મુલુંડ વેસ્ટના દીપમ ગૃહ મંદિરમ્માં ૧૬ સપ્ટેમ્બરે અનોખું પ્રદર્શન ઓપન થશે, જેમાં જૈન તીર્થંકર પ્રભુની માતાએ જોયેલાં ૧૪ સ્વપ્નો, ભગવાનના ઝૂલા સહિતની મિનિએચર પ્રતિકૃતિ પેન્સિલની અણી પર કોતરાયેલી જોવા મળશે
પર્યુષણ સ્પેશ્યલ
પેન્સિલની અણી પર ઝૂલતું પારણું જોયું છે?
જૈનોનું સૌથી મોટું પર્વ પર્યુષણ ચાલી રહ્યું છે. આ પર્વાધિરાજ દરમિયાન દરેક જૈન સંઘમાં સાધુ-સાધ્વીજીના મુખે જૈનધર્મીઓના અત્યંત પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રનું વાંચન થાય છે. આ પૂજનીય ગ્રંથમાં જૈનોનાં ચોવીસે તીર્થંકરના જીવનચરિત્રનું આલેખન છે. એ મહાસૂત્રના વાંચનની સિરીઝ પ્રમાણે પર્યુષણના પાંચમા દિવસે ચોવીસમા તીર્થંકર શાસનપતિ મહાવીર સ્વામીનો જન્મ થાય છે અને એની ઉજવણી રૂપે દરેક જૈન સંઘમાં પ્રભુના જન્મ પૂર્વે તેમની માતાએ જોયેલાં સ્વપ્ન ઉતારવામાં આવે છે. ત્યાર બાદ પરમાત્માનો જન્મ થાય છે ને પ્રભુને પારણામાં ઝુલાવવાની પરંપરા છે. દરેક જૈન માટે આ પ્રસંગ અત્યંત આનંદમય અને પ્રસન્નતાભર્યો હોય છે. આથી દેશવિદેશના દરેક સંઘમાં અને દેરાસરમાં આ ઉત્સવ ધામધૂમથી ઊજવાય છે.
આ જન્મવાંચનના સેલિબ્રેશન સ્વરૂપે મુલુંડ વેસ્ટમાં રહેતા મનોજભાઈ ચરલાએ પોતાના ગૃહ જિનાલયમાં એક અનોખું પ્રદર્શન રાખ્યું છે, જેમાં પેન્સિલની અણી ઉપર એ ૧૪ સ્વપ્નો અને પારણાની મિનિએચર આકૃતિ કોતરાવડાવી છે. જનરલી ૧૪ સ્વપ્નો સોના, ચાંદી, હીરા, માણેક, મોતી જડેલા કે તાંબા જેવી અન્ય ધાતુઓના હોય ત્યારે પેન્સિલની અણી ઉપર થતી લીડ આર્ટમાં આવા આર્ટિકલ બનાવવાનો યુનિક આઇડિયા કઈ રીતે આવ્યો? એના જવાબમાં મનોજભાઈ કહે છે, ‘બે વર્ષ પૂર્વે અમારું જિનાલય બન્યું છે અને અમે દરેક પર્યુષણમાં કંઈક ડિફરન્ટ પ્રવૃત્તિ કરીએ જેથી જૈન યુવા વર્ગ, બાળકો એમાં જોડાય. એ સિલસિલામાં આ વખતે શું નવું કરવું એની વિચારણા ચાલતી હતી. એમાં ૬ મહિના પહેલાં મોબાઇલ ઉપર મેં પેન્સિલની અણી ઉપર બનાવાયેલી વિવિધ કૃતિઓ જોઈ. ઍન્ડ, યુરેકા! મને વિચાર આવ્યો કે એ ૧૪ સ્વપ્ન અને પારણું જો સીસાપેનની અણી ઉપર બનાવાય તો?’
ADVERTISEMENT
વિચાર આવતાં જ સ્ટેશનરી અને ગિફ્ટ આર્ટિકલ્સનો બિઝનેસ કરતાં મનોજભાઈએ આવા આર્ટિસ્ટોની શોધ આદરી જેમાં તેમને અમેરિકા, રશિયા, ઇટલીના બેસ્ટ મિનિએચર કલાકારો મળ્યા. મનોજભાઈએ તેમની સાથે કમ્યુનિકેશન કર્યું અને પોતાના આઇડિયાની વાત કરી. થોડીઘણી વાતચીતને અંતે એ કલાકારોની ફીનું પૂછ્યું. મનોજભાઈ કહે છે, ‘ધૅટ વૉઝ એક્સ્ટ્રા હાઈ. આ આખો પ્રોજેક્ટ બહુ એક્સપેન્સિવ થઈ રહ્યો હતો. એટલે મેં આપણા દેશમાં જ આવી રચનાકારોની ખોજ શરૂ કરી અને થોડા સમય બાદ મને નાશિકના જીવન જાધવ અને તામિલનાડુના કૈલાશ બાબુ મળ્યા જેઓ પણ આવી મિનિએચર કલાકૃતિના એક્સપર્ટ હતા. તેમની સાથે પણ વાતચીત થઈ, તેમને આખો કન્સેપ્ટ સમજાવ્યો અને એવરીથિંગ ફાઇનલાઇઝ્ડ.’
જોકે ઑર્ડર અપાઈ ગયો એટલે વાત પૂરી એવું નહોતું. મનોજભાઈએ બરાબર ૬ મહિનાના ઉજાગરા કર્યા છે. તેઓ કહે છે, ‘આ વસ્તુ યુનિક હતી એટલે પહેલો ડર હતો કે કલાકારો આખો કન્સેપ્ટ બરાબર સમજશે કે નહીં, બીજી ઍન્ગ્ઝાયટી હતી જે ચિત્ર અનુસાર કલાકૃતિ બનાવવાની છે એને યોગ્ય ન્યાય મળશે કે નહીં? એટલે એ સિંહ હોય તો એ સિંહ જેવો દેખાશે કે નહીં? અને ત્રીજો મુખ્ય પ્રશ્ન હતો કે આર્ટિસ્ટો આ ચીજોની ઇન ટાઇમ ડિલિવરી કરી શકશે કે નહીં? આપણને દરેકને ખ્યાલ હશે કે પેન્સિલની અણી કેવી નાજુક હોય છે. એ અણીની ઉપર અડધાથી પોણા ઇંચના પાતળા પોર્શનમાં કોઈ પિક્ચર કંડારવું ઈઝી નથી. આખું મિનિએચર તૈયાર થાય ત્યાર પછી એક નાનકડી ક્ષતિથી એ તૂટી પણ શકે કે ખરાબ પણ થઈ શકે.’
પણ કહે છેને, જ્યારે તમારો હેતુ સારો હોય તો ઈશ્વરના આશીર્વાદ તમારી સાથે જ હોય છે. એમ મનોજભાઈને ૧૪ સ્વપ્ન અને પારણું ઑન ટાઇમ ડિલિવર થઈ ગયાં. વળી એ અસલ જેવા આબેહૂબ બન્યાં છે. ૧ સ્વપ્ન ફૂલની માળામાં લિટરલી, માળામાં પડે એવો ગૅપ છે તો ધુમાડા વિનાના અગ્નિના સ્વપ્નની અગ્નિજ્વાળા એકદમ જીવંત લાગે છે. મનોજભાઈએ આ કલાકૃતિઓના બે સેટ બનાવડાવ્યા છે. આર્ટિસ્ટ જીવન જાધવે ટૂ-ડી સેટ બનાવ્યો છે, જે ફ્રેમમાં સેટ કરાયો છે, જ્યારે કૈલાશ બાબુએ થ્રી-ડી સ્વપ્નો બનાવ્યાં છે જે ઍક્રિલિક બૉક્સમાં ઊભાં રખાયાં છે. આમ તો નૉર્મલ માણસને નરી આંખે દેખાય એવી જ કલાકૃતિ છે. છતાં અહીં મૅગ્નિફાઇંગ ગ્લાસ પણ રાખવામાં આવશે.
ક્યારે અને ક્યાં જોવા મળશે?
મહાવીર જન્મ વાંચનના દિવસે એટલે ૧૬ સપ્ટેમ્બરની સાંજે ઓપન થનારું આ એક્ઝિબિશન ૧૯ સપ્ટેમ્બરની રાત સુધી ચાલશે. અને આ ચાર ઇવનિંગમાં અદ્વિતીય સપનાં સહિત ભગવાનની સુપર્બ અંગરચનાનાં પણ દર્શન થશે. શનિવારે જ આ દેરાસરની ઉપરની એક જગ્યામાં સિદ્ધાર્થ રાજાનો દરબાર બનાવવામાં આવશે જેમાં ત્રિશલા રાણીને સ્વપ્ન આવ્યાંનો માહોલ રચવામાં આવશે.
કમાલ કરી છે આ બન્ને કલાકારોએ
સ્વપ્નનો ટૂ-ડી સેટ બનાવનાર નાશિકના જીવન જાધવ આવી અવનવી કલાકૃતિઓ માટે અનેક વખત ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામી ચૂક્યા છે. તો થ્રી-ડી સેટનો સર્જક તામિલનાડુના તિરુવલ્લુવરનો કૈલાશ બાબુ ૨૮ વર્ષનો નવયુવાન છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરી લીડ સ્ક્લ્પ્ચર આર્ટિસ્ટ બનેલો કૈલાશ આ કળા જાતે જાતે વિડિયોઝ જોઈને શીખ્યો છે. હૈદરાબાદ, ચેન્નઈ, બૅન્ગલોરમાં અનેક એક્ઝિબિશન કરનારા કૈલાશને જૈન ધર્મમાં ૧૪ સ્વપ્નની મહત્તાનો ખ્યાલ હતો, કારણ કે તેની વાઇફે જૈનિઝમમાં ડૉક્ટરેટ કર્યું છે. આ અતિ પવિત્ર કાર્ય કરવા પૂર્વે કૈલાશે આ કળામાં જોઈતાં દરેક શસ્ત્ર નવેસરથી બનાવડાવ્યાં અને એની પૂજા કર્યા બાદ ૧૪ સ્વપ્ન આદિ કોતરવાનું શરૂ કર્યું. થોડાં મિલિમીટરનું ડાયામીટર ધરાવતી પેન્સિલની લિડ ઉપર આ ઇમેજ બનાવતાં તેને ઘણી ચૅલેન્જિસ આવી, બે વખત તેની ડોકની સર્જરી કરાવવી પડી. પરંતુ ફાઇનલ કામ એવું બેનમૂન થયું છે કે જોનારા એક વખત બોલી જ પડે, ‘કમાલના છે આ કલાકારો.’
દૈદીપ્યમાન છે દીપમ ગૃહ મંદિરમ્
મુલુંડ વેસ્ટના પુરુષોત્તમ ખેરાજ રોડ ઉપર, સર્વોદયનગરની નજીક આવેલા અઢીસોથી ત્રણસો ફીટ એરિયામાં બનેલું આ જિનમંદિર નાનું હોવા છતાં મનમોહક છે. અહીં દીપકના આકારના સિંહાસનમાં પ્રભુ બિરાજમાન છે તો ભંડાર, પાટલા, આસન બધું જ દીપકના આકારમાં છે. પર્યુષણના આઠ દિવસ દરમિયાન અહીં સુપર્બ ડેકોરેશન તો થાય જ છે. ઉપરાંત સવારના પૂજા કરવા આવનાર દરેક ભક્તની પૂર્ણ અષ્ટપુકારી પૂજા થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. મનોજભાઈ કહે છે, ‘અમારો ગોલ છે કે વધુ ને
વધુ યંગ જનરેશનને ધર્મનો પરિચય થાય. ભલે તેઓ કુતૂહલ કે આકર્ષણ થકી અહીં આવે પણ એક વાર આવશે તો જ તેને બીજી વખત આવવાનું મન થશે.’