Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જનતાનો આક્રોશ નહીં, અંકુશ BJP હારી નહીં અને લોકતંત્ર જીતી ગયું

જનતાનો આક્રોશ નહીં, અંકુશ BJP હારી નહીં અને લોકતંત્ર જીતી ગયું

09 June, 2024 12:16 PM IST | Mumbai
Raj Goswami

રોષ હોત તો INDIAને સ્પષ્ટ બહુમતી મળી હોત, પરંતુ મતદારોએ BJPની બેઠકો ઓછી કરીને ચાવી ટાઇટ કરી છે

રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી

ક્રૉસલાઇન

રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી


‘૪૦૦ પાર’ના અતિ આત્મવિશ્વાસ સાથે ચૂંટણીમાં ઊતરેલી BJPને જનતાએ જમીન પર લાવીને મૂકી દીધી છે. સંદેશ સાફ છે: જનતાને સ્પર્શતા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવામાં આવશે તો ૨૦૨૯ હાથમાંથી જશે. જનતામાં અસંતોષ હતો, પણ રોષ નહોતો. રોષ હોત તો INDIAને સ્પષ્ટ બહુમતી મળી હોત, પરંતુ મતદારોએ BJPની બેઠકો ઓછી કરીને ચાવી ટાઇટ કરી છે.

સડક પરની બોલચાલની ભાષામાં કહેવું હોય તો એવું કહેવાય કે ભારતની જનતાએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની હવા કાઢી નાખી છે. રાજનીતિની ડાહી ભાષામાં કહેવું હોય તો એવું કહેવાય કે મતદારોએ BJP સામે આક્રોશ નથી કાઢ્યો પણ અંકુશ મૂક્યો છે. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન BJP સરકારે મોંઘવારી, ગરીબી, આર્થિક અસમાનતા, બેરોજગારી જેવા મુદ્દાઓને નજરઅંદાજ કર્યા અને લોકતાંત્રિક અને બંધારણીય વ્યવસ્થાઓને કમજોર કરવાનો પ્રયાસ કર્યો હતો એનાથી ત્રસ્ત જનતાએ સરકારના ગળે INDIAની એક ધૂંસરી મૂકી છે.જનતાએ પોતાનો અધિકાર બતાવ્યો


૨૦૨૪ની ચૂંટણીમાંથી જો કોઈ બોધપાઠ લેવા જેવો હોય તો એ છે કે લોકશાહીમાં જનતા કેન્દ્રમાં હોવી જોઈએ. આ ચૂંટણીમાં જનતાએ એનો એ અધિકાર બતાવ્યો છે.

BJP એકલાની ૨૪૦ બેઠકો આવી છે. ૨૦૧૯માં મળેલી ૩૦૩ બેઠકોની તાકાતમાં ૬૩ બેઠકોનું ગાબડું છે. એના બે સહયોગીઓ બિહારમાં જનતા દલ-યુનાઇટેડ (JD-U) અને આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેસમ્ પાર્ટી (TDP)ને અનુક્રમે ૧૨ અને ૧૬ બેઠકો મળી છે અને લોકસભામાં એમનો દબદબો વધ્યો છે. નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) ૨૭૨થી વધુ બેઠકો સાથે સૌથી મોટું ગઠબંધન સાબિત થયું છે. જનતાનો મત સાફ છે : એણે BJPને તોડફોડની રાજનીતિ છોડીને, સૌને સાથે રાખીને જનતાના મુદ્દાઓ પર ધ્યાન આપવા કહ્યું છે.


કોમી ધ્રુવીકરણનો પ્રયાસ નિષ્ફળ

જનતાના ફેંસલામાં એક બીજો પણ સંદેશ છે : કોમી ધ્રુવીકરણ સામે સુખેથી જીવન જીવવા માટેના મુદ્દાઓ વધુ અગત્યના છે. એ વાત સાચી કે હિન્દુઓ રામભક્ત છે, પણ એ વાત ખોટી કે હિન્દુઓ મુસ્લિમવિરોધી છે. એટલા માટે સાત તબક્કાના ચૂંટણીપ્રચારમાં ક્રમશ: ધ્રુવીકરણ કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે.

ચૂંટણીપ્રચારમાં BJP દ્વારા વિપક્ષને હિન્દુવિરોધી ચીતરવાનો ભરપૂર પ્રયાસ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને એવું કહીને ડરાવવાની કોશિશ કરી હતી કે કૉન્ગ્રેસ તમારી ભેંસ લઈ જશે અને તમારી સંપત્તિ મુસ્લિમોને આપી દેશે. BJPને બહુમતી ન મળી એ સંકેત છે કે ભારતમાં નફરતના રાજકારણનું વર્ચસ મુશ્કેલીમાં છે.

આવી વિભાજનકારી રાજનીતિથી નારાજ લોકોએ BJPને વધુ સકારાત્મક રીતે કામ કરવાનો બીજાં પાંચ વર્ષનો અવસર આપ્યો છે (અને એના પર નજર રાખવાનું કામ નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુને સોંપ્યું છે!). મતદારોએ INDIAને બહુમતી નથી આપી, પરંતુ સંસદમાં સડક પર લડવાની તાકાત આપી છે. આશા રાખીએ કે સંસદ હવે પાછી લોકતાંત્રિક ઢબે ચાલે.

પાછો અસ્થિરતાનો દોર

BJPની સત્તામાં ત્રીજી વાર વાપસી થઈ છે, પરંતુ દેશના ભવિષ્યને દિશા આપવાની મોદીની તાકાત થોડી કમજોર થઈ છે. BJPને એકલા હાથે બહુમતી મળી હોત તો વાત જુદી હતી, પણ ભારતીય રાજકારણમાં અસ્થિરતાનો દોર પાછો આવ્યો છે.

BJP નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ જેવા સહયોગીઓની મદદથી સરકાર બનાવી શકશે, પરંતુ આ બન્ને અગાઉ વિશ્વાસઘાત કરી ચૂક્યા છે. ચંદ્રાબાબુ તો ૨૦૧૮માં આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી સાથે મોદી સરકાર સામે સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી ચૂક્યા છે. નીતીશબાબુ તો ઓળખાય છે જ ‘પલટુરામ’ તરીકે. બન્ને જણ તેમનાં રાજ્યો માટે જબરદસ્ત બાર્ગેઇન કરવાના છે અને મોદીએ એમાં હા પણ પાડવી પડશે, નહીં તો તેઓ ક્યારે BJPને છોડી દે અને ફરી ચૂંટણી આવી પડે તો નવાઈ નહીં.

ભારતના રાજકારણમાં ભાગ્યે જ એવો પ્રસંગ આવે છે જ્યારે વિજેતા પક્ષ કરતાં પરાજિત પક્ષ વધુ ખુશ હોય. મોદીના BJPનો ‘૪૦૦ પાર’નો નારો વાજપેયીવાળા BJPના ‘ઇન્ડિયા શાઇનિંગ’ જેવો સાબિત થયો છે. મતદારોએ સીધો સંદેશો આપ્યો છે કે તેમને કોમવાદી હિન્દુત્વ મંજૂર નથી, તેમને તેમના રોજબરોજના પ્રશ્નોની વાત કરે એવી સરકારની જરૂર છે.

આ સંદેશનું જ્વલંત ઉદાહરણ ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ બેઠક છે, જ્યાં અયોધ્યામાં ભવ્ય રામમંદિર બાંધવામાં આવ્યું છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ BJPના લલ્લુ સિંહને ૫૬,૦૦૦ મતોથી હરાવીને વિજયી નીવડ્યા છે. જે રામમંદિરના નામે BJP ‘૪૦૦ પાર’ જવા માગતી હતી એ અયોધ્યાની બેઠક પણ હાથમાં જતી રહી એ પ્રતીકાત્મક રીતે બહુ મહત્ત્વની હતી. આ એ જ રામમંદિર છે જ્યાં ચૂંટણી પહેલાં જ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને જ્યાં સેલિબ્રિટી મુલાકાતીઓની લાઇન લગાડવામાં આવી હતી.

લોકશાહીને જીવતી રાખવાનું કામ

૨૦૨૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામોને જનતાની નજરે મોટા-મોટા સ્તરે બે રીતે જોઈ શકાય છે : એક, સત્તાધારી BJP અને NDA બાજુએ શું થયું અને બે, કૉન્ગ્રેસ અને INDIA બાજુએ શું થયું. NDA તરફથી જોઈએ તો જનતાએ BJPને પોતાના દમ પર સરકાર રચતી અટકાવી દીધી છે.

‘૪૦૦ પાર’ના હવાઈ આત્મવિશ્વાસ સાથે ચૂંટણીમાં ઊતરેલી BJPને જનતાએ જમીન પર લાવીને મૂકી દીધી છે. સંદેશ સાફ છે : જનતાને સ્પર્શતા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવામાં આવશે તો ૨૦૨૯ હાથમાંથી જશે. જનતામાં કેન્દ્ર સરકાર સામે અસંતોષ હતો પણ રોષ નહોતો. રોષ હોત તો INDIAને સ્પષ્ટ બહુમતી મળી હોત, પરંતુ મતદારોએ BJPની બેઠકો ઓછી કરીને ચાવી ટાઇટ કરી છે કે એ હવે પછીનાં પાંચ વર્ષ માટે બહુ હવામાં ન રહે.

INDIA તરફથી જોઈએ તો લોકોએ એક મજબૂત વિરોધ પક્ષની ચૂંટણી કરી છે. BJPએ કૉન્ગ્રેસમુક્ત ભારતના નામે વિપક્ષમુક્ત ભારત રચવા માટે જે પણ કંઈ રમતો અને જોર-જબરદસ્તી કરી હતી, મતદારોએ ગઠબંધનનો પક્ષ લઈને એક સ્વસ્થ અને તંદુરસ્ત લોકશાહીને જીવતી રાખવાનું કામ કર્યું છે.

ખીચડી સરકારથી આઘા

ટૂંકમાં, આ ચૂંટણીનો સાર એટલો જ છે કે દેશના શાણા મતદારોએ એક સરકાર ચૂંટી છે અને એના પર અંકુશ રહે એ માટે વિરોધ પક્ષ ચૂંટ્યો છે. JD-U અને TDPને કાઢી નાખો તો BJPને સાદી બહુમતી પણ નથી મળી. મોટા-મોટા નેતાઓ, સંસદસભ્યો અને વિધાનસભ્યો BJPમાં જતા રહ્યા (અથવા ખેંચી જવામાં આવ્યા) છતાં કૉન્ગ્રેસે જનતાઓના મુદ્દા આધારિત રાજનીતિના દમ પર વાપસી કરી છે. કૉન્ગ્રેસે ૯૯ બેઠકો સાથે ૨૦૧૯ના એના દેખાવમાં સુધારો કર્યો છે. એમાં પણ જનતાનો એક સંદેશ છે : વિપક્ષ તરીકે તમે જનતાના પ્રશ્નોને વાચા આપો અને ખીચડી સરકાર રચવાથી હજી આઘા રહો.

કૉન્ગ્રેસનું પ્રચારતંત્ર

કૉન્ગ્રેસે એના અનેક આંતરિક વિરોધાભાસો વચ્ચે INDIAના સાંધા સીવવાનું સફળ કામ કર્યું હતું અને એના નેતા રાહુલ ગાંધીએ પણ જનતાના પ્રશ્નો પર ટકી રહીને મોદી સામે એક પડકાર ઊભો કરવાનું કામ કર્યું હતું. આ વખતે કૉન્ગ્રેસનું સંગઠન, એની રણનીતિ અને એનું પ્રચારતંત્ર રંગ લાવ્યું છે; જેની સામે BJP ત્રણે મોરચે કમજોર પુરવાર થઈ હતી.

BJPની ૨૦૨૪ની જીત એની ૨૦૧૪ અને ૨૦૧૯ની જીત કરતાં જુદી અને નબળી છે. ૨૦૨૪માં સમગ્ર ચૂંટણીપ્રચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આસપાસ રચવામાં આવ્યો હતો. ‘૪૦૦ પાર’નો નારો પણ એ જ આશામાં રચવામાં આવ્યો હતો કે ભારતની જનતાને મોદીમાં અતૂટ વિશ્વાસ છે અને એ પ્રત્યેક ચૂંટણીમાં તેમને વધુ ને વધુ મોટો બહુમત આપવા માટે તૈયાર છે, પરંતુ આ વખતે ‘મહાભારત’ના યુધિષ્ઠિરની જેમ તેમનો રથ બે વેંત નીચો આવી ગયો છે.

ચૂંટણીસભાનાં ગિમિક ન ચાલ્યાં

નરેન્દ્ર મોદીએ તેમની દરેક રૅલીમાં મતદારો પાસે તેમના નામે મત આપવાની અપીલ કરી હતી. ઉમેદવારનું નામ ગમે તે હોય, મોદીએ ખુદને જ ઉમેદવાર તરીકે રજૂ કર્યા હતા. ૬૩ બેઠકો પર મતદારોએ તેમની અપીલને ઠુકરાવી દીધી છે.

પહેલા તબક્કાના ચૂંટણીપ્રચારથી જ BJP કોઈ નિર્ણાયક રાજકીય નૅરેટિવ પ્રસ્તુત કરવામાં સફળ રહી નહોતી. એણે શરૂઆત રામમંદિર અને ‘૪૦૦ પાર’થી કરી હતી, પરંતુ પહેલાં અને બીજા તબક્કાના મતદાનમાં લોકોએ ઉત્સાહ ન બતાવતાં પાર્ટીને ખ્યાલ આવી ગયો હતો કે એની આશા પ્રમાણે ‘મોદી લહેર’ નથી દેખાતી.

પરિણામે મોદીએ ‘કૉન્ગ્રેસ ભેંસ લઈ જશે,’ ‘મંગળસૂત્ર ખેંચી જશે,’ ‘સંપત્તિ છીનવી લેશે’ અને ‘વોટ જેહાદ’ જેવા ધ્રુવીકરણ કરતા મુદ્દાઓ પર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું (જે બનાસકાંઠાની રૅલીમાં તેમણે ‘કૉન્ગ્રેસ સત્તામાં આવી તો તમારી ભેંસ લઈ જશે’ એવું વિધાન કર્યું હતું ત્યાં કૉન્ગ્રેસનાં ગેનીબેન ઠાકોરે નિર્ણાયક જીત હાંસલ કરી છે. એ સાથે જ બહુ વર્ષો પછી કૉન્ગ્રેસે ગુજરાતમાં ખાતું ખોલાવ્યું છે.)

આ મુદ્દાઓ કોઈ નિર્ણાયક રાજકીય નૅરેટિવ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાં સુધી કે મોદીના કટ્ટર સમર્થકો પણ તેમનાં અમુક વિધાનોથી અચંબિત રહી ગયા હતા અને કહેતા હતા કે ચૂંટણીસભામાં મતોને આકર્ષવા માટે આવાં ગિમિક કરવાથી મતદારો પર અવળી અસર પડશે. વિપક્ષોએ, ખાસ કરીને કૉન્ગ્રેસે, એના પ્રચારમાં ગરીબ, પછાત અને ગ્રામ્યવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમને સ્પર્શતા મુદ્દાઓ પર બોલવાનું ચાલુ રાખ્યું હતું એટલે મોદીએ એનો પ્રતિકાર કરવા માટે તેમનાં ભાષણોમાં હિન્દુ જાતિની મોટી છત્રી ખોલી હતી, એવી આશાએ કે આ બધા વર્ગો એની નીચે શરણ લેવા આવી જશે. એવું થયું નથી. મતદારોએ આ વખતે, ૨૦૧૪ અને ૨૦૧૯ની જેમ, હિન્દુત્વને ખોબલે-ખોબલે મત આપ્યા નથી, કારણ કે રોજિંદા જીવનના પ્રશ્નો આ વખતે હાવી હતા અને વિપક્ષો એના પર જ ટકી રહ્યા હતા.

જો તમને યાદ હોય તો શરૂઆતના બે તબક્કાના ચૂંટણીપ્રચાર પછી BJPએ કૉન્ગ્રેસના ઘોષણાપત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાના ચૂંટણીપ્રચારનું સ્વરૂપ બદલ્યું હતું. ભેંસ અને મંગળસૂત્ર કૉન્ગ્રેસના વેલ્થ ડિસ્ટ્રિબ્યુશન નામના આર્થિક વિચારના ધજાગરા ઉડાડવા માટેની દેશી ભાષા હતી. મોદીને એમ હતું કે તેમનો સમર્થક વર્ગ ‘એલીટ’ ભાષા સમજતો નથી એટલે તેમને તેમના જીવનનાં પ્રતીકોથી કૉન્ગ્રેસનો સંપત્તિવિતરણનો વિચાર કેટલો ખતરનાક છે એ સમજાવવું પડશે, પરંતુ અંતે તો કૉન્ગ્રેસનું ઘોષણાપત્ર BJP માટે એક બૌદ્ધિક પડકાર સાબિત થયું હતું.

લાસ્ટ લાઇન

લોકશાહીમાં ધનવાનો કરતાં ગરીબ લોકોની શક્તિ વધુ હોય છે, કારણ કે તેમની સંખ્યા વધુ હોય છે અને બહુમતીની ઇચ્છા જ સર્વોચ્ચ હોય છે. - ઍરિસ્ટોટલ

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2024 12:16 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK