Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એકબીજાને ગમતાં રહીએ, પણ એવું કેવી રીતે થાય?

એકબીજાને ગમતાં રહીએ, પણ એવું કેવી રીતે થાય?

14 March, 2021 01:26 PM IST | Mumbai
Kana Bantwa

એકબીજાને ગમતાં રહીએ, પણ એવું કેવી રીતે થાય?

એકબીજાને ગમતાં રહીએ, પણ એવું કેવી રીતે થાય?

એકબીજાને ગમતાં રહીએ, પણ એવું કેવી રીતે થાય?


પતિ-પત્ની પ્રેમી હોય છે? દોસ્ત હોય છે? સ્ત્રી અને પુરુષ જ્યાં સુધી પતિ-પત્ની નથી હોતાં ત્યાં સુધી બન્ને વચ્ચે આકર્ષણ હોય, મૈત્રી હોય, સ્નેહ હોય, એકબીજાની કદર હોય; પણ એ મીઠો લાડવો જ્યારે પોતાના ભાણામાં પડે ત્યારે લાકડાનો લાડુ કેમ બની જતો હોય છે? લગ્ન વિશે એક બહુ જ પ્રખ્યાત વાત છે ઃ લગ્ન એટલે એવું યુદ્ધ જેમાં દિવસભર સામસામે લડ્યા પછી બન્ને દુશ્મનોએ એક જ પથારીમાં સૂવાનું હોય છે. વાસ્તવમાં આવું હોય છે ખરું? લગ્ન અત્યંત વ્યક્તિગત બાબત છે. વિશ્વમાં જેટલાં દંપતી એટલી અલગ તરાહ છે લગ્નની. કારણ કે બે અલગ જ વ્યક્તિએ એક થઈને જીવવાનું હોય છે. લગ્ન ત્રિપગી દોડ જેવું છે. ત્રિપગી દોડમાં દોડનારાઓની બે-બેની જોડી બનાવવામાં આવે છે અને એકનો ડાબો પગ બીજાના જમણા પગ સાથે બાંધી દેવામાં આવે છે અને પછી દોડવાનું હોય છે. જેનું પોતાના સાથીદાર સાથે સંકલન સારું, જે સાથીની સંભાળ રાખે, જે સામેવાળાનું વિચારીને તેના લયમાં પગ ઉપાડે તે જીતે. આ બીજાના લયમાં પોતાનો લય મેળવવાની રમત છે. પ્રેમમાં મગ્ન ચકલી-ચકલાને જોયાં છે? એનો કલબલાટ ત્યારે એવો સિન્ફ્રોનાઇઝ્‍ડ હોય કે બેયના સૂર અને લય એક થયેલા લાગે. સૂર અને લયમાં ભેદ ન રહે ત્યારે ખરું અભેદ સધાય છે, ખરું ઐક્ય નિર્મિત થાય છે. દ્વૈત અને અદ્વૈત અહીં જ છે, બે વ્યક્તિઓમાં જયાં સુધી દ્વૈત છે ત્યાં સુધી સંઘર્ષ છે. અદ્વૈત સાધી લેવામાં આવે તો સંગીત છે.
પતિ-પત્ની વચ્ચે જ્યારે ખરી મિત્રતા બંધાઈ જાય ત્યારે લગ્નજીવનની સાચી મજાની શરૂઆત થાય છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોવો સામાન્ય બાબત છે અને બન્ને વચ્ચે મિત્રતા હોવી વિરલ ઘટના છે. એકમેકને ગમતાં રહીએ એવું બધાં દંપતી ઇચ્છતાં હોય પણ બે તદ્દન ઑપોઝિટ વ્યક્તિ આખી જિંદગી એકબીજાને ગમતાં રહી શકે એ મુશ્કેલ બાબત છે. સાથે જીવવું સહેલું છે. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ સહેલું છે. જતું કરીને શાંતિથી જીવન પસાર કરી નાખવું સહેલું છે, પણ એકમેકને ગમતાં રહેવું બહુ મુશ્કેલ છે. એ પ્રયત્નોથી નથી થતું. એ આયોજનથી સંભવ નથી. એને માટે તો બન્નેએ લાયક બનવું પડે, તમે કોઈને ચાહો એ સામાન્ય છે, પણ તમે કોઈ દ્વારા ચાહવા યોગ્ય બનો એ મહત્ત્વની બાબત છે.
આપણે પ્રેમ બાબતના એટલા ભ્રમ ઊભા કરી દીધા છે કે પ્રેમની ખરી વ્યાખ્યા પણ ભૂલી ગયા છીએ. આપણો પ્રેમ કોઈને શીખવેલો પ્રેમ છે. તમે ક્યાંક વાંચેલો, ક્યાંક કવિતાના શબ્દો વચ્ચે જોયેલો, ક્યાંક સિનેમામાં દેખેલો, ક્યાંક કોઈના પ્રેમને જોઈને સમજેલો, અમર પ્રેમીઓની કહાનીઓમાંથી શીખેલો પ્રેમ આપણે કરીએ છીએ એટલે પ્રેમ વિશે ભાતભાતની ભ્રાંતિઓ રાખીને બેઠા હોઈએ છીએ. એ પ્રેમલગ્નમાં ચોકઠાં ફિટ બેસતાં નથી એટલે માની લઈએ છીએ કે બે વ્યક્તિને અરેન્જડ મૅરેજથી મેળવી દીધા પછી પ્રેમ પાંગરતો નથી. પ્રેમ ગમે ત્યાં પાંગરી શકે, લગ્નજીવનમાં પણ પાંગરે છે. લગ્ન વગર પણ પાંગરે છે. સમાજ કે નાત-જાત કે ધર્મ જોયા વગર પણ પાંગરે છે. પ્રેમલગ્નો નિષ્ફળ જવાનો રેશિયો કેમ વધુ હોય છે? એકબીજા પ્રત્યેનો પ્રેમ જ હોય તો લગ્ન કર્યા પછી એ પ્રેમ ક્યાં જાય છે? ભ્રામક પ્રેમ લગ્ન પછી બાષ્પીભૂત થઈ જઈ શકે, કપૂરની જેમ ઊડી જઈ શકે અને જો પ્રેમ જ હોય તો લગ્નમાં પણ ટકી શકે છે.
લગ્નજીવનમાં સૌથી મોટી મુશ્કેલી એકબીજાને ગમતાં રહેવાની હોય છે. વર્ષો પછી પણ પતિ અને પત્નીને એકમેક વગર ચાલતું ન હોય, સામેનું પાત્ર ગમતું હોય એ અદ્ભુત સ્થિતિ છે. સામાન્ય રીતે જેમ-જેમ સમય જાય તેમ-તેમ લગ્નજીવનમાં એકધારાપણું આવતું જાય. એકબીજાની નબળાઈઓ સામે આવતી જાય, અપેક્ષાઓ પૂરી ન થાય, વિચારધારા એક ન થઈ શકે, માન્યતાઓનો ભેદ વધતો જાય એવું બનતું હોય છે. માણસના મનને હંમેશાં કંઈક નવું જોઈતું હોય છે એટલે મન ઘર કી મુર્ગીને દાલ બનાવી નાખે છે. જે સામે છે એની મન ઉપેક્ષા કરે છે, જે આભાસી છે અને કામના કરે છે મન હંમશાં કશુંક રોમાંચક, કશુંક ક્રેઝી, કશુંક ઉત્તેજક માગે છે અને મનની એ અપેક્ષા જ મુર્ગીને દાલ બનાવી નાખે છે. પહેલાં વા-તડ, શૂક્ષ્મ તિરાડ પડે છે અને પછી એ અંતર વધતું ચાલે છે. ગમવાનું ઓછું થતું જાય છે.
આપણે કહીએ છીએ કે પ્રેમ ઓછો થઈ ગયો. પ્રેમ જો થાય તો પછી ક્યારેય ઓછો ન થઈ શકે એવી અદ્ભુત ચીજ છે. જે ખરો પ્રેમ કરે છે તે તો આંધળોભીંત હોય છે તેને સામેના પાત્રના દોષ દેખાતા જ નથી. જો પાર્ટનરમાં દોષ દેખાય તો સમજવું કે બીજું ગમે તે હશે, પ્રેમ નહીં હોય. પાર્ટનર જે કરે એ સારું જ લાગે, એ પ્રેમ છે. એટલે જ અમુક કિસ્સામાં પતિ ગમે એટલું ખરાબ વર્તન કરે, પત્ની તેને દોષ આપતી જ નથી, પત્ની ગમે તેમ વર્તે, પતિને તેનો વાંક દેખાતો જ નથી, પણ સમસ્યા એ હોય છે કે આવો પ્રેમ બન્ને પક્ષે એકસાથે ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગે તો એક પાત્ર ખરેખર પ્રેમ કરતું હોય અને બીજું પાત્ર એનો ફાયદો ઉઠાવતું હોય અને જેનો ફાયદો ઉઠાવાઈ રહ્યો હોય તે આ વાસ્તવિકતાથી અજાણ પણ નથી હોતો. જાણવા છતાં તે આવું કરવા દે છે, કારણ કે તેને ગમે છે સામેની વ્યક્તિ. જે ગમે છે તેનો કોઈ દોષ હોઈ જ કેમ શકે? એટલે જ કહેવાય છે કે તેમને જે વ્યક્તિ ગમતી હોય તેની સાથે નહીં, તમે જેને ગમતા હો તેની સાથે લગ્ન કરવાં. વાત ખોટી નથી, પણ એમાં ઉમેરો એટલો કરી શકાય કે જો બન્ને પરસ્પરને ગમતાં હોય એવી જોડી બને તો તેમના જીવનમાં સ્વર્ગ ઊતરી આવે.
ગમવું એ બીજું કશું નથી, સ્વીકારભાવ છે. જેની દરેક બાબતને હોંશથી પૂર્ણપણે સ્વીકાર કરીએ એ વ્યક્તિ સૌથી ગમતી વ્યક્તિ હોય. જેની દરેક વાત મીઠી લાગતી હોય, જેની દરેક અંગભંગિમા વહાલી લાગતી હોય, જેનું દરેક વર્તન મધુરું જ લાગતું હોય, જે શા માટે ગમે છે એની ચોક્કસ વ્યાખ્યા ન કરી શકીએ, કોઈ એક કારણ ગમવા માટે પર્યાપ્ત ન થાય અને અનેક કારણ ભેગાં મળીને પણ એને યથાયોગ્ય વ્યક્ત ન કરી શકે એ ખરેખર તમને ગમતી વ્યક્તિ છે અને કોઈને ગમતું બનવા માટે પર્ફેકટ મૅન કે પર્ફેકટ વુમન બનવાની જરૂર નથી. જ્યારે પર્ફેક્ટ ન હોય એવું દંપતી પણ પોતાની વચ્ચેના મતભેદોને પણ માણવા માંડે, એમાંથી પણ આનંદ લેવા માંડે ત્યારે લગ્નજીવન સુવાસિત થવા માંડે. કોઈ આપણને ગમવા માંડે એ બહુ સરળ અને સામાન્ય છે. આપણી અપેક્ષા એવી હોય છે કે સામેનું પાત્ર આપણને ગમાડે જ, પણ ગમવા માટેની પાત્રતા મેળવવા આપણે શું કર્યું? પ્રયત્ન ગમતાં બનવા માટેનો કરવાનો છે. એકમેકને ગમતાં રહીએ એવું કહેવું સરળ છે, અમલમાં મૂકવું અઘરું છે, કારણ કે શરૂઆત પોતાનાથી કરવી પડે અને માણસ હંમેશાં એવી અપેક્ષા રાખતો હોય છે કે સામેની વ્યક્તિ પ્રયત્ન કરે, પોતે કશી જ મહેનત કરવી ન પડે.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2021 01:26 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK