Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચમત્કાર માણસને કેમ આકર્ષે છે?

ચમત્કાર માણસને કેમ આકર્ષે છે?

05 February, 2023 01:51 PM IST | Mumbai
Kana Bantwa

જીવન દુ:ખથી, તકલીફોથી, મુશ્કેલીઓથી ભરેલું હોય છે. એમાંથી પોતાની ક્ષમતાથી બહાર નીકળવાનું જ્યારે શક્ય નથી બનતું ત્યારે માણસ ચમત્કારનો આશરો લે છે. તેને લાગે છે કે કોઈ એવી શક્તિ હશે જે ચપટી વગાડતામાં જ આ મુશ્કેલીને ઠીક કરી દેશે

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી


એક બાબા, નામે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હમણાં ચર્ચામાં છે. બાબા પ્રેત દરબાર યોજે છે. લોકોના વળગાડ, ભૂત–પ્રેત ભગાડે છે. તે ભાવિકોના મનની વાતો વગર કહ્યે જ જાણી જવાનો દાવો કરે છે. કોઈ માણસ બાબા પાસે સમસ્યા લઈને આવે તો એ સમસ્યાઓ બાબાએ અગાઉથી જ, વગર જણાવ્યે કાગળ પર લખી રાખી હોય છે, પીડિત કશું બોલે એ પહેલાં ૨૬ વર્ષના આ બાબા કાગળમાં લખેલી સમસ્યા વાંચી સંભળાવે છે અને ગર્વથી પૂછે છે કે આ જ સમસ્યા છેને? પછી સમસ્યા ઉકેલાઈ જવાના આશીર્વાદ અને ઉપાય આપે છે. ભૂતપ્રેતનો વળગાડ કોઈને છે એમ કહીને બાબા હોઠ ફફડાવીને એ વ્યક્તિ સામે ફૂંક મારે છે અને પેલો માણસ બાબા કહે એમ પછડાટ ખાવા માંડે છે. બાબા કોઈ અદૃશ્ય સેનાપતિને કહે છે કે આને લપાટો લગાવ એટલે પીડિત પોતે પોતાને જ લપાટો લગાવે છે. બાબા કહે કે સેનાપતિ, પછાડો આને, એટલે પીડિત પછડાટ ખાય છે, આળોટે છે. અંતે બાબા પેલા ભૂત કે પ્રેતને સંબોધે છે, ડરાવે છે અને પીડિતના શરીરમાંથી નીકળી જવાનું કહે છે. આ તાયફા રોજેરોજ ચાલે છે. પ્રેત દરબારમાં કેટલીય મહિલાઓ ખુલ્લા વાળ રાખીને ધૂણે છે. કેટલાંક ગોઠીમડાં ખાય છે. લોકોને જોણું થાય છે, ભાવિકો બાબાની જય બોલાવે છે. નર્યું ધતિંગ ચાલે છે, પણ સમય એવો આવ્યો છે કે આ દેશમાં, થોડા રૅશનલિસ્ટોને બાદ કરતાં કોઈ એવું કહેવાની હિંમત નથી કરતું કે બાબા અંધશ્રદ્ધા ફેલાવે છે. મીડિયાની પણ હિંમત નથી ચાલતી. કોઈને ઇન્વેસ્ટિગેશન કરીને સત્ય બહાર લાવવાનું સૂઝતું નથી. બાબા વિશે બોલતી કે લખતી વખતે એવું રાઇડર મૂકવાનું કોઈ ચૂકતું નથી કે જનતાની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો અમારો ઇરાદો નથી. ખોંખારીને કહેવાની કોઈની હિંમત નથી. આટલો ડર? આટલો ખોફ? બાબા ઢોંગ કરે છે એમ કહીને તેમને પોતાની સામે ચમત્કાર દેખાડવાની ચૅલેન્જ રૅશનલિસ્ટ શ્યામ માનવે ફેંકી અને વિવાદ થયો. બાબાએ ચૅલેન્જ સ્વીકારી નહીં, પછી બાબાએ સનાતન ધર્મના રક્ષણના અને દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પાસા ફેંક્યા. આ બન્ને મુદ્દા એવા છે કે એનું નામ લેનાર ગમે એવો પાપી હોય તો પણ વૈતરણી તરી જાય. બાબાએ પોતે હિન્દુ રાષ્ટ્ર બનાવશે એવો હુંકાર કર્યો એ પહેલાંથી જ સનાતન ધર્મના નામે તેને ટેકો આપનારા તો હતા જ, આ જાહેરાતથી એમાં ઉમેરો થયો. બાબાના ચમત્કારના દાવા હજી ચાલુ જ છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ચમત્કારની વાતને હમ્બગ ગણાવીને બાબા સામે ચૅલેન્જ મૂકી કે ‘જોશીમઠની તિરાડ ચમત્કારથી સાંધી આપ.’ આ એક એવા હિન્દુ ધર્માચાર્ય નીકળ્યા જેમણે બેધડક સાચી વાત કરી. બાકી બાબા રામદેવ જેવા કેટલાય વહેતી ગંગામાં હાથ ધોવા માટે કૂદી જ પડ્યા. બાબાના ચમત્કારની વાતો સાંભળતાં પ્રશ્ન થાય કે માણસ શા માટે આદિકાળથી ચમત્કાર પાછળ દોડતો રહે છે? શા માટે માણસને ચમત્કારની જરૂર પડે છે?

જગતના લગભગ તમામ ધર્મો ચમત્કારની વાતોથી ભરેલા પડ્યા છે. ખ્રિસ્તી ધર્મ તો ચમત્કાર પર જ ઊભો થયેલો છે. ઈસુએ પોતાના જીવન દરમ્યાન અનેક ચમત્કાર કર્યા હોવાનું ખ્રિસ્તી ધર્મગ્રંથોમાં કહેવાયું છે, જેમાં પાણીને દારૂ બનાવી દેવું, પાણી પર ચાલવું, મરેલા માણસ લાઝારસને જીવતો કરવો, માટીમાંથી પક્ષીઓ બનાવીને એને જીવતાં કરવાં, પોતાના ૧૨ અનુયાયીઓમાંથી ૩નાં મન બદલી નાખવાં (પણ જુડાસનું મન બદલવાનો ચમત્કાર ન કરી શક્યા. જુડાસે જ બાતમી આપીને જિઝસને પકડાવી દીધા), પોતાના મૃત્યુ પછી ત્રીજા દિવસે ફરી જીવતા થવું વગેરે વગેરે. ખ્રિસ્તી ધર્મમાં કોઈને સંતની ઉપાધિ આપવી હોય તો તેણે એક ચમત્કાર કર્યો હોય એ અનિવાર્ય છે. મધર ટેરેસાને સંતનું બિરુદ આપવાનું નક્કી થયું ત્યારે ચમત્કાર શોધવા નીકળવું પડ્યું. અંતે બ્રાઝિલના એક માણસનું બ્રેઇન ટ્યુમર મધર ટેરેસાએ મટાડી દીધું હોવાનો ચમત્કાર ઊભો કરાયો ત્યારે તેમને સંત ગણવામાં આવ્યાં. ખ્રિસ્તીની જેમ જ ઇસ્લામ ધર્મમાં પણ ચમત્કાર ભરપૂર છે. બન્ને ધર્મ સહોદર ખરાને. હિન્દુ ધર્મમાં પણ ચમત્કાર છે અને હિન્દુ ધર્મનો લાભ ઉઠાવવા માગતા ધુતારાઓને ચમત્કારનો સહેલો રસ્તો મળી જાય છે. હિન્દુ ધર્મની એ વિશેષતા છે કે તેના અવતારોએ ચમત્કારનો સહારો લીધો નથી. ઈશ્વરે પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢવી હતી તો વરાહ અવતાર લીધો, ચમત્કાર કરીને પૃથ્વીને બહાર ન કાઢી. ભગવાન રામે લંકા સુધી પહોંચવા માટે સેતુ બાંધ્યો, ચમત્કારથી લંકા પહોંચી ન ગયા અથવા ચમત્કારથી રાતોરાત સેતુ બાંધી ન દીધો. રાવણને મારવા માટે પણ મહેનત કરી, ઘા ઝીલ્યા, મૂર્છિત થયા, ચમત્કાર કરીને રાવણને ન માર્યો. કૃષ્ણએ દરેક શત્રુ સામે યુદ્ધ કર્યું. શાલ્વ સામે લડતાં કૃષ્ણ બેભાન થયા, હાથ ભાંગ્યો, પણ ચમત્કાર કરીને શાલ્વને ન માર્યો. રુક્મિણીને ચમત્કાર કરીને કુંડિનપુરમાંથી ઉપાડીને દ્વારકાના મહેલમાં લાવવાને બદલે રુક્મિ અને તેના સૈન્ય સાથે લડીને અપહરણ કર્યું. અંતે અંદરોઅંદર લડતા યાદવોની યાદવાસ્થળી ચમત્કાર 
કરીને રોકી નહીં, પોતે પણ જેટલાને મારી શકાય એટલાને માર્યા અને અવતારકાર્ય પૂરું થયું ત્યારે ચમત્કારથી આ પૃથ્વી પરથી વિલીન ન થયા. પારધિને બાણ મારતાં ચમત્કારથી ન રોક્યો. દ્વારકાની સ્ત્રીઓને કાબાઓ લઈ ગયા એ પણ ચમત્કારથી ન રોક્યું.



માણસને હંમેશાં કંઈક સુપર નૅચરલ, કંઈક અલૌકિક, અગમ્ય, અગોચર બાબતોનું આકર્ષણ રહ્યું છે. પોતાની સમજમાં ન આવે એવી ઘટનાઓ માણસને હંમેશાં આકર્ષે છે. માણસનું જીવન દુ:ખથી, તકલીફોથી, મુશ્કેલીઓથી ભરેલું હોય છે. એમાંથી પોતાની ક્ષમતાથી બહાર નીકળવાનું જ્યારે શક્ય નથી બનતું ત્યારે માણસ ચમત્કારનો આશરો લે છે. તેને લાગે છે કે કોઈ એવી શક્તિ હશે જે ચપટી વગાડતામાં જ આ મુશ્કેલીઓ ઠીક કરી દેશે, પોતાનું જીવન વધુ સારું ચાલવા માંડશે. આશા માણસનું જીવનબળ છે. માણસ એવું પ્રાણી છે જે ક્યારેય આશા છોડતું નથી. સૌથી કપરા સમયમાં પણ આશાના તાંતણાના આધારે માણસ ટકી રહે છે. ચમત્કાર આ આશાને જીવંત રાખનાર છે. ચમત્કારની વાતો સાંભળીને માણસની આશા વધુ મજબૂત બને છે, આશા જ તેને ચમત્કારમાં માનવા પ્રેરે છે. માણસ સ્વભાવથી જ કુતૂહલપ્રિય પ્રાણી છે. તેને દરેક વાતમાં જિજ્ઞાસા થાય છે, આશ્ચર્ય તેને હંમેશાં ખેંચે છે. ગૂઢ, જેને સમજાવી શકાય નહીં, સમજી શકાય નહીં, તર્કથી જે પર હોય એવી બાબતો માણસને ખેંચતી રહે છે. ચમત્કાર તેમને આ ગૂઢ બાબતોમાં ડોકિયું કરવાની બારી જેવા લાગે છે. તેમને લાગે છે કે ચમત્કાર દ્વારા તેઓ અલૌકિક બાબતોને સમજી શકશે અથવા આ પારલૌકિક બાબતોની સાબિતી તેમને ચમત્કાર આપે છે. ધર્માચાર્યો દ્વારા કરાતા ચમત્કાર ઝડપથી માની લેવામાં આવે છે એનું કારણ એ છે કે તેમને ઈશ્વર સાથે જોડાયેલા માની લેવામાં આવે છે. તેમનામાં દિવ્ય શક્તિ હોય જ એવું ધારી લેવામાં આવે છે. ધર્માચાર્યો દ્વારા ચમત્કાર દેખાડવામાં આવે તો પોતે દિવ્ય શક્તિ ધરાવે છે એની સાબિતી માટે હોય છે. પોતાને ઈશ્વરના સીધા પ્રતિનિધિ માની લેવામાં આવે એ માટે તેઓ ચમત્કારનો આશરો લે છે.
 


ચમત્કાર સામાન્ય માણસને સાયકોલૉજિકલ ટેકો પૂરો પાડે છે. તેને એવું આશ્વાસન રહે છે કે જે અસંભવ છે એ પણ ચમત્કારથી સંભવ બની શકે છે. બીમાર કે પરિવારના દુ:ખને કારણે પીડાતા લોકો માટે જ્યારે કોઈ ઉપાય કારગત ન નીવડે ત્યારે તેનો છેલ્લો આશ્રય ચમત્કાર હોય છે, પણ હકીકત એ છે કે જે ચમત્કાર બાબાઓ કરે છે એ ચમત્કાર હોતા નથી. એવા ચમત્કાર સંભવ નથી. માણસ પોતે ધારે તો પોતાના જ બાહત્પબળથી, પોતાના જ કૌશલ્યથી ચમત્કાર કરી શકે અને એવા ચમત્કાર રોજેરોજ આપણી આસપાસ અનેક માણસો કરતા રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 01:51 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK