Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કહાની વંદે ભારતની

કહાની વંદે ભારતની

04 December, 2022 11:10 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

ઇન્ડિયન રેલવેની કોચ બનાવતી બિગેસ્ટ કંપનીના ભૂતપૂર્વ બૉસ સુધાંશુ મણિએ કઈ રીતે આ સેમી હાઈ-સ્પીડ ટ્રેન ટેક્નૉલૉજી ભારતની ભૂમિ પર બનાવવાનું સપનું સાકાર કર્યું એની થોડી જાણી-અજાણી વાતોને વાગોળીએ... 

કહાની વંદે ભારતની

કહાની વંદે ભારતની


સંપૂર્ણપણે ભારતીય એવી સેમી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારતનો વ્યાપ વધારીને ૨૦૦ ટ્રેનો બનાવવાની વાત થઈ રહી છે. ઇન્ડિયન રેલવેની કોચ બનાવતી બિગેસ્ટ કંપનીના ભૂતપૂર્વ બૉસ સુધાંશુ મણિએ કઈ રીતે આ સેમી હાઈ-સ્પીડ ટ્રેન ટેક્નૉલૉજી ભારતની ભૂમિ પર બનાવવાનું સપનું સાકાર કર્યું એની થોડી જાણી-અજાણી વાતોને વાગોળીએ... 

ફર્સ્ટ ઇન્ડિજિનસ સેમી હાઈ-સ્પીડ ટ્રેન ઑફ ઇન્ડિયા. જેના જન્મદાતા છે સુધાંશુ મણિ. ભારતીય રેલનો ૧૭૦ વર્ષનો ઇતિહાસ છે. ૧૭૦ વર્ષની લેગસી સાથે કાર્યરત ભારતીય રેલવે ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. નેરો ગેજ અને સ્ટીમ કોલસા લોકોમોટિવનો સમય આજે તો હવે ઇતિહાસ બની ચૂક્યો છે. ઇલેક્ટ્રિક લોકોમોટિવ આવ્યાને પણ વર્ષો થયાં, પરંતુ આ બધામાં સૌથી નોંધનીય અને ગૌરવપ્રદ પ્રગતિ એ છે કે ભારત હવે રેલવેની બાબતમાં ઘણે અંશે સ્વતંત્ર બની ચૂક્યું છે. રેલવે બોગીથી લઈને લોકોમોટિવ સુધીની લગભગ દરેક બાબતમાં આપણે વિદેશથી થતા ઇમ્પોર્ટ પર આધાર રાખવો પડતો હતો, જે પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. ભારતની સૌથી પહેલી સ્વદેશી સેમી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત હવે પાટે ચડી ગઈ છે અને એનું એક્સપાન્શન કરવા માટેનું પ્લાનિંગ થઈ રહ્યું છે ત્યારે જાણીએ એના જન્મદાતા સુધાંશુ મણિએ કઈ રીતે આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો એની. 
સેમી હાઈ-સ્પીડ ટ્રેનનો કન્સેપ્ટ ભારતમાં આવ્યો હતો આજથી ૨૨ વર્ષ પહેલાં. લગભગ ૨૦૦૦ની સાલમાં, પણ એને વાસ્તવિક સ્વરૂપ પામતાં ૧૮ વર્ષ લાગી ગયાં. સેમી હાઈ-સ્પીડ ટ્રેનનો વિચાર પણ સુધાંશુજીનો હતો એવું નથી. આ કન્સેપ્ટ વિશ્વના બીજા દેશોમાં તો લગભગ ૩૦-૪૦ વર્ષથી છે જ. સુધાંશુ મણિનું સપનું હતું આવી કોઈ ટ્રેન ભારતમાં બનાવવાનું.
સુધાંશુ મણિ જ્યારે એક તરવરતા યુવાન હતા ત્યારે કાયમ તેમને વિચાર આવ્યા કરતો કે શા માટે ભારતની ટ્રેન્સ વર્ષોથી આ રીતની એક જ સરખી છે. શા માટે એમાં કોઈ બદલાવ નથી આવતો. દેશની લાઇફલાઇન ગણાતી રેલવેની ગાડીઓ હંમેશાં સમય સાથે બદલાતી રહેવી જોઈએ, અપડેટ અને અપગ્રેડ થતી રહેવી જોઈએ. એટલું જ નહીં, તેઓ દૃઢપણે એવું પણ માનતા હતા કે સફરનો અનુભવ ઍડવાન્સ અને વધુ આરામદાયક બનવો જોઈએ, પણ આ બધા વિચારો સાકાર કરવા કઈ રીતે? કારણ કે રેલવે અનેક વિભાગો અને એ અનેક વિભાગોના અનેક અધિકારીઓ દ્વારા ચાલતી વ્યવસ્થા છે. એટલું જ નહીં, રેલવે સાથે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારોનું અનેક પ્રકારનું રાજકારણ અને અનેક પ્રકારના રાજકારણી ફાયદા-ગેરફાયદાઓ પણ સંકળાયેલા છે.
શા માટે ૧૮ વર્ષ લાગી ગયાં?
વિશ્વમાં છેલ્લાં ૩૦-૪૦ વર્ષોથી આ રીતની લોકોમોટિવ વિનાની ટ્રેન બની રહી છે. આપણી વંદે ભારત ટ્રેન જબરદસ્ત તો છે, પરંતુ નાયાબ છે એવું નથી. અને તમે નહીં માનો, પણ ૨૦-૨૨ વર્ષ નહીં, ભારતના રિસર્ચ ડિઝાઇન્સ ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન (આરડીએસઓ)માં એની ચર્ચા લગભગ ૩૦ વર્ષથી ચાલી રહી હતી. વાસ્તવિકતા એ છે કે ભારતીયોને આ ટ્રેન આટલી મોડી મળવા પાછળનું કારણ રેલવે વિભાગો વચ્ચેની લડાઈ અને આંતરિક રાજકારણનું પરિણામ છે. રેલવેમાં એક વિભાગ હોય છે જે લોકોમોટિવનું કામ જુએ છે, જ્યારે બીજો વિભાગ છે જે બોગીઓનું કામ સાંભળે છે. હવે જો લોકોમોટિવ વિનાની આવી સેમી હાઈ-સ્પીડ ટ્રેન બને તો આ વિભાગોનું અસ્તિત્વ જોખમમાં આવી પડે, જે આ વિભાગોના વડાઓ ચાહતા નહોતા. મતલબ કે તે લોકોનું શાસન હાથમાંથી જતું રહે તેમ હતું.
એટલું જ નહીં, સુધાંશુજી પોતે એ સમયે મેકૅનિકલ ડિપાર્ટમેન્ટમાં હતા. તેઓ અને તેમના વડાઓ પણ એક સમયે એ પુરવાર કરવામાં પડ્યા હતા કે આવી ટ્રેનનો વિચાર અવૉઇડ કરવામાં આવે, જેથી તેમનું મહત્ત્વ અને એકહથ્થુ શાસન જળવાઈ રહે, કારણ કે જો આવી ટ્રેન આવશે તો મેકૅનિકલના હાથમાંથી કામ જતું રહેશે. આથી સતત એવું પુરવાર કરવાના પ્રયત્નો થતા રહ્યા કે આવી ટ્રેનોની ભારતમાં જરૂરિયાત નથી. ૧૯૯૦થી ૨૦૧૬ સુધી આવા ઝઘડાઓ અને રાજકારણ ચાલતું રહ્યું. જોકે સુધાંશુ મણિ કહેતા રહેતા હતા કે આપણે ક્યાં સુધી આમ ઝઘડતા રહીશું અને દેશને શું જોઈએ છે એ ક્યારે સમજીશું?
બીજી તરફ એક કારણ એ પણ હતું કે રેલવેની એક લૉબી એવી પણ હતી જે આ પ્રકારની ટ્રેન ઇમ્પોર્ટ કરવા માગતી હતી, જેમાં શું અને તેમને કયા પ્રકારનો ફાયદો હોય એ સમજી શકાય તેવી બાબત છે. 
૨૦૧૮માં વંદે ભારત બની અને સક્સેસ પણ થઈ. અને જાહેરાત પણ થઈ ગઈ કે આવી બીજી ૧૦ ટ્રેન બનશે. તો પછી કામ ફરી અટકી કેમ પડ્યું? આ માટે કેટલાંક સ્વાભાવિક કારણો છે, જેમ કે કોઈ એક ચીજ કે પ્રોજેક્ટ સફળ રહે તો એની સાથે અનેક લોકો જેલસ પણ થતા હોય છે. ઊંચા હોદ્દે બિરાજતા ઘણા બ્યુરોક્રેટ્સને થતું હતું કે આ પ્રોજેક્ટ આટલો સફળ કઈ રીતે થઈ ગયો? આમાં આપણને શું મળ્યું? સાથે જ અનેક ચીજોનું ઇમ્પોર્ટ બંધ થઈ જવાનો પણ ડર હતો. આવા ગંદા રાજકારણને લીધે સુધાંશુ અને તેમના ડિપાર્ટમેન્ટ પર વિજિલન્સ કેસો પણ શરૂ કરવામાં આવ્યા, જ્યારે કે દેશના વડા પ્રધાન પોતે આ ટ્રેન અને પ્રોજેક્ટનાં ખૂબ વખાણ કરી રહ્યા હતા. પચાવવામાં કડવી લાગે એવી છે પણ આપણા દેશની આ કરુણ વાસ્તવિકતા છે. જોકે હવે આવી બધી જ નકારાત્મકતા ખતમ થઈ ચૂકી છે.
પડકારના ત્રીજા ભાગમાં બની 
એવું કહેવાય છે કે જો આ ટ્રેન દેશમાં ન બનાવીને ઇમ્પોર્ટ કરવામાં આવી હોત તો એની પડતર લગભગ ૨૫૦ કરોડ જેટલી હોત. જ્યારે ભારત આ ટ્રેન માત્ર ૫૭ કરોડમાં બનાવી શક્યું છે. બીજા ફાયદા ગણાવતાં તેમણે કહ્યું હતું કે આવી ટ્રેન ઇમ્પોર્ટ કરવામાં આવી હોત તો કોઈ પણ દેશ માત્ર બે ટ્રેન આપવા માટે તૈયાર ન થયો હોત. આપણે ૧૦થી ૨૦ ટ્રેનનો ઑર્ડર આપવો પડ્યો હોત. ત્યાર બાદ જો તમે આ ટ્રેન બનાવવાની ટેક્નૉલૉજી ખરીદવા ગયા હોત તો એના અલગથી પૈસા ચૂકવવા પડ્યા હોત. બધું મળીને પડતરનો આંકડો ૨૫૦-૩૦૦ કરોડ પર પહોંચ્યો હોત. અને સૌથી મોટો ફાયદો એ થયો છે કે આ ટેક્નૉલૉજી આપણે આપણા જ દેશમાં વિકસાવી શક્યા છીએ.
જન્મસ્થાન – (આઇસીએફ)
ઑગસ્ટ ૨૦૧૬, આ એ મહિનો અને એ વર્ષ છે જ્યારે સુધાંશુ મણિ પોતાનો અવાજ વિભાગો વચ્ચેના આંતરિક ઝઘડાઓ અને રાજકારણથી ઉપર ઉઠાવી શક્યા. ઑગસ્ટ-૨૦૧૬માં સુધાંશુ મણિ જનરલ મૅનેજરપદે પ્રમોટ થયા અને તેમણે ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી (આઇસીએફ)માં પોતાના પોસ્ટિંગની માગણી કરી. ૧૯૫૦માં આઇસીએફની સ્થાપના થઈ હતી. એ સમયે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ વિચાર્યું હતું કે ભારત ટ્રેન-ઉત્પાદનના મામલે સ્વતંત્ર બને અને તેમણે આ ફૅક્ટરીની સ્થાપના કરાવી હતી. સમય વીતતાં આઇસીએફે પ્રગતિ કરી અને કોચ-ઉત્પાદનના આંકડા ઉત્તરોત્તર વધતા રહ્યા. વર્ષોની મહેનત બાદ આઇસીએફ એ મુકામ પર પહોંચી શકી હતી જ્યારે વિશ્વમાં સૌથી વધુ ટ્રેનના ડબ્બા બનાવવાનો વિશ્વવિક્રમ આઇસીએફના નામે દર્જ થયો.
પણ આ ગૌરવની સાથે જ એક નાલેશી પણ આપણા દેશ સાથે સંકળાયેલી છે. ૧૯૫૦ની સાલમાં આ ફૅક્ટરી સ્થપાઈ હતી ત્યારે ચીનના પ્રીમિયર ચાઉ એન લાઇ આ ફૅક્ટરીની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ આ ફૅક્ટરી માટે ગૌરવ લેવા જેવી બાબત છે અને હું ઇચ્છું છું કે ચાઇનાના એન્જિનિયર અહીં આવે અને ટ્રેનના ડબ્બાઓ કઈ રીતે બનાવાય એ શીખે! પણ આ દૂરંદેશી આપણે જાળવી ન શક્યા અને ડબ્બાઓનું ઉત્પાદન વધાર્યું પણ એમાં કોઈ નવીનતા લાવવા બાબતે ઉદાસીન જ રહ્યા. પરિણામ એ આવ્યું કે ચાઇનાના એન્જિનિયર અહીં શીખવા આવવાની જગ્યાએ આપણે ચાઇના જઈ તેમની ટેક્નૉલૉજી શીખવા માંડ્યા.
પણ સુધાંશુ આઇસીએફ પહોંચ્યા અને ત્યાંની ટીમની કાબેલિયત તેમણે પિછાણી. તેમની ટીમનો દરેક સભ્ય વર્ષોથી એકનું એક કામ કરીને કંટાળ્યો હતો. કંઈક નવું કરવાની ભૂખ તેમના દરેકના ચહેરા પર સુધાંશુજીને દેખાતી હતી. તેમણે ત્યાં ફૅમિલી ટ્રીનો એક રૂમ બનાવડાવ્યો અને ફૅક્ટરીમાં કામ કરતા ૧૧,૦૦૦ કર્મચારીઓના ત્યાં ફોટો લગાડવામાં આવ્યા, જેથી દરેક કર્મચારીમાં ગૌરવની લાગણી જન્માવી શકાય. પરિણામ એ આવ્યું કે કોચ-ઉત્પાદનનો આંકડો જે વર્ષોથી બદલાતો નહોતો એમાં ૨૦૧૮માં અપ્રતિમ પ્રગતિ આવી. સરેરાશ ૧૭૦૦થી ૨૦૦૦ કોચીસ બનાવતી ફૅક્ટરીએ ૨૦૧૮માં ૨૫૦૩ ડબ્બાઓનું ઉત્પાદન કરી દેખાડ્યું. ત્યાર બાદ ૨૦૧૯માં ૩૨૦૦ અને ૨૦૨૦માં ૩૫૦૦ ડબ્બાઓનું ઉત્પાદન કરતી આઇસીએફ આખાય વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની બની. આ ફૅક્ટરી આજે તો હવે (૨૦૨૧ની સાલમાં) ૪૦૦૦ ડબ્બાઓનું ઉત્પાદન કરે છે. એટલું જ નહીં, ઇન્ડિયન રેલવેમાં ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી જ એકમાત્ર એવી ફૅક્ટરી છે જે ઝીરો કાર્બન ફૅક્ટરી બની છે.
વંદે ભારતનો જન્મ - ટ્રેન-૧૮
ખબર છે આ ટ્રેનનું જ્યારે ડિઝાઇનિંગ અને ઉત્પાદન શરૂ થયું ત્યારે એનું નામ વંદે ભારત નહોતું. આ ટ્રેન, આ પ્રોજેક્ટનું નામ હતું ટ્રેન-૧૮. શા માટે? વર્ષોવર્ષથી આવી કોઈ સેમી હાઈ-સ્પીડ ટ્રેન બનાવવાનું સુધાંશુજીનું સપનું હતું. અને આ માટે જ જ્યારે તેઓ જનરલ મૅનેજરપદે પ્રમોટ થયા ત્યારે તેમણે પ્રયત્નો કરી આઇસીએફમાં પોતાનું પોસ્ટિંગ કરાવ્યું, જેથી તેમનું એ સપનું તેઓ ભારતને ભેટ આપી શકે, પરંતુ સેન્ક્શનનું શું? તે કઈ રીતે મેળવવું? સરકાર અને સરકારી ખાતાંઓમાંથી કોઈ નવી વસ્તુ માટેનું સેન્ક્શન લઈ આવવું એ સરળ વાત નથી.
તેમની ટીમે જ્યારે આ વિશે આશંકા ઊભી કરી ત્યારે તેમણે કહ્યું કે, હું તમારી ટીમનો લીડર છું. આથી અપ્રૂવલ્સ અને સેન્ક્શન્સ પણ હું જ લઈ આવીશ. આ વિચાર સાથે તેમણે રેલવે બોર્ડનો અપ્રૉચ કર્યો. રેલવે બોર્ડના ચૅરમૅન સુધાંશુજીને ખૂબ સારી રીતે ઓળખતા હતા. ચૅરમૅને તેમને કહ્યું પણ ખરું કે મને વિશ્વાસ છે કે તું આ જરૂર કરી શકશે, પરંતુ, દુખની વાત છે કે રેલવે બોર્ડ મને મંજૂરી આપતાં રોકી રહ્યું છે. ત્યારે સુધાંશુજીએ કહ્યું કે, ‘સર, વધુ નહીં, મને માત્ર બે ટ્રેન માટેની મંજૂરી આપો. હું બાંયધરી આપું છું કે હું રેલવે બોર્ડના અંદાજ કરતાં ત્રીજા ભાવે ટ્રેન બનાવી દેખાડીશ અને જો હું એમ નહીં કરી શકું તો હું આપના પગે પડી જઈશ.’
હા, તેમણે સાચે જ આવા શબ્દો કહ્યા હતા. આત્મવિશ્વાસ અને પોતાના સપના પરનો અતૂટ ભરોસો તેમને આ કહેવાનું બળ આપી રહ્યા હતા. એટલું જ નહીં, આ પછી તેમણે ચૅરમૅનસાહેબને કહ્યું કે જ્યાં સુધી તમે સેન્ક્શન નહીં આપો ત્યાં સુધી હું અહીંથી જવાનો નથી.
આખરે મંજૂરી મળી. સુધાંશુજી ૨૦૦ કરોડનું બજેટ અને ૩૬ મહિનાની ટાઇમલાઇનનું સેન્ક્શન લઈ તો આવ્યા, પરંતુ જ્યારે ટીમ સામે તેમણે આ સેન્કશનની વાત જણાવી ત્યારે ટીમે કહ્યું કે, જો આપણે સફળ નહીં થયા તો શું? બલિનો બકરો કોણ બનશે? કારણ કે તકલીફ એ હતી કે સેન્ક્શન ૩૬ મહિનાનું મળ્યું હતું અને સુધાંશુ મણિ ૧૮ જ મહિનામાં રિટાયર થઈ રહ્યા હતા. મતલબ કે આ સમય સેન્ક્શન્ડ ડેડલાઇન કરતાં અડધો હતો, કારણ કે ખરેખર જો આ પ્રોજેક્ટ પર એક પણ રજા લીધા વિના કામ થાય તો પણ એ પૂર્ણ થવામાં ૩૬થી ૪૨ મહિનાનો સમય કેમેય કરી લાગે જ એમ હતું.
સુધાંશુજીએ કહેલું કે જો આપણે સફળ રહ્યા તો પૂર્ણ ક્રેડિટ તમારા બધાની હશે અને ધારો કે અસફળ રહ્યા તો બધી જવાબદારી મારી હશે. બીજું, અમેરિકા અને યુરોપ એવા દેશો છે જે ગણતરીના કલાકો જ કામ કરે છે, પરંતુ વિશ્વના માનવા અનુસાર આપણે તો ગધેડા છીએ. અને ગધેડો દિવસ-રાત જોયા વિના કામ કરી શકે છે. તો આપણે તો કરી જ શકીએ.’
ટીમને તેમના શબ્દો પર વિશ્વાસ હતો, આખરે કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ અને ટીમે નક્કી કર્યું કે સેન્ક્શન ભલે ૩૬ મહિનાનું મળ્યું છે, પણ આપણે આ પ્રોજેક્ટ ૧૮ મહિનામાં પૂર્ણ કરી દેખાડીશું. અર્થાત્, ટીમની નક્કી કરેલી સેલ્ફ ડેડલાઇન હતી ૧૮ મહિનાની અને એ ૧૮ મહિના પૂર્ણ થતા હતા સાલ ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં. આથી પ્રોજેક્ટનું નામ પણ રાખવામાં આવ્યું, ટ્રેન-૧૮.
આખરે, એપ્રિલ ૨૦૧૭માં જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો. એવું નહોતું કે આ સમય દરમ્યાન સુધાંશુજી અને તેમની ટીમને કોઈ ચુનૌતી નહોતી આવી. હજાર પ્રકારની મુશ્કેલીઓ પણ આવી જ, પરંતુ એ એક પછી એક એ બધી જ મુશ્કેલીઓને દૂર કરતાં ટીમ કામમાં મંડી રહી અને પરિણામ શું આવ્યું? ટીમની નક્કી કરેલી ડેડલાઇન ડિસેમ્બર ૨૦૧૮ના બે મહિના પહેલાં જ એટલે કે ૨૭ ઑક્ટોબરે આખરે ત્યારની ટ્રેન-૧૮ અને આજની વંદે ભારત બનીને તૈયાર થઈ ગઈ. ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ટ્રેનને ટ્રાયલ માટે મોકલવામાં આવી અને ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે ઇન્ડિયન રેલવે ટ્રૅક પર કોઈ ટ્રેન ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી. ટેસ્ટ ડ્રાઇવમાં પાસ થઈ અને આખરે વડા પ્રધાન દ્વારા વંદે ભારત એક્સપ્રેસ તરીકે તે ટ્રેનને લીલી ઝંડી દેખાડવામાં આવી.
સુધાંશુજી કાયમ કહે છે કે, લવ વૉટ યુ ડુ ઍન્ડ નેવર અલાવ ટુ ડાય યૉર ડ્રીમ્સ! કારણ કે તમને નથી ખબર કે તે સપનાને સાકાર કરવાનો મોકો તમને ક્યારે મળશે. આ સપનું સાકાર થયાને આજે તો હવે એવો સમય આવી ગયો છે કે ભેલ (બીએચઇએલ) નામની કંપની ૨૦૦ નવી વંદે ભારત એક્સપ્રેસ બનાવવા માટે બીડ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 11:10 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK