ઘરમાં વડીલ હોય તો ઘર અને નાનાં બાળકો સચવાઈ જાય એમ જો વડીલ બાળકો સાથે રહે તો તેમની પણ સામાજિક, ભાવનાત્મક અને માંદગી જેવી ઇમર્જન્સી જરૂરતો પણ સંતોષાય જ છે.
પ્રતીકાત્મક તસવીર
બાળકો અને ઘર સચવાઈ રહે એ માટે વડીલો સાથે રહેવા માગતાં બાળકો સ્વાર્થી ગણાય પરંતુ ઘણાં ઘરોમાં આ સ્વાર્થનો નહીં, સિસ્ટમનો પણ એક ભાગ હોય છે. ઘરમાં વડીલ હોય તો ઘર અને નાનાં બાળકો સચવાઈ જાય એમ જો વડીલ બાળકો સાથે રહે તો તેમની પણ સામાજિક, ભાવનાત્મક અને માંદગી જેવી ઇમર્જન્સી જરૂરતો પણ સંતોષાય જ છે. અંતે એકબીજાને ઉપયોગી બની શકીએ એ જ કુટુંબ વ્યવસ્થાનો પાયો છે એ ન ભૂલવું જોઈએ
લલિતાબહેન તેમનાં દીકરા-વહુ સાથે રહે છે. ઘરમાં ૬ વર્ષનો વિહાન છે. તે એક વર્ષનો થયો ત્યારથી વહુ ઑફિસ જાય છે. લલિતાબહેન વહુની ગેરહાજરીમાં વિહાન અને ઘરને ખૂબ સારી રીતે સંભાળે છે. લલિતાબહેનની પોતાની જિંદગી પણ સારી જઈ રહી છે. મંદિર, મંડળો અને પાર્કના મિત્રો સાથે તેમનું જીવન સારું પસાર થઈ રહ્યું છે પણ તકલીફ ત્યારે થઈ જ્યારે પાર્કના અમુક મિત્રોએ તેમને કહેવાનું શરૂ કર્યું કે લલિતા, તું ન હોય તો છોકરાઓનું શું થાય? બધું તું જ કરે છે. તેમને કશી કદર નથી તારી. જો કાલે ફિલ્મ જોવા જતાં રહ્યાં, તને પૂછ્યું પણ નહીં. અરે! વિહાનની જવાબદારી તમારી જ થોડી છે, કેમ તમારે જ એને સંભાળવાનો? તમે દાદી છો, આયા નથી. આ બધી વાતોને લલિતાબહેન પહેલાં એક કાનેથી સાંભળતાં અને પછી કાઢી નાખતાં પણ ધીમે-ધીમે એ વાતોએ તેમના પર અસર કરવાનું શરૂ કર્યું. વહુ સાંજે રોટલી નહોતી જમતી તો તેના માટે તે અલગથી પરોઠાં બનાવતાં એ હવે તેમણે બંધ કરી દીધું. ચીડચીડા રહેવા લાગ્યાં હતાં. વિહાન પર વધુપડતો હક જતાવવા લાગ્યાં. વહુને મા તરીકે બિલકુલ લાયક નથી એવો દરેક પળે એહસાસ દેવડાવવા લાગ્યાં. ઘરમાં બધાનાં મન ખાટાં રહેવા લાગ્યાં. એવામાં પાર્કમાં એક દિવસ તેઓ ભીની માટીમાં લપસી ગયાં. પગમાં ફ્રૅક્ચર આવ્યું. બે મહિના દીકરા અને વહુએ તેમની ખૂબ સેવા કરી. એ દરમિયાન તેમને દરરોજ જુદા-જુદા સમયે એ એહસાસ થયો કે તે ખોટાં હતાં. જેને તે સ્વાર્થ સમજતાં હતાં એ સામંજસ્યનો જ એક ભાગ હતો એ વાત તેઓ સમજી નહોતાં શક્યાં.
એકસાથે એક છત નીચે રહેતા લોકોની એકબીજા પાસેથી કોઈ ને કોઈ અપેક્ષાઓ રહેવાની. વળી દરેક કામ વ્યક્તિની ક્ષમતાઓ અનુસાર પરસ્પર વહેંચાયેલું પણ હોવાનું જ. આ કામોનો સ્વભાવ ઘણો જુદો હોય છે. કોઈ ઘરનાં કામ સંભાળે, કોઈ બહારનાં કામ સંભાળે, કોઈ બધાનું ધ્યાન રાખવાનું કામ કરે તો કોઈ સમયસર હાજરી આપવાનું. જો વડીલોના ઘરે રહેવાથી ઘર સચવાઈ જતું હોય અને નાનાં બાળકોને છત્ર મળી રહેતું હોય તો એ સ્વાર્થ જ હોય એવું નથી, એ વ્યવસ્થાનો એક ભાગ પણ હોઈ શકે છે. માન્યું કે સમાજમાં અત્યંત ખરાબ સંતાનો પણ છે જેમનાં માતા-પિતા તેમના કોઈ કામનાં નથી રહ્યાં એટલે તેમને એ વૃદ્ધાશ્રમ મૂકી આવે છે. પરંતુ એવા હજી પણ સોએ દસ લોકો માંડ છે. તમે આ ઉંમરે તેમનું ઘર અને સંતાનો સંભાળો છો તો સામે તમારી બીમારી, આર્થિક, સામાજિક જેવી મોટીથી લઈને નાની-નાની જવાબદારીઓ તમારાં સંતાનો સંભાળે જ છેને. લેણ-દેણ સમજો કે સ્વાર્થ સમજો પણ હકીકત એ છે કે દરેક કુટુંબની એક વ્યવસ્થા હોય. દરેક પરિવારમાં જવાબદારીઓ વહેંચાયેલી જ હોય. તમને એનો ભાર વધુ લાગતો હોય તો ઓછો કરી શકાય. જવાબદારી ન જ સ્વીકારવી હોય તો ના પણ પાડી શકાય પરંતુ બધું કરતાં-કરતાં જ્યારે તમને લાગવા લાગે કે સંતાનો તો સ્વાર્થી છે એટલે જ સાથે રાખ્યાં છે ત્યારે ચેતવું જરૂરી છે. ચકાસવું જરૂરી છે કે હું વ્યવસ્થાને તો સ્વાર્થ નથી સમજી રહ્યો? હું જરૂરત કરતાં વધુ ઇમોશનલ બનીને સંતાનોને ખોટાં તો નથી ઠેરવી રહી? જવાબ સ્થિર બનીને વિચારશો તો ચોક્કસ મળશે.
ADVERTISEMENT
બાળકોએ શું સમજવાનું?
માતા-પિતા જ્યારે ઉંમરલાયક હોય ત્યારે તેમને એવું લાગવા માંડે કે છોકરાઓને તો અમારી કશી પડી નથી. અમારો એ ફાયદો જ ઉઠાવી રહ્યા છે. ત્યારે છોકરાઓએ શું સમજવું જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ આપતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘સમજવાનું એ છે કે એક ઉંમર પછી વ્યક્તિ ઘણી ઇમોશનલ બની જતી હોય છે. બાળકો એકદમ પ્રૅક્ટિકલ અને માતા-પિતા એકદમ ઇમોશનલ. આ ફેરને કારણે તકલીફો આવે છે. બીજું એ કે ઘણી વાર કોઈ મુદ્દો ન હોય તો પણ માતા-પિતા ક્યાંનું ક્યાં વિચારી લેતાં હોય છે, કારણ કે તેઓ ઘણાં ફ્રી રહેતાં હોય છે. વ્યસ્ત વ્યક્તિ પાસે નકારાત્મક રહેવાનો કે ખોટું લગાડવાનો સમય જ ક્યાં હોય છે. બાળકોએ એ સમજવાનું છે કે માતા-પિતાને આ સમયે શું જોઈએ છે. તેમને પ્રેમ, કૅર, થોડું અટેન્શન
અને થોડું મહત્ત્વ. આ જો મળે તો દુનિયાની દરેક વૃદ્ધ વ્યક્તિ અતિ ખુશ રહે અને બીજાને રહેવા પણ દે. તેમને તમારા જીવનમાં જગ્યા જોઈએ છે. એ હોય તો પણ થોડું જતાવશો તો આવી નકારાત્મક વાતો તેમના મનમાં નહીં આવે.’
વડીલોએ શું સમજવાનું?
આખું જીવન બાળકો માટે તમે ઘસાયાં જ છો. ત્યારે તો તમે ખૂબ પ્રેમથી અને કરુણાથી કામ લીધું. વૃદ્ધ થયા પછી તમે જે પણ તેમના માટે કે ઘર માટે કરો છો એમાં તમને ક્રેડિટ કે વાહવાહી કેમ જોઈએ છે? આ પ્રશ્ન ખુદને પૂછો એમ સમજાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘બાળકો નાનાં હોય ત્યારે માતા-પિતા પોતાના એહસાનો જતાવતાં નથી પણ વડીલ બનતાં જ તેમનામાં જતાવવાની આદત આવી જાય છે. મેં આ કર્યું, હું આમ કરું છું, હું ન હોઉં તો શું થાય તમારુંવાળો ભાવ તમને માન નહીં અપાવે. ઊલટું બાળકો તમારાથી દૂર થતાં જશે. તમે જે પણ કરો, ખુશીથી કરો. તમારો જ પરિવાર છે એના માટે કરો છો એમ સમજીને કરો. જો ન ગમતું હોય તો ન કરો પણ જતાવવાની આદત છોડો. પરિવારમાં પ્રેમ રોપો તો ચોક્કસ પ્રેમ મળશે.’
ખુદની દયા ન ખાઓ

હુંકાર અને બિચારાપણું આ બંને એક પ્રકારના અહંકાર જ છે એમ સમજાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘ઘણા લોકો એવા છે સમાજમાં કે ખુદ કામ કરે અને પછી જતાવે કે હું બિચારી કર્યા જ કરું છું કે પિતા તરીકે હું કેટલો લાચાર બની ગયો છું. આ સેલ્ફ પિટી મોડ ખૂબ જ ખોટો છે. ખુદની દયા તમે ન ખાઓ. બીજા ખાય તો એને અટકાવો. મારે તો કરવું જ પડે, ન કરું તો શું થાય? આ ઉંમરે પણ જવાબદારીઓ મારી પતતી જ નથી. આવી વાતો મિત્રોને કે સગાં-સ્નેહીઓને ન કરો. જવાબદારી એ જ લેવી જે હસતા મોઢે નિભાવી શકાય. કામ પણ કરવું અને બિચારા બનવું યોગ્ય નથી. આ વસ્તુ પરિવારમાં ખટાશ લાવે છે. આપણે મીઠાશ રેડવાની છે એ યાદ રહે. મીઠાશ ત્યારે જ આવશે જ્યારે ગણતરીઓ બંધ થશે. બધા પોતાનાથી શક્ય હોય એટલું એકબીજા માટે પ્રેમથી કરશે. સિસ્ટમમાં રહીને પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવશે તો વાંધો નહીં આવે.’
સ્વાર્થ જ નીકળે ત્યારે
માતા-પિતા પોતાનાં બાળકોને સંપૂર્ણ રીતે ઓળખતાં જ હોય છે. જ્યારે વડીલોને લાગે કે બાળકો સ્વાર્થી છે કે તે તેમનો મતલબ કાઢે છે. આવા કિસ્સાઓ સમાજમાં બને જ છે. ત્યારે એ બાબતે શું કરવું જોઈએ એ સમજાવતાં મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજના સોશ્યોલૉજી ડિપાર્ટમેન્ટનાં હેડ ડૉ. ટ્વિન્કલ સંઘવી કહે છે, ‘જો તમે પૈસેટકે સધ્ધર હો તો સહન ન કરો, અલગ થઈ જાઓ. એક સમય એવો આવે કે આવા કડવા નિર્ણયો લેવા પડે. પરંતુ જો સધ્ધરતા નથી તો સાથે કઈ રીતે રહેવું એનો ઉપાય વિચારો. એ સ્વાભાવિક છે કે એક છત નીચે રહેતા લોકો એકબીજા પાસેથી અમુક અપેક્ષાઓ રાખે અને એ મુજબ અપેક્ષાઓ પૂરી પણ કરવી પડે. જો તમે એ ન કરવા માગતા હો તો સ્પષ્ટતા જરૂરી છે. અમુક બાઉન્ડરી તમે નક્કી કરો. કેટલો ભોગ આપવો છે એ એક ક્ષણે માતા-પિતાએ જ નક્કી કરવાનું હોય છે. વગર કોઈ અપેક્ષાએ માતા-પિતા બની, જે પણ મનથી કરવા માગો છો એ કરતા રહો. આ એક પ્રકારની વ્યવસ્થા જ થઈ.’
જો બાળકો તમને સ્વાર્થી લાગતાં હોય તો એક કડવું સત્ય સમજાવતાં ડૉ. ટ્વિન્કલ સંઘવી કહે છે, ‘તમે બાળકોને જેવું લાલનપાલન આપ્યું છે એવું જ તમને સામે મળી રહ્યું છે. તમે બાળકોને સ્નેહથી એકબીજા માટે જીવતાં શીખવ્યું હોય, સૌથી મોટી વાત તો એ કે ગ્રેટિટ્યુડ એટલે કે કૃતજ્ઞતા શીખવી હોત તો આજે આ હાલત ન હોત. એટલે સમજવાનું એ છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે એની પાછળ આપનું લાલનપાલન પણ જવાબદાર છે.’


