Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈના દરિયાની અંદર રહેલી સૌંદર્યવાન જીવસૃષ્ટિ જોશો તો બાલી કે આંદામાન ભૂલી જશો

મુંબઈના દરિયાની અંદર રહેલી સૌંદર્યવાન જીવસૃષ્ટિ જોશો તો બાલી કે આંદામાન ભૂલી જશો

08 June, 2024 07:47 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

મુંબઈના દરિયામાં વસતી જીવસૃષ્ટિ કેવી આંખો આંજનારી છે એ વિશે આજે વર્લ્ડ ઓશન ડે નિમિત્તે જાણીએ

સી અનેમની (ડાબે - ઉપર), ફિડલર ક્રૅબ (જમણે - ઉપર), મૉરે ઈલ (ડાબે - નીચે), ઝોઆન્થિડ્સ (જમણે - નીચે)

યે હૈ મુંબઈ મેરી જાન

સી અનેમની (ડાબે - ઉપર), ફિડલર ક્રૅબ (જમણે - ઉપર), મૉરે ઈલ (ડાબે - નીચે), ઝોઆન્થિડ્સ (જમણે - નીચે)


આપણને સામાન્ય લાગતા મુંબઈના દરિયા પાસે અસામાન્ય કહી શકાય એવું ઘણું છે. જેમ કે મુંબઈના દરિયામાં ડૉલ્ફિન હોય, વ્હેલ અને શાર્ક માછલી હોય, જે કોરલ્સ જોવા માટે લોકો સ્કૂબા ડાઇવિંગ કરતા હોય એ કોરલ્સ મુંબઈના દરિયાકાંઠે જોવા મળે એ કોઈ ચમત્કારથી ઓછી વાત નથી. જોકે દરિયો નજીક છે, દરિયામાં ગંદકી ઠલવાઈ રહી છે; જેને કારણે આપણા માટે એ ગૌણ બની ગયો છે, પણ મુંબઈના દરિયામાં વસતી જીવસૃષ્ટિ કેવી આંખો આંજનારી છે એ વિશે આજે વર્લ્ડ ઓશન ડે નિમિત્તે જાણીએ

જેટલા આનંદ અને ઉત્સાહ તમને લક્ષદ્વીપ કે આંદામાન-નિકોબાર કે બાલી જવા માટે હશે એવું એક્સાઇટમેન્ટ મુંબઈના દરિયા માટે નહીં જ હોય. મુંબઈનો દરિયો આપણને વારસામાં મળ્યો છે. સાત ટાપુઓમાંથી બનેલા મુંબઈ શહેરની ફરતે દરિયો છે એટલે આપણને એનું એટલું ગ્લૅમર કે આકર્ષણ નથી. એ જ એક કારણ છે કે દરિયા પ્રત્યે બેદરકારીનું પ્રમાણ પણ વધારે છે. સામાન્ય મુંબઈકરને બીચ પર જવા કરતાં ત્યાં કિનારે બેસીને ભેળપૂરી ખાવાનો મોહ વધુ હશે પણ આજે જે માહિતી અમે તમારા માટે લાવ્યા છીએ એ વિશે જાણીને મુંબઈના દરિયાના પ્રેમમાં પડ્યા વિના તમે નહીં રહો. આજ પછી સંભવ છે કે મુંબઈના દરિયામાં રહેલી સમૃદ્ધ જીવસૃષ્ટિનું ચક્ષુપાન કર્યા પછી દરિયામાં ઠલવાતી ગંદકીનો તમને ઘરે બેઠાં ત્રાસ છૂટવા માંડશે. આજ પછી સંભવ છે કે મુંબઈના દરિયાકિનારે હવે સેવપૂરી-ભેળપૂરી ખાવા નહીં પણ મુંબઈના દરિયાકિનારે વસતાં પ્રાણીઓનાં દર્શન માટે જવાનું તમે શરૂ કરી દેશો.કોલાબાથી લઈને ઉત્તન અને થાણે ક્રીક સાથે લગભગ દોઢસો કિલોમીટરનો દરિયાઈ પટ્ટો મુંબઈને મળ્યો છે. આખા ભારતના લગભગ સાડાસાત હજાર કિલોમીટરના દરિયાઈ પટ્ટાની સાથે દોઢસો કિલોમીટર બહુ જ નાનો નંબર જણાય, પણ આટલા જ એરિયામાં અત્યાર સુધીમાં મુંબઈની મરીન લાઇફ એટલે કે દરિયાઈ જીવસૃષ્ટિ પર સંશોધન કરી રહેલા પ્રકૃતિપ્રેમીઓને ૬૦૦ જેટલી જુદી-જુદી માછલીઓ અને દરિયાઈ જીવોની પ્રજાતિ મળી છે. યસ, એ મુંબઈના દરિયામાં જ્યાં દરરોજનું અબજો લીટર સુએજનું પાણી ઠલવાય છે. એ જ દરિયો, જેનું કાળું પાણી જોઈને તમે દરિયાકિનારે ગયા પછીયે એ પાણીમાં પગ સુધ્ધાં બોળવામાં અચકાતા હો છો. એ જ દરિયો, જેની ગંદકી અને દુર્ગંધને કારણે કિનારે તો ઠીક, એ રોડ પરથી પણ પસાર થવાનું લોકો અવૉઇડ કરે છે. પ્રદૂષણના આ સ્તર પછી પણ ૬૦૦થી વધુ પ્રજાતિઓ મુંબઈના દરિયામાં ટકી રહી છે અને એ માટે લોકોમાં સભાનતા લાવવાનું કામ કેટલાક લડવૈયાઓ કરી રહ્યા છે.


ધ્યાન ક્યારે ગયું?


પ્રદીપ પટાડે

૨૦૧૩માં મુંબઈના માછીમારોની નેટમાં દરિયાઈ ઘોડો આવ્યો અને એક પ્રકૃતિપ્રેમી સુધી વાત પહોંચી. મુંબઈની મરીન લાઇફ વિશે આમઆદમીના જોડાવાનું મંગલાચરણ આ ઘટનાથી થયું એમ કહી શકાય. દરિયાઈ ઘોડો મુંબઈના દરિયામાં નોટિસ કરનારા અને એ સમયે વૉટર સ્પોર્ટ્સ કરાવતા પ્રદીપ પાતાડે કહે છે, ‘હું મરીન બાયોલૉજિસ્ટ નથી કે નથી એ સિવાયની દરિયાના જીવોની મેં કોઈ ટ્રેઇનિંગ લીધી, પરંતુ નાનપણથી દરિયાઈ જીવો પ્રત્યે એક લગાવ હતો. માછીમારો સાથે દોસ્તી હતી એટલે તેમની પાસેથી ઘણી વાતો જાણવા મળતી. સી હૉર્સનું મુંબઈના દરિયાકાંઠે હોવું એ ખરેખર તાજ્જુબની વાત હતી. એ સ્પૉટ પર જઈને જોયું તો ત્યાં તો કોરલ (દરિયાઈ જીવોનાં હાડકાંમાંથી બનતી પ્રવાળની ચટ્ટાનો, જે દેખાવમાં ખૂબ જ રંગીન અને આકર્ષક હોય અને મોટા ભાગે દરિયાના પેટાળમાં જોવા મળે) પણ હતા. મુંબઈની ગિરગામ ચોપાટીથી

૨૦૦-૩૦૦ મીટરમાં દરિયાકિનારે કોરલ હોવા એ પોતાનામાં મોટી વાત હતી. મારો રસ વધતો ગયો એટલે અંદરખાને હું માછીમારો સાથે મુંબઈમાં કેવા પ્રકારની માછલીઓ હોય છે એનો વ્યક્તિગત અભ્યાસ કરતો. વૉટર સ્પોર્ટ્સ સાથે સંકળાયેલો હોવાથી મુંબઈ મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમ સાથે પણ જોડાયેલો હતો. એ દરમ્યાન એક ઘટના ઘટી. દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કરવા ગયેલા લોકોમાંથી સિત્તેર જણને માછલીએ ડંખ દીધો. પુખ્ત વયના લોકો સાથે એમાં બાળકો પણ હતાં. આ ડંખ દેનારી માછલીનું નામ સ્ટિંગરે હતું અને એનામાં ઝેર હોય. રેસ્ક્યુ ટીમના સદસ્ય હોવાના નાતે હું સ્પૉટ પર હતો. આપણી પાસે ત્યારે જે ફર્સ્ટ એઇડની ટીમ હતી તેમને આ પ્રકારના માછલીના ડંખ માટે શું કરવું એની ખબર નહોતી. સાપ કરડે તો શું કરવું કે મધમાખી કરડે તો શું કરવું એની આખી દુનિયાને ખબર છે, પણ ઝેરી માછલી કરડે તો શું કરવું એની સમજણ મોટા-મોટા મરીન બાયોલૉજિસ્ટને પણ નહોતી. આ ઘટના એવી હતી કે જેણે મને પ્રેરિત કર્યો કે હવે સમય છે મરીન લાઇફ પર ફોકસ કરીએ. હું બટરફ્લાય અને બર્ડ્સની ફોટોગ્રાફી કરતો એની સાથે હવે મેં મુંબઈના દરિયાકિનારે જોવા મળતા દરિયાઈ જીવોની ફોટોગ્રાફી શરૂ કરી અને એને સોશ્યલ મીડિયા પર મૂકવાનું શરૂ કર્યું. શરૂઆતમાં લોકો એ માનવા જ તૈયાર નહોતા કે સ્ટાર ફિશ અને જેલી ફિશ કે ફ્લાઇંગ ફિશ પણ મુંબઈના દરિયામાં અસ્તિત્વ ધરાવે છે. લોકોનો રસ દેખાયો એ દરમ્યાન મરીન બાયોલૉજિસ્ટ અભિષેક જમાલાબાદ અને સિદ્ધાર્થ ચક્રવર્તી સાથે પરિચય થયો, જે આંતરરાષ્ટ્રીય સ્તરે સી ક્રીચરના સ્મગલિંગને અટકાવવા કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા સી શેફર્ડ દ્વારા ભારતમાં નિમાયેલો પહેલો કૅપ્ટન હતો. આ બે એક્સપર્ટ સાથે મળીને ૨૦૧૭માં અમે મરીન લાઇફ ઑફ મુંબઈ નામનું ગ્રુપ શરૂ કર્યું.’

આ ગ્રુપ પહેલી એવી પબ્લિક એન્ટિટી તમે કહી શકો જેનું મુખ્ય કામ હતું મુંબઈના લોકોને મુંબઈની દરિયાઈ વૈભવી જીવસૃષ્ટિ સાથે પરિચય કરાવવો અને એ માટે નિઃશુલ્ક સી-શોર વૉક એટલે કે દરિયાકાંઠા પર લોકોને ચાલવા લઈ જઈને એ જીવસૃષ્ટિ સાથે લાઇવ પરિચય કરાવવો. પ્રદીપ કહે છે, ‘આને કારણે દરિયાઈ જીવો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા ઘણા મિત્રો અમને મળ્યા. આ એક નૉન-પ્રૉફિટ ઇનિશ્યેટિવ હતું. એને વધુ નક્કર સ્વરૂપ આપવા માટે આવી જ સી-શોર ગ્રુપ વિઝિટમાં અમારી સાથે જોડાયેલા શૌનક મોદી અમને મળ્યા જેમની સાથે મળીને હવે નૉન- પ્રૉફિટ કંપની કોસ્ટલ કન્ઝર્વેશન ફાઉન્ડેશન શરૂ કર્યું છે. પહેલા દિવસથી જ અમારો એક ગોલ રહ્યો છે કે મરીન લાઇફને પૉપ્યુલર કરવી એ જ એના સંવર્ધનનું પહેલું ડગલું છે. લોકોને મરીન લાઇફ શું છે એ ખબર હશે તો જ તો તેઓ એને બચાવવાની દિશામાં આગળ વધશે.’

શું કામ ખાસ?

શૌનક મોદી

વેબ-ડિઝાઇનિંગની પોતાની કંપની ચલાવતા એક જમાનાના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને હવે મરીન લાઇફ ફોટોગ્રાફર, રિસર્ચર શૌનક મોદી અત્યારે મુંબઈના દરિયાકિનારે રહેલી ડૉલ્ફિન પર રિસર્ચ કરી રહ્યા છે. ભાઈ કહે છે, ‘મેં આખી જિંદગી મુંબઈમાં કાઢી છે. મુંબઈના દરિયાને ગંદકી સાથે જ જોવાની ટેવ પડી હતી, કારણ કે ગાર્બેજ અને ગંદા પાણી સિવાય દરિયામાં કંઈ દેખાતું જ નહોતું. જોકે જ્યારે સી-શોર વૉક કરી અને ખબર પડી કે આપણા દરિયાની પણ પોતાની સૃષ્ટિ છે. આપણે ક્યારેય દરિયાને ઇકોસિસ્ટમ તરીકે જોયો જ નથી. લાખો-કરોડો ઍનિમલ્સનું એ ઘર છે એ વિશે વિચાર્યું જ નથી. એમાંય મને એ સમજાયું કે દરિયાના કિનારા અને દરિયા વચ્ચે પણ એક એવી જગ્યા છે જ્યાં અઢળક પ્રમાણમાં દરિયાઈ જીવો વસી રહ્યા છે. એ જીવોએ પોતાને એ રીતે ડેવલપ કર્યા છે કે તેઓ પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ રહી શકે. તીવ્ર ઓટનો સમય હોય, જે મહિનામાં લગભગ ત્રણથી ચાર દિવસ જોવા મળતો હોય ત્યારે તમે કિનારા અને દરિયાની વચ્ચે જીવતા આ જીવોને મળી શકો, જોઈ શકો. આ સૃષ્ટિ જોયા પછી હું દંગ રહી ગયો હતો. આ જુદી જ દુનિયા લોકોને દેખાડવી મને જરૂરી લાગતી હતી. અમે ડૉલ્ફિનનું સ્પૉટિંગ મુંબઈમાં કર્યું ત્યારે એની સંખ્યાને સમજવા માટે પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. આજે તમે માનશો નહીં, પણ એકસાથે ૬૦થી વધુ ડૉલ્ફિન્સ અમે નોંધી છે. એમાં બેબી ડૉલ્ફિન્સ પણ ખરી. એનો અર્થ એવો થાય છે કે જે ડૉલ્ફિન આપણને મુંબઈના દરિયામાં દેખાઈ રહી છે એ વિઝિટર ડૉલ્ફિન નહીં પણ પર્મનન્ટ રેસિડેન્શિયલ ડૉલ્ફિન છે. એવી જ રીતે અમે દરિયાઈ ગોકળગાયની પાંચ એવી પ્રજાતિઓ સ્પૉટ કરી જે ૭૦ વર્ષ પહેલાં એક અંગ્રેજ અધિકારીએ શોધી હતી. એક કોલાબામાં દેખાઈ હતી એટલે એનું નામ કોલાબાના રખાયું અને ગોકળગાયની બીજી એક પ્રજાતિનું નામ બૉમ્બેઆના એ અંગ્રેજ અધિકારીએ રાખેલું. મુંબઈના દરિયામાં રહેતા બીજા એવા અઢળક જીવો છે, જે અહીં સિવાય ક્યાંય નથી. લગભગ દસ હજાર કરતાં સ્પૉટિંગમાં અમે અહીં સ્પૉટ કરેલી ૬૦૦ પ્રજાતિઓમાંથી કેટલીક તો એવી છે જે આજ સુધી દુનિયામાં ક્યાંય નથી દેખાઈ અને વૈજ્ઞાનિકો માટે પણ તદ્દન નવી છે. આવું અમે એટલે કહી શકીએ છીએ, કારણ કે વર્લ્ડવાઇડની આવી સ્પીશીઝનો ડેટા inature નામના વેબ પોર્ટલમાં દુનિયાભરના લોકો અપલોડ કરતા હોય છે, જેને વૈજ્ઞાનિકો પોતાના સ્ટડી દરમ્યાન ઉપયોગમાં લેતા હોય છે. એમાં ૬૦૦ પ્રજાતિમાંથી કેટલીક અલભ્ય છે એવું અમને વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે.’

આ વિશેષતા જોઈ છે

સહાર દોશી

હાજી અલીની સામે જ રહેતા સાહિર દોશીએ નાનપણથી જ વાઇલ્ફલાઇફ માટે ખૂબ કામ કર્યું છે. મુંબઈની મરીનલાઇફની એક સ્પીશીઝને લઈને દરરોજ એક મિનિટનું રૅપ-સૉન્ગ બનાવીને એને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતો સાહિર પોતાને પ્રકૃતિપૂજક તરીકે ઓળખાવે છે. મુંબઈની મરીનલાઇફને બહુ જ નજીકથી જોવાનો પોતાનો અનુભવ શૅર કરતાં સાહિર કહે છે, ‘વાઇલ્ડલાઇફ તરીકે આપણે ટાઇગર અને લેપર્ડને જેટલું મહત્ત્વ આપીએ છીએ એવું દરિયાઈ જીવોને નથી આપતા. જેમ કોઈ જગ્યાએ દીપડો દેખાયો અને એ અખબારોની હેડલાઇન બની જાય એમ મુંબઈમાં લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓમાંની એક સૉફિશ દેખાય તો ક્યાંય ઊંહકારો પણ નથી થતો. પ્લાસ્ટિક છે, ગંદું પાણી છે, કેમિકલ અને દુર્ગંધ છે એટલું જ અમે મુંબઈના દરિયામાં જોયું છે; પણ દરિયાકિનારે આવેલી ભેખડોમાં રહેલા અલભ્ય અને રંગીન જીવોની સૃષ્ટિને જોવાનું સૌભાગ્ય મુંબઈકરો નથી લઈ શક્યા. બસ, હવે એ જ દિશામાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહ્યો છું. આપણે ત્યાં સુંદરતાથી ભરપૂર એ પ્રકારના સી સ્લગ (કવચ વિનાનો એક દરિયાઈ જીવ) જોવા મળે છે કે તમારી અક્કલ કામ ન કરે. ગિરગામ ચોપાટી, નેપિયન સી રોડ, હાજી અલી, જુહુ ચોપાટી, બાંદરા બૅન્ડસ્ટૅન્ડ, મલાડ-માર્વે વગેરે દરિયાકિનારે હવે આ જ બધું દેખાડવા માટે સી-શોર વૉક શરૂ થઈ છે. આપણે ત્યાં એક સી સ્લગ મળેલી જે દુનિયામાં ક્યાંય નથી દેખાઈ એટલે એને પવાર શિંદે ક્રેટિના એવું આપણા વૈજ્ઞાનિકોનું નામ આપવામાં આવ્યું. બાર પ્રકારના કોરલ્સ આપણે ત્યાં મળે છે. આંદામાનમાં દેખાતાં સમુદ્રી ફૂલ જેવા જીવો આપણે ત્યાં મળે છે. જોકે આ સમજાશે ત્યારે જ્યારે ઘરની બહાર નીકળીને મુંબઈના દરિયામાં પનપી રહેલી જીવસૃષ્ટિ સાથે પરિચય કેળવીશું.’

મુંબઈના દરિયામાં રોજ ઠલવાય છે ૨.૧ બિલ્યન લીટર ગંદું પાણી

આપણે ત્યાં આરે કૉલોનીમાં ડેવલપમેન્ટના નામે ઝાડ કપાવાનાં હતાં ત્યારે લાખો લોકો પ્રોટેસ્ટમાં ભેગા થઈ ગયા, પણ મુંબઈના દરિયાકાંઠાને ડિસ્ટર્બ કરીને કોસ્ટલ રોડ બનાવવાનું કામ શરૂ કર્યું ત્યારે સો લોકોએ પણ વિરોધ ન કર્યો. હવે મુંબઈનો દરિયો જ જેમના માટે સર્વસ્વ બની ગયો છે અને દિવસ-રાત એને જ લગતું કામ કરતા શૌનક મોદી કહે છે, ‘આવું બન્યું, કારણ કે કોઈને દરિયા માટે કોઈ સંવેદના જ નથી. આપણી ઇકોસિસ્ટમમાં દરિયો પણ મહત્ત્વનો છે અને દરિયાઈ જીવોનો પણ પોતાનો રોલ છે. તમને ખબર છે કે દરરોજ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સુએજનું કેટલું પાણી દરિયામાં ઠલવાય છે? ૨.૧ બિલ્યન લીટર ગંદું પાણી મુંબઈના દરિયામાં રોજ ઠલવાય છે. એમાંથી પચાસ ટકા કરતાં વધુ પાણી અનટ્રીટેડ હોય છે. આપણે ત્યાં તાડોબા કે કોઈ બીજા નૅશનલ પાર્કમાં ટાઇગર પ્લાસ્ટિકની ખાલી બૉટલથી રમતો જોવા મળે કે કોઈ સાપ પ્લાસ્ટિકની બૉટલમાં અટવાઈ જાય એવો વિડિયો મળે કે દુનિયાભરનાં અખબારોમાં એ મુદ્દો ચગી જાય છે; પણ આજે લાખો ટન પ્લાસ્ટિક દરિયામાં ઠલવાઈ રહ્યું છે, માછલીઓના પેટમાંથી પ્લાસ્ટિક નીકળી રહ્યું છે, દરિયાના પાણીને સતત આપણે ઝેરીલું કરી રહ્યા છીએ; પણ કોણ એના માટે બોલે છે? મુંબઈના દરિયાની એક બીજી ખતરનાક વાત કહું. દર વર્ષે વરસાદ શરૂ થાય એટલે દરિયાકાંઠે ટારબૉલ્સ નામની એક વસ્તુ બહુ જ મોટા પ્રમાણમાં ઠલવાતી હોય છે. ક્રૂડ ઑઇલ જે સમુદ્રમાં લીક થયું હોય એ અને સમુદ્રની માટી જ્યારે બહુ પવન અને દરિયામાં કરન્ટ હોય ત્યારે એકબીજા સાથે મિક્સ થઈ જતાં હોય છે અને દરિયાકાંઠે ટારબૉલ રૂપે મોજાં સાથે ખેંચાઈ આવતા હોય છે. દરિયાઈ જીવો માટે આ પૉઇઝન છે જાણે. જોકે દર વર્ષે BMC એને સાફ કરી લે, પણ આવું કેમ થયું એને લગતું કોઈ ઇન્વેસ્ટિગેશન ક્યારેય થતું નથી. ક્યાંક તો લીકેજ હોઈ શકે, એની તપાસ પણ કરવાની તસ્દી નથી લેવાતી. શું કામ? સિમ્પલ. આપણને રસ જ નથી. આરેનાં જંગલો નષ્ટ ન થવાં જોઈએ એમ આ જળમાં રહેલી જીવસૃષ્ટિનું પણ જતન થવું જ જોઈએ એવું આપણને કેમ નથી લાગતું? આમ વિચારું અને મારું મન વ્યથિત થઈ જાય છે. મારા જીવનનું ધ્યેય છે કે દરિયાના પાણીને એક દિવસ ચોખ્ખું કરવું. જો લોકજુવાળ જાગે તો મુંબઈ મહાનગરપાલિકાએ સુએજના પાણીને એમનું એમ દરિયામાં ઠાલવવાથી અટકવું પડે, કારણ કે ઑલરેડી ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટે એ માટેનો આદેશ પાલિકાને આપેલો છે. ઍક્શન નથી લેવાઈ કે આ રેઢિયાળ વલણ અપનાવાઈ રહ્યું છે, કારણ કે આપણે નથી બોલતા. આપણને પડી નથી આપણા દરિયાની. આટલી કપરી સ્થિતિમાં પણ મુંબઈના દરિયામાંથી ૬૦૦ જળજીવોની પ્રજાતિઓ આપણને મળી છે. વિચાર કરો આજથી ૨૦૦ વર્ષ પહેલાં જ્યારે મુંબઈ સાત ટાપુઓનો સમૂહ હશે ત્યારે અહીં કયા પ્રમાણમાં દરિયાઈ જીવોનો દબદબો હશે? જેમ આંદામાન ટાપુની ઇકોસિસ્ટમ છે એવી જ સિસ્ટમ અહીં હોય એ સંભાવના સંપૂર્ણ તાર્કિક છે. 

આપણે શું કરી શકીએ?

આજે મુંબઈના મરી રહેલા દરિયાઈ જીવોના જતન માટે સૌથી મહત્ત્વનું કાર્ય આપણે જો કરી શકતા હોઈએ તો એ છે એના વિશે વાત કરો. એ વિશે જાગૃતિ લાવો. દરેકેદરેક વ્યક્તિ જો મુંબઈના દરિયામાં રહેતી જીવસૃષ્ટિ સાથે જોડાઈ જાય તો એમના નિકંદનની દિશામાં જે કાર્યો થઈ રહ્યાં છે એ આપમેળે અટકી શકે છે.

બીજા નંબરે તમે જ્યારે-જ્યારે સમય મળે અને ઓટનો સમય હોય ત્યારે દરિયાકિનારે ચાલવા જાઓ અને કિનારા પર વસતી જીવસૃષ્ટિને શોધો. મરીન લાઇફ ઑફ મુંબઈ દ્વારા યોજાતી સી-શોર વૉકમાં તમે ભાગ લઈ શકો અને તમને તમારી વૉક દરમ્યાન જે કોઈ જીવ જોવા મળે એના ફોટો પાડો અને inature નામની વેબસાઇટ કે મોબાઇલ ઍપ પર એ અપલોડ કરીને વૈજ્ઞાનિકોને દરિયાઈ જીવોના સંશોધનમાં મદદ કરી શકો. આમ કરીને તમે સિટિઝન સાયન્ટિસ્ટ તરીકે તમારું યોગદાન આપી જ શકો છો.

શક્ય હોય ત્યાં-ત્યાં પ્લાસ્ટિકનો વપરાશ ટાળો. તમને નથી ખબર કે તમારી પ્લાસ્ટિકની બૉટલ, કોથળી કે વસ્તુ વેસ્ટ થયા પછી ક્યાં જઈને કયા જીવનું જીવન સમાપ્ત કરી શકે છે. આજના સમયમાં પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવો એ પણ એક બહુ જ મોટી જીવદયાનું કામ છે. એ સિવાય આ પ્રકારના કાર્યમાં સક્રિયપણે કામ કરી રહેલી સંસ્થાઓને આર્થિક મદદ કરીને પણ તમે આ કાર્યનો સપોર્ટ કરી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 07:47 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK