એ સૌને સૅલ્યુટ, જેમણે રંગભૂમિના માધ્યમથી મારી માતૃભાષાને હયાત રાખી
હૅટ્સ ઑફ એ સૌને, જેઓ આજે પણ ગુજરાતી રંગભૂમિને ધબકતી રાખે છે
કેટકેટલાં નામ લેવાનાં અને કોને-કોને યાદ કરવાના. તમે જુઓ તો ખરા, આપણા એ અમુક ગુજરાતી કલાકારો, જેમની બહાર મોટી ડિમાન્ડ છે અને એ પછી પણ તેઓ હજીયે ગુજરાતી રંગભૂમિ પર સતત પ્રવૃત્તિમય રહે છે. એ સૌને સૅલ્યુટ, જેમણે રંગભૂમિના માધ્યમથી મારી માતૃભાષાને હયાત રાખી
ઘણા તો દૂર બેઠાં-બેઠાં એવું બોલવા માંડ્યા છે કે નાટકો તો હવે ફરી રિધમ પર આવી ગયાં છે, પણ ના, એવું નથી. કોવિડ પછી નાટકોની હાલત કફોડી બની છે. એક જમાનામાં રવિવારે તેજપાલ સાંજ અને તેજપાલ બપોરની ટિકિટ માટે રીતસર પડાપડી થતી અને હવે બપોર શું, રવિવારની સાંજે પણ નાટકોમાં ઑડિટોરિયમ ખાલી પડ્યાં હોય છે.
ADVERTISEMENT
આપણે વાત કરીએ છીએ ગુજરાતી નાટકોને સપોર્ટ કરી, ગુજરાતી ફિલ્મોને સહકાર આપી ગુજરાતી ભાષાને થોડા વધુ સમયનું આયુષ્ય આપવાની. એ કરવા માટે પ્રત્યેક ગુજરાતીઓએ શું કરવું જોઈએ અને કઈ-કઈ ફરજ અદા કરવી જોઈએ એની વાત આજે આગળ વધારતાં પહેલાં મારે એ પણ કહેવું છે કે ગુજરાતી નાટકો અને ફિલ્મોને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ એ ટૉપિકના આ જે આર્ટિકલ છપાઈ રહ્યા છે એ ‘મિડ-ડે’નો આપણને મળતો સહકાર જ છે. આજે આપણે જોઈએ છીએ કે ગુજરાતી નાટકો કે ફિલ્મો માટે છાપાંઓ પાસે જગ્યા નથી એટલે પેઇડ ફીચર્સ કરવાં પડે છે, પણ એની સામે ‘મિડ-ડે’ નિયમિત નાટકો અને ગુજરાતી ફિલ્મોને સ્થાન આપે છે. ખરેખર આ બહુ સારી વાત કહેવાય અને એને માટે આપણે ‘મિડ-ડે’ના તંત્રી અને મૅનેજમેન્ટનો આભાર માનવો જોઈએ, પણ વાત ત્યાં અટકતી કે પૂરી નથી થતી. આ પ્રકારે અન્ય ગુજરાતી છાપાંઓ પણ આગળ આવશે તો એનો લાભ ચોક્કસપણે ગુજરાતી નાટકોને થશે.
આ મારી તેમને રિક્વેસ્ટ છે અને મારી રિક્વેસ્ટ એ સંસ્થાઓને પણ છે, જે ગુજરાતી નાટકોના શો લે છે. સંસ્થા નાટકોના શો લેવામાં કરકસર ન કરે. કબૂલ કે તેમને મોંઘું પડતું હશે, મેમ્બર નહીં આવતા હોય, પણ હું મેમ્બરને પણ કહીશ કે જો તમારી સંસ્થા થોડી ફી વધારે તો વધારવા દો. વાંધો નહીં ઉઠાવો, પણ નાટકોને થોડા વધુ અને સારા પૈસા મળતા હોય તો મળવા દો. નાટકોને પૈસા મળતા થશે તો નાટકોની ગુણવત્તામાં પણ વધારો થશે અને એ વધશે તો નૅચરલી આપણને જ લાભ થશે.
અત્યારે છેને ઊલટું ચાલી રહ્યું છે.
નાટકોની ગુણવત્તા પર કોઈ ધ્યાન જ નથી આપી શકતું, ઇચ્છે છે તો પણ. બધાને એમ છે કે નાટક આટલામાં વેચાય છે અને આટલો એનો ખર્ચ છે તો આપણે આટલામાં જ બનાવીએ અને હકીકત પણ છે કે ખર્ચો બહુ વધી ગયો છે. સારા-સારા કલાકારો લગભગ ગુજરાતી રંગભૂમિથી થતા રહ્યા. પહેલાં ટીવી, પછી ફિલ્મો અને હવે વેબ-સિરીઝનાં માધ્યમો ખૂલી ગયાં છે એટલે બધા એ દિશામાં ફોકસ કરવા માંડ્યા છે. આવું શું કામ થયું છે એની આખી વાત સમજજો તમે. બે કલાકના શો માટે મિનિમમ દોઢ-બે કલાકનું ટ્રાવેલિંગ કરવાનું અને એની સામે વળતર એવું નહીં. નૅચરલી કલાકારો બીજી જ દિશા પસંદ કરે અને પાછું એ બધાનો વ્યાપ પણ મોટો, ફેમ પણ મોટી. મારે અત્યારે કહેવું જ રહ્યું કે અમુક લોકોને ખરેખર હૅટ્સ ઑફ છે.
સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય ગોરડિયા, સેજલ શાહ, રિદ્ધિ શુક્લા, ભક્તિ રાઠોડ, કમલેશ ઓઝા અને આપણા આવા જ બીજા કલાકારો જેઓ આજે પણ રંગભૂમિ સાથે સંકળાયેલા છે અને નિયમિત કામ કરે છે. આ બધાને ધન્ય છે. ઘણા લેખકો, દિગ્દર્શકો પણ નાટકો કરે છે. ઉમેશ શુક્લને જ જોઈ લો. તેની પાસે ઘણું બધું કામ છે અને એ પછી પણ તે નાટક માટે સમય કાઢી લે છે. સ્નેહા દેસાઈનું પણ એવું જ છે અને રાજુ જોષી પણ બધી રીતે વ્યસ્ત છે અને તો પણ તે નાટક માટે પૂરતો સમય કાઢી લે છે. મનોજ શાહ, તેમનું નામ કેમ ભૂલી શકાય? આજે મનોજ શાહ કેટલું મોટું પૅરૅલલ થિયેટર ચલાવે છે, કેટલા કલાકારો તેમણે આપણને આપ્યા. સૌમ્ય જોષી આવીને નાટકો કરે છે અને બીજા તો કેટલા કલાકારો છે જેઓ હજી પણ ગુજરાતી રંગભૂમિને ધબકતી રાખે છે અને એવું બિલકુલ નથી કે દરેક નાટકોની ગુણવત્તા બરાબર નથી. સારી ગુણવત્તા સાથે જ નાટકો બને છે, પણ એટલો ફરક આવ્યો છે કે હવે જે પ્રાઇસ પર નાટકો વેચાય છે એ ભાવે એને બનાવવામાં આવે છે અને જેવાં નાટકો લોકોને જોવાં છે એવાં નાટકો બનાવવામાં આવે છે. પ્રયોગ થવાના ઓછા થયા છે, પણ એમ છતાં ભરત નારાયણદાસ ઠક્કર જેવા અમુક પ્રોડ્યુસર એવા છે પણ ખરા કે તેઓ સામા પૂરે તરીને પણ બેસ્ટ અને પ્રયોગશીલ નાટકો પર કામ કરે છે. આ પ્રકારના પ્રોડ્યુસરને પ્રોત્સાહન મળે એ માટે નાટકો જોવા જાઓ એ નવા-સારા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે પણ નાટક જોવા જાઓ. નાટકો ચાલશે તો ગુજરાતી ભાષા હજી એક વધુ જનરેશન સુધી રહી જશે.
સૌથી મોટી વાત હવે આવે છે. બહુ ઓછા લોકો કરતા હશે, પણ બીજાઓને આ લાગુ પડે છે. જે અફૉર્ડ કરી શકે છે એ પણ કૉમ્પ્લીમેન્ટરીમાં નાટકો જુએ છે. હવે શું છે, મને લાગે છે કે ફ્રી પાસ સદંતર બંધ થઈ જવા જોઈએ. તમને લાગે કે તમે અફૉર્ડ કરી શકો છો તો પછી નાટકની ટિકિટ લઈને જોવા જાઓ. સંસ્થાના હોદ્દેદારોને પણ હું આ જ કહીશ. કબૂલ કે તમે શો લેવાના જ છો, પણ તમે જ કહો, ચાર ટિકિટ તમને શું મોંઘી પડી જવાની છે? તમે ટિકિટ લઈને નાટક જોવા ગયા હશો તો ગુજરાતી ભાષાને બમણું બળ આપશો. એક તો તમે શો કરીને એને બળ આપો છો અને સંસ્થા માટે નાટક જોવા ગયા પછી પણ તમે એ ટિકિટ ફ્રીમાં નહીં લઈને પણ નાટકને બળ આપો છે. મારી જ વાત કરું તો હું હમણાં ભરત ઠક્કરનું જે નાટક જોવા ગયો એની ટિકિટ માટે ભરતે પૈસા લેવાની ના પાડી દીધી, પણ મેં તરત જ ના પાડી તેને કહી દીધું કે મારાથી એ થઈ જ ન શકે. મારાથી અફૉર્ડ થાય છેને, બીજું કે હું અત્યારે નાટકમાં કંઈ કરતો પણ નથી એટલે મારાથી તો એ ન જ લઈ શકાય. તમે પણ જો અફૉર્ડ કરી શકતા હો તો ઍટ લીસ્ટ એ સૌજન્ય દાખવો, કારણ કે નાટકોને તમારી બહુ મોટી મદદની જરૂર છે. ઘણા લોકો ધંધાકીય નાટકમાં સ્પૉન્સરશિપ કરે છે તો એમાં વધારો કરો અને ધારો કે ન કરતા હો તો તમે એ શરૂ કરો અને ખૂબ સપોર્ટ કરો જેથી ગુજરાતી નાટકો પર જે નભે છે એ ફુલટાઇમ સમય આપી શકે અને એ પણ નાટકો છોડીને ક્યાંય જાય નહીં.
ઘણા દૂર બેઠાં-બેઠાં એવું બોલવા માંડ્યા છે કે નાટકો તો હવે ફરી રિધમ પર આવી ગયાi છે, પણ ના, એવું નથી. કોવિડ પછી નાટકોની હાલત કફોડી છે. એક જમાનામાં રવિવારે તેજપાલ સાંજ અને તેજપાલ બપોરની ટિકિટ માટે રીતસર પડાપડી થતી. નેહરુ સાંજ અને બપોરમાં શો થતા, પણ આજે સાવ ઊલટું થઈ ગયું છે. બપોર શું, રવિવારની સાંજે પણ નાટકોમાં ઑડિટોરિયમ ખાલી પડ્યાં હોય છે. ખરું કહું છું, આપણાં ગુજરાતી નાટકો મૃત્યુ પામી રહ્યાં છે. જો હમણાં સપોર્ટ નહીં કરીએ તો એ ખતમ થયા પછી સપોર્ટ કરીશું તો પણ કંઈ કરી શકવાના નથી. માટે જ્યારે જરૂર છે ત્યારે, જ્યારે અનિવાર્ય છે ત્યારે એની બાજુમાં ઊભા રહીએ અને આપણે ગુજરાતી રંગભૂમિનો એ સુવર્ણ યુગ પાછો લાવવાની કોશિશ કરીએ, જે જોઈને આપણે મોટા થયા છીએ.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


