આર્થિક પડકારો અને સંઘર્ષોમાં એ સપનું મનના ખૂણે સંકોરાયેલું રહ્યું, પરંતુ સખત મહેનત અને સરકારની મદદથી તે કેરલાની સૌપ્રથમ ટ્રાઇબલ ઍર-હૉસ્ટેસ બની ગઈ
ગોપિકા ગોવિંદ
૧૨ વર્ષની ઉંમરે ગોપિકા ગોવિંદે આદિવાસી કબીલાના કાચા ઘર પરથી પ્લેન ઊડતું જોઈને એક દિવસ એમાં ઊડીશ એવું સપનું જોયેલું. આર્થિક પડકારો અને સંઘર્ષોમાં એ સપનું મનના ખૂણે સંકોરાયેલું રહ્યું, પરંતુ સખત મહેનત અને સરકારની મદદથી તે કેરલાની સૌપ્રથમ ટ્રાઇબલ ઍર-હૉસ્ટેસ બની ગઈ
જ્યારે કોઈ ચીજને તમે શિદ્દતથી ચાહો તો આખું બ્રહ્માંડ તમને એ મેળવવામાં મદદ કરે છે. આવું જ કંઈક કેરલામાં રહેતી ૨૪ વર્ષની ગોપિકા ગોવિંદ નામની ટ્રાઇબલ વુમનના જીવનમાં બન્યું છે. કેરલાની કરીમ્બાલા ટ્રાઇબલ કમ્યુનિટીમાં જન્મેલી ગોપિકાએ રાજ્યની પહેલી ઍર-હૉસ્ટેસ બનીને પોતાના કબીલાને ગૌરવ અપાવ્યું છે. કાચા ઘરમાં રહેતી અને પેરન્ટ્સ એક સામાન્ય દહાડિયા મજૂરીનું કામ કરતા હોય એવા વાતાવરણમાં તેના માટે ભણવાનું પણ લગભગ અશક્ય હતું. બાળપણમાં તેણે પણ પરિવારને સપોર્ટ કરવા મજૂરી કરી, પણ ભણવાની લગનને કારણે તેણે ભણવાનું ન છોડ્યું. બાળપણ ખૂબ આર્થિક ખેંચમાં વીત્યું હોવા છતાં તેનાં સપનાં ઊંચાં હતાં.
ADVERTISEMENT
ગોપિકા આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેના કબીલા પરથી પ્લેનની ઘરઘરાટી સાંભળી. ઘરઘરાટી સાંભળીને બધા લોકો ઘરની બહાર આવી ગયા. જોયું તો ઉપરથી પ્લેન ઊડીને જઈ રહ્યું હતું. ગોપિકાએ લોકોને પૂછ્યું કે આ શું છે? તેને જે જવાબો મળ્યા એ પરથી તેણે નક્કી કર્યું કે એક દિવસ હું પણ આ પ્લેનમાં ઊડીશ. એમાં કઈ રીતે ઉડાય? એમાં કંઈક કામ કરતા હોઈએ તો જ. બસ, ત્યારથી ગોપિકાએ નક્કી કર્યું કે પ્લેનમાં ઍર-હૉસ્ટેસનું કામ કરીશ.
જોકે નક્કી કરી લેવાથી સપનાં સાચાં નથી થઈ જતાં. ભણવાનું ચાલુ રાખવાની સ્ટ્રગલ જ એટલી હતી કે તેણે પહેલાં ગ્રૅજ્યુએશન માંડ થાય તો સારું એવો ટાર્ગેટ સેટ કર્યો. ગ્રૅજ્યુએશન પૂરું કરવામાં પણ બહુ આકરી મહેનત કરવી પડી હતી. આ જદ્દોજહદમાં તેનું ઍર-હોસ્ટેસનું સપનું કોરાણે મુકાઈ જતાં તેણે એક સાદી જૉબ કરીને આર્થિક રીતે પગભર થવાને પહેલી પ્રાયોરિટી આપવાનું નક્કી કરેલું. જોકે એ જ અરસામાં ફરીથી જૂનું સપનું સળવળ્યું. એક ન્યુઝપેપરમાં કૅબિન-ક્રૂનો યુનિફૉર્મવાળો ફોટો જોઈને ફરીથી બાળપણનું ઍર-હૉસ્ટેસ બનવાનું તેનું સપનું સળવળ્યું. તેણે ફૉર્મ તો ભરી નાખ્યું, પણ ફી જોઈને પગ ડગમગી ગયા. સપનું પૂરું કરવા કઈ રીતે મદદ થઈ શકે એ માટે તેણે લોકોને મળવાનું શરૂ કર્યું અને કોઈકે કહ્યું કે તે શેડ્યુલ કાસ્ટની હોવાથી સરકાર તરફથી કદાચ મદદ મળી શકે છે. તેણે સરકારી સહાય માટે કમર કસી અને ઍડ્મિશન મળી ગયું.
એવિયેશન કોર્સ શરૂ કર્યો અને વાયનાડની ડ્રીમ સ્કાય એવિયેશન ટ્રેઇનિંગ ઍકૅડેમીમાં એક વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો. કોર્સ પૂરો કરવાની સાથોસાથ તેણે જૉબ માટે ઇન્ટરવ્યુ આપવાનું પણ શરૂ કરી દીધું અને બીજા જ ઇન્ટરવ્યુમાં તેને જૉબ મળી ગઈ. ત્રણ મહિનાની ટ્રેઇનિંગ પછી ગોપિકાને ઍર-હૉસ્ટેસ તરીકે જૉબ મળી ગઈ.

