Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > > > કામ કરવું જરૂરી કે એનો દેખાડો?

કામ કરવું જરૂરી કે એનો દેખાડો?

13 March, 2023 05:49 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

બીજી તરફ કેટલાક કામને બદલે કામ કરવાનો દેખાડો સારોએવો કરી લેતા હોય છે. જે વ્યક્તિ આ બે વચ્ચે બૅલૅન્સ શોધી શકે છે એ જ પ્રોફેશનલ વર્લ્ડની ગંગા પાર કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર વર્ક કલ્ચર

પ્રતીકાત્મક તસવીર


ઑફિસ કે કૉર્પોરેટ કલ્ચરમાં કેટલાક લોકો ચૂપચાપ કામ જ કર્યા કરે છે, પણ તેમને પોતાનું કામ ગણાવતાં નથી આવડતું; બીજી તરફ કેટલાક કામને બદલે કામ કરવાનો દેખાડો સારોએવો કરી લેતા હોય છે. જે વ્યક્તિ આ બે વચ્ચે બૅલૅન્સ શોધી શકે છે એ જ પ્રોફેશનલ વર્લ્ડની ગંગા પાર કરી શકે છે

મહેશ ખૂબ જ પ્રામાણિક અને ખંતીલો છે. છેલ્લાં પાંચ વર્ષથી તે એક કંપનીમાં કામ કરે છે અને કામ સિવાયની પંચાતમાં તેને કોઈ રસ નથી. કેટલાય પ્રોજેક્ટ તેના હાથ નીચેથી પસાર થાય છે. તેના મૅનેજર સિવાય કંપનીમાં ખાસ કોઈ તેને ઓળખતું નથી. તેના મૅનેજરને તેના પર ખૂબ વિશ્વાસ છે. કામ ખૂબ સારું ચાલે છે. સવારે દસથી ઘણી વાર દિનેશ રાત્રે ૧૦ સુધી બેસીને કામ કરતો રહે છે. તેનું એક જ ફોકસ છે કે કામ કઈ રીતે સારામાં સારી રીતે કરવું અને કંપનીને નફો રળી આપવો. મહેશ સાથે જ કંપનીમાં સુરેશ પણ જોડાયો હતો, પરંતુ તેને કામ આવડતું નથી પણ સતત મૅનેજર્સની નજરમાં રહેવા માટે તે પેંતરા કર્યા કરે છે. બધા જોડે વાતો કરવી, હસવું, બોલવું અને બધા જોડે એક સંબંધ બનાવીને રાખવાની મહેનત તે વધુ કરે છે. પ્રોજેક્ટમાં ભલે કામ ઓછું કર્યું હોય પણ તે સતત બિઝી છે, કામ કર્યા કરે છે અને પ્રોજેક્ટ સાથે તે ખૂબ જોડાયેલો છે એની ઍક્ટિંગ તે સારી કરી લે છે. જે દિવસે પ્રેઝન્ટેશન હોય એ દિવસે બીજા લોકો પાસેથી માહિતી લઈ-લઈને બેઠું બોલી દે છે જેનાથી લાગે કે તેણે ઘણું કામ કર્યું છે. પણ જો અંદરના કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો સમજાય છે કે આને તો કશું આવડતું નથી. 


આ જ કંપનીમાં છેલ્લાં ત્રણ વર્ષથી નવો આવેલો રાકેશ ખૂબ હોશિયાર છે. કામ ખૂબ સારું કરી જાણે છે. સમજ અને સૂઝબૂઝથી તે દરેક વસ્તુને સારી રીતે હૅન્ડલ કરી શકે છે. પોતે પ્રોજેક્ટ પર પોતાનું કામ ખૂબ સારી રીતે કરે છે એટલું જ નહીં, પ્રોજેક્ટમાં બીજા લોકો જે કામ કરે છે એ પણ ક્યાંય અટકે તો તે તેમની મદદ કરીને કામને અટકવા દેતો નથી. એની સાથે-સાથે પોતે કંપની માટે શું કરે છે એ બાબતે તે જાગૃત છે અને લોકોને રાખે પણ છે. પોતાના જ નહીં, બીજા મૅનેજર્સને પણ તે વાત-વાતમાં પોતાના કામ વિશે જણાવતો રહે છે. 

અપ્રેઝલના દિવસ પર તમને શું લાગે છે? આ ત્રણેયમાંથી કોની તરક્કી વધુ થશે? 


ઑફિસમાં જ નહીં, જીવનમાં દરેક જગ્યાએ બે પ્રકારના લોકો ખાસ જોવા મળે છે. એમાંથી એક હોય છે જે કામ કરી જાણે છે. તેમનું ફોકસ તેમનું કામ હોય છે. એ કરવામાં તેમને ખૂબ મજા આવતી હોય છે અને બસ, એ કર્યા કરતા હોય છે. બીજા પ્રકારના લોકો એવા છે જેમને કામ ખાસ આવડતું નથી, પરંતુ કામનો દેખાડો કરતાં સારું આવડે છે. હું ખૂબ કામ કરું છું અને બસ, કર્યા જ કરું છું. હું આમ અને હું તેમની પિપૂડી તેઓ સતત વગાડ્યા કરે છે, જેને કારણે એક નકલી ઇમેજ ઊભી થાય છે કે એ વ્યક્તિ ખૂબ કામ કરે છે. હકીકતમાં એ કરતી નથી. આ બંને પ્રકારની પર્સનાલિટીઝ આપણે આપણી આજુબાજુ જોઈએ જ છીએ. 

કામનું મહત્ત્વ

કામ કરનારા લોકો વિશે વાત કરતાં લાઇફ શેપર્સના ફાઉન્ડર અને સક્સેસ કોચ અમિત કાપડિયા કહે છે, ‘કામ કરવું અને એ પણ સારું કરવું એ બાબતે કોઈ ઑપ્શન નથી. એ તો કરવાનું જ છે. સક્સેસ માટે એ એક પ્રકારની મૂળભૂત જરૂરિયાત જ સમજો. જો તમને કામ નથી આવડતું તો એનો કોઈ પર્યાય છે જ નહીં. એ શીખવું જ પડશે અને કરવું જ પડશે. રહી વાત દેખાડાની તો ઘણી વાર દેખાડો કરનારા લોકો ફાવી જતા હોય છે પણ એ હંમેશાં માટેનું નથી હોતું. લોકો એટલા હોશિયાર થઈ ગયા છે કે એ તમને પકડી પાડે છે. દેખાડાનો જાદુ લાંબો ટકતો નથી. એટલે દેખાડા પર મહેનત કરવી યોગ્ય નથી જ. એ બાબતે પ્રયત્નો ખાસ કામ લાગતા નથી. એ તમે કરતા પણ હો તો છોડી દેવા. જે વ્યક્તિ દેખાડા નથી કરતી એ વધુ વાસ્તવિક લાગે છે અને લોકો તેના પર વિશ્વાસ વધુ કરે છે.’

આ પણ વાંચો: નોકરી ક્યારે છોડવી?

દેખાવું જરૂરી છે 

દેખાડો કરવો ખોટું છે પરંતુ દેખાવું અત્યંત જરૂરી છે. આ વાતને ઉદાહરણ સાથે સમજાવતાં અમિત કાપડિયા કહે છે, ‘સુપર માર્કેટમાં ૧૦ અલગ-અલગ બ્રૅન્ડના સાબુ છે. ક્વૉલિટી, પ્રાઇસિંગ લગભગ એક જેવાં છે. પરંતુ એક તરફ સજાવીને નજર સમક્ષ રાખેલા સાબુ પર હાથ પહેલાં પહોંચે છે. તમારો સાબુ ગમે તેટલો સારી ક્વૉલિટીનો હોય પરંતુ એ દેખાય જ નહીં કે લોકોને ખબર જ ન હોય કે આ સારો સાબુ છે તો લોકો ખરીદે શું કામ? એમ તમારું કામ અને તમે લોકોની નજરમાં ન રહે તો તમારી પ્રગતિ અઘરી છે. કંપનીમાં બધાને તમારી વર્થ ત્યારે ખબર રહે છે જ્યારે તમે શું કામ કરો છો, તમે કેમ એ કરી રહ્યા છો અને તમારી કેટલી મહેનત કે હોશિયારી એની પાછળ લાગી રહી છે એની બધાને ખબર હોય. અહીં ખુદનાં વખાણ કરવાની વાત નથી. લોકોને તમારી લાયકાત કે કામ ખબર હોવા જોઈએ એની વાત છે. ભલે તમે તમારાં વખાણ ન કરો પણ આડકતરી રીતે પણ લોકો સુધી તમે શું કામ કરો છો એ આ વાત વહેતી કરવી જરૂરી છે.’ 

શા માટે છે જરૂરી? 

જે લોકો ફક્ત કામ પર જ ફોકસ રાખે છે એ લોકો વિશે વાત કરતાં અચીવ ધાય સેલ્ફના એક્ઝિક્યુટિવ કોચ અને ફાઉન્ડર અરવિંદ ખીંવેસરા કહે છે, ‘આ એ પ્રકારના લોકો છે જેમને પોતાની વાત કરતાં ઝિજક થતી હોય છે. તેમને એ ગમતું નથી. આવા લોકોને કામ જ એટલું સંતોષ આપતું હોય છે કે જો વિઝિબિલિટીની તકલીફને લીધે તેમનું પ્રમોશન અટકતું હોય તો એકાદ દિવસ દુખી થાય છે પણ ફરી કામમાં આગળ વધે છે. હકીકતે જો તમને આમ જ જીવવામાં આનંદ આવતો હોય તો એક રીતે કશું ખોટું નથી પણ આ રીતે તમે ખુદનું જ નહીં કંપનીનું પણ નુકસાન કરો છો. તમારી લાયકાત દ્વારા તમે જે બીજા કર્મચારીઓનું ભલું કરી શકો એમ છો એમને પણ શીખવી શકો એમ છો એ રહી જાય છે, કારણ કે કોઈને ખબર જ નથી કે તમે કેટલું સારું કામ કરી શકો છો. જો તમારું પ્રમોશન થશે તો એમાં તમારું જ નહીં, કંપની અને એના બીજા કર્મચારીઓનું પણ ભલું તો છે જ. તમે જેની લાયકાત ધરાવો છો એ તો તમને મળે જ એટલું ધ્યાન રાખવા ખાતર પણ તમારે તમારી વિઝિબિલિટી વધારવી જરૂરી છે.’ 

કઈ રીતે વધારી શકાય? 

ઑફિસ સેટ-અપમાં વિઝિબિલિટી વધારવા માટે શું કરાય એનો જવાબ આપતાં અરવિંદ ખીંવેસરા કહે છે, ‘મીટિંગ્સ હોય ત્યારે તમારો મુદ્દો સ્પષ્ટ રીતે સામે રાખતાં શીખો. તમારા બૉસ સાથે તમારા સંબંધો સ્ટ્રૉન્ગ કરો અને તેમની પાસેથી જે મહત્ત્વના પ્રોજેક્ટ્સ છે એમાં કામ કરવાની તક માગો. તમારી ટીમને રેપ્રિઝેન્ટ કરવાની તક હોય તો ઝડપી લો. સિનિયર્સ પાસેથી શીખવાની કોઈ તક મળે તો ઝડપી લો. એ રીતે તમે આગળ વધશો અને બીજું એ કે એ લોકો તમને ઓળખશે. તમારી જે ખાસિયતો છે એને લોકો સુધી પહોંચાડતાં શીખો. તમારું ખુદનું એક નેટવર્ક બનાવો. કામ કરતાં-કરતાં એના પર પણ એટલું જ ધ્યાન આપવું પડશે.’ 

ઇન્ટ્રોવર્ટ લોકોએ શું કરવું?

ઘણા લોકો ખૂબ જ અંતર્મુખી હોય છે અને એટલે એ સારું કામ તો કરી જાણે છે પણ તેમના કામની વિઝિબિલિટી ઘણી ઓછી હોય છે ત્યારે શું કરવું? આ તકલીફનો ઉપાય આપતાં અમિત કાપડિયા કહે છે, ‘ઘણા લોકો ખૂબ બોલકા હોય છે અને એ તમારી વાત બીજી વ્યક્તિ સુધી પહોંચાડી શકવામાં સક્ષમ હોય છે. એવા લોકોને પકડો. તમે ફક્ત તેમને કહેશો તો એ પોતાની ચૅનલમાં વાત વહેતી કરશે કે તમને ખબર છે કે આ વ્યક્તિ આટલી હોશિયાર છે કે એ આ રીતે કામ કરે છે. હંમેશાં યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિઓનો સાથ મળે ત્યારે જ વ્યક્તિ આગળ વધી શકતી હોય છે.’

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2023 05:49 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK