સાંબેલું રાસ તમે જુઓ તો એની કોરિયોગ્રાફીના પ્રેમમાં પડી જાઓ. મસાલા ખાંડવામાં મહિલાઓ કંટાળે નહીં એટલે આ સાંબેલું રાસ બન્યો હોવાનું ઇતિહાસકારો કહે છે
સાંબેલું રાસ
સદ્ગુરુ જગ્ગીજીનું કહેવું છે કે આ જે રાસ શબ્દ છે એ રસમાંથી આવ્યો છે અને આ જે રસ શબ્દ છે એ જૂસમાંથી આવેલો શબ્દ છે. જગ્ગીજી કહે છે કે જે કલામાં તમામ પ્રકારના રસ સમાયેલા હોય છે એ રાસ છે અને રાસનું સાચે જ એવું છે. એમાં કાનથી લઈને આંખ, મન અને હૃદય ત્રણેય તરબોળ થાય જો એ રાસ સાચી રીતે અને યોગ્ય પ્રકારે થતો હોય તો અને એકમાત્ર ડાન્સ જો કોઈ હોય તો એ છે રાસ. એમાં તમારું મન અને દિલ જોડાયેલાં હોય તો જ તમે એ સાચી રીતે, સાચાં સ્ટેપ્સ સાથે કરી શકો.
આપણે અત્યારે વાત કરીએ છીએ દેશના એવા ફોક ડાન્સની જેના વિશે દેશવાસીઓ વધારે કશું નથી જાણતા. આ જ સિરીઝમાં આપણે ગયા વખતે વાત કરી એ હતા બેઠા ગરબા તો આ વખતે વાત કરવાની છે સાંબેલું રાસની. આ જે સાંબેલું રાસ છે એની વાત કરતાં પહેલાં તમને એક ગીત યાદ કરાવવું છે.
ADVERTISEMENT
ધમ ધમક ધમ ધમ ધમ સાંબેલું
અલકમલકનું અલબેલું સાંબેલું
જનમ જનમથી વહુના માથે ભાંગેલું, સાંબેલું...
બહુ જાણીતું આ ગીત છે. મોટા ભાગના લોકોએ આ ગીત સાંભળ્યું જ હોય. ૭૦ના દશકમાં ઘણી ગુજરાતી ફિલ્મોમાં આ ગીત વપરાયું છે. આપણા ઘણા ગુજરાતી દિગ્ગજોએ ગીત ગાયું છે તો આશા ભોસલે, ઉષા મંગેશકર જેવાં અનેક નૉન-ગુજરાતી દિગ્ગજોએ પણ આ ગીત સ્વરબદ્ધ કર્યું છે અને અત્યારે એ ઑનલાઇન સાંભળવા પણ મળે છે. જોકે આપણે એ ગીત વિશે વધારે ચર્ચા કરવાને બદલે વાત કરીએ સાંબેલું તરીકે ઓળખાતા આ રાસ વિશે.
સાંબેલું રાસ એના નામ મુજબ સાંબેલા સાથે કરવામાં આવે છે. આપણે ત્યાં મોટા ભાગના રાસ કે ગરબાઓ જે છે એમનું સર્જન આપણી પરંપરા સાથે થયું છે તો આપણા જે રીતરિવાજ છે એની આસપાસ આપોઆપ એ ગૂંથાયા છે. સાંબેલું રાસ વિશે જાણતાં પહેલાં એ જાણવું જોઈએ કે સાંબેલું શું છે? આજે મુંબઈની નવી જનરેશનને તો આ સાંબેલું શબ્દ પણ સાવ નવો કે કોર્સ બહારનો લાગતો હશે જે સ્વાભાવિક પણ છે. એટલે પહેલાં તો આપણે આ સાંબેલું શું છે અને એનો ઉપયોગ શું હોય છે એ સહેજ જાણી લઈએ.
સાંબેલું લાકડાનું એક એવું સાધન છે જેનો ઉપયોગ મસાલાઓ ખાંડવા માટે થતો હોય છે. પહેલાંના સમયમાં ઘંટીઓ નહોતી. અનાજમાંથી લોટ બનાવવા માટે પથ્થરની દેશી ઘંટી વાપરવામાં આવતી તો મસાલાઓને આપણે ઝીણો ભૂકો કરીને પાઉડર નહોતા બનાવતા. આજે જે રીતે આપણને પીત્ઝા સાથે ચિલી ફ્લેક્સ મળે છે એ જ મુજબના આપણા મસાલા રહેતા, જે અધકચરા કહેવાય એવા ખંડાયેલા હોય. હળદરથી માંડીને મરચાં અને ધાણાજીરું કે પછી બીજા મસાલાની સીઝન આવે એટલે એ મસાલા લાવવાના, આખેઆખા જ લાવવાના અને પછી એને સાંબેલાથી ખાંડી નાખવાના. આ જે સાંબેલું હોય છે એ ઑલમોસ્ટ ચારથી પાંચ ફુટનું હોય. ઊભા-ઊભા ખાંડવાનું કામ થાય અને આખા વર્ષના મસાલા ખાંડવાના હોય એટલે એ ખાંડવામાં સહેજે બે-ચાર દિવસ નીકળી જાય. આખો દિવસ ઊભા-ઊભા ખાંડવાનું કામ શરૂઆતમાં તો સરળતાથી આગળ વધે, પણ પછી માણસ કંટાળી જાય. આ કંટાળાને ભગાડવા માટે સાંબેલું રાસ બન્યો, જે બહુ પૉપ્યુલર પણ થયો. આજે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક ભાગોમાં આ સાંબેલું રાસ નવરાત્રિ દરમ્યાન થાય છે. એવું કહે છે કે સાંબેલું રાસનું જનક રાજકોટ પાસે આવેલું ગોંડલ અને એની આસપાસનો વિસ્તાર. ગોંડલમાં મરચાંનો પાક બહુ સારો થાય એટલે આઝાદી પહેલાં એક સમયગાળો એવો પણ આવ્યો કે લોકો ગોંડલ જઈને ખાંડીને તૈયાર કરેલું મરચું ખરીદે અને કાં તો આખાં મરચાં ખરીદે અને પછી ત્યાં ને ત્યાં જ એ ખંડાવી લે. ખાંડવાનું આ કામ પણ મહિલાઓ જ કરે.
મરચું કે પછી અન્ય મસાલા ખાંડતાં-ખાંડતાં મહિલાઓ સમય પસાર કરવાના ઇરાદે રાસ કરે. આ જે સાંબેલું રાસ છે એની મોટામાં મોટી ખાસિયત એ કે એ રાસ તમારે સાંબેલું હાથમાં લઈને કરવાનો અને જે મોટી ખાંડણી હોય એની આજુબાજુમાં રહીને જ કરવાનો. સાંબેલાથી ખાંડવાની પ્રક્રિયા ચાલતી રહે અને ચાલતી એ પ્રક્રિયા વચ્ચે બધા પોતપોતાની જગ્યા બદલે અને એ પછી પણ સાંબેલું પડે કે ઝૂકે નહીં એ ચપળતા પણ દાખવતા જવાની. સાંબેલું રાસની જે કોરિયોગ્રાફી છે એ એટલી મનમોહક છે કે આપણે જોઈએ ત્યારે અફસોસ થાય કે હજી સુધી એ શું કામ મોટી ફિલ્મોમાં જોવા નથી મળી? હાથ અને કમરની લયની સાથોસાથ સાંબેલું રાસમાં એક્સપ્રેશન પણ બહુ મહત્ત્વના છે એ સહેજ તમારી જાણ ખાતર.

