અનેક મંદિરોના નિર્માણ પછી જે જાણવા મળ્યું છે એના આધારે અહીં કેટલાંક સૂચનો મૂક્યાં છે જેમનું પાલન થાય એ હિતાવહ છે
પ્રતીકાત્મક તસવીર
આપણી આ કૉલમના કારણે મને ઘણા લોકો એવા સવાલો પૂછે છે જે હકીકતમાં આર્કિટેક્ચર સાથે સંબંધ ધરાવતા ન હોય, પણ ધર્મ સાથે સંકળાયેલા હોય. સદ્ભાગ્યવશ મોટા ભાગના પ્રશ્નોના જવાબો મને ખબર છે, જેનું કારણ છે અત્યાર સુધીમાં કરેલું સવાસોથી વધારે મંદિરોનું નિર્માણ. અગાઉ ઘરમંદિર વિશે વિગતવાર વાત કરી છે, પણ આજે એ જ ઘરમંદિરને લગતા અન્ય પ્રશ્નો જે સામાન્ય રીતે લોકો પૂછતા રહેતા હોય છે એના જવાબોની ચર્ચા કરવી છે. આ એવા પ્રશ્નો છે જેના જવાબ બહુધા લોકોને લાભદાયી બને એવા છે તો અમુક એવી પણ વાતો છે જે સહજ રીતે મેં મંદિર નિર્માણ અને એ પછીના કાર્યક્રમો દરમ્યાન નોટિસ કરી છે.
એવી એ વાતો પૈકીની એક વાત. ક્યારેય પ્રજ્વલિત દીવાની જ્યોતમાંથી અગરબત્તી કે અન્ય દીવા ન કરવાં જોઈએ. ભગવાનને કરવામાં આવતી આરતી કે ધૂપ માટે આ ભૂલ ક્યારેય કરવી નહીં. ધારો કે ઘરમાં એકથી વધારે જ્યોતનો દીવો કરતા હોઈએ તો દરેક જ્યોત સાથે અગ્નિદેવને નવું આહવાન જ મોકલવું જોઈએ અને એવું જ અગરબત્તી માટે લાગુ પડે છે. ઘણાને મન એ સામાન્ય પ્રક્રિયા છે કે તે દીવાની જ્યોતમાંથી જ અગરબત્તી પ્રજ્વલિત કરી લે, પણ એવું ન કરવાનું સૂચન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે. અગરબત્તી પણ નવી કાંડીથી જ પ્રજ્વલિત કરવી જોઈએ.
ADVERTISEMENT
આવી જ એક અન્ય વાત. ક્યારેય કોઈની પાસેથી તેણે વાપરી હોય એ અગરબત્તી કે દીવાની વાટ લેવી નહીં. ધારો કે ઘર કે ઑફિસમાં એ ખાલી થઈ ગઈ હોય અને તમે લઈ આવતા ભૂલી ગયા હો તો એક દિવસ ભગવાનને એમ જ પગે લાગી લો, પણ આડોશી-પાડોશી કે પછી અન્ય કોઈની પાસેથી અગરબત્તી કે વાટ માગવી નહીં. સૌથી પહેલી વાત તો એ કે આવી નિત્ય ઉપયોગમાં આવતી સામગ્રીનો સ્ટૉક આગળ-પાછળ રાખવો જ રાખવો, પણ ધારો કે કોઈ ઇમર્જન્સીને કારણે એ ખાલી થઈ જાય તો પહેલો પ્રયાસ કરો કે એ ત્યારે ને ત્યારે જઈને લઈ આવો. ધારો કે એ પણ ન થઈ શકે તો એમ જ ભગવાનને પ્રાર્થના કરી લો, પણ અન્ય પાસે માગો નહીં. હા, તેની પાસે અલગ જ એક પૅકેટ પડ્યું હોય, જે તેણે ખોલ્યું પણ ન હોય તો એના પૈસા ચૂકવીને એ લઈ લો તો ચાલશે; પણ તે વપરાશ કરતા હોય એવી પૂજાની સામગ્રીમાંથી થોડી વસ્તુ ઉછીની માગવાની નહીં. જો મંદિર કે દેરાસરમાં પૂજા કરવા ગયા હો અને ત્યાં પણ ચાલુ પૂજાએ સામગ્રી ખલાસ થઈ જાય તો બહાર જઈને એ સામગ્રી તૈયાર કરી લેવાની; પણ બાજુમાં ઊભા હોય, સ્વજન જ હોય તો પણ એ સામગ્રી તેની થાળીમાંથી લેવાની નહીં.
નિયમિતપણે એક પ્રશ્ન પુછાતો રહ્યો છે કે મંદિરમાં રાખ્યા હોય એ બધા દેવતાની પૂજા કરવી જોઈએ? જવાબ છે, હા. ઘરમંદિરમાં ભગવાન રાખ્યા એનો અર્થ એ થયો કે તમે તેમને એક ચોક્કસ સ્થાન આપ્યું. તમે સ્થાન આપ્યું એનો અર્થ એવો થયો કે તમે તેમને આવકારો આપ્યો. હવે તેમને ઘરમાં લાવ્યા પછી તેમના તરફ યજમાન ધ્યાન ન આપે એ તો ભગવાનનું અપમાન થયું કહેવાય. આ જ કારણે મેં અગાઉ પણ ઘરમંદિરની વાત કરતી વખતે કહ્યું હતું કે મંદિરમાં એટલા જ ભગવાનનો સમાવેશ કરવો જોઈએ, એટલાં જ દેવી-દેવતાને સ્થાન આપવું જોઈએ જેમની આરાધના વ્યક્તિ કરી શકે. ઍટ લીસ્ટ રોજેરોજ મંદિરમાં રહેલાં તમામ દેવી-દેવતાઓની સમક્ષ વધારે નહીં તો તેમના બીજમંત્રનું રટણ તો કરવું જ જોઈએ. આ જ કારણ છે કે અમે મોટાં મંદિરોમાં પણ ઓછામાં ઓછા ભગવાનને સ્થાન મળે એવો પ્રયાસ કરતા રહીએ છીએ, જેથી મંદિરમાં આવનારા ભક્તો દરેક ભગવાનને પ્રાધાન્ય આપીને તેમનાં ભાવપૂર્વક દર્શન પણ કરે અને આસ્થા સાથે તેમની શાસ્ત્રોમાં સૂચવી છે એ પ્રાર્થના કે મંત્રોચ્ચાર કરી શકે.


