આવતી કાલે ઇન્ટરનૅશનલ માઇગ્રન્ટ્સ ડે છે ત્યારે મળીએ એવા ગુજરાતીઓને જે બહારથી અહીં આવીને વસ્યા છે, પણ મુંબઈની આદતોને અપનાવીને આજે ગર્વથી પોતાને મુંબઈકર માનતા થઈ ગયા છે
જન્મભૂમિ નથી, છતાં હું મુંબઈકર
મુંબઈમાં લાખો માઇગ્રન્ટ્સ આવીને વસ્યા છે. દુનિયાના જુદા-જુદા પ્રાંતનો રંગ લઈને ભલે એ અહીં આવ્યા હોય, પરંતુ ધીમે-ધીમે મુંબઈના રંગ-ઢંગમાં રંગાઈને મુંબઈકર બની જ જાય છે. મુંબઈ આખરે એમને પોતાના બનાવીને જ જંપે છે. આવતી કાલે ઇન્ટરનૅશનલ માઇગ્રન્ટ્સ ડે છે ત્યારે મળીએ એવા ગુજરાતીઓને જે બહારથી અહીં આવીને વસ્યા છે, પણ મુંબઈની આદતોને અપનાવીને આજે ગર્વથી પોતાને મુંબઈકર માનતા થઈ ગયા છે
મુંબઈમાં આવ્યા પછીનો પહેલો મહિનો - ‘ગજબ છે અહીંના લોકો! ટ્રેનમાં ઊભા-ઊભા સૂઈ જાય છે!’
પાંચ વર્ષ પછી - ખુદ જ ટ્રેનમાં ઊભા-ઊભા સૂઈ ગયા અને ખબર પણ ન પડી!
મુંબઈમાં આવ્યા પછી પહેલી વખત વડાપાંઉનો ટેસ્ટ - ‘આમાં એવું શું છે કે લોકો ગાંડા થઈ પડ્યા છે? આના કરતાં તો દાબેલી વધુ ટેસ્ટી લાગે...’
૩ વર્ષ પછી કચ્છથી મુંબઈ આવેલા રિલેટિવ્સને - ‘અલ્યા, દાબેલી તો બોવ ખાધી. એકાદ દિવસ વડાપાંઉ ટ્રાય કરી જુઓ. મસ્ત લાગશે.’
લોકલ ટ્રેનનો પહેલો દિવસ - ‘યાર! આટલી ગિરદીમાં અંદર કઈ રીતે જવાય? અહીંના લોકો તો ગજબ ધક્કામુક્કી કરીને ઘૂસે છે અંદર. મારાથી એવું ન થાય. આપણે બસની લાઇનમાં જ ઠીક છીએ.’
૬ મહિના પછી નવા નિશાળિયાને સલાહ આપતાં - ‘અરે, આટલો વિચાર કરીશ તો ટ્રેન છૂટી જશે. સીધું અંદર જ ઘૂસી જવાનું. બે કોણી આમ તો બે આમ ઘુસેડિયે એટલે અંદર. આ બૅગ પાછળ નહીં, આગળ લઈ લે નહીંતર ખેંચાશે તો તું પડી જઈશ.’
દરેક શહેરની એક પોતાની ફ્લેવર હોય છે. એની પોતાની રીતભાતો અને આગવી શૈલી હોય છે જીવવાની. મુંબઈની પણ છે જ. અહીં ભાત-ભાતના લોકો રહે છે છતાં બધાને એકજુટ કરી શકે એવી ઘણી પ્રણાલીઓ છે જે અહીં રહેનારા દરેકને મુંબઈકર બનાવે છે. વ્યાખ્યા તો કહે છે કે મુંબઈમાં જન્મેલા લોકોને જ મુંબઈકર કહેવાય, પરંતુ આટલી સીમિત વ્યાખ્યામાં બંધ બેસે એ મુંબઈકર થોડો? જે હૃદયમાં જ નહીં, જીવનશૈલીમાં મુંબઈને ધબકાવે એ મુંબઈકર. અહીં વસનારા પોતાની ઇચ્છાએ કે અનિચ્છાએ મુંબઈનો રંગ ઓઢી જ લે છે. જે નથી ઓઢતા એ અહીં નથી જીવી શકતા. આજે જાણીએ કેટલાક કહેવાતા માઇગ્રન્ટ્સ પાસેથી કે આવ્યા ત્યારે તમને જરૂર અટપટું લાગ્યું હશે આ શહેર, પણ વર્ષો અહીં વિતાવ્યા પછી તમે મુંબઈને કેટલુંક આત્મસાત કર્યું.
ADVERTISEMENT
જે છોકરી સ્પેસ માગતી હતી તે હવે ભીડ શોધતી થઈ ગઈ છે
આંચલ શેઠ, ૪૨, બ્રીચકૅન્ડી
હું ૨૨ વર્ષથી ઑસ્ટ્રેલિયામાં રહેતી હતી. લગ્ન પછી મુંબઈ આવી. લગભગ ૬-૮ વર્ષથી મુંબઈમાં જ છું. ઑસ્ટ્રેલિયામાં ખૂબ ઓછા માણસો છે એટલે મુંબઈની ભીડ તમને થોડા ઇરિટેટ કરે. હું તો એક મોટા ઘરમાં રહું છું છતાં જ્યાં જાઉં ત્યાં લોકો જ લોકો જોઈને તમને લાગે કે સ્પેસ ક્યાં છે? હું શરૂઆતમાં એ સ્પેસ ખૂબ મિસ કરતી. મેન્ટલ સ્પેસ. પણ ખબર નહીં કોઈ રીતે પણ ભીડની મને એટલી આદત પડી ગઈ છે કે હવે જ્યારે મારા પિયર ઑસ્ટ્રેલિયા જાઉં છું ત્યારે મને ખાલી લાગે છે. જે સ્પેસને હું એન્જૉય કરતી હતી એ સ્પેસમાં હવે મને લોકો જોઈએ છે, કારણ કે એ સ્પેસ નહીં; ખાલીપો લાગે છે. મુંબઈમાં લોકો પોતાનું કામ ખુદ કરે છે. હું પણ કરતી થઈ ગઈ છું. જેમ કે બૅન્ગલોરમાં લોકો ઍપથી શાકભાજી મગાવે, દિલ્હીમાં તમારા હાઉસ-હેલ્પ શાકભાજી લેવા જાય અને મુંબઈમાં લોકો જાતે શાક ખરીદે. હું પણ ખરીદું છું. મુંબઈ આવી પહેલી વાર મેં સેવપૂરી ખાધી, જે હવે વીકમાં એક વાર હું ચોક્કસ ખાઉં છું. સ્વાતિ સ્નૅક્સમાં દર ૧૦-૧૫ દિવસે પાણી-પૂરી અને સેવપૂરીનું જમણ જમી આવું છું. ઘણાં વર્ષોથી ઑસ્ટ્રેલિયાને હું મારું પિયર કહું છું અને મુંબઈ મારું ઘર છે એટલે હું થઈને પાક્કી મુંબઈકર?
કામનું મહત્ત્વ સર્વોપરી રાખતાં આવડી ગયું
કાજલ મહેતા, ૩૬, દહિસર
હું મૂળ ભાવનગરની અને અહીં આવી ત્યારે મેં જોયું કે માણસો દોડતા જ રહે છે અને રોકાતા જ નથી. શરૂમાં ઘણું અજુગતું લાગે. ભાવનગરમાં તો થોડો વધુ વરસાદ પડે તો બધું બંધ થઈ જાય. મુંબઈ તો ક્યારેય બંધ થાય નહીં. મને આવી ખાસ ખબર નહીં. મુંબઈ આવી પછીનું પહેલું ચોમાસું અને મારે ભવન્સ કૉલેજમાં લેક્ચર લેવા જવાનું હતું. એ દિવસે રાતથી જ વરસાદ ખૂબ હતો. મને લાગ્યું કે કૉલેજ બંધ થઈ જશે. પણ ચાલુ હતી એટલે હું ઘરેથી નીકળી પણ છત્રી લેવાનું કંઈ યાદ ન રહ્યું. ભાવનગરમાં અમને એવી આદત નહોતી. એ દિવસે હું આખી પલળી ગઈ. કૉલેજ પહોંચી ત્યારે લેક્ચર તો લેવાનાં જ હતાં. ત્યારે ખબર પાડી કે મુંબઈવાસીઓ પોતાની સાથે એક જોડી કપડાં રાખે છે. એ દિવસે એવી અવસ્થામાં પણ મેં લેક્ચર લીધાં. ત્યારે થયું કે કામનું મહત્ત્વ પરિસ્થિતિથી ઉપર રાખતાં આવડે તો તમે મુંબઈકર છો.
મુંબઈના ઘોંઘાટમાં જ અમે શાંતિ શોધી લીધી છે
જયેશ ફુરિયા, ૩૭ વર્ષ, બોરીવલી
કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે મારું બધું જ ખોઈને ૧૫ વર્ષની ઉંમરે ૨૨ વર્ષ પહેલાં મુંબઈ આવ્યો. એ વખતે મુંબઈની ગિરદી જોઈને હેબતાઈ ગયો હતો. આટલું માણસ મેં પહેલાં કોઈ દી’ જોયું નહોતું. ટ્રેનોના આટાપાટા, બસની ધક્કામુક્કી, જ્યાં જુઓ ત્યાં લાંબી લાઇનો, અતિશય મોટાં બિલ્ડિંગો અને સૌથી ખતરનાક હતો અહીંનો ઘોંઘાટ. ભચાઉમાં ભયંકર શાંતિ હતી અને અચાનક જ હું કોલાહલ વચ્ચે આવી ગયો હતો. પરંતુ ભૂકંપ પછીની વેદનાઓના ઘાવ પર મુંબઈએ પાટાપિંડી કરીને ઠીક કરી નાખી. પહેલાં બસ કેમ પકડવી એ નહોતું સમજાતું હવે બસના નંબરો અને રૂટનો એક્સપર્ટ છું. વિરારની ટ્રેનમાં ભૂલથી ચડી અંધેરી ઊતરી નહોતો શકતો ને છેક બોરીવલી સુધી લંબાઈ જતો હતો તેના માટે લોકલ બેસ્ટ ટ્રાન્સપોર્ટ બની ગઈ છે. આટલાં વર્ષોમાં મુંબઈના ઘોંઘાટમાં અમે શાંતિ શોધી લીધી છે. આ ઘોંઘાટ જ અમારી શાંતિ છે.
હવે હું પણ કહું છું કે હું બિઝી છું
ક્રિતી કેડિયા, ૩૬ વર્ષ, કાંદિવલી
અહીં લોકો કેટલો શો-ઑફ કરે છે! કોઈ પાસે સમય નથી. જેને જુઓ બધા બિઝી. ખરેખર બિઝી હોય છે કે ડોળ કરે છે એ ખબર નથી.’ આવું હું ૧૨ વર્ષ પહેલાં બોલી હતી જ્યારે લગ્ન કરીને કલકત્તાથી મુંબઈ આવી. લોકો જોઈને મને શૉક નહોતો લાગ્યો, કારણ કે કલકત્તામાં પણ ઘણા લોકો છે. પણ અહીંની સ્પીડ ગજબ છે. લોકો બસ ભાગ્યા જ કરે છે. ક્યારેક એવું લાગતું કે દરેક વ્યક્તિ પાછળ રૉકેટ છોડ્યાં છે અને બધા બને એટલી તેજ ગતિથી ભાગી રહ્યા છે. આ સ્પીડ મને ખટકી હતી. પરંતુ સાચું કહું તો મુંબઈમાં રહેતાં-રહેતાં મેં ક્યારે આ સ્પીડ પકડી લીધી મને એનો આભાસ પણ નથી. એક વાર કંઈ કામ હતું અને કોઈએ પૂછ્યું ત્યારે મેં જવાબ આપ્યો કે ના, હું બિઝી છું ત્યારે બે ઘડી માટે રિયલાઇઝ થયેલું કે આ તો એ જ જવાબ છે જે મને પહેલાં ખટકતો હતો, પરંતુ હવે હું પણ આ જ જવાબ આપું છું. પણ એની સાથે મને એ રિયલાઇઝ પણ થયું કે મુંબઈમાં માણસ ખરેખર ખૂબ બિઝી રહે છે, કારણ કે મુંબઈ વ્યક્તિને ઍમ્બિશિયસ બનાવે છે. થોડા સમયમાં ઝાઝું મેળવવાનાં દરેકનાં સપનાં છે. હવે હું પાક્કી મુંબઈકર બની ગઈ છું, કારણ કે ટ્રાફિક હોય તો પણ હું પૅનિક નથી થતી. કારણ કે મને ખબર છે પહોંચવાનું હશે ત્યારે જ પહોંચીશું. હું એક સમયે એક કામ નહીં, એક સમયે ચાર કામ જ કરું છુ. રાત્રે મોડે સુધી ફરવાની આઝાદી ભોગવું છુ અને પ્યૉર વેજ રેસ્ટોરાંની અઢળક વાનગીઓ ખાઈ શકવાની ફૅસિલિટીઝ માણું છું, જે બીજાં શહેરોમાં નથી.

