Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કમલા : ‘ખરીદી’નું પત્રકારત્વ

કમલા : ‘ખરીદી’નું પત્રકારત્વ

30 April, 2022 11:53 AM IST | Mumbai
Raj Goswami

ફર્શ પર બેઠેલી કમલા હીંચકા પર ઝૂલતી સરિતાને પૂછે છે, ‘આપકો કિતને મેં ખરીદા હૈ?’

કમલા : ‘ખરીદી’નું પત્રકારત્વ

બ્લૉકબસ્ટર

કમલા : ‘ખરીદી’નું પત્રકારત્વ


એક તરફ ટિપિકલ મર્દ જયસિંહ તેની વ્યાવસાયિક ચકાચૌંધમાં ડૂબેલો છે, તો બીજી તરફ ઘરમાં બોર થઈ ગયેલી તેની પત્ની દિવસે ઘરકામ કરે છે તથા રાતે સેક્સ આપે છે અને ત્રીજી તરફ અબુધ આદિવાસી કન્યા છે, જેને ખરીદ-વેચાણ સિવાયની દુનિયાની  કંઈ ખબર જ નથી... એવી ત્રણ સ્થિતિને વિજય તેન્ડુલકરે એક જ સંવાદમાં મૂકી દીધી હતી; ફર્શ પર બેઠેલી કમલા હીંચકા પર ઝૂલતી સરિતાને પૂછે છે, ‘આપકો કિતને મેં ખરીદા હૈ?’

‘ગઈ કાલે હું મધ્ય પ્રદેશના શિવપુરી નજીકના એક ગામમાંથી ૨૩૦૦ રૂપિયામાં એક દૂબળી-પાતળી સ્ત્રીને ખરીદી લાવ્યો છું. હું આજે સવારે રાજધાનીમાં પાછો આવ્યો છું અને મને ખુદને વિશ્વાસ નથી આવતો કે પંજાબમાં જે ભાવથી ભેંસ મળે છે એનાથીય અડધા પૈસામાં હું એક મધ્યવયસ્ક સ્ત્રીને ખરીદી લાવ્યો છું. વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે હું ૧૦ વખત એ વિસ્તારમાં ગયો હતો, પરંતુ છેલ્લે એવું લાગ્યું જાણે હું જૂતાં ખરીદતો હોઉં.’ 
૧૯૮૧ની ૨૭ એપ્રિલે દિલ્હીમાં ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સમાચારપત્રના પહેલા પાના પર એક ઇન્વેસ્ટિગેટિવ સમાચારનો આ પહેલો ફકરો છે. એની પર બાયલાઇનમાં અશ્વિની સરીન નામના પત્રકારનું નામ હતું. ભારતીય પત્રકારત્વમાં જે કેટલીક યાદગાર ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ છે એમાંથી એક સ્ટોરી આ હતી, જેણે એ સમયે દેશને હલાવી દીધો હતો. 
અટલ બિહારી વાજપેયીની સરકારમાં પ્રધાન અને એક સમયના હોનહાર એડિટર અરુણ શૌરીએ તાજેતરમાં તેમનાં સંસ્મરણો પર એક પુસ્તક પ્રગટ કર્યું છે. એમાં આ સનસનીખેજ સ્ટોરીની વિગતવાર વાત છે. અરુણ શૌરી અને અશ્વિની સરીન દેશના એક રાજ્યમાં કેવી રીતે મહિલાઓ વેચાય છે એ હકીકત ઉજાગર કરવા માગતા હતા, પરંતુ પ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર વિજય તેન્ડુલકરને એમાં જે મહિલાને ખરીદવામાં આવી હતી તેને ભાવના, નૈતિકતા અને અધિકારને લઈને સવાલ થયા અને એના પરથી તેમણે ‘કમલા’ નામનું નાટક લખ્યું. અશ્વિની સરીનની સ્ટોરી તો ખાલી ખરીદ-વેચાણ પર આવીને અટકી ગઈ હતી, પરંતુ તેન્ડુલકરે ‘કમલા’ નાટકમાં એથી આગળ જઈને પ્રશ્ન કર્યો કે નૈતિકતાની વાત કરતા પત્રકારનો વ્યવહાર કેટલો નૈતિક હતો? તેની પત્ની અને તે જે ખરીદી લાવ્યો હતો એ સ્ત્રી વચ્ચે શું ફરક છે? તેન્ડુલકરની શૈલી મુજબ નાટક ચોંકાવનારું હતું. 
પછીથી શૃંગારિક અને હૉરર ફિલ્મોમાં પડી ગયેલા ફિલ્મમેકર જગમોહન મુન્દ્રાને આ નાટકમાં એક ફિલ્મ દેખાઈ અને ૧૯૮૪માં તેમણે દીપ્તિ નવલ, માર્ક ઝુબેર અને શબાના આઝમીને લઈને ‘કમલા’ ફિલ્મ બનાવી. એ ફિલ્મ નાટકની જેમ જ સશક્ત હતી. 
જયસિંહ જાધવ (માર્ક) દિલ્હીનો ખોજી પત્રકાર છે. તેને ખબર પડે છે કે મધ્ય પ્રદેશના એક ગામમાં, સ્થાનિક પોલીસ અને રાજકારણીઓની સાઠગાંઠથી ભીલ સ્ત્રીઓના ખરીદ-વેચાણનો ધંધો ચાલે અને પછી તેમને દેહ-વ્યાપારમાં સામેલ કરવામાં આવે છે. મહત્ત્વાકાંક્ષી જયસિંહ આ કૌભાંડને ઉઘાડું કરવા માટે ‘પુરાવા’રૂપે લોકલ છોકરી કમલા (દીપ્તિ)ને ખરીદીને દિલ્હીમાં તેના ઘરે લાવે છે. થોડા દિવસ પછી તે દિલ્હી પ્રેસ ક્લબમાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં કમલાને બાજુમાં ઊભી રાખીને ગામમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરે છે. ઇન્વેસ્ટિગેશનનું કામ પતે છે પછી તે કમલાને નારીગૃહમાં મોકલી દે છે. અહીં સુધી અશ્વિની સરીનની સ્ટોરી હતી. 
એન્ટર સરિતા જાધવ (શબાના આઝમી).
સ્ત્રીઓને ખરીદવાની દિલ્હીના મીડિયા જગતની એક સનસનીખેજ કહાની જયસિંહના ઘરની ચાર દીવાલ વચ્ચે એક જુદો જ સવાલ ખડો કરે છે. જયસિંહની પત્ની સરિતા ગૃહિણી છે. બન્નેને બાળક નથી. પૉશ ઘરમાં રહે છે. કમલાને જયસિંહે ઘરમાં રાખી છે. સરિતાને ગરીબ અને અભણ કમલાની દુર્દશા જોઈને દયા ઊભરાય છે અને બન્ને વચ્ચે ‘સખીપણાં’ થાય છે. પતિ ઑફિસ જાય પછી સરિતા અને કમલા એકમેક સાથે સમય પસાર કરે છે.  
કમલા એટલી ભોળી છે કે તેની સાથે શું થઈ રહ્યું છે એનો અંદાજ પણ નથી. તેને એમ જ લાગે છે કે સ્ત્રીને ખરીદવી એ બહુ સામાન્ય વાત છે. અનપઢ, ગમાર કમલાને લાગે છે કે સરિતા પણ તેની જેમ ખરીદીને લવાયેલી છે. એમાં તેને ખબર પડે છે કે ‘સાહેબ’ને બાળક નથી એટલે કમલા સરિતા પાસે જયસિંહની દયા ખાવા માંડે છે, કારણ કે ૧૦ વર્ષથી તેને ઘરમાં રાખી હોવા છતાં સરિતા ‘માલિક’ને એક બચ્ચું આપી શકી નથી. ‘માલિક’ના પૈસા પાણીમાં પડી ગયા! 
સરિતા આઘાત સાથે તેની સામે ખૂલી રહેલી ખુદની આ ‘ઘરેલુ વાસ્તવિકતા’ને સમજવા માટે ઝઝૂમી રહી છે ત્યાં કમલા પૈસાનો અને સખીપણાનો બદલો ચૂકવવા માગતી હોય એમ કહે છે, ‘બહેન, ચિંતા ન કરીશ. તું સાહેબ સાથે બહાર ફરજે, હું તારા વતી અહીં બાળક જણીશ.’
અભણ, ગામડિયણ અને બોલતાંય ન આવડે એવી કમલા તરીકે દીપ્તિએ આ ફિલ્મમાં જીવ રેડી દીધો હતો. ‘કમલા’ દીપ્તિની કરીઅરનો સૌથી ઉત્તમ પર્ફોર્મન્સ છે. દીપ્તિએ કુપોષિત કમલા બનવા માટે બીમાર થઈ જવાય ત્યાં સુધી ખુદને ભૂખી મારી હતી અને ચામડી બળી જાય ત્યાં સુધી તડકામાં રહીને કાળી પડી ગઈ હતી. તેને શબાનાવાળો રોલ કરવો હતો, કારણ કે ફિલ્મની ખરી સ્ટોરી જ સરિતા હતી, પણ જગમોહન મુન્દ્રાને ખબર હતી કે અસલી જીવનમાં શબાનાનો આક્રમક દેખાવ નારીવાદી સરિતા માટે અને દીપ્તિનો ગભરુ દેખાવ કમલા માટે ફિટ છે. 
અશ્વિની સરીને રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ત્રિભેટે આવેલા મુરેના-આગરા-ધૌલપુરના ‘બજાર’માંથી કમલા નામની એક આદિવાસી સ્ત્રીને ખરીદી હતી. સરીનની પત્ની ઉમાને કે ન તો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કાને ખબર હતી કે શૌરી અને સરીન શું ખીચડી પકાવી રહ્યા છે. એ સ્ટોરી એ જમાનાનું સ્ટિંગ ઑપરેશન હતું. 
સરીને બંદૂકધારીઓ વચ્ચેથી ૨૩૦૦ રૂપિયામાં કમલાને ખરીદી હતી અને તેને દિલ્હીના પોતાના ઘરે લઈ આવ્યો હતો અને પછીથી તેને નારી નિકેતન ગૃહમાં રાખી હતી. સરીન એક વર્ષથી આ કૌભાંડ પાછળ હતો. આ એ વિસ્તારની વાત હતી જ્યાં સિગારેટનું પૅકેટ ખરીદીએ એટલી આસાનીથી દેશી પિસ્તોલ મળતી હતી. 
ધૌલપુરમાં એક ચૂંટણી સંબંધી રિપોર્ટિંગ વખતે સરીને રેલવે સ્ટેશન પર બે જણને અંદરોઅંદર નજીકના પાંચ ગાંવના ‘અચ્છા માલ’ની વાતો કરતા સાંભળ્યા હતા, એમાંથી તેના કાન સરવા થયા હતા. તે બે જણ સાથે દોસ્તી કરીને સરીને આ પાંચ ગાંવની માહિતી કઢાવી, જે નારી અને નશા માટે કુખ્યાત હતું. દિલ્હી આવીને સરીને એડિટર અરુણ શૌરીને વાત કરી, પણ ઉપલબ્ધ માહિતીના આધારે સમાચાર લખવાને બદલે બન્ને જણે નક્કી કર્યું કે છોકરી ખરીદવાનું સ્ટિંગ કરીને જ કૌભાંડનો પર્દાફાશ કરવો. 
સ્ત્રીને ખરીદવી એ અપરાધ હતો એટલે બન્નેએ દિલ્હીના ત્રણ લબ્ધપ્રતિષ્ઠ લોકોને (જેમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા પી. એન. ભગવતી પણ ખરા) વિશ્વાસમાં લઈને તેમને બંધ કવરમાં પત્રો લખ્યા હતા, જેમાં આ સ્ટોરી શું છે અને એની પાછળ તેમનો ઉદ્દેશ્ય શું છે એ વિગતવાર લખ્યું હતું. તેમણે એવી પણ વિનંતી કરી હતી કે તેઓ ના કહે ત્યાં સુધી પત્રો ન ખોલતા. પાછળથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે તેમને ધરપકડ સામે જામીન લેવામાં આ વ્યૂહરચના કામ આવી હતી. 
૧૯૮૧માં એપ્રિલ અને મે મહિનામાં એક્સપ્રેસમાં આ સ્ટોરી ચાર ભાગમાં છપાઈ. દેશભરમાં તહેલકો મચી ગયો. ચંબલના આ પ્રદેશમાં રાજકારણીઓ, પોલીસ અને ગુંડાઓ જ ગરીબ સ્ત્રીઓનો વેપાર કરી રહ્યા હતા. આશંકા હતી તેમ જ મધ્ય પ્રદેશની કૉન્ગ્રેસ સરકારે સરીન સામે ક્રિમિનલ કેસ દર્જ કરી દીધો અને દિલ્હી પોલીસની મદદથી ગિરફ્તારીની તજવીજ શરૂ કરી દીધી. એમાં સુપ્રીમ કોર્ટ વચ્ચે પડી અને રૅકેટની તપાસ કરવા હુકમ કર્યો. એ દરમિયાન કમલા નારી નિકેતન ગૃહમાંથી ભાગી ગઈ. અને આ આખી સ્ટોરીમાં કમલાને શું થતું હતું એના પર કોઈનું ધ્યાન નહોતું.  
આ સ્ટોરીએ નૈતિકતાના સવાલો ઊભા કર્યા : પત્રકાર સ્ત્રીને ખરીદી શકે? વિજય તેન્ડુલકરે એનાથી પ્રેરાઈને ‘કમલા’ નાટકમાં સ્ત્રી-પુરુષ (જયસિંહ અને સરિતા) વચ્ચેના સંબંધ અને વ્યવસાયિક સફળતા માટે કોરાણે મુકાતા માનવીય મૂલ્યો સંબંધી બુનિયાદી સવાલો ઊભા કર્યા હતા. ખાસ કરીને આધુનિક, શહેરી યુગલો કેવી રીતે એક રૂપાળા જૂઠ (સેલ્ફ-ડિસેપ્શન)માં જીવતાં હોય છે એ સચ્ચાઈ ત્યારે દર્શકો સામે આવે છે જ્યારે સુખી ગૃહિણી સરિતા ખુદને કમલાની જગ્યાએ મૂકીને જુએ છે અને તેને પહેલી વાર અહેસાસ થાય છે કે એ ખુદ એક સેક્સ્યુઅલ ગુલામીમાં જ જીવી રહી છે. છાપા માટે જે ખાલી એક ‘સ્ટોરી’ હતી, તેન્ડુલકરે એને માનવીય મૂલ્યો સામે સવાલો ઊભી કરતી સમસ્યા તરીકે પેશ કરી.  
એક તરફ ટિપિકલ મર્દ જયસિંહ તેની વ્યવસાયિક ચકાચૌંધમાં ડૂબેલો છે, બીજી તરફ ઘરમાં બોર થઈ ગયેલી તેની પત્ની દિવસે ઘરકામ કરે છે અને રાત્રે સેક્સ આપે છે અને ત્રીજી તરફ અબુધ આદિવાસી કન્યા છે, જેને ખરીદ-વેચાણ સિવાયની દુનિયાની ખબર જ નથી... એવી ત્રણ સ્થિતિને વિજય તેન્ડુલકરે એક જ સંવાદમાં મૂકી દીધી હતી; જયની ગેરહાજરીમાં ઘરમાં ફર્શ પર બેઠેલી કમલા હીંચકા પર ઝૂલતી સરિતાને પૂછે છે, ‘આપકો કિતને મેં ખરીદા હૈ?’ કમલા માટે દરેક સ્ત્રી ખરીદાયેલી જ હોય છે. 
આ કાલ્પનિક સંવાદ નહોતો. એક્સપ્રેસના પત્રકાર અશ્વિની સરીને જ્યારે કમલાને દિલ્હીના નારીગૃહમાં મોકલવા તજવીજ કરી હતી ત્યારે કમલાએ સરીનની પત્ની ઉમાને નિર્દોષ ભાવે પૂછ્યું હતું, ‘સાહેબ આપણને ખરીદીને લાવ્યા છે તો પછી આપણે બેઉ એક ઘરમાં સાથે કેમ ન રહી શકીએ?’ 



 દીપ્તિએ કુપોષિત કમલા બનવા માટે બીમાર થઈ જવાય ત્યાં સુધી ભૂખી રહી હતી અને ચામડી બળી જાય ત્યાં સુધી તડકામાં રહીને કાળી પડી ગઈ હતી. 


અરુણ શૌરી શું કહે છે?

સ્ટોરીએ સનસનાટી મચાવી દીધી હતી. રાજ્ય સરકારો અમારા પર અકળાઈ. ધૌલપુરની સ્થાનિક પોલીસે અશ્વિની પર મહિલાના ખરીદ-વેચાણનો ગુનો નોંધ્યો. અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરીને કહ્યું કે સરકારોને કહો કે આ ધંધો બંધ કરાવે અને કમલાને રહેવાની વ્યવસ્થા કરે. આર્ય સમાજે કમલાને આશ્રય આપ્યો પણ દિલ્હી પોલીસ કમલાને ઉપાડી ગઈ. અમે ફરી સુપ્રીમ કોર્ટ ગયા. કોર્ટે કમલાને ત્યાં જ રહેવા દેવાનો હુકમ કર્યો અને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને પૂછ્યું કે મહિલાની લેવેચને રોકવા શું પગલાં ભર્યાં છે. મધ્ય પ્રદેશ સરકારે મામલાની તપાસ કરવા પંચની રચના કરી. ૧૦ દિવસમાં તપાસનો અહેવાલ સુપરત થયો. અમને પણ એની એક કૉપી મળી. એમાં આ ધંધો કેવી રીતે અને ક્યાં ચાલતો હતો એની વિગતો હતી. અશ્વિનીએ પછી તો પત્રકારત્વ છોડી દીધું હતું. હું તેના સંપર્કમાં નહોતો. આ પુસ્તક લખતી વખતે યાદદાસ્ત દગો ન દઈ જાય એટલે મેં તેને ફોન કર્યો હતો. ચાલીસ વર્ષ પછી અમે વાત કરી. એ વાત કરતાં-કરતાં રડી પડ્યો. - ધ કમિશનર ફૉર લૉસ્ટ કૉઝિસ પુસ્તકમાંથી


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2022 11:53 AM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK