Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જાણી લો જૈન ધર્મના સૌથી ખાસ ગ્રંથ કલ્પસૂત્રની ટૉપ ટેન બાબતો

જાણી લો જૈન ધર્મના સૌથી ખાસ ગ્રંથ કલ્પસૂત્રની ટૉપ ટેન બાબતો

Published : 05 September, 2021 06:46 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

સાધનાના સર્વોપરી પર્વ તરીકે ઊજવાતા પર્યુષણનાં પ્રવચનોમાં જૈનોના ૪૫ આગમોમાંથી માત્ર એક આગમનો નાનકડો અધ્યાય વંચાય છે.

અમદાવાદના જ્ઞાન ભંડારમાંથી પ્રાપ્ત થયેલી સુવર્ણ અક્ષરે લખાયેલા કલ્પસૂત્ર ગ્રંથની એક પ્રતની ઝલક જુઓ.

અમદાવાદના જ્ઞાન ભંડારમાંથી પ્રાપ્ત થયેલી સુવર્ણ અક્ષરે લખાયેલા કલ્પસૂત્ર ગ્રંથની એક પ્રતની ઝલક જુઓ.


સાધનાના સર્વોપરી પર્વ તરીકે ઊજવાતા પર્યુષણનાં પ્રવચનોમાં જૈનોના ૪૫ આગમોમાંથી માત્ર એક આગમનો નાનકડો અધ્યાય વંચાય છે. એ અધ્યાય એટલે કલ્પસૂત્ર. લગભગ બારસો શ્લોક પ્રમાણના આ ગ્રંથમાં એવું તે શું ખાસ છે કે બધા જ જ્ઞાનના ખજાનામાંથી આને પસંદ કરાયો હશે એ જાણવાની કોશિશ કરીએ આજે

દરેક ધર્મને ઊંડાણથી સમજવા જાઓ તો ઘણું સામ્ય તમને એમાં દેખાશે. જોકે ધર્મને ગહેરાઈથી સમજવા માટે એનાં ધર્મશાસ્ત્રોને જાણવાં પડે. શ્વેતામ્બર દેરાવાસી જૈનોના પર્યુષણનો આજે ત્રીજો દિવસ છે. આવતી કાલથી જૈન આગમનો એક ભાગ ગણાતા પ્રાચીન અને પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રનું વાંચન વ્યાખ્યાનમાં શરૂ થશે. સામાન્ય રીતે સાધનામાં અમુક સ્તર સુધી આગળ વધેલા જૈન મહાત્માઓ સિવાય સામાન્યજનને આ પ્રકારના આગમોના પઠનની અનુમતિ નથી. જોકે એની વચ્ચે આજથી લગભગ ૧૫૦૦ વર્ષ પહેલાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ સમક્ષ કલ્પસૂત્રના વાંચનની શરૂઆત થઈ એની પાછળનું કોઈક તો કારણ હશે જ. ૪૫ આગમનો વિશાળ જ્ઞાનવારસો ધરાવતા જૈન ધર્મમાં પર્યુષણ દરમ્યાન માત્ર આ એક સૂત્ર જ શું કામ વંચાય છે? એ સમયના ગીતાર્થ ગુરુદેવને આ સૂત્રમાં એવું તે શું દેખાયું કે તમામ આગમોમાંથી આ સૂત્રની પસંદગી કરવામાં આવી. 
આવતી કાલથી સવાર અને બપોરના પ્રવચનમાં જૈન મહારાજસાહેબ દ્વારા કલ્પસૂત્રનું વાંચન શરૂ થાય એ પહેલાં ટૂંકમાં કલ્પસૂત્ર વિશે જાણવા જેવી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો વિશે જૈન વિજ્ઞાની આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબ પાસેથી જાણી લઈએ...
૧. રેફરન્સ શું છે?
જૈન આગમોમાં ભગવાન મહાવીરે આપેલા ઉપદેશને ગણધર ભગવંતો દ્વારા સંકલિત કરવામાં આવ્યો છે. પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિ મહારાજસાહેબ કહે છે, ‘જૈન ધર્મનો જ્ઞાનવારસો અત્યારે છે એના કરતાં અનેકગણો વિશાળ હતો, જેને ચૌદ પૂર્વમાં વિભાજિત કરાયો હતો. એના રચયિતા ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી છે. એ ચૌદ પૂર્વમાં નવમું પ્રત્યાખ્યાન પ્રવાદ નામનું પૂર્વ છે. કલ્પસૂત્રમાં એમાંથી અમુક અંશ લેવામાં આવ્યો છે. જૈનોના દશા શ્રુતસ્કંધ નામના ૩૪મા આગમમાં કુલ ૧૦ અધ્યયન છે, જેમાંથી આઠમા અધ્યયનનું નામ છે પર્યુષણાકલ્પ. આ જ કલ્પસૂત્ર પર્યુષણમાં અધિકૃત મહાત્મા દ્વારા વંચાય છે. એમાં કુલ ૧૨૧૬ શ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આગમ એટલું પવિત્ર છે કે અમુક પ્રકારની તપ-સાધના કરી હોય, અમુક પ્રકારની વિશેષ સાધના કરી હોય એવા સાધુઓને જ એના વાંચનની નુમતિ છે.’
૨. પહેલાં માત્ર સાધુ-સાધ્વીજી પૂરતું જ મર્યાદિત
ભગવાન મહાવીર પછી ૯૯૩ વર્ષ સુધી કલ્પસૂત્રનું વાંચન અને શ્રવણ માત્ર સાધુ-સાધ્વીજી પૂરતું જ મર્યાદિત હતું. શ્રાવકોને તો એને સાંભળવાનો પણ અધિકાર નહોતો. આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિ મહારાજસાહેબ કહે છે, ‘જાહેરમાં શ્રાવક-શ્રાવિકા સમક્ષ કલ્પસૂત્રનું વાંચન શરૂ થયું એની પાછળ ૧૫૦૦ વર્ષ પહેલાં બનેલી એક ઘટના જવાબદાર છે. આજે વલ્લભીપુર પાસે આનંદપુર નામનું એક ગામ છે. કેટલાક લોકો વડનગરને આનંદપુર તરીકે ઉલ્લેખે છે. બન્યું એવું કે ૧૫૫૩ વર્ષ પહેલાં આ આનંદપુરના રાજા ધ્રુવસેનના યુવાન પુત્રનું મૃત્યુ થયું હતું. રાજા ખૂબ દુખી હતો અને એની અસર રાજ્યની સુરક્ષા અને રાજ્યની સ્થિરતા પર પડવા માંડી એટલે એ સમયના જૈનાચાર્ય આચાર્ય દેવરધિ ગણિ ક્ષમાશ્રમણજીએ રાજાને આશ્વાસન આપવાના ભાગરૂપે સંઘમાં પર્યુષણ દરમ્યાન કલ્પસૂત્રનું વાંચન શરૂ કર્યું. આ મહાત્માએ બે ક્રાન્તિકારી કાર્ય કર્યાં; એક, પહેલવહેલી વાર જૈન આગમો પ્રત્યક્ષ શ્રાવક-શ્રાવિકા સમક્ષ મૂક્યા અને બીજું પગલું તેમણે આગમોને લિપિબદ્ધ કરવાનું કાર્ય ઉપાડ્યું. એ પહેલાં સુધી જ્ઞાનવારસો શ્રુતિ પરંપરાથી એક જનરેશનથી બીજા જનરેશનમાં વહેતો આવતો હતો. સૂત્રો, શ્લોકોને મોઢે યાદ રાખવામાં આવતાં અને સાંભળીને શિખાતું. જોકે તેમણે જોયું કે કાળાંતરે લોકોની સ્મરણશક્તિ નબળી પડશે અને જો આ અમૂલ્ય ગ્રંથોને લિપિબદ્ધ નહીં કરાય તો એ લુપ્ત થઈ જશે. એ સમયે તેમણે ભારતભરમાંથી ૫૦૦ જેટલા આચાર્યોને વલ્લભીપુર આમંત્રિત કરીને તાડપત્ર પર આગમોના લેખનનું કાર્ય શરૂ કર્યું હતું. તેમની જ કૃપા કે આજે આટલા બધા આગમોનો અદ્ભુત વારસો આજે આપણી પાસે છે. એ રીતે આ મહાન આચાર્ય મહારાજના પ્રતાપે પહેલવહેલી વાર આગમો લિપિબદ્ધ થયા અને પહેલવહેલી વાર જૈન સંઘમાં શ્રાવકોની હાજરીમાં એનું વાંચન તેમને સમજાય એ ભાષામાં શરૂ થયું.’



Kalpasutra


૩. વિવેચનોની ભરમાર
મૂળ કલ્પસૂત્ર અર્ધમાગધી ભાષામાં લખાયું છે અને એ પછી એનું પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં વિવેચન લખાયું. આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિ મહારાજસાહેબ કહે છે, ‘કલ્પસૂત્રનાં મૂળ સૂત્રોનું વાંચન પર્યુષણના છેલ્લા દિવસે થાય છે, પરંતુ એ પહેલાં ત્રણ દિવસ એનો ભાવાર્થ લોકોને તેમની ભાષામાં સમજાવવામાં આવતો. આ જ કારણથી કલ્પસૂત્ર પર ઘણાં વિવેચનો લખાયાં છે. એ લખાવાનું કારણ એ છે કે દરેક સાધુઓએ એ વાંચવું પડતું. એ સમયે બનતું એવું કે અર્ધમાગધી ભાષાનું મૂળ કલ્પસૂત્ર જે સાધુ પાસે આવે એની ઉપર હાંસિયામાં તેઓ પોતાના શબ્દોમાં ઇન્ટરપ્રિટેશન લખી નાખે. એ સમયે સંસ્કૃત વિદ્વાનોની એ ભાષા હતી એટલે મોટા ભાગનાં વિવેચનો સંસ્કૃતમાં લખાયાં છે. બીજી વાત એ કે એની ટીકા લખાઈ એની બે પદ્ધતિ છે. આપણી પ્રત હોય એની અંદર વચ્ચે મૂળ લખાણ આવે અને ઉપર અને નીચે વિવેચન હોય. આ રીતે લખાયેલી હસ્તપ્રતને  ત્રિપાઠ કહેવાય. બીજી પદ્ધતિ એવી હતી કે મૂળ પાઠ વચ્ચે હોય તેમ જ હાંસિયામાં 
અને ઉપર-નીચે વિવેચન હોય. એને પંચપાઠ કહેવાય.’
૪. સચિત્ર અને સુવર્ણાક્ષરી
કલ્પસૂત્રમાં મૂળ ભગવાનના જીવન સંબંધી અને સાધુઓના આચાર સંબંધી ચિત્રો પણ છે. આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિ મહારાજસાહેબ કહે છે, ‘શ્રુતની ભક્તિ કરવા માટે સૌથી વધુ સુવર્ણ અક્ષરે લખાવાયેલા ગ્રંથ જો કોઈ હોય તો એ કલ્પસૂત્ર છે. આજથી ૫૦૦-૬૦૦ વર્ષ પહેલાં સોનામહોર ખર્ચીને જ્ઞાનનું બહુમાન કરવાના આશયથી સોનાની શાહીનો ઉપયોગ થતો. શુદ્ધ સોનાની આવી ઘણી હસ્તલિખિત પ્રતો અમદાવાદ, ખંભાત, પાટણ, જેસલમેર જેવાં શહેરોના જૂના જ્ઞાન ભંડારોમાં અત્યારે પણ સચાવાયેલી છે. અમદાવાદમાં તો દેવશાનો પાડો, હાજા પટેલની પોળ અને વિજયનેમિસૂરિ જ્ઞાન શાળા જેવા જ્ઞાન ભંડારોમાં સુવર્ણ અક્ષરે સચવાયેલી છે. લાલ વિદ્યા મંદિર અને કોબાના કૈલાશ સાગરસૂરિ જ્ઞાન મંદિરમાં પણ આવી સચિત્ર કલ્પસૂત્રની પ્રતો હોવાની સંભાવના છે.’
૫. સૌથી વધુ પૉપ્યુલર
આજકાલ જે કલ્પસૂત્રનું વાંચન થાય છે એના લખાણ વિશે આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિ મહારાજસાહેબ કહે છે, ‘ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે અઢારમી સદીમાં કલ્પસૂત્રનું સંસ્કૃતમાં વિસ્તૃત વિવેચન કર્યું. લગભગ ૩૫૦ વર્ષ પહેલાં થયેલું આ વિવેચન અત્યારે મોટા ભાગે વંચાય છે. એ પછી શ્રી ખીમાવિજયજી મહારાજે એનો અનુવાદ કર્યો એટલે એને ખીમશાહી કલ્પસૂત્ર પણ કહેવાય છે. એ સમયે ગુજરાતી ભાષા પણ દેવનાગરી લિપિમાં લખાતી હતી. બીજી મહત્ત્વની વાત એ કે દર પર્યુષણમાં વંચાય એટલે એની જરૂરિયાત વધુ હોય. એ દૃષ્ટિએ કલ્પસૂત્ર સૌથી વધુ વાર લખાયેલો ગ્રંથ છે. પ્રાચીન હસ્તપ્રતોમાં પણ કલ્પસૂત્રની પ્રતો સૌથી વધુ વાર પ્રાપ્ત થઈ છે.’

Kalpasutra


૬. મુખ્ય કન્ટેન્ટ
કલ્પસૂત્રના મુખ્ય ત્રણ વિભાગ છે. એનું વિશ્લેષણ કરતાં આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિ મહારાજસાહેબ કહે છે, ‘પહેલા વિભાગમાં ૨૪ તીર્થંકરોનું જીવનચરિત્ર છે, જેમાંથી મહાવીરસ્વામી, પાર્શ્વનાથ ભગવાન, નેમિનાથ ભગવાન અને પહેલા તીર્થંકર શ્રી આદેશ્વર ભગવાનનું જીવનચરિત્ર વિસ્તારપૂર્વક છે. બીજો વિભાગ છે સ્થવિરાવલિ પટ્ટાવલિ એટલે કે ભગવાન મહાવીર પછી તેમની પાટ પરંપરામાં કયા-કયા મહાત્માઓ આવ્યા હતા તેમનાં નામ છે. ત્રીજા વિભાગમાં જૈન સાધુ-સાધ્વીજીઓના આચાર સંબંધી છે. જેનું શ્રાવકો સામે વિશ્લેષણ નથી થતું. એ સિવાય આજકાલ મોટી સંખ્યામાં લોકોને જેમાં રસ પડે છે એવા વિષયો પણ છે. કલ્પસૂત્રમાં સ્વપ્નશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રની પણ વિગતો આવે  છે. આઠ પ્રકારનાં નિમિત્તશાસ્ત્રનું વર્ણન થોડું-થોડું આવે છે. આ આઠ નિમિત્ત કયાં એ પણ જાણી લઈએ. વ્યંજનશાસ્ત્ર, (તલ, મસો, લાખું જોઈને શુભાશુભનું પ્રેડિક્શન થઈ શકે), અંગશાસ્ત્ર (આમાં આંખ, લલાટ, મસ્તક, વક્ષઃસ્થળ, નાસિકા, દાંત જોઈને ભવિષ્યકથન વિશેની વાતો), સ્વરશાસ્ત્ર (જેમાં સજીવ પ્રાણીઓના સ્વર અથવા તો અન્ય અચેતનના સ્વર સાંભળીને ભવિષ્યકથનની વાતો), ભૌમ નિમિત્ત શાસ્ત્ર (આમાં માટીનો રંગ, ચીકાશ, લુખ્ખાપણું વગેરેમાં ભવિષ્યકથન કરવું), છેદશાસ્ત્ર (જેમાં આસન  કે વસ્ત્ર વગેરેનો ભંગ જોઈને, છિન્ન થયેલો ભાગ જોઈને ભવિષ્યકથન કરવું) જેવી ઘણી બાબતો સમાવાઈ છે. એ સિવાય ભગવાનના ધ્યાનની પ્રક્રિયા, ગણધરોની સ્થાપના, તેમની વિશિષ્ટ શક્તિ સહિત જ્ઞાનપ્રદાન વગેરે બાબતોનો પણ કલ્પસૂત્રમાં વિગતવાર ઉલ્લેખ આવે છે. 
૭. ભગવાનનું જન્મવાંચન
અત્યારે કલ્પસૂત્રના વાંચન વખતે ભગવાનનું જન્મવાંચન કરવાનું હોય ત્યારે ચૌદ સ્વપ્નોની ઉછામણી બોલાય છે. ઘોડિયામાં પધરાવવાની, લઈ જવાની ઉછામણી બોલાય છે. આ બધું પછીથી આવેલું છે. આ આવવાનું કારણ જણાવતાં આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિ મહારાજસાહેબ કહે છે, ‘મોગલોના આક્રમણને કારણે ઘણાં જૈન દેરાસરોનો ધ્વંસ થયો હતો. એ વખતે જિનાલયોના જીર્ણોદ્ધાર માટે આર્થિક જરૂરિયાત ઊભી થયેલી. એને કારણે ૫૦૦-૬૦૦ વર્ષ પહેલાં જ આ પરંપરા શરૂ થઈ છે.’
૮. અનુવાદમાં થયેલી એક ભૂલ
કલ્પસૂત્રમાં પ્રચલિત ટીકા અને અનુવાદમાં થયેલી ભૂલનો ઉલ્લેખ કરતાં આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિ મહારાજસાહેબ કહે છે, ‘કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના જન્મ સમયની વાત છે. એમાં ઊંચા સ્થાનમાં ગ્રહો હતા ત્યારે. એનો અર્થ ટીકાકાર વિનયવિજયજી મહારાજે ઉચ્ચ રાશિનો કર્યો છે. ગ્રહોનું ઉચ્ચ સ્થાન અને ઉચ્ચ રાશિ અલગ-અલગ બાબત છે. જોકે મોટા ભાગની જગ્યાએ ઉચ્ચ સ્થાનને બદલે ઉચ્ચ રાશિ જ વાંચવામાં આવે છે. ગ્રહો ઉચ્ચ સ્થાનાં હોય અને ઉચ્ચ રાશિમાં હોય એનો અર્થ જુદો-જુદો થાય છે. જોકે ૩૫૦ વર્ષથી જન્મવાંચન દરમ્યાન શબ્દોની આ ભૂલ ચાલી આવે છે.’
૯. અસિ, મસી અને કૃષિ
કલ્પસૂત્રમાં ભગવાન આદિનાથના ચરિત્રમાં સ્ત્રીઓની ૬૪ કલા અને પુરુષોની ૭૨ કલાની વાત આવે છે. એની સાથે આદિનાથ ભગવાને ગણિત સુંદરીને શીખવાડ્યું અને લિપિ બ્રાહ્મીને શીખવી. એટલે જ શરૂઆતની લિપિ બ્રાહ્મી કહેવાય છે. વ્યવસાય, શિલ્પ વગેરે કળા પણ એ સમયથી આવે છે. અસિ-તલવાર, મસી-લેખન અને કૃષિ ખેતી એ સંસાર માટે આવશ્યક હતી. એ ભગવાન આદિનાથે શીખવાડી છે. એનો વહેવાર આદિનાથ ભગવાનથી શરૂ થયો એમ કલ્પસૂત્ર કહે છે. 
૧૦. સાધુનો મહત્ત્વનો આચાર
જૈન સાધુ ગોચરીએ જાય. એટલે કે બહાર નીકળીને ભિક્ષાના માધ્યમે આહારની વ્યવસ્થા કરે. જોકે ગોચરીના એક મહત્ત્વના નિયમને કલ્પસૂત્રમાં સ્થાન મળ્યું છે. આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિ મહારાજસાહેબ કહે છે, ‘ગોચરી એટલે કે ભિક્ષા માટે ગયેલા સાધુએ ત્યાં જતાં પહેલાં વડીલ ગુરુની રજા મેળવીને જવાનું છે. એની સાથે કોઈ સંજોગોમાં બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી જેવા સાધુ માટે ઘી, દૂધ, દહીં, મીઠાઈ લાવવાની જરૂર હોય તો જ લાવવાની છૂટ છે, અન્યથા એની મનાઈ છે. કઈ રીતે ગોચરી લાવવી એનું વિસ્તૃત માર્ગદર્શન સામાચારી વિભાગમાં અપાયું છે.’

Aacharya Shri Vijay Nandighoshsuri Maharajsaheb

તમને ખબર છે?
બારસા સૂત્રના શબ્દો પણ મંત્ર સ્વરૂપ છે. આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિ મહારાજસાહેબ કહે છે,  ‘આ મંત્ર સ્વરૂપ શબ્દો પણ એટલા પાવરફુલ છે કે એનો અર્થ જાણ્યા વિના પણ જો એનું શ્રવણ કરવામાં આવે તો અશુભ કર્મો દૂર થાય છે. જે આ કલ્પસૂત્ર વિધિપૂર્વક પહેલેથી છેલ્લે સુધી શબ્દશઃ ૨૧ વખત સાંભળે છે તે ૭થી ૮ ભવમાં મોક્ષમાં જાય છે. આવું વિધાન એના માહાત્મ્યમાં શરૂઆતમાં કહેવામાં આવ્યું છે એથી એ જૈન દર્શનનું સૌથી મહત્ત્વનું શાસ્ત્ર છે.’

શબ્દોમાં પવિત્ર ઊર્જાનો પૂંજ છે!

Aacharya Shri Vijay Nandighoshsuri Maharajsaheb

પર્યુષણ દરમ્યાન કલ્પસૂત્રનું ગુજરાતી વર્ઝન પ્રવચન દરમ્યાન વંચાય છે, પરંતુ છેલ્લે દિવસે બારસો ગાથા (શ્લોક)નું અર્ધમાગધી ભાષામાં જ વાંચન થાય છે. એની પાછળનું મહત્ત્વ સમજાવતાં મુનિશ્રી ધુરંધરવિ જયજી મહારાજસાહેબ કહે છે, ‘આપણે જાણીએ છીએ કે ધ્વનિ તરંગોની જબરી અસર હોય છે. ધ્વનિ તરંગોથી ઉત્પન્ન થતી ઊર્જા હિમશિલાઓને પીગળાવવા સમર્થ છે. ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગોની નોંધ લેવાઈ છે. કલ્પસૂત્રમાં પણ આવા જ પ્રકારના વિશેષ ધ્વનિ તરંગોનો મહિમા વધારતા શબ્દોનો પૂંજ છે. ચોમાસું તેના અંતિમ ચરણમાં હોય અને ધરામાં ભીનાશ હોય અને કોઈ પણ પાક નાખો તો એને અંકુરિત કરવાની ક્ષમતા કેળવાઈ ગઈ હોય, ધરતી હરિયાળી લીલીછમ થઈ જાય. મનમાં આનંદ, પ્રેમ હોય ત્યારે પર્યુષણ પર્વ આવે છે. આ પર્વના પહેલાંના ૭ દિવસ તપ, સાધના અને આરાધનાથી વ્યક્તિનું મન કેળવાઈ ગયું હોય અને તેના હૃદયપટમાં પણ ભીનાશ હોય ત્યારે કલ્પસૂત્રના પાવન શબ્દો વ્યક્તિના મનને, જીવનને નવપલ્લવિત કરવામાં અદ્ભુત પરિણામ આપી શકે છે. ૨૪ તીર્થંકરોનાં જીવનચરિત્ર એમાં પણ ચાર તીર્થંકરો વિશે વિસ્તારપૂર્વક થતી વાતો મંગળરૂપ છે. પર્યુષણમાં વંચાતા કલ્પસૂત્રનું શબ્દવિજ્ઞાન સાથે જબરું કનેક્શન છે. કલ્પસૂત્ર જે ગામમાં વંચાય અને સંપૂર્ણ સાંભળે તો તેને સામાજિક કે આર્થિક ક્રાઇસિસ ન આવે. ચોથના દિવસે આખું કલ્પસૂત્ર રિધમથી તાલબદ્ધ રીતે બોલી દેવાથી એની અસર સંઘ પર અને કૉસ્મિક વાતાવરણ પર પડે છે. આ સાંપ્રદાયિક વાત નથી, પણ અહીં ધ્વનિવિજ્ઞાન એમાં જબરદસ્ત કામ કરે છે. કલ્પસૂત્રનું છેલ્લા દિવસે શ્રવણ હાઈ પાવર દવા સમાન છે.’

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2021 06:46 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK