો એ સાંભળીને કાનમાં કીડા પડે છે.
મેરે દિલ મેં આજ કયા હે
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે આપણે જે વાત કરી એનાથી સંપૂર્ણ વિપરીત કહી શકાય એવી વાત અત્યારે, આ ક્ષણે કરવી છે. હેડિંગમાં તમે જે વાંચ્યું એ ખરેખર મેં સાંભળ્યું છે અને એ સાંભળ્યા પછી બે-ચાર ધબકારાઓ પણ ચુકાયા છે. આ આપણી આજની મમ્મીઓ છે અને નવી જનરેશનની દરેક બીજી અને ત્રીજી મમ્મી આ જ ભાષામાં વાત કરે છે. જ્યાં જરૂર નથી ત્યાં પણ અંગ્રેજી શબ્દોના પ્રયોગ થાય છે અને એ પ્રયોગ વચ્ચે તેમને એ પણ નથી સમજાતું કે પોતે ગુજરાતી ભાષાને રીતસર મારી રહી છે. કબૂલ, સ્વીકાર્ય કે અમુક અંગ્રેજી શબ્દો એવા છે જે ગુજરાતી સાથે વણાઈ ચૂક્યા છે. થૅન્ક્સ હોય કે પછી સૉરી હોય કે એક્સક્યુઝ મી હોય કે પછી એના જેવા જ બીજા પણ શબ્દો હોય. એનો પ્રયોગ થતો રહ્યો છે ત્યાં સુધી એ કાનને અકળામણ આપવાનું કામ નહોતા કરતા, પણ આ પ્રકારનું, હેડિંગમાં વપરાયું છે એ મુજબનું વાક્ય સાંભળીને આપણને ખરેખર એ મમ્મીઓ પર દયા આવી જાય. કહેવાનું મન થઈ આવે કે તમને એવી તે કેવી ગુજરાતી પર શરમ આવે છે કે તમે ગુજરાતીને વર્ણશંકર બનાવવા માટે મચી પડ્યાં છો.
ગુજરાતી બહુ સરસ અને એક મીઠી ભાષા છે. ગુજરાતી તમે બોલતાં હો તો પછી એમાં તમને શરમ શાને માટે આવવી જોઈએ. અરે, હું તો કહીશ કે તમે અંગ્રેજી ન પણ સમજતાં હો તો પણ એમાં શરમજનક કશું નથી. અંગ્રેજો ક્યાં ગુજરાતી સમજે છે અને એ પછી પણ તેઓ તમારે ત્યાં આવીને મસ્તમજાની રીતે ફરે છે અને તેઓ ફરતા હોય છે ત્યારે તેમને સહેજ પણ અફસોસ નથી હોતો કે પોતે ગુજરાતી નથી જાણતા.
ADVERTISEMENT
ભાષા વ્યવહારનું એક માધ્યમ છે. એવું માધ્યમ જે તમારા જીવનમાં તમને રાહત આપવાનું કામ કરે. તમારા વિચારો વ્યક્ત કરવા માટે તમને સક્ષમ બનાવે અને તમને એ અભિવ્યક્તિ આપવામાં નિમિત્ત બને. એવા સમયે તમે તમારી જ ભાષાને ભૂલીને અન્ય ભાષાના પ્રેમમાં પડો અને પછી તમારી માતૃભાષાનું ગેરવાજબી રીતે અપમાન કરો એ ક્યાંનો ન્યાય. કબૂલ કે તમે અંગ્રેજી જાણો છો એ પુરવાર કરવા માગો છો, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું કે તમને પચીસ-પચાસ શબ્દો માત્ર આવડી ગયા છે, એનો તમે પ્રયોગ કરીને એવું દેખાડવા માગો છો કે તમે અંગ્રેજીમાં પણ મહારથી છો. આવી ઇમેજ તમે સિત્તેર-એંસી વર્ષનાં અંકલ-આન્ટી પર જ પાડી શકશો એ ખાસ યાદ રાખજો, હમઉમ્ર કે પછી તમારાથી નાની ઉંમરના હશે એના માટે તો તમારો આવો ભાષાપ્રયોગ હાસ્યાસ્પદ છે અને એવો જ રહેશે.
અંગ્રેજીના પ્રેમ સામે મારો કોઈ વિરોધ નથી અને હોઈ પણ ન શકે, પણ અંગ્રેજીના અધકચરા જ્ઞાનને શોકેસ કરવાની આ જે માનસિકતા છે એની સામે મારો નક્કર વિરોધ છે અને એ જ નક્કર વિરોધના આધારે કહું છું કે ગુજરાતી વાક્ય વચ્ચે અંગ્રેજી શબ્દોના છાંટણાં કરીને તમે જે રીતે વાત કરો છો એ સાંભળીને કાનમાં કીડા પડે છે. ફૅર ન લાગે તો તમે ઍન્ગ્રી થઈ શકો છો, આવીને સ્લૅપ પણ કરી શકો છો, પણ... નહીં કરો યાર, માતૃભાષાનું આવું અપમાન.