Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મન્ના ડેએ મને ફોન પરની પહેલી વાતમાં જ પોતીકો બનાવી દીધો

મન્ના ડેએ મને ફોન પરની પહેલી વાતમાં જ પોતીકો બનાવી દીધો

04 April, 2021 02:12 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

મારા માટે આ સુખદ આશ્ચર્ય હતું. આટલા મોટા કલાકાર આવી નિખાલસતાથી વાત કરી શકે અને એ પણ મારા જેવા અજાણ્યા સાથે એ વાત માનવામાં આવે નહીં

મન્ના ડે, ઓ.પી. નૈયર, મોહમ્મદ રફી

મન્ના ડે, ઓ.પી. નૈયર, મોહમ્મદ રફી


‌હિન્દી અને બંગાળી ભાષા પછી તમે સૌથી વધુ ગીતો ગાયાં હોય તો એ ગુજરાતી ગીતો છે. તમારો  ‘રામદેવ પીરનો હેલો’ સાંભળીએ તો એમ જ લાગે કે તમે જન્મજાત ગુજરાતી છો. આ કમાલ કેવી રીતે થયો?

ટ્રિન... ટ્રિન... ટ્રિન... ટ્રિન... ટેલિફોનની ઘંટડી વાગતી હતી અને હું આતુરતાથી સામે છેડેથી હેલો સાંભળવા આતુર હતો. ચાર-પાંચ ઘંટડી વાગ્યા બાદ ઘેઘૂર સ્વરમાં ઉત્તર મળ્યો, ‘હેલો, મન્ના સ્પીકિંગ. આપ કૌન?’



અને એક ક્ષણ માટે હું અવાચક બની ગયો. મહાન પ્લેબૅક સિંગર મન્ના ડે પોતે જ ફોન ઉપાડશે એવી સંભાવના નહોતી, પરંતુ મનમાં આશા જરૂર હતી. સ્વસ્થ થતાં મેં કહ્યું, ‘મન્નાદા નમસ્કાર, મૈં રજની મહેતા બોલ રહા હૂં. આપ સે મિલના ચાહતા હૂં.’  


તરત તેઓ બોલ્યા, ‘હાં, હાં, કલ શીલા કા ફોન આયા થા. આપકે બારે મેં બતાયા. કબ આના ચાહતે હો?’

 ‘દાદા, આપ તો બિઝી રહતે હોંગે. જબ આપ કો સમય મિલે તબ આ સકતા હૂં.’


તો સહજતાથી બોલ્યા, ‘અરે ભાઈ, આજકલ મૈં  ફુરસત મેં હી હૂં. આપ જબ આના ચાહો, આ સકતે હો.’                                                                            

મારા માટે આ સુખદ આશ્ચર્ય હતું. આટલા મોટા કલાકાર આવી નિખાલસતાથી વાત કરી શકે અને એ પણ મારા જેવા અજાણ્યા સાથે એ વાત માનવામાં આવે નહીં. મેં કહ્યું, ‘કલ શામ પાંચ બજે આ સકતા હૂં?’

‘ઝરૂર આઇયે. ઍડ્રેસ પતા હૈ? આપ કહાં સે આઓગે?’ મુલાકાતની મંજૂરી આપતાં તેમણે હું જાણે તેમનો પરિચિત હોઉં એમ મારી કાળજી લેતાં સવાલ કર્યો. 

 ‘અગર આપ ઇસ એરિયા સે ફૅમિલિયર નહીં હો તો અમિતાભ કા બંગલા બહુત ફેમસ હૈ. વો હી રસ્તે પર આગે કૉર્નર પર ‘આનંદ’ બંગલો હૈ. ફિર ભી કોઈ પ્રૉબ્લેમ હો તો મુઝે ફોન કરના. મૈં વૉચમૅન કો ભી બોલ દૂંગા વરના કુત્તે પરેશાન કરેંગે.’

આ કિસ્સો છે ૧૯૯૮નો. મન્ના ડેના સ્વભાવનો આ મારો પહેલો પરિચય. ફોન પર થયેલા   વાર્તાલાપમાં જ તેમણે મને પોતીકો બનાવી દીધો. તેમના ગરમ સ્વભાવના અને મૂડી મિજાજના કિસ્સા સાંભળ્યા હતા, પરંતુ મને એ વાતો એ ઘડીએ તો ગૉસિપ જ લાગી.

આ મુલાકાત વિશેનું થોડું બૅકગ્રાઉન્ડ તમારી સાથે શૅર કરું છું. ૧૯૯૬માં અમારી સંસ્થા ‘સંકેત’ની શરૂઆત થઈ હતી. એ સમયે કેવળ ગુજરાતી સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિને લગતા  કાર્યકમ કરવા એવા આશયથી, કોઈ પણ જાતના પ્રોફેશનલ ઍન્ગલથી નહીં, પણ એક શોખને ખાતર સાહિત્યપ્રેમીઓ માટે આ સંસ્થાના નેજા હેઠળ કાર્યક્રમોનું આયોજન કરવાનો ઇરાદો હતો. એટલે જ અમારું સ્લોગન હતું, ‘સહૃદયોની મિલનભૂમિ.’ જોકે બે વર્ષ થયાં ત્યારે મનમાં થયું કે સંગીતની વાત આવે તો પછી  ફિલ્મસંગીતનો છોછ રાખીને એ શા માટે બાકાત રાખવું? આમ પણ ગુજરાતી સાહિત્ય અને હિન્દી ફિલ્મસંગીત મારી વિકનેસ છે એટલે ‘સંકેત’માં ગુજરાતી સાહિત્ય-સંગીતની સાથે હિન્દી ફિલ્મસંગીતના કાર્યક્રમોનું આયોજન શરૂ થયું. આજ સુધી ૨૩ વર્ષમાં ૧૩૮ કાર્યક્રમોનું આયોજન થયું છે, જેમાં ગુજરાતી સાહિત્ય અને હિન્દી ફિલ્મસંગીતના અનેક દિગ્ગજોની ઉપસ્થિતિ રહી છે; જેને હું ઈશ્વરકૃપા માનું છું. એ શ્રૃંખલામાં હિન્દી ફિલ્મસંગીતના જે પહેલા કલાકારને અમે આમંત્રણ આપ્યું હતું એ હતા મન્ના ડે.

જીવનમાં એવું બનતું હોય છે કે એક જ કાલખંડમાં, અલગ-અલગ ક્ષેત્રમાં, એકથી વધુ ગુણવાન વ્યક્તિઓની હયાતી હોય છે. એને કારણે અમુક પ્રતિભાઓને અન્યાય થાય. હમણાં જ સંગીતકાર રવિના જીવનકાળની વાતો તમારી સાથે શૅર કરી. એસ. ડી. બર્મન, શંકર જયકિશન, નૌશાદ, ઓ. પી. નૈયર અને બીજા મહાન સંગીતકારોના સમકાલીન હોવાના નાતે તેમને જોઈતી ક્રેડિટ ન મળી. મોહમ્મદ રફી, કિશોરકુમાર, તલત મેહમૂદ અને મુકેશ જેવા પ્લેબૅક સિંગરના સમકાલીન મન્ના ડેની બાબતમાં પણ એવું જ બન્યું. આપણે કદી તેમને મહાન ગાયક કલાકાર તરીકે માન્યતા ન આપી. સંગીતકાર રવિની જેમ તેઓ પણ કદી વિનર ન બન્યા, હંમેશાં ‘ઑલ્સો રૅન’ જ રહ્યા. એક વાતનો મને સતત રંજ રહ્યો છે કે મન્ના ડે જેવા કલાકારને ભૂલી જઈને આપણે તેમને અન્યાય કર્યો છે.

એટલે જ જ્યારે ફિલ્મસંગીતને લગતા કાર્યક્રમનું આયોજન કરવાનો વિચાર આવ્યો ત્યારે સૌથી પહેલાં મન્ના ડે યાદ આવ્યા. વર્ષો પહેલાં સ્ટેજ-કાર્યક્રમમાં બે-ત્રણ વખત તેમને માણ્યા  હતા. એ સમયે તેમની કારકિર્દીનો ઉચ્ચ તબક્કો પૂરો થઈ ગયો હતો, પરંતુ અવાજની બુલંદી બરકરાર હતી. આટલાં વર્ષે તેમનું ગળું બરાબર કામ કરતું હશે કે નહીં એ પ્રશ્ન  સ્વાભાવિક હતો. જોકે કાળની કરચલીઓ જેટલી ત્વચા પર પડે છે એટલી સ્વર પર નથી પડતી. ‘ભાંગ્યું તોયે ભરૂચ’ એ ન્યાયે જો મન્ના ડે રૂબરૂ લાઇવ સાંભળવા મળે તો એનાથી બીજું મોટું સદ્ભાગ્ય કયું એમ માનીને તેમને આમંત્રણ આપવાનું નક્કી કર્યું.  

સવાલ એ હતો કે તેમને મળવું કઈ રીતે? આ પહેલાં એક આયોજક તરીકે હિન્દી ફિલ્મજગતના કોઈ પણ કલાકાર (સિવાય કિશોરકુમાર અને એ પણ તેમના ડાઇ હાર્ડ ફૅન તરીકે) સાથે મારી મુલાકાત થઈ નહોતી. ત્યાં યાદ આવ્યું કે શીલા વર્મા તેમને ઓળખે છે.  જાણીતાં સ્ટેજ-સિંગર શીલા (ડેવિડ) વર્મા અને તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પતિ રાજેશ વર્મા   સાથે અમારા પારિવારિક સંબંધ છે. ૮૦ના દાયકામાં મન્ના ડેના અનેક સ્ટેજ-કાર્યક્રમમાં શીલા વર્માએ તેમનાં સહગાયિકા તરીકે સાથ આપ્યો હતો. મેં તેમને વાત કરી કે મન્ના ડેનો એક કાર્યક્રમ રાખવો છે. તમે મુલાકાત કરાવો. તેમણે કહ્યું કે હમણાં ઘણા સમયથી તેમણે સ્ટેજ-શો બંધ કર્યા છે. એ ઉપરાંત તેઓ લાંબો સમય દીકરીઓ સાથે અમેરિકા અને બૅન્ગલોરમાં રહેતા હોય છે એમ છતાં યોગ્ય સમયે હું તેમની સાથે વાત કરીને જણાવીશ.

આ વાતને લગભગ ત્રણ-ચાર મહિના વીતી ગયા અને એક દિવસ શીલા વર્માનો ફોન આવ્યો કે ‘મન્નાદા મુંબઈમાં છે અને તમારી વાત કરી છે. તેમણે કહ્યું કે હમણાં કાર્યક્રમ કરવાનો કોઈ મૂડ નથી. મેં કહ્યું, વાંધો નહીં, પણ રજનીભાઈ ‍સંગીતના શોખીન અને જાણકાર છે. તમારા મોટા ફૅન છે. એક વાર મળશો તો રાજી થશે, એટલે તેમણે હા પાડી. કાલે તેમને ફોન કરજો.’

શીલા વર્માની વાત સાંભળીને થોડી નિરાશા થઈ. પછી મનને મનાવ્યું કે કાંઈ નહીં, આવા દિગ્ગજ કલાકારને મળવાનો મોકો તો મળશે. કોણ જાણે કેમ, મારી સિક્સ્થ સેન્સ મને કહેતી હતી કે મનની ઇચ્છા પૂરી થશે (આવું ઘણી વખત બન્યું છે. અનેક વિખ્યાત હસ્તીઓની પહેલા ‘ના’ આવ્યા બાદ અચાનક ‘હા’ આવી છે. એ કિસ્સા ફરી કોઈક વાર વિગતવાર શૅર કરીશ).

શીલા વર્માએ એક ચેતવણી પણ આપી હતી કે ‘આમ તો તેઓ બહુ સારા સ્વભાવના છે, પરંતુ મૂડી છે. કોઈ વાર અચાનક ગુસ્સે થઈ જાય ત્યારે આપણને ખબર પણ ન હોય કે શું કારણ હશે. તેમના મનમાં કાંઈ ન હોય. બીજી જ મિનિટે તેઓ નૉર્મલ થઈ જાય. બહુ સેન્સિટિવ સ્વભાવ છે. બાકી પોતે બહુ મોટા સિંગર છે એવું તમને નહીં લાગવા દે. મૈંને કઈ બાર ઉનકી ડાંટ ખાઈ હૈ પર બેટી જૈસા પ્યાર કરતે હૈં.’

આટલી સ્ટૅચ્યુટરી વૉર્નિંગ પછી લૅન્ડલાઇન પર મન્ના ડે સાથે મારી વાત થઈ અને બીજા દિવસે હું તેમના જુહુના ‘આનંદ’ બંગલો પહોંચ્યો. વૉચમૅનને સૂચના મળી ગઈ હતી એટલે તે મને બંગલામાં લઈ ગયો. વિશાળ કમ્પાઉન્ડની વચ્ચે આનંદ બંગલો વીતેલા યુગની જાહોજલાલીની યાદ આપતો હતો. ડ્રૉઇંગરૂમમાં મન્ના ડે સફેદ કુર્તા-પાયજામામાં બેઠા હતા. ‘આઇયે, આઇયે’ કહીને તેમણે મારું સ્વાગત કર્યું. તેમના ચરણસ્પર્શ કરીને હું સોફા પર બેઠો. મારો એક નિયમ છે કે કોઈની સાથે મારી પહેલી મુલાકાત થાય ત્યારે અમારા ઘાટકોપરની વિખ્યાત ફરસાણ અને મીઠાઈની દુકાનની વાનગીઓ હું એક ઉપહાર તરીકે લેતો જાઉં (A way to man’s heart is through his stomach આ વાત કેમ ભુલાય?). તેમના હાથમાં કચોરી, ઢોકળાં અને રસગુલ્લાનું પૅકેટ આપતાં મેં કહ્યું, ‘દાદા, યે આપકે લિયે.’ તો કહે, ‘અરે આપ તો ઇતના બડા પૅકેટ લેકર આયે. હમ દોનોં કિતના ખાએંગે?’

વિશાળ દીવાનખાનામાં બહુ ઓછી સજાવટ હતી. મોટો સોફા અને બે ખુરસી હતી. દીવાલ પર કે. એલ. સાયગલ અને તેમના કાકા કે. સી. ડેના ફોટો હતા. એક કબાટમાં થોડાં પુસ્તકો હતાં. એક ખૂણામાં તાનપૂરો અને હાર્મોનિયમ હતાં. ભારતીય બેઠક હતી. એક સ્વરસાધકના ઘરમાં જે જરૂરિયાત હોવી જોઈએ એનાથી વધુ બીજું કોઈ રાચરચીલું નહોતું.    

જાણીતી હસ્તી સાથે મુલાકાત થાય ત્યારે તેમના વિશેની જાણકારી તમારી પાસે હોવી જ જોઈએ. એમાં પણ જો કોઈ વિશેષ, અલભ્ય બાતમી તમે શૅર કરો તો તમારો રેપો જલદી બંધાય એ વાત હું સારી રીતે સમજું છું. હું કદી ચીલાચાલુ પ્રશ્નોથી સંવાદની શરૂઆત ન કરું. તમારા ભાથામાંથી શરૂઆતમાં જ એક તીર એવું નીકળવું જોઈએ જે કલાકારને ‘આહ’ સાથે ‘વાહ’ કહેવા માટે મજબૂર કરે. ત્યાર બાદ કલાકાર તમારી સાથે એવી વાતો શૅર કરે જેની ભાગ્યે જ કોઈને ખબર હોય.

થોડી ઔપચારિક વાતો બાદ એવું એક તીર છોડતાં મેં મન્ન‍ાદાને કહ્યું, ‘દાદા, રફીસા’બ સાથે તમે ઓ. પી. નૈયરનાં બે ગીત ગાયાં એ અદ્ભુત છે. એક ‘કલ્પના’નું રાગ લલિત પર આધારિત ‘તુ હૈ મેરા પ્રેમ દેવતા’ અને બીજું છે ફિલ્મ ‘જૉની વૉકર’નું ‘મૂંહ સે મત લગા ચીઝ હૈ બૂરી.’ એક પ્યૉર ક્લાસિકલ અને બીજું વેસ્ટર્ન ટ્યુન પર આધારિત. સાંભળીને તેઓ બોલ્યા,

 ‘જૉની વૉકર’ કા યે ગાના મુઝે યાદ નહીં આ રહા.’

એટલે મેં હળવેકથી એ ગીત ગાવાનું શરૂ કર્યું. સાંભળીને તેઓ બોલ્યા, ‘અભી યાદ આયા. યે તો દિમાગ સે નિકલ હી ગયા થા. પર હાં, આપ બિલકુલ સૂર મેં હો. આપ ભી સ્ટેજ-શો મેં ગાતે હો?’

 ‘નહીં દાદા, બસ શૌકિયા ગા લેતા હૂં. બચપન સે ઇતના રેડિયો સુના હૈ કિ હરેક ગીત, ઉસકી ધૂન ઔર ઇન્ટરલ્યુડ મ્યુઝિક, સબ કુછ યાદ હૈ. કાનોં કો સચ્ચે સૂરોં કી ઐસી આદત હો ગઈ હૈ કિ કોઈ ગલત ગાયે તો પહેચાન લેતા હૂં.’ મેં થોડી દંભી વિનમ્રતા સાથે મારી સંગીતની જાણકારીનાં બણગાં ફૂંક્યાં.

જવાબમાં સંગીતનું સનાતન સત્ય જાણવા મળ્યું, ‘સબસે બડા રિયાઝ હૈ સુનના. જીતના સુનોગે, ઇતના હી સૂર પક્કા હોગા. જબ તક સૂર દિલોદિમાગ કે અંદર નહીં જાએગા, બહાર કૈસે આએગા. આજકલ કે બચ્ચે કહેતે હૈં હમ હરરોજ એક ઘંટા રિયાઝ કરતે હૈં. મૈં કહતાં હૂં બાકી સમય મેં જીતના સંગીત સુન સકતે હો સુનો, ઊઠતે-બૈઠતે, ખાતે-પીતે, હર વક્ત સંગીત સે નાતા જૂડના ચાહિએ.’

મેં તરકશમાંથી બીજું એક તીર કાઢ્યું, ‘દાદા, હિન્દી અને બંગાળી ભાષા પછી બીજી કોઈ ભાષામાં તમે સૌથી વધુ ગીતો ગાયાં હોય તો એ ગુજરાતી ગીતો છે. એમાં ભજન છે, ગઝલ છે, લોકગીતો છે, ફિલ્મી ગીતો છે; એ દરેક ખૂબ લોકપ્રિય થયાં, પરંતુ મને લાગે છે કે તમારો  ‘રામદેવ પીરનો હેલો’ સાંભળીએ તો એમ જ લાગે કે તમે જન્મજાત ગુજરાતી છો. આ કમાલ કેવી રીતે થયો?’

એ સાંભળીને તેઓ ઊભા થયા. મને શીલા વર્માની ચેતવણી યાદ આવી ગઈ. તેમને ક્યાંક ખરાબ લાગ્યું હશે? કોઈ ખોટો પ્રશ્ન નથી પુછાયોને એમ મનોમન સવાલ થયો. જોકે બીજી જ મિનિટે કંઈક એવું બન્યું જેની મેં કલ્પનાય નહોતી કરી. એ વાત આવતા રવિવારે.

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2021 02:12 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK