° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


જીવન હું કોણ છું એ શોધવાની નહીં, હું શા માટે છું એ સમજવાની પ્રક્રિયા છે

01 May, 2022 04:37 PM IST | Mumbai
Rajani Mehta

પ્રત્યેક મનુષ્યના જીવનમાં એક ક્ષણ એવી આવતી હોય છે કે જો તે એને ઝડપી લે તો તે આપબળે અને આપમેળે સદ્ભાગ્યના શિખર પર પહોંચી શકે

ખુશખુશાલ સુનીલ દત્ત અને નર્ગિસ.

ખુશખુશાલ સુનીલ દત્ત અને નર્ગિસ.

પ્રત્યેક મનુષ્યના જીવનમાં એક ક્ષણ એવી આવતી હોય છે કે જો તે એને ઝડપી લે તો તે આપબળે અને આપમેળે સદ્ભાગ્યના શિખર પર પહોંચી શકે. સુખ તમારે શોધવાનું નથી હોતું. તમારે એના સર્જક થવાનું હોય છે. જો તમે સુખનાં સપનાં જોતા હો તો એને સાકાર કરવા ખરા સમયે જાગી જવું બહુ જરૂરી હોય છે. રાજ કપૂર સાથેના મોહભંગ પછી નર્ગિસની આંખ ઊઘડી ગઈ હતી. એવા સંજોગોમાં તેણે સુનીલ દત્તનાં લગ્નના પ્રસ્તાવને સ્વીકારીને જીવનનો એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો. 
સુનીલ દત્ત સાથે નર્ગિસના નિર્ણયની વાત સાંભળતાં જ બન્ને ભાઈઓ પહેલાં તો સ્તબ્ધ થઈ એકમેક સામે જોવા લાગ્યા અને એક જ સૂરમાં કહ્યું, ‘નહીં, આ શક્ય જ નથી. તું મુસ્લિમ, પેલો હિન્દુ. આ પરિસ્થિતિમાં લગ્ન કરવાનું તું વિચારી જ કેમ શકે?’
નર્ગિસે  શાંતિથી, પરંતુ મક્કમ સ્વરે કહ્યું, ‘મને તેના ધર્મની પરવા નથી.’ 
એ સાંભળતાં જ અખ્તર હુસેને મિજાજ ગુમાવતાં કહ્યું, ‘તને પરવા નહીં હોય, પણ અમને અમારા ધર્મની પરવા છે. આજે અમ્મા જીવતી હોત તો તારા આ ઉધામા ચલાવી ન લેત.’ અખ્તર હુસેનને ખબર હતી કે જદ્દનબાઈને પોતાના ધર્મ પ્રત્યે કેટલું અભિમાન હતું. નર્ગિસના પિતા મોહનબાબુ સાથે લગ્ન કરતી વખતે જદ્દનબાઈએ તેમનું ધર્માંતર કરાવીને મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરાવ્યો હતો. અખ્તર હુસેને એ વાતની યાદ અપાવીને નર્ગિસને ‘ઇમોશનલ બ્લૅકમેઇલ’ કરવાની કોશિશ કરી. 
નર્ગિસ પર એની કોઈ અસર ન પડી. ફરી એક વાર તેણે શાંતિથી એટલું જ કહ્યું, ‘હવે જમાનો બદલાયો છે.’
અખ્તર હુસેનને બાજી હાથમાંથી સરકી જતી લાગી. સખતાઈથી તેણે કહ્યું, ‘જમાનો ભલે બદલાયો હોય, આપણે નથી બદલાવું. આપણે સમાજમાં 
રહેવું છે.’
નર્ગિસે દૃઢતાથી એનો જવાબ આપતાં કહ્યું, ‘તમે રહો તમારા આ સમાજમાં. મારે નથી રહેવું.’ આટલું કહીને તે ત્યાંથી બહાર નીકળી ગઈ. બન્ને ભાઈઓ આ લગ્નની વિરુદ્ધ હતા એનું એક કારણ હતું સમાજમાં બદનામીનો ડર. રાજ કપૂર હિન્દુ હોવા છતાં લગ્ન કર્યા વિના નર્ગિસ તેની સાથે હરતી-ફરતી ત્યારે તેમને કાંઈ ખોટું લાગતું નહોતું, પરંતુ સુનીલ દત્ત હિન્દુ હોવાથી જો નર્ગિસ લગ્ન કરે તો સમાજ ન ચલાવી લે. તેમને માટે તો ધર્મ ડૂબી જાય એવી વાત હતી. એથી વિશેષ સોનાનાં ઈંડાં આપતી મરઘી હાથમાંથી નીકળી જાય એ હકીકતને કારણે બન્ને પરેશાન હતા. 
ગમે તે હોય, બન્ને ભાઈઓ કોઈ પણ હિસાબે નર્ગિસને રોકવા માગતા હતા. તેમણે  જોયું કે ધર્મને ઢાલ બનાવીને નર્ગિસને સમજાવવી શક્ય નથી ત્યારે તેમણે ચાલ બદલી. જદ્દનબાઈના મૃત્યુ બાદ અખ્તર હુસેન મોટા ભાઈના નાતે ઘર ચલાવતા. તેમની સામે બોલવાની કોઈ હિંમત ન કરે, પરંતુ નર્ગિસ પોતાનું ધાર્યું કરવાના મૂડમાં હતી. અખ્તર હુસેને જોયું કે થોડું કળથી કામ લેવું પડશે. તેણે શાંતિથી નર્ગિસને કહ્યું, ‘બેબી, ધર્મનું બંધન તોડીને તારે લગ્ન કરવાં હોય તો ભલે, પણ એ પહેલાં શાંતચિત્તે એક વાતનો વિચાર જરૂર કરજે.’
નર્ગિસે કહ્યું, ‘કઈ વાતનો વિચાર કરવાનો છે?’
‘તારા સ્ટેટસનો. તું આજે ટૉપની અભિનેત્રી છે. ઇન્ડસ્ટ્રીમાં તારું નામ છે, સ્ટેટસ છે. જે છોકરા સાથે તું લગ્ન કરવા તૈયાર થઈ છે તેની હેસિયત શું છે? તે એક નવો, સ્ટ્રગલ કરતો કલાકાર છે. તેનું ભવિષ્ય શું છે? તે ગુમનામીના અંધકારમાં ફાંફાં મારે છે એટલે તેને તારો આધાર જોઈએ છે. તું શાંતિથી વિચાર કરીશ તો તને મારી વાત સમજાશે.’
અખ્તર હુસેને જે તીર છોડ્યું હતું એની અસર થઈ. નર્ગિસ થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગઈ. મનમાં વિચાર આવતો હતો કે શું આવું પણ બની શકે ખરું? તેની ચુપકીદીનો લાભ લઈ અખ્તર હુસેને આગળ ચલાવ્યું, ‘મમ્મી મમ્મી કહીને ઘરમાં ઘૂસી ગયેલો આ છોકરો મને તો લુચ્ચો લાગે છે. મીઠું-મીઠું બોલીને, પોતાની જાળમાં ફસાવીને તે તારી સાથે લગ્ન કરવા માગે છે.’
ફરી એક વાર નર્ગિસના મનમાં વિચારોનું વમળ સર્જાયું. એમ છતાં તેણે અખ્તર હુસેનને મચક ન આપી અને સામે પ્રશ્ન કર્યો, ‘એ લુચ્ચો છે એવું કેમ કહેવાય? તમને એનો કોઈ એવો અનુભવ થયો છે?’
અખ્તર હુસેન પોતાની વાતને વળગી રહ્યા અને બોલ્યા, ‘એક વાત તને સ્પષ્ટ કહી દઉં. રાજ સાથેના તારા સંબંધ જગજાહેર છે, તો પણ તે તારી સાથે લગ્ન કરવા તૈયાર છે. તેની લુચ્ચાઈની આનાથી વધુ બીજી કઈ સાબિતી તારે જોઈએ છે?’
નર્ગિસ એમ હાર માને એવી નહોતી. તેણે કહ્યું, ‘આમાં શેની લુચ્ચાઈ છે. મેં મારી જિંદગી વિશે તેને ખુલ્લંખુલ્લા દરેક વાત કરી છે છતાં તે મને સ્વીકારવા તૈયાર છે અને એ જ તેના મનની 
મોટાઈ છે.’
અખ્તર હુસેને છેલ્લા પાસા ફેંક્યા, ‘એ જ તારી ભૂલ છે. તેની મોટાઈ પાછળ પણ તેનો સ્વાર્થ છુપાયેલો છે.’
‘કેવો સ્વાર્થ?’ અકળાઈને નર્ગિસે પૂછ્યું.
તરકશનું આખરી તીર ફેંકતાં અખ્તર હુસેને કહ્યું, ‘શરૂઆતમાં જ મેં તને કહ્યું હતું કે સફળતા મેળવવા તે તારો સીડીની જેમ ઉપયોગ કરશે. એક વાર તેનું નામ થઈ જશે એટલે એ સીડીને તે ફેંકી દેશે. ‘ગરજ સરી એટલે વૈદ વેરી’ની જેમ તે તને છોડી દેશે. એ પછી તારું શું થશે એની તને કલ્પના છે? લગ્નનો નિર્ણય લેતાં પહેલાં મારી વાતનો શાંતિથી વિચાર કરજે. એ પછી તારે જે કરવું હોય એ કર.’
મોટા ભાઈની વાત સાંભળીને નર્ગિસને થયું કે તેમની વાતમાં દમ છે. બલરાજ દત્તનો જન્મ એક સામાન્ય પરિવારમાં પંજાબના યમુનાનગરમાં થયો હતો. પાંચ વર્ષની ઉંમરે તેમના પિતાજીનું અવસાન થયું હતું. સ્કૂલનો અભ્યાસ લખનઉમાં પૂરો કરી મુંબઈ આવ્યા અને જયહિન્દ કૉલેજમાં ગ્રૅજ્યુએશન પૂરું કરીને બેસ્ટના ટ્રાન્સપોર્ટ ડિવિઝનમાં નોકરી શરૂ કરી. ત્યાર બાદ થોડો સમય રેડિયો સિલોન (આજનું શ્રીલંકા) પર અનાઉન્સર તરીકે કામ કર્યું. તેમની પર્સનાલિટી અને અવાજથી ઇમ્પ્રેસ થઈને રમેશ સૈગલે ફિલ્મ ‘રેલવે પ્લૅટફૉર્મ’ (૧૯૫૫)માં રોલ આપ્યો. અભિનેતા બલરાજ સાહનીના નામ સાથે તેમના નામની ગરબડ ન થાય એટલે તેમણે નામ આપ્યું સુનીલ દત્ત. ત્યાર બાદ તેમને ‘મધર ઇન્ડિયા’માં કામ મળ્યું.  ઇન્ડસ્ટ્રીમાં પગભર થવા તેમની સ્ટ્રગલ ચાલતી હતી એ દરમ્યાન તેમને ‘રાજધાની’, ‘કિસ્મત કા ખેલ’ અને ‘એક હી રસ્તા’માં કામ મળ્યું, પરંતુ તેમની સફળતા વિશે કોઈ ગૅરન્ટી નહોતી. 
એ રાતે નર્ગિસની હાલત શેક્સપિયરના હેમલેટની જેમ ‘To be or not to be’ જેવી થઈ ગઈ. નિર્ણય લેવાની ઘડીએ જ્યારે અનિશ્ચિતતા હાવી થઈ જાય એ જ નિષ્ફળતાનું પહેલું પગથિયું છે. જોખમ જાણી લીધા પછી એને ટાળવું એનું નામ હિંમત નથી, પણ જોખમને બરાબર ઓળખી લઈને એના પર જીત મેળવવી એનું નામ હિંમત છે. એક ક્વોટેશન યાદ આવે છે ઃ ‘Life is not about finding your self. Life is about knowing yourself.’  જીવન હું કોણ છું એ શોધવાની નહીં, હું શા માટે છું એ સમજવાની પ્રક્રિયા છે. એક સંપૂર્ણ સ્ત્રી તરીકે પોતાની જાતને નર્ગિસ એક નવો જન્મ આપવા માટે મક્કમ હતી. મનમાં રહેલી શંકા-કુશંકાઓને ફગાવીને તેણે નક્કી કર્યું કે જે થાય એ, હવે વધારે સમય વેડફવો નથી. Its now or never. કોઈને અણસાર આપ્યા વિના તે હવે આગળ વધવા માગતી હતી. 
બીજા દિવસે તે સુનીલ દત્તના ઘરે ગઈ. સુનીલ દત્ત ઘરમાં નહોતા. તેની રાહ જોવાય એમ નહોતું. સાથે પોતાનો નિર્ણય જણાવવાની તાલાવેલી એટલી હતી કે તેણે સુનીલ દત્તનાં માતાજીને સંદેશો આપીને કહ્યું, ‘સુનીલ સે કહના મેરી હાં હૈ.’ માતાજીએ પ્રશ્ન કર્યો, ‘કિસ બાત કી?’ તેણે જવાબ આપ્યો, ‘સુનીલ કો પતા હૈ.’
મોડી રાતે ઘરે પહોંચેલા સુનીલ દત્તને આ ખુશખબરી મળી. તેઓ પરોઢ સુધી જાગતા રહ્યા. સવારે શૂટિંગમાં જતાં પહેલાં તેમની નર્ગિસ સાથે મુલાકાત થઈ. નર્ગિસે કહ્યું, ‘મારે સમય ગુમાવ્યા વિના આજે ને આજે જ તારી સાથે લગ્ન કરવાં છે.’
સુનીલ દત્તને લાગ્યું કે નર્ગિસ મજાક કરે છે, ‘આજે ને આજે જ?’
નર્ગિસ ગંભીરતાથી બોલી, ‘હા, આજે ને આજે એટલે આજે ને 
આજે જ.’
એ દિવસ હતો ૧૯૫૮ની ૧૧ માર્ચનો. એ સમયે સુનીલ દત્ત બિમલ રૉયની ‘સુજાતા’માં કામ કરતા હતા. શૂટિંગ પતાવીને સાંજે લગ્ન માટે જવાના હતા. આ વાત એકદમ ગુપ્ત રાખવાની હતી. મહેબૂબ ખાન આ સંબંધની વિરુદ્ધ હતા. તેમને હતું કે જો લોકોને આની ખબર પડશે તો ફિલ્મ ફ્લૉપ જશે. ભારતીય પ્રેક્ષકો પતિ-પત્નીને પડદા પર મા-દીકરાની ભૂમિકામાં કદી નહીં સ્વીકારે. સુનીલ દત્તે સેટ પર પણ કોઈને આનો અણસાર આવવા ન દીધો. શૂટિંગ પૂરું થયું એટલે પ્રોડક્શનના કપડાના વિભાગમાં જઈને એક શેરવાની 
પહેરી લીધી. ઘરે જતી વખતે કેમ શેરવાની પહેરી એનું મૅનેજરે કારણ પૂછ્યું તો જવાબ આપ્યો, ‘અહીંથી 
સીધા મારા એક મિત્રનાં લગ્નમાં જવાનું છે. ઘરેથી શેરવાની લાવવાનું ભૂલી 
ગયો. કાલે આવું ત્યારે પાછી લેતો આવીશ.’
 આર્ય સમાજ વિધિથી થયેલાં લગ્ન સંપન્ન થયાં ત્યારે મોડી રાત થઈ ગઈ હતી.   લગ્ન બાદ નર્ગિસને વડીલના આશીર્વાદ જોઈતા હતા. સુનીલ 
દત્તને લઈ તે ઘરે આવી. સૌ સૂતા હતા. નર્ગિસે ડોરબેલ વગાડી. અનવર 
હુસેને આંખ ચોળતાં-ચોળતાં દરવાજો ખોલ્યો. તરત બન્નેએ તેમના 
ચરણસ્પર્શ કર્યા. 
 મૂંઝાયેલા અનવર હુસેને કહ્યું, ‘આમ અડધી રાતે પ્રણામ શા માટે?’
નર્ગિસે કહ્યું, ‘અમે બન્નેએ આજે લગ્ન કર્યાં છે. તમારા આશીર્વાદ 
જોઈએ છે.’
આટલું સાંભળતાં અનવર હુસેનની ઊંઘ ઊડી ગઈ. તેઓ દોડતાં અંદર ગયા. અખ્તર હુસેનની રૂમનો દરવાજો ખોલીને લગભગ બૂમ પાડતાં કહ્યું, ‘બેબીએ લગ્ન કરી લીધાં છે. તે આશીર્વાદ લેવા આવી છે.’
નર્ગિસની તાસીર જાણતા અખ્તર હુસેનને આ વાતનો અણસાર આવી ગયો હતો. પથારીમાંથી ઊઠવાની તસ્દી લીધા વિના ઠંડે કલેજે જવાબ આપતાં કહ્યું, ‘બેબીએ લગ્ન કરી લીધાં તો કરવા દે. તારે તેની સાથે શું લેવા-દેવા. ચૂપચાપ શાંતિથી સૂઈ જા અને મને પણ સૂવા દે.’ આમ નર્ગિસે આશીર્વાદ લીધા વિના જ ત્યાંથી પાછા ફરવું પડ્યું.
મોટા ભાઈની વાત માનીને અનવર હુસેન પથારીમાં પડ્યા, પણ અખ્તર હુસેનને ઊંઘ નહોતી આવતી. અંતે તેનાથી રહેવાયું નહીં. તેણે રાજ કપૂરને ફોન કર્યો, 
‘હું અખ્તર બોલું છું. એક સમાચાર આપવાના છે.’
અડધી રાતે અખ્તર હુસેનનો ફોન પર અવાજ સાંભળીને રાજ કપૂરે આંખ ચોળતાં-ચોળતાં પૂછ્યું, ‘શેના સમાચાર?’
‘બેબીનાં લગ્નનાં.’
આટલું સાંભળતાં રાજ કપૂરની ઊંઘ ઊડી ગઈ. આવું કાંઈ થશે એની તેમને કલ્પના નહોતી, ‘લગ્ન અને એ પણ બેબીનાં?’
‘હા, બેબીનાં. આજે જ તેણે લગ્ન કર્યાં છે.’
સાંભળીને સ્તબ્ધ થયેલા રાજ કપૂરના ગળામાંથી માંડ-માંડ બે શબ્દો નીકળ્યા, ‘કોની સાથે?’
‘સુનીલ દત્ત સાથે.’
આટલું સાંભળતાં જ રાજ કપૂરે ફોન મૂકી દીધો. મોડી રાતે કોનો ફોન છે એની ચિંતાથી શરૂ થયેલા ટૂંકા વાર્તાલાપનો અંત આવતાં જ તેમના હૃદયમાં પ્રેમના પરાજયની ચિતા ભડભડ સળગવા માંડી.

01 May, 2022 04:37 PM IST | Mumbai | Rajani Mehta

અન્ય લેખો

રાજ કપૂરની ફિલ્મોમાં પ્રેમની અભિવ્યક્તિ સંવાદોમાં સંયમ, અભિનયમાં આવેશ દ્વારા થતી

રાજ કપૂરની ફિલ્મોનાં પ્રણયદૃશ્યોનું અસરકારક ફિલ્માંકન થયું એ માટે અભિનેતા રાજ કપૂર કરતાં દિગ્દર્શક રાજ કપૂરનું મોટું યોગદાન રહ્યું છે.

03 July, 2022 09:30 IST | Mumbai | Rajani Mehta

એક જમાનામાં આપણા દેશમાં બધી મોટર ઇમ્પોર્ટેડ જ હતી

મુંબઈમાં એ વેચાતી દાદાજી ધાકજીના શોરૂમમાં. ‘રાવસાહેબ’ તરીકે ઓળખાતા ધાકજી મૂળ તો થાણેના વતની. જાતે પાઠારે પ્રભુ. આ પાઠારે પ્રભુ મૂળ પાટણના વતની?

02 July, 2022 12:21 IST | Mumbai | Deepak Mehta

પોતાની હિરોઇનના પ્રેમમાં પડવાની રાજ કપૂરની આદત ફિલ્મોની સફળતા માટે ફાયદાકારક હતી

બૅન્ગલોરના ‘સંગમ’ના પ્રીમિયર સમયે કૃષ્ણા કપૂર હાજર હતાં. પડદા પર જે પ્રણયત્રિકોણ ભજવાતો હતો એ પ્રેક્ષકો માટે મનોરંજન હતું. અહીં અસલી જીવનનાં ત્રણ પાત્રો એકમેકની સામસામે હતાં.

26 June, 2022 01:21 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK