Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > જીવન પણ એક પરીક્ષા જ છે

જીવન પણ એક પરીક્ષા જ છે

Published : 28 March, 2024 11:44 AM | IST | Mumbai
JD Majethia

મૃત્યુ પછીની દુનિયા વિશે આપણે જાણતા નથી એટલે એના વિશે વધારે વિચારવાને બદલે શું કામ એવું જ ન વિચારીએ જે આપણા હાથમાં છે

પ્રતીકાત્મક તસવીર

જેડી કૉલિંગ

પ્રતીકાત્મક તસવીર


હમણાં બચ્ચાંઓની એક્ઝામ ચાલે છે. તમારા બધાના ઘરે પણ કોઈકની ને કોઈકની એક્ઝામનું વાતાવરણ બંધાયું હશે. એક્ઝામના આ પિરિયડમાં એમ જ બેઠો હતો અને અચાનક થયું કે આપણે આ જીવનને પણ એક પરીક્ષાની જેમ જોઈ શકીએ અને એ સાચું જ છેને. આપણે રોજ જીવતા જઈએ અને આપણે રોજ જીવનની એ એક્ઝામમાંથી પાસ પણ થતા જવાનું છે. કોઈ દિવસ ઓછા માર્ક્સ આવે તો કોઈ દિવસ વધારે માર્ક્સ આવે. કોઈ દિવસ ફેલ પણ થઈએ એટલે આમ જુઓ તો જીવન એક પરીક્ષા જ છે. 


પરીક્ષા સાથે જ આ વાતને સરખાવીને તમને સમજાવું. સ્કૂલમાં આપણી અલગ-અલગ પરીક્ષા હોય છે. માસિક, ત્રણ મહિને, છ મહિને અને બાર મહિને ફાઇનલ એક્ઝામ. જેવી પરીક્ષા હોય એ મુજબની આપણે મહેનત કરતા હોઈએ અને જે પણ શીખ્યા, જેટલું શીખ્યા એ બધું ત્રણ કલાકમાં પેપર પર લખી નાખીએ. થોડા વખત પછી પરિણામ આવે અને એ પરિણામ મુજબ આપણું જીવન આગળ વધે. જીવનમાં આવું જ હોય છેને, આપણે જે શીખ્યા, જે આવડ્યું એ બધાનો અમલ કરતા જઈએ અને આગળ વધતા જઈએ. આગળ વધતાં ક્યારેક એવું બને કે આપણે પાસ થઈએ, ક્યારેક આપણે ફેલ પણ થઈએ અને નવેસરથી પરીક્ષા આપવી પડે, પણ એ પરીક્ષા આપતાં પહેલાં તમારે તૈયારીઓ કરવી પડે. જીવનની આ પરીક્ષા આપતા હોઈએ છીએ ત્યારે દર વખતે એવું નથી બનતું કે જે રિઝલ્ટ આવે એ અત્યારે જ કે નજીકના ભવિષ્યમાં જ કામ આવે. અમુક રિઝલ્ટ એવાં હોય છે જે આપણને તરત કામ લાગે. આપણી આર્થિક અને સામાજિક શાખમાં વધારો કરનારાં પણ હોય, તો અમુક રિઝલ્ટ એવાં હોય જે આપણને લાંબા ગાળે કામ લાગે, અમુક રિઝલ્ટ એવાં હોય જે આપણને વૃદ્ધાવસ્થામાં કામ લાગે તો અમુક રિઝલ્ટ એવાં પણ હોય જે આપણને નવા જન્મમાં કામ લાગે. અફકોર્સ, એને માટે તમે પુનર્જન્મમાં માનતા હોવા જોઈએ. અંગત રીતે હું કર્મના સિદ્ધાંતમાં માનું અને પાપ-પુણ્યમાં પણ માનું પણ એના વિશે આપણે ફરી ક્યારેક વાત કરીશું. અત્યારે વાત કરીએ આપણે એક્ઝામ અને લાઇફની.



મને તો જીવન અને પરીક્ષા બન્ને બિલકુલ સરખાં લાગે છે. જેમ તમે પરીક્ષામાં પૂરતી તૈયારી કરીને ન જાઓ અને પેપર હાથમાં આવે કે બ્લૅન્ક થઈ જાઓ એવું જ રિયલ લાઇફમાં પણ બને. જો અનુભવનો અભાવ હોય, બૌદ્ધિકતાનો ઉપયોગ બરાબર રીતે ન થાય કે પછી ઉતાવળે બધું કર્યું હોય અને લાઇફની એક્ઝામનું પેપર હાથમાં આવી જાય કે તરત તમે બ્લૅન્ક થઈ જાઓ અને પછી એવું જ બને જેવું ક્લાસરૂમમાં બને. બસ, આપણે આજુબાજુમાં બેઠા હોય એ બધાના ચહેરા જોતા બેસી રહેવું પડે. એવું બને જ છેને, ધ્યાનથી જુઓ તમે.


આપણે જોઈએ છીએ કે લાઇફની રેસમાં આપણી સાથે ઘણા લોકો રવાના થયા હોય, પણ અમુક વર્ષો પછી કોઈ બહુ આગળ નીકળી ગયો હોય તો કોઈ બહુ પાછળ રહી ગયો હોય. કોઈ બહુ સુખી હોય તો કોઈને દુઃખ હોય. આવું શું કામ બને છે એ તમે ક્યારેય વિચાર્યું છે? એનો જવાબ છે, કર્મોની અસર અને આ જ કર્મોની અસર છે. લાઇફની એક્ઝામ દરમ્યાન જે જવાબ આપવાના હોય છે એ કર્મો થકી આપવાના હોય છે. કર્મના સિદ્ધાંત માટે એટલે જ કહેવાયું હશે કે ફળની અપેક્ષા રાખ્યા વિના, તમે તમારું કર્મ કરતા જાઓ. ફળ તો એના સમયે મળતું જ રહેશે. આ સંદેશમાં કયા પ્રકારના ફળની વાત કરવામાં આવી છે એની તો ખબર નથી, પણ હું માનું છું કે મેં મારી જાતે આનું જે તારણ કાઢ્યું છે એનો જવાબ કંઈક એવો છે કે પૉસિબલ છે કે આપણને જે અણધારી સફળતા મળે કે પછી બહુ મોટી સફળતા મળે ત્યારે એમાં અગાઉનાં કર્મોનું ફળ પણ જોડાયેલું હોતું હશે.

રિયલ એક્ઝામ જેમ અલગ-અલગ પિરિયડની હોતી હોય છે એવું જ લાઇફની એક્ઝામનું હોય છે. એક માસિક પરીક્ષા એટલે આપણે જે રોજબરોજની ભાગદોડ વચ્ચે પણ આપણું કર્મ બેસ્ટ રીતે થાય અને દિવસ સરસ પસાર થાય, રાત પડ્યે આપણને પોતાને શાંતિ અને સંતોષ મળે કે હાશ, સરસ કામ કર્યું એ. એ પછી આવતી ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક પરીક્ષા એટલે


જીવનના તબક્કાઓ.
આપણા મોટા ભાગના વાચકો છમાસિક પરીક્ષા આપતા હશે એવું ધારીને સીધી વાત એના પર લઈ આવું તો આ છમાસિક પરીક્ષા એટલે અડધું જીવન પસાર કર્યા પછી પાછળ ફરીને જોવામાં આવતી વ્યવહારુ નીતિ. ભગવાને બધાનું જીવન ૧૦૦ વર્ષનું જ લખ્યું છે એટલે કોણ ક્યારે પોતાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરી નાખે છે એ જ જોવાનું હોય છે. ૧૦૦ વર્ષના આ જીવનમાં પચાસમા વર્ષે પહોંચ્યા પછી જે પરીક્ષા આપવાની હોય છે એ પરીક્ષામાં વ્યવહારુ એટલે કે પ્રૅક્ટિકલ નિર્ણયો સાથે આગળ વધવાની વાત હોય છે. એ પરીક્ષામાં તમારા ઓછામાં ઓછા લોકો, સ્નેહીજનો તમારાથી નારાજ હોય, તમારાથી દુખી હોય તો તમે બહુ સારા માર્ક સાથે પાસ થયા એવું માની શકાય અને વાત હવે વાર્ષિક પરીક્ષાની.

વાર્ષિક પરીક્ષા મતલબ કે તમારા જીવનનો છેલ્લો અધ્યાય. એક્ઝામની પેલી જે છેલ્લી ૧૦ મિનિટ હોય છે એ છેલ્લી ૧૦ મિનિટ. છેલ્લી ૧૦ મિનિટમાં એક્ઝામમાં બધું વાંચીને આપણે સપ્લિમેન્ટ ટાઇઅપ કરી લેવાની હોય છે અને એ પણ જોઈ લેવાનું હોય છે કે સપ્લિમેન્ટ છૂટી ન પડી જાય. આ જે છેલ્લી ૧૦ મિનિટ છે એ વૃદ્ધાવસ્થાનાં વર્ષો છે. હવે જીવનના અંતિમ દિવસો કે મહિનાઓ બાકી રહ્યા છે. વૈકુંઠમાંથી ક્યારે આમંત્રણ આવે એની ખબર નથી એટલે મળતો દરેક દિવસ બોનસ જેવો ગણીને જીવતા જવાનું છે. એ સમયે ભગવાનનું નામ તો લેવાનું જ છે, પણ ભગવાનનું નામ લેતાં-લેતાં પરીક્ષા પણ આપતા જવાનું છે. પાછળ ફરીને જોતા જવાનું છે કે આપણે કારણે કોને હર્ટ થયું, કોને નારાજગી થઈ હતી અને એ નારાજગીને દૂર પણ કરતા જવાની. સૉરી કહેવામાં સંકોચ નહીં રાખવાનો અને બે હાથ જોડીને પ્રેમ સાથે કોઈને મળવામાં પણ ખચકાટ નહીં રાખવાનો. આ ઉપરાંત એ પણ જોતા જવાનું કે હવે સામાજિક કયાં કર્મો બાકી રહ્યાં અને બાકી રહેલાં કર્મો પણ પૂરાં કરતા જવાનું. 

આ જે કર્મો છે એ સમજી લેવાં બહુ જરૂરી છે. વિલ બનાવી લેવું એ પણ એક પ્રકારનું કર્મ જ છે અને એને પણ એક્ઝામમાં પુછાયેલા સવાલની જેમ જ લેવાનું છે. જો વિલ કરી લેશો તો તમે તમારી ગેરહાજરીમાં ફૅમિલીમાં થનારા વિખવાદને ટાળી શકવાના છો. હા, વિલમાં કોઈને વધારે આપ્યું હોય અને એને કારણે મતભેદ થવાના હોય તો એ તમારો પ્રશ્ન નથી એ પણ યાદ રાખજો, પણ જો વિલ જ બનાવ્યું નહીં અને એમ જ વૈકુંઠ રવાના થયા તો તમને એ પ્રશ્નના જવાબમાં ઝીરો મળે છે.અંતિમ તબક્કાની આ એક્ઝામમાં પણ બધા માર્ક્સ સારા આવે. લેણદેણનો હિસાબ પણ ચૂકતે કરવામાં આવે અને બગડેલા સંબંધોને પણ સુધારી લેવામાં આવે તો પછી ભગવાનને હાથ જોડીને કહી શકાય કે હે ઈશ્વર મેં મારી રીતે બધી મહેનત કરી લીધી, હવે તારે જે માર્ક્સ આપવા હોય એ આપ.

આ બધું વાંચ્યા પછી તમને થાય કે એ જે માર્ક્સ મળશે એનો ઉપયોગ તો જીવનમાં ક્યાં કરવાનો આવશે, જીવન તો પૂરું થઈ ગયું તો કહેવાનું, એ જે માર્ક્સ છે એ માર્ક્સ તમને સ્વર્ગવાસી પણ બનાવવામાં કામ લાગી શકે અને પુનર્જન્મમાં પણ શ્રેષ્ઠ પરિવારમાં જન્મ આપવામાં પણ નમિત્ત બની શકે. મૃત્યુ પછીની દુનિયા વિશે આપણે જાણતા નથી એટલે એના વિશે વધારે વિચારવાને બદલે શું કામ એવું જ ન વિચારીએ જે આપણા હાથમાં છે અને ધારો કે એવું જ વિચારવું હોય તો એવું પણ શું કામ ન વિચારીએ કે મારા આજના લેખને કેટલા માર્ક્સ મળશે? કહ્યું એમ, આ મારી દૈનિક પરીક્ષા છે એટલે હવે તમારે નક્કી કરવાનું છે કે મારા આ લેખના, મારી આ પરીક્ષામાં તમારે ૧૦૦માંથી કેટલા માર્ક આપવા છે? ઓછા આપશો તો નેક્સ્ટ ટાઇમ વધારે સારી મહેનત કરીને તમારી પાસે આવીશ અને વધારે આપશો તો તમારી એ અપેક્ષા અકબંધ રહે એવી મહેનત કરીશ.

એક્ઝામિનર તમે છો, તમે જ નક્કી કરો. કેટલા માર્ક્સ આપવા છે?

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2024 11:44 AM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK