મોંઘાદાટ ટમેટાં એક વાર ખાવાનાં પડતાં મૂકી શકાય, પણ ચોખા વિના ન ચાલે, કારણ કે રાઇસ ઇઝ લાઇફ. આ ચિંતા વચ્ચે જીવનનો એક ભાગ બની ગયેલા ચોખાની દુનિયામાં ‘મિડ-ડે’નાં રુચિતા શાહ સાથે મારીએ લટાર....
પ્રતીકાત્મક તસવીર
ચોખાના ભાવમાં ટમેટાં જેવો જ ઊભરો આવ્યો છે અને ભારત સરકાર એની નિકાસ પર નિયંત્રણ લાદવાની તૈયારી કરી રહી છે એવા સમાચાર માત્રથી જગતભરની કૉમોડિટી બજારોને છીંક આવવા માંડી છે. વિશ્વની કુલ જરૂરિયાતના ૪૫ ટકા ચોખા પૂરા પાડતું ભારત રાઇસની એક્સપોર્ટ પર લગામ તાણે તો વિદેશમાં એના ભાવ આસમાને જાય, પણ ભારતે પોતાની પ્રજાની ચિંતા કરવાની છે. મોંઘાદાટ ટમેટાં એક વાર ખાવાનાં પડતાં મૂકી શકાય, પણ ચોખા વિના ન ચાલે, કારણ કે રાઇસ ઇઝ લાઇફ. આ ચિંતા વચ્ચે જીવનનો એક ભાગ બની ગયેલા ચોખાની દુનિયામાં ‘મિડ-ડે’નાં રુચિતા શાહ સાથે મારીએ લટાર.
ટમેટાંની જેમ ચોખાના ભાવમાં પણ છેલ્લાં થોડાંક અઠવાડિયાંમાં પંદરથી વીસ ટકાનો ઉછાળો આવ્યો છે. આપણા જીવનનો અભિન્ન અંગ બનેલા અને યુગો-યુગોથી ભારતમાં મૂળભૂત ધાન્ય તરીકે પંકાયેલા ચોખાનો ઇતિહાસ માનવ ઇતિહાસ જેટલો જ રોચક છે. આપણાં ધાર્મિક અનુષ્ઠાનોથી લઈને આપણા જીવનના એકેક તબક્કા સાથે જોડાયેલા ચોખાની ભેટ ભારતે દુનિયાને આપી છે. ચોખાની ખેતીને વધુ પાવરફુલ બનાવવા દરેક વાતાવરણમાં એનો પાક ટકી શકે અને એ હાઈ પ્રોટીન, હાઈ ઝિન્ક, ડાયાબિટીઝના દરદીઓ ખાઈ શકે જેવા અઢળક અખતરાઓ થઈ રહ્યા છે. આજે ચોખાની અનોખી દુનિયામાં ચક્કર લગાવીએ...
ADVERTISEMENT
યુગો-યુગોથી મૂળભૂત ધાન્ય તરીકે લોકોના આહારનો હિસ્સો રહેલા ચોખા પર આજે પણ દુનિયાના ૬૦ ટકા લોકો નિર્ભર છે. દુનિયાભરમાં વર્ષ ૨૦૨૧-’૨૨માં લગભગ ૫૨૦ મિલ્યન (પાંચ કરોડ વીસ લાખ) મેટ્રિક ટન ચોખાનો વપરાશ થયો હતો. ભારતમાં ૪૪ મિલ્યન હેક્ટર્સ જમીન પર ડાંગરની ખેતી થાય છે એટલે કે દેશની કુલ ઉપજાઉ જમીનમાંથી પોણા ભાગની જમીનમાં માત્ર ચોખાની વાવણી થાય છે અને કદાચ એટલે જ દુનિયાના તમામ દેશોની તુલનાએ ચોખાના ઉત્પાદન, કન્ઝમ્પ્શન અને એક્સપોર્ટમાં ભારત પહેલા નંબરે છે. અત્યારે ભારત દુનિયાના લગભગ દોઢસો દેશોના લોકોને પોતાને ત્યાં ઊગતા ચોખા ખવડાવી રહ્યું છે. દુનિયાભરમાં જંગલી ઘાસના રૂપમાં ડાંગર ઊગતી હતી પરંતુ એને ખેતીનું સ્વરૂપ આપીને એના ઉપભોગ માટે પદ્ધતિસર વાવણીનું કામ ભારતમાં થયું એવો ઇતિહાસકારોનો દાવો છે. બેશક, ચોખાના જન્મદાતા દેશ તરીકે ચીન સહિત ઘણા દેશો દાવો કરી ચૂક્યા છે પરંતુ છેલ્લે ઉત્તર પ્રદેશના કબીરનગર અને હસ્તિનાપુરમાંથી મળેલા અવશેષોમાં ચોખા પણ હતા અને એ સૌથી જૂના હોવાનું પ્રમાણ છે. જોકે ભારતીય પુરાણો અને વેદોમાં પણ ચોખાનો ઉલ્લેખ છે જે તેની પ્રાચીનતાને હજારો વર્ષની મહોર મારી દે છે. તમને થશે આજે વળી ચોખાની ચર્ચા શું કામ? કારણ છે બગડેલા હવામાનને કારણે ચોખાના સતત વધી રહેલા ભાવ. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે છેલ્લા એક મહિનામાં ચોખાના દરમાં પંદરથી વીસ ટકાનો વધારો થયો છે અને કારણ કે આ સેન્સિટિવ કૉમોડિટી આઇટમ છે એટલે એના ભાવો પર લગામ તાણવા સરકાર રાઇસની એક્સપોર્ટ પર નિયંત્રણ મૂકવાનું વિચારી રહી હોવાની ચર્ચા છે. આજકાલ ટમેટાંના ભાવ વધી ગયાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે જો ચોખા તમારી થાળીમાંથી ગાયબ થઈ જાય તો? ચોખા એટલે માત્ર દાળભાત, પુલાવ કે બિરયાની જ નહીં પણ ચોખામાંથી બનતાં ફરસાણો અને મીઠાઈઓનું બહુ જ લાંબું લિસ્ટ છે જે આપણી જીવનશૈલીનો હિસ્સો બની ગયું છે. આજ સુધી જેના પર ધ્યાન નથી આપ્યું એવા સાવ સામાન્ય લાગતા ચોખાની અસામાન્ય દુનિયામાં લટાર મારીએ અને જાણીએ એની રસપ્રદ વાતો.
રોચક ઇતિહાસ
માનવજાતના ઇતિહાસ જેવો જ ચોખાનો ઇતિહાસ રોચક છે. ભારતમાં ચોખા કેટલા પ્રાચીન છે એના કોઈ પાકા દસ્તાવેજ તો નથી પરંતુ યજુર્વેદમાં તાંદુળ એટલે કે ચોખાનો ઉલ્લેખ છે. ડૉ. ઓમપ્રકાશ દ્વારા લખાયેલું પુસ્તક ‘ફૂડ ઍન્ડ ડ્રિન્ક્સ ઑફ ઍન્શિયન્ટ ઇન્ડિયા’ મુજબ યજુર્વેદમાં ચોખાની પાંચ પ્રજાતિઓનો ઉલ્લેખ છે. ગરમીમાં ઊગતા ચોખાને શષ્ટિકા, ચોમાસામાં થતા ભાતને વર્ષિકા અને વૃહી, પાનખરમાં ઊગતા ચોખાને શરદ અને શિયાળામાં ઊગતા ચોખાને હિમાતંકા તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. સાઠ દિવસમાં પાકતા ચોખાની પ્રજાતિ ‘સાઠી’ તરીકે ઓળખાતી જેનો ચાણક્યનીતિમાં ઉલ્લેખ છે. ચોખામાંથી બનતી મીઠાઈઓનો ઉલ્લેખ શુશ્રુત અને ચરકસંહિતામાં છે. કહેવાય છે કે ઍલેક્ઝાન્ડરે ભારત પર વિજય મેળવ્યો ત્યારે તે અહીંથી ચોખા ગ્રીસ લઈને ગયો અને એમ ધીમે ધીમે યુરોપિયન દેશોમાં પણ આજે ચોખાના દાણા છે એ ઇન્ડિયન ઓરિજિનના છે. એટલે તમે ઇટલી કે વેનિસમાં બેસીને ફ્રાઇડ રાઇસ કે રાઇસની કોઈ પણ આઇટમ ખાતા હો તો એ ભારત મૂળના જ ચોખા છે એ જરૂર યાદ રાખજો. એવી રીતે આરબ ટ્રાવેલર્સ ભારત આવીને ઇજિપ્ત, મૉરક્કો, સ્પેનમાં ભારતીય ચોખા લઈ ગયા હોવાના ઉલ્લેખ પણ મળે છે. પોર્ટુગલ અને નેધરલૅન્ડ્સના લોકોએ આગળ જતાં ભારતીય મૂળના આ ચોખાનો કોલમ્બિયન એક્સચેન્જ તરીકે અમેરિકા સાથે આપલે કરી અને એમ કરતાં અમેરિકામાં પણ ઇન્ડિયન ઓરિજિન રાઇસનો વ્યાપ વધ્યો.

કુરુશ દલાલ
ફૂડ હિસ્ટોરિયન કુરુશ દલાલ કહે છે, ‘ભારતમાં બે પ્રકારના ચોખાનું કલ્ટિવેશન થાય છે વેટ અને ડ્રાય. અત્યારે વેટ કલ્ટિવેશન થાય છે. ચોખાની બે પૉપ્યુલર વરાઇટી છે. ઇન્ડિકા અને જાપોનિકા. બાકી બધી જ સબવરાઇટી છે. આપણે ત્યાં જે ઘરે બને છે એ મૂળ ઇન્ડિયા વરાઇટીના ચોખા છે. આપણે ત્યાં કાશ્મીરથી કન્યાકુમારી, મહારાષ્ટ્રથી બંગાળ અને નૉર્થ ઈસ્ટ રીજનમાં બહુ જ બહોળા પ્રમાણમાં ચોખાનું અગ્રેસિવ સ્થાન આહાર પદ્ધતિમાં છે. એને ખાવાની રીત જુદી-જુદી છે પણ ભોજનનો હિસ્સો તો છે જ. ક્યાંક દિવસના ત્રણેય મીલમાં રાઇસ છે તો ક્યાંક બહુ બધી આઇટમમાં રાઇસ પણ પાર્ટ ઑફ મીલ છે. સૉલિડ ફૂડ, ઈઝી ટુ કુક અને સરળતાથી પચી જતો આહાર હોવાથી એને સર્વગ્રાહ્યની સ્ટેટ સહજતાથી મળી ગઈ છે. બંગાળ એવું સ્ટેટ છે જ્યાં ત્રણ ટાઇમ રાઇસ ખવાય છે. ત્યાં જો રાઇસ પર પ્રતિબંધ મુકાઈ જાય તો? આવું થયું હતું. ૧૯૪૩-’૪૪માં બ્રિટિશ સરકારે બંગાળીઓ જૅપનીઝ સૈનિકોને ચોખા પૂરા પાડીને મદદ ન કરી બેસે એ ડરથી બંગાળમાં ચોખા પર અને બોટ પર પ્રતિબંધ મૂકી દીધેલો, જેના પરિણામે એક વર્ષમાં દુકાળ જેવી સ્થિતિમાં ફાટેલા રોગચાળામાં લગભગ ૩૮ લાખ બંગાળીઓનો ખાતમો બોલાઈ ગયો હતો. રાઇસ સાથે જોડાયેલો આ બહુ જ દુખદ ઇતિહાસ છે.’
ભારતમાં પુરાતત્ત્વીય ખોદકામમાં ચોખા મળી આવે છે, કારણ કે એને બહુ જ મોટા પ્રમાણમાં દાટીને સાચવવાની પરંપરા આપણે ત્યાં હતી. નિષ્ણાતો કહે છે કે ચોખા હવા, પાણી અને જમીન એમ ત્રણ ફૅક્ટર ભેગા થાય ત્યારે જ ખરાબ થતા હોય છે. એટલે જ પહેલાંના સમયમાં ધાનને સાચવવા માટે યુદ્ધ જેવી સ્થિતિમાં લોકો માટીની કોઠીમાં ચોખાને જમીનમાં દાટી દેતા અને વર્ષો સુધી એ સચવાયેલા રહેતા. જૂના ચોખાના મોલ વધતા જ, પણ ઘટતા નહીં. ભારતમાં ચોખા સિંધુ સભ્યતાની પણ પહેલાંથી છે એવો નિષ્ણાતોનો દાવો છે એટલે કે નવ હજાર બસો વર્ષ પહેલાંથી તો ચોખાની ખેતી આપણે ત્યાં થતી હતી. જ્યારે આફ્રિકામાં ચોખાની ખેતી લગભગ સાડાત્રણ હજાર વર્ષ પહેલાં શરૂ થઈ, અમેરિકા અને રશિયામાં લગભગ પંદરસો વર્ષથી ચોખાનો વપરાશ શરૂ થયો. જપાનમાં ત્રણ હજાર વર્ષ પહેલાં ચોખા આવ્યા.
ધાર્મિક મહત્ત્વ
ચોખાનો ઉપયોગ આપણે ત્યાં અનેક ધાર્મિક અનુષ્ઠાનોમાં થાય છે. એ અક્ષત્ એટલે કે જેનો ક્યારેય ક્ષય નથી થતો એવું ધાન છે. પૃથ્વી પર ઊગેલું સૌથી પહેલું ધાન પણ ચોખા છે એવું શાસ્ત્રીય ઉલ્લેખો કહે છે અને એટલે જ ઈશ્વરને માનવીએ ધરેલું સૌથી પહેલું ધાન પણ ચોખા જ છે, કારણ કે ડાંગરમાં બંધ ચોખાના દાણા સૌથી શુદ્ધ હોય છે. એટલે જ વિવિધ પૂજા અનુષ્ઠાનોથી લઈને આપણા વ્યવહારિક પ્રસંગોમાં પણ બહુ જ ક્લોઝલી ચોખા સંકળાયેલા છે. અક્ષતના અર્પણમાં પૂર્ણતાનો ભાવ સમાયેલો છે. અક્ષત એટલે ક્ષતિ વિનાનું. આપણે ઈશ્વરને પૂર્ણ ભાવો સાથે અક્ષતને ધરીએ છીએ જે સિમ્બૉલિક છે. ઉપરાંત જૈન પરંપરા મુજબ અક્ષતનો એટલે કે ચોખાનો અખંડ દાણો એક વાર ડાંગરના ડૂંડામાંથી છૂટો પડી ગયો પછી તેને ફરી ઉગાડી શકાતો નથી. આત્મ તત્ત્વની પૂર્ણતાને અક્ષતમાં સિમ્બૉલ તરીકે જોવાય છે. ચોખાનો સફેદ રંગ પણ નિર્મળતા અને શાંતિનું પ્રતીક બનીને અનુષ્ઠાનોને વધુ શુદ્ધ કરે છે. ભારતમાં એવું કહેવાય છે કે ચોખાના દાણાઓ ભાઈ જેવા છે. એકબીજા સાથે જોડાયેલા, પરંતુ એકબીજામાં અટવાયેલા નહીં. ચોખાને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રાચીન કાળથી પ્રતીક માનવામાં આવ્યા છે એટલે જ આપણે ત્યાં દરેક ધાર્મિક પ્રસંગમાં સર્વાધિક કોઈ ધાનનો ઉપયોગ થતો હોય તો એ છે ચોખા. જૈનોમાં ચોખાને અક્ષત એટલે કે જેનો ક્યારેય ક્ષય નથી થવાનો એવી ઉપમા અપાઈ છે. ચોખાના અખંડ દાણા એ મોક્ષમાં પહોંચેલા સિદ્ધ જીવોની અખંડતાને પ્રતિપ્રાદિત કરે છે. તાજા જન્મેલા બાળકને સૌથી પહેલો કોઈ આહાર અપાય તો એ છે ભાત અને દીકરીની વિદાય વખતે પણ તે પોતાના પિયરમાં ચોખાની વધામણી કરીને અને નવા ઘરમાં પણ ચોખાનો કળશ ઢોળીને એન્ટ્રી લેવાની પ્રથા આપણે ત્યાં છે. અહીં પ્રતીકાત્મક રૂપથી ચોખા કહે છે કે જેમ ચોખાના દાણા જુદા હોવા છતાં એકસાથે રહે છે એમ તમે પણ એકસાથે રહેશો અને તૂટતા નહીં.
આજ કી બાત

મોહિત સી. મુરગાઈ
આજે દુનિયાની ચોખાની કુલ જરૂરિયાતમાંથી ૪૨ ટકા ખપત ભારત પૂરી પાડે છે અને નંબર વન રાઇસ એક્સપોર્ટર છે. છેલ્લાં ૧૦૭ વર્ષથી ચોખાના બિઝનેસમાં સક્રિય અને ભારતની અગ્રણી રાઇસ એક્સપોર્ટર કંપની ઓમસોમ ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર મોહિત સી. મુરગાઈ કહે છે, ‘દુનિયાભરમાં ભારતીય રાઇસ ક્વૉલિટી અને પ્રાઇસ બન્નેની દૃષ્ટિએ મૂઠી ઊંચેરા છે અને એની કોઈ તુલના જ થઈ શકે એમ નથી. ૨૦૨૨માં વીસ ટકા સરકારે ડ્યુટી લગાડી હોવા છતાં ઇન્ટરનૅશનલ માર્કેટમાં રાઇસની માગ સતત વધી જ રહી છે. દુનિયામાં રાઇસની કુલ ડિમાન્ડમાંથી નૉન-બાસમતીની ૭૦ ટકા અને બાસમતી રાઇસની લગભગ ૩૦ ટકા ખપત હોય છે. આજે દુનિયામાં સૌથી સસ્તા ભાત ક્યાંય મળતા હોય તો એ ભારતમાં છે. બેશક, અત્યારે એની કિંમતમાં પંદરથી વીસ ટકાનો વધારો થયો છે પરંતુ એનાથી એની ડિમાન્ડમાં કોઈ ખાસ ફરક નથી પડવાનો. ભારતનાં લગભગ બધાં જ સ્ટેટમાં રાઇસની જુદી-જુદી પ્રજાતિ ઊગે છે અને ટેક્નૉલૉજિકલી પણ ખેડૂતો હવે વધુ ઍડ્વાન્સ થઈ રહ્યા છે. આજે વર્ષે ૨૧ મિલ્યન ટનની નૉન-બાસમતી ચોખાની નિકાસ થાય છે તો પાંચથી છ મિલ્યન ટન બાસમતી રાઇસ એક્સપોર્ટ થાય છે અને ભારત દુનિયામાં એક્સપોર્ટની દૃષ્ટિએ પહેલા નંબરે આવે છે. જોકે આ સ્થિતિ અકબંધ રહે એ માટે સરકારની પૉલિસી સ્ટેબલ રહે એ ખૂબ જરૂરી છે. દુનિયામાં આપણે રાઇસમાં ડૉમિનેટ કરી રહ્યા છીએ પણ જો એક્સપોર્ટના નિયમો બદલાતા રહે તો એ આપણી દુનિયામાં રિલાયેબિલિટી સામે પ્રશ્નો ઊભા કરી શકે છે.’

ઉદય વસંતલાલ નંદુ
ભારતમાં રાઇસના અગ્રણી હોલસેલ ડીલર એપીએમસીમાં દુકાન ધરાવતા ઉદય વસંતલાલ નંદુ હરિયાણામાં પણ રાઇસ કંપની ધરાવે છે. એમ. મોનજી ઍન્ડ કંપનીના ઉદયભાઈ ભારતનો સિનારિયો જણાવતાં કહે છે, ‘આજે પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, એમપી, ગુજરાત, નાગપુર એમ લગભગ રાજ્યોમાંથી રાઇસ આવે છે. આપણે ત્યાં કોલમ ચોખાનું ચલણ વધારે છે. ચોખાની કિંમતમાં છેલ્લા દોઢ મહિનામાં નોંધનીય વધારો થયો છે. જાડા ચોખા, જેનો હોલસેલ રેટ ૨૬ રૂપિયા કિલો હતો એ આજે ૩૪ રૂપિયા કિલો થઈ ગયો છે અને બારીક ચોખા, કોલમ, લચકારીનો ભાવ ૫૦ રૂપિયા હતો એ હવે ૬૦ રૂપિયા થયો છે. દર વર્ષે અમુક સીઝનમાં પાંચથી દસ ટકાનો ભાવવધારો થાય, પરંતુ આ વર્ષે પંદરથી વીસ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. છેલ્લાં ચાલીસ વર્ષથી અમે માત્ર ચોખાનો જ વેપાર કરીએ છીએ અને સતત એની ખપત વધતી જ અમે ઑબ્ઝર્વ કરી છે. મારી પાસે અત્યારે ચોખાની લગભગ પચાસ વરાઇટીઝ છે. આજે હોટેલ દ્વારા ચોખાનું કન્ઝમ્પ્શન વધ્યું છે.’
ઉજ્જ્વળ ભવિષ્ય

એ. કે. સિંહ
આપણા દેશમાં ચંદ્રયાનની જેટલી ચર્ચા થાય છે એનાથી પા ભાગની ચર્ચા પણ આપણા સાયન્ટિસ્ટો અનાજની ગુણવત્તાને સુધારીને કોઈ નવો પ્રકાર શોધે તો એની નથી થતી. ભારતીયોની ઍગ્રિકલ્ચર પ્રત્યેની આ ઉદાસીનતાને દૂર કરવાના પ્રયાસો થવા જોઈએ, કારણ કે અન્ન છે તો જીવન છે. નવી દિલ્હીની ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IARI)ના ડિરેક્ટર એ. કે. સિંહ પચીસથી વધુ રાઇસની વરાઇટી ઇન્વેન્ટ કરી ચૂક્યા છે. તેઓ કહે છે, ‘બદલાઈ રહેલા હવામાન વચ્ચે પણ ખેડૂતો ડાંગરની ખેતી કરી શકે એ પ્રકારના જિનેટિકલી મૉડિફાઇડ, ન્યુટ્રિશનની દૃષ્ટિએ વધુ હેલ્ધી, દરેક ક્લાઇમેટને અનુકૂળ હોય એ બીજ અને ફાર્મિંગ મેથડ પર સતત અમારું સંશોધન ચાલુ છે અને એ દિશામાં ઘણું કામ પણ થયું છે. જેમ કે બાસમતીમાં અમે કેટલાક એવા પ્રકારો શોધ્યા છે જે ઓછા સમયમાં પાકે, પોતે જ ઍન્ટિબૅક્ટેરિયલ હોય જેથી પાકને થતા રોગોથી સ્વરક્ષા કરી શકે અને ઓછું પાણી વાપરે. અત્યારે એક કિલો ચોખાના પાક માટે લગભગ ત્રણ હજાર લિટર પાણીનો વપરાશ થાય છે, જેને પાંત્રીસ ટકા જેટલો ઘટાડી શકાય છે. છેલ્લે અમે લૉન્ચ કરેલી બાસમતી ચોખાની પૂસા બાસમતી ૧૨૧ (PB1121), પૂસા બાસમતી ૧૫૦૯ (PB1509), પૂસા બાસમતી ૬ (PB6) ત્રણ વરાઇટીમાં અમને પરિણામ મળ્યું છે. અમે પંજાબ અને હરિયાણાના લગભગ દસ હજાર ખેડૂતોને આપેલી આ ત્રણ વરાઇટીમાં ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે. અત્યારે ડાંગરની ખેતીમાં ટ્રાન્સપ્લાન્ટેશન સિસ્ટમથી વાવેતર થાય છે જેના માટે ૩૦ વખત ઇરિગેશનની એટલે કે પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવી પડે છે અને એને જંતુરહિત રાખવા પાંચ સેન્ટિમીટર જેટલું ડીપ પાણીમાં વાવેતર થાય છે. એને બદલે જો ડાયરેક્ટ સીડેડ રાઇસ પદ્ધતિનો ઉપયોગ થાય તો ઇરિગેશન બાવીસ વખત કરવું પડે અને બે સેન્ટિમીટર જેટલું ઊંડું પાણી રાખવાથી પણ પરિણામ મળી શકે. ડાંગરના પાકને ખૂબ પાણી જોઈએ એ માન્યતા હવે ભૂંસવાનો સમય છે. પાણીનો વધુ વપરાશ પાકને સુરક્ષિત રાખવા માટે થતો હતો. પરંતુ ડાયરેક્ટ સીડેડ રાઇસ પદ્ધતિથી એ નેચરલી થશે અને એક અઠવાડિયા વહેલો પાક ઉતરશે. આ પદ્ધતિ માટેના બિયારણ પર સંશોધન અને બલ્ક પ્રોડક્શન કરવાની અમારી તૈયારીઓ ચાલું છે. ખેતીની પદ્ધતિઓમાં બદલાવ લાવવો હવે જરૂરી છે. નૅશનલ બ્યુરો ઑફ પ્લાન્ટ જિનેટિક રિસોર્સિસ રીજનલ સ્ટેશન (NBPGR) પાસે અત્યારે ચોખાના દાણાની અત્યારે આપણી પાસે એક લાખ ત્રણ હજાર પ્રજાતિઓ જીન બૅન્કમાં પ્રિઝર્વ કરવામાં આવી છે. સિસ્ટમૅટિક ઍનૅલિસિસ કરી રહ્યા છીએ. મારી દૃષ્ટિએ રાઇસમાં આપણું ફ્યુચર બ્રાઇટ છે. અત્યારે વિશ્વમાં રાઇસ વિના જીવન નથી. આપણા દેશમાં થતો ચોખાનો ૯૦ ટકા દેશમાં જ વપરાય છે એ પછીયે આપણે નંબર વન એક્સપોર્ટર છીએ.’
પોષક તત્ત્વોની દૃષ્ટિએ પણ ચોખાનો દાણો વધુ સત્ત્વશાળી બને એવા પ્રયાસો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. ડૉ. એ. કે. સિંહ કહે છે, ‘આપણા દેશમાં આજે સૌથી મહત્ત્વનો પ્રૉબ્લેમ ડાયાબિટીઝ છે. અત્યારના ચોખામાં સામાન્ય રીતે ગ્લાયસીમિક ઇન્ડેક્સ હાઈ છે, જે ડાયાબિટીઝના દરદીઓ માટે અનુકૂળ નથી. હવે આપણે એવી વરાઇટી ડેવલપ કરી રહ્યા છીએ જેમાં પ્રોટીનનું પ્રમાણ સાતને બદલે અગિયાર ટકા હોય, ઝિન્કની માત્રા વધુ હોય અને ગ્લાયસીમિક ઇન્ડેક્સ ઓછો હોય. માત્ર ફૂડ સિક્યૉરિટી અમારું ધ્યેય નથી પણ પ્રત્યેક દાણાની ન્યુટ્રિશન સિક્યૉરિટી પણ બહેતર બને. આપણા વૈજ્ઞાનિકોને ઘણા અંશે એમાં સફળતા મળી છે. પૂરમાં ટકી રહે એવા ચોખાના દાણા પર કામ થઈ ગયું છે. દુકાળમાં ટકી રહે એ પાક પર પણ કામ થઈ રહ્યું છે.’
ગિફ્ટ ફ્રૉમ લૉર્ડ બુદ્ધા
ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખૂબ પૉપ્યુલર અને હવે હેલ્ધી રાઇસ તરીકે નામના મેળવી રહેલા કાલા નમક રાઇસ ‘ગિફ્ટ ફ્રૉમ લૉર્ડ બુદ્ધા’ તરીકે પણ જાણીતા છે. આત્મજ્ઞાન પછી શ્રાવસ્તી આવેલા ભગવાન બુદ્ધે લોકોને કાલા નમક રાઇસ આપેલા. ઉત્તર પ્રદેશના અગિયાર ડિસ્ટ્રિક્ટમાં ઊગતા ચોખાની આ પ્રજાતિને જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશનનો ટૅગ પણ મળ્યો છે. જુદા જુદા રંગરૂપ અને આકારમાં આવતા ચોખાની વિવિધ પ્રજાતિઓમાં આ પ્રકાર જુદો તરી આવે છે. દેખાવમાં કાળા અને લાંબા હોય છે. આયર્ન, ઝિન્કનું પ્રમાણ વધારે અને લો ગ્લાયસીમિક ઇન્ડેક્સ હોવાને કારણે આ ચોખા ઑલ્ઝાઇમર્સ, ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને સ્કિન ડિસીઝમાં ઉપયોગી મનાય છે.
ગુજરાતી રાઇસ લવર્સ પાસેથી જાણો તેમના આ પ્રેમ વિશે
પતિ વિના ચાલે, પણ રાઇસ વિના ન ચાલે
_e.jpg)
પતિ વિના ચાલે, પણ રાઇસ વિના ન ચાલે એવી રમૂજ સાથે વાતની શરૂઆત કરતા ઘાટકોપરમાં રહેતાં શ્રદ્ધા મહેતા માટે જમવામાં કંઈ જ ન હોય પણ રાઇસ હોય તો બીજી એકેય વસ્તુની જરૂર નથી. આર્કિટેક્ટ તરીકે સક્રિય શ્રદ્ધા કહે છે, ‘હસબન્ડ ક્યારેક કામથી બહારગામ જાય તો ચાલી શકે પણ હું ક્યાંય બહાર ગઈ હોઉં અને મને ખાવામાં ભાત ન મળે તો મને સંતોષ જ ન થાય. હું કોઈની પણ સાથે મૅચ કરીને ભાત ખાઈ શકું. કોરા ભાત પણ મને ભાવે, અથાણા સાથે, સૉસ સાથે, મરચા-મીઠા સાથે, શાક સાથે એમ તમે જે પણ કૉમ્બિનેશનમાં રાઇસ આપશો તો હું ખાઈશ. એક કિસ્સો મને બરાબર યાદ છે. અમારું ફ્રેન્ડ્સનું ગ્રુપ બહાર ફરવા ગયા હતા. એ પછી પનવેલમાં એક ઠેકાણે રહેવાનું હતું. ત્યાં અમે જ શરૂ કરેલા એક ફૂડ સેટઅપમાં જમવાનું હતું. જે આન્ટી કુક કરતાં હતાં તેઓ દરરોજ કંઈક નવી આઇટમ બનાવે. એ દિવસે તેમણે બધી ચાટ આઇટમો રાખેલી. એ તો અમે ખાધું પણ મને મજા ન આવી. રાતે બાર વાગ્યે હું મારા હસબન્ડને લઈને પનવેલમાં ભાત ક્યાં ખાવા મળશે એ શોધવા નીકળ્યાં. એક નાનકડી રેસ્ટોરાં મહામહેનતે મળી અને એકલીએ મેં જીરા રાઇસ અને દાલ તડકા મગાવીને ખાધાં પછી જ મને સંતોષ થયો. મારા ઘરમાં, ફ્રેન્ડસર્કલમાં બધાને ખબર છે કે મને બધા વગર ચાલશે, પણ ભાત વિના નહીં ચાલે. તમે બત્રીસ પકવાન મૂકો તો પણ જો એમાં રાઇસ નહીં હોય તો મને એ અધૂરું લાગશે અને છેલ્લે બધું જ જમ્યા પછી હું રાઇસ શોધીને પણ એ ખાઈશ જ.’
રાતે ત્રણ વાગ્યે ઠંડા ભાત આપો, આમને ચાલે
_e.jpg)
બોરીવલીમાં રહેતા અને ઇવેન્ટ મૅનેજમેન્ટમાં કામ કરતા જિમિત દોશીને તેના ફ્રેન્ડ્સ અને ફૅમિલી મેમ્બર્સ અવારનવાર કહેતા હોય છે કે તું ખરેખર સાઉથ ઇન્ડિયન ફૅમિલીમાં જન્મવા જેવો હતો. એનું કારણ જિમિતનો રાઇસ પ્રેમ. તે કહે છે, ‘બધાને ખબર છે કે ભાત મારા માટે શ્વાસ જેટલા મહત્ત્વના છે. નાનપણથી આજ સુધી રોટલી મેં હાર્ડ્લી ખાધી હશે. રોટલીથી શું પેટ ભરાવાનું? રાઇસ ઇઝ નાઇસ. તમે જુઓ તો ખરા કેટલી વરાઇટી છે રાઇસમાં. પુલાવ, શેઝવાન, જીરા રાઇસ વગેરે-વગેરે. મારી વાઇફને અને મારી મમ્મીને કંઈક ફરસાણ બનાવવું હોય તો પણ મારા માટે રાઇસ અલગથી બને. રાઇસ ન ખાધા તો શું ખાધું એવું મને હંમેશાં લાગે. હું છેલ્લાં ૩૭ વર્ષમાં રાઇસથી બોર નથી થયો અને ક્યારેય થઈશ પણ નહીં. રાતે બે વાગ્યે પણ ઠંડા ભાત કોઈ આપે તો હું એ ખાઈ લઉં.’
બને ફટાફટ અને પેટ પણ સરખું ભરાય

ટેન્થમાં ભણતો પાર્શ્વ સતરા સવાર, સાંજ, રાત એમ ત્રણેય ટાઇમ રાઇસ આપો તો ખાઈ શકે. જાતે બનાવી પણ શકે. પાર્શ્વ કહે છે, ‘એટલું સિમ્પલ ફૂડ છે અને છતાં તમે ખાઓ તો પેટ ભરાઈ જાય. હું જાતે પણ દાલ-રાઇસ, પુલાવ બનાવી શકું છું. મને રાઇસમાં સોયસૉસ કે ટમૅટો કેચપ નાખીને આપો તો પણ એ મારા માટે ડિલિશિયસ મીઠાઈ જેવા છે.’
આવી માન્યતાઓ છે દુનિયાભરમાં
- ચીનમાં પ્રચલિત છે કે જે છોકરી પોતાની થાળીમાં ચોખાના જેટલા દાણા ક્ષુલ્લક રાખે એટલા પિમ્પલ્સ તેના પતિના ચહેરા પર થાય.
- જપાનમાં માન્યતા છે કે ચોખાને રાંધતા પહેલાં જો પલાળીને રાખવામાં આવે તો ચોખામાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને એ ખાનારને વધુ બળ પ્રદાન કરે છે.
- ઇન્ડોનેશિયામાં થનારી વહુને ચોખાની આઇટમ બનાવતાં આવડવી કમ્પલસરી છે. તે ચોખા રાંધવામાં કેટલી પારંગત છે એના આધારે તેની પસંદગી થાય છે.


