ક્રિકેટનો મને કોઈ શોખ નહીં એટલે ક્રિકેટ વિશે તો વાત નહીં કરું, પણ જે રિઝલ્ટ રવિવારે અમદાવાદમાં આવ્યું એ જોઈને કહેવાનું મન થાય છે કે નાસીપાસ થવાની જરૂર નથી. આપણી ટીમ અગાઉ જે રીતે રમી છે એ ભૂલીને હવે એના પર માછલાં ન ધોતા

હાર બાદ હતાશ થયેલી ભારતીય ટીમની ફાઇલ તસવીર
હમણાં જ કોઈ પેપરમાં વાંચ્યું હતું કે ૪૫ દિવસ સુધી, સતત, એકધારી આપણી ક્રિકેટ ટીમે અવ્વલ દરજ્જાનું પ્રદર્શન કર્યું અને સાવ છેલ્લા દિવસે ટીમ પાણીમાં બેસી ગઈ. કોઈએ લખ્યું કે ફરી એક વાર સાબિત થયું કે ટીમ ઇન્ડિયાનો ઘોડો દશેરાના દિવસે જ દોડતો નથી અને એવું પણ વાંચ્યું કે આપણી ટીમને ફટકા મારવાની જરૂર છે. બહુ બધું વાંચ્યું પેપરમાં રવિવારની આપણી હાર માટે.
ક્રિકેટમાં મને કોઈ એવો ખાસ રસ નહીં, પણ જો બધા જોતા હોય તો સાથે બેસીને એનો આનંદ પણ હું લઉં. હવે તો બધા પ્લેયર નવા થઈ ગયા છે, પણ પહેલાંના ખેલાડીઓને હું ઓળખી શકું. સચિન તેન્ડુલકરથી માંડીને સુનીલ ગાવસકર, આપણો માહી મહેન્દ્ર સિંહ ધોની અને એ સિવાયના પણ ઘણા આપણા ક્રિકેટરોને ઓળખી જાઉં તો કેટલાક તો મને પણ ઓળખી જાય, પરંતુ આપણી વાત ઓળખાણની નથી ચાલતી. આપણી વાત ચાલે છે ક્રિકેટ ટીમની હારની અને હાર કોને ગમે? ન જ ગમે એ સ્વાભાવિક છે, પણ જીવનમાં હાર જરૂરી હોય છે. જો તમે એકધારા આગળ વધતા રહો તો પછી કેવી રીતે તમને નવા દાવપેચ, નવી રીત, નવી પ્રક્રિયાની ખબર પડે. હારને કારણે તો જીતનું મહત્ત્વ છે. તમે જુઓ, એક પેપર પોતે એવું લખે છે કે ૪૫ દિવસ સુધી આપણી ટીમ ચૅમ્પિયન જેવું રમી અને છેલ્લે પાણીમાં બેસી ગઈ. ભલામાણસ, જરા તો એ ૪૫ દિવસને યાદ કરો, જેમાં આપણી ટીમે, આપણા પ્લેયરે તમને પેટ ભરીને મજા કરાવી છે, આનંદ આપ્યો છે, ખુશી આપી છે અને દિલથી તમારું મનોરંજન કર્યું છે. શું એક હાર આવે તો અગાઉના એ ૪૫ દિવસને ભૂલી જવાના?
ADVERTISEMENT
કબૂલ કે બહુ અગત્યની કહેવાય એવી એ મૅચ હતી. એ પણ માન્યું કે એ જીત પર આખા દેશની નજર હતી, પણ સાથોસાથ તમે એ પણ સ્વીકારો કે શું એ હાર આપણી ટીમને પણ જોઈતી હોય ખરી? ના, ન જ જોઈતી હોયને. કોઈને હાર નથી જોઈતી. કોઈને નાપાસનું રિઝલ્ટ નથી ગમતું, પણ એ આવ્યું તો એનો મતલબ એવો થોડો હોય કે બિસ્તરા-પોટલાં બાંધીને નાપાસના એ રિઝલ્ટ પર પથારી કરીને બેસી જવાનું?! ના રે, એવું હોય જ નહીં. ઈશ્વરે તમને દોઢ મહિનો બહુ સારો આપ્યો, તો એક દિવસ તેણે તમારા નસીબમાં ખરાબ લખ્યો તો સ્વીકારી લેવાનો એ દિવસ અને આગળ વધવાનું. ખરાબ દિવસ છે એટલે તો સારા દિવસોની કિંમત છે. ખરાબ સમય છે એટલે તો સારા સમયની ખુશી છે. ભારતીય ક્રિકેટ ટીમ હારી ગઈ છે એ સારું નથી જ થયું, પણ ધારો કે તમારું બાળક રેસમાં ઊતર્યું હોય અને તે પડી જાય, તેને વાગે અને પછી તે હારી જાય તો તમે શું કરી શકો?
ઘરે આવીને તેને બે તમાચા ઝીંકી દો કે પછી તેણે કરેલા પ્રયાસ માટે તેની સરાહના કરો, તેનાં વખાણ કરો અને તેને બે સારા શબ્દો કહીને નવી રેસ માટે તૈયાર કરો?
આપણી ટીમ હારી છે. હવે સમય છે કે આપણે ટીમને સહકાર આપીએ અને સહકાર આપવાની સાથોસાથ આપણે ટીમનો જુસ્સો વધારીએ. એને એ દિવસોની યાદ દેવડાવીએ જે દિવસોમાં તેણે આપણને ખુશ કરવા માટે તનતોડ મહેનત કરી હતી અને આપણને અઢળક ખુશીઓ આપી હતી. હું તો ક્રિકેટર અને ઍક્ટરને એકસમાન જ ગણું. જો કોઈ ઍક્ટર ક્યારેય ફ્લૉપ ફિલ્મ માટે કામ નથી કરતો તો પછી કોઈ ક્રિકેટર કેવી રીતે હાર માટે મેદાનમાં ઊતરે?!
ક્રિકેટર અને ઍક્ટર જ નહીં, હરીફાઈમાં ઊતરનારો એકેક વ્યક્તિ જીતના આશયથી જ મેદાનમાં આવતો હોય છે અને પછી તે જીવ દઈને, તનતોડ મહેનત કરતો હોય છે. આપણી ટીમે પણ એ જ કર્યું હતું, પણ કહ્યુંને, રવિવારનો દિવસ આપણો નહોતો. બસ, એટલી જ વાત છે અને આખી વાતને એ જ રીતે લેવાની છે. સ્વીકાર્ય કે જો જીતા વો હી સિંકદર, પણ એવું ક્યાં કોઈએ કહ્યું છે કે જો હારા વો બંદર? હકીકતમાં હાર-જીતનું જે મેદાન છે એમાં એક જીતતું હોય છે અને બીજું શીખતું હોય છે.
મારી એક વાત યાદ રાખજો.
રવિવારનો દિવસ શીખવાનો દિવસ હતો.
આપણી ટીમે પણ અને આપણે સૌએ પણ.
lll
જીવનમાં હારને પચાવવાની ક્ષમતા પણ હોવી જોઈશે. જો એ ક્ષમતા તમે તમારા બાળકમાં નહીં મૂકો તો એ હાર સ્વીકારી નહીં શકે અને તમે તેને દરેક તબક્કે જીત આપી શકવાના નથી. ભલે તે અવ્વલ દરજ્જાનું પ્રદર્શન કરે, પણ બને કે તેનાથી એક પર્સન્ટ પણ કોઈ સારું પર્ફોર્મ કરે ત્યારે તમારા બાળકે પાછળ રહેવું પડે.
આજે જ્યારે ફૅમિલી નાની થઈ ગઈ છે. આજે જ્યારે ન્યુક્લિયર ફૅમિલી થવા માંડી છે એવા સમયે આપણે સમજવું પડશે કે બાળકને ઘરમાં જ ટ્રેઇનિંગ આપવાની છે અને એ ટ્રેઇનિંગમાં તેને હારતાં પણ શીખવવાનું છે. જો તમારું બાળક હારતાં નહીં શીખે તો ભવિષ્યમાં તેણે હેરાન જ થવું પડશે અને ભવિષ્યમાં જ્યારે હેરાન થવું પડશે ત્યારે તે કુમળો છોડ નહીં હોય કે તમે તેને સમજાવી કે શીખવી શકો.
ઘરમાં બેસો અને બાળકને હરાવો.
બહુ વસમું લાગી શકે મારું આ સજેશન, પણ બહુ અગત્યનું આ સજેશન છે. જો તમારું બાળક હારને પણ પચાવી શકશે તો જ તે નવી જીત માટે તાકાત સાથે, ક્ષમતા સાથે ફરીથી આગળ આવશે. આજે હું ઘણાં બાળકોને જોઉં છું, જે ફૅમિલીમાં એક જ હોય અને એને લીધે માબાપે તેને બહુ લાડ કર્યા હોય. માગ્યું હોય એ બધું હાજર કરી દીધું હોય. બાળકની આંખમાંથી આંસુ ન નીકળે એને માટે સતત પ્રયાસ કર્યા હોય, પણ એ જોઉં ત્યારે મને ખરેખર થાય કે આ બાળકનું ભવિષ્યમાં શું થશે, જ્યારે તેને બહારની તકલીફોને લીધે રડવું આવશે? ત્યારે તેનું શું થશે જ્યારે તેને હરીફાઈની દુનિયામાં પછડાટ મળશે. એક સમય હતો કે બાળકોને એ બધી ટ્રેઇનિંગ ઘરમાં જ મળી જતી. દાદા-દાદી કે પછી બીજાં ભાઈબહેનો વચ્ચે તે મોટાં થતાં અને એમાં જ તેમનું ઘડતર થતું, પણ હવે ક્યાં રહી એ સંયુક્ત ફૅમિલી, જેમાં ઘડતર વિનામૂલ્યે થતું.
રવિવારની હાર ભલે દેશવાસીઓને નિરાશ કરી ગઈ, પણ હું કહીશ કે ભલું થજો આપણી ક્રિકેટ ટીમનું કે તેણે હાર દેખાડીને આપણા દેશવાસીઓને સંદેશો આપ્યો કે એકધારી જીત પછી હારને પણ પચાવતાં શીખવી પડશે. એકધારી જીત અને એકધારું આયુષ્ય કોઈને મળ્યું નથી અને કોઈને મળવાનું પણ નથી, તો પછી એ પ્રકારની અપેક્ષા રાખવી ગેરવાજબી છે.
એક સમય હતો કે બાળકોને કૉમ્પિટિશન માટે તૈયાર કરવામાં આવતાં, પણ હું કહીશ કે હવે સમય આવી ગયો છે બાળકોને હાર માટે તૈયાર કરાવાનો. કારણ કે હાર વાસ્તવિકતા સાથે જોડી રાખવાનું કામ કરે છે અને હાર જ, બાળકને જીવનમાં જીતનું મહત્ત્વ સમજાવે છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

