Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીવદયાને લીધે જો જીવહિંસા થાય તો એ સદ્કર્મ કે દુષ્કર્મ?

જીવદયાને લીધે જો જીવહિંસા થાય તો એ સદ્કર્મ કે દુષ્કર્મ?

11 September, 2022 04:08 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

ગઈ કાલે સુપ્રીમ કોર્ટે વળી ચુકાદો આપ્યો કે જો સ્ટ્રે ડૉગ કોઈને કરડે તો એને ખાવાનું ખવડાવનારાઓને જવાબદાર ગણાવી શકાય

ફાઇલ તસવીર

સ્પેશ્યલ સ્ટોરી

ફાઇલ તસવીર


જીવદયાપ્રેમીઓ અને સ્ટ્રે ડૉગ્સથી પરેશાન લોકો વચ્ચે સોસાયટીના લેવલે જબરજસ્ત ઘર્ષણ થઈ રહ્યું છે અને એનું કારણ છે પાળેલા કે રખડતા ડૉગ્સ દ્વારા કરડવાના વધતા બનાવો. એમાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટે વળી ચુકાદો આપ્યો કે જો સ્ટ્રે ડૉગ કોઈને કરડે તો એને ખાવાનું ખવડાવનારાઓને જવાબદાર ગણાવી શકાય. આ ચુકાદો શ્વાનપ્રેમીઓ માટે બહુ આવકારદાયક નથી જ. અનેક સ્થળે ઘર્ષણનું કારણ બનતા સ્ટ્રે ડૉગ્સની સંખ્યા વધતી જાય છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ શું એ વિષય પર કરીએ થોડીક ચર્ચા    

૨૦૧૪માં રસ્તે રખડતા શ્વાનની સંખ્યા ૯૫,૧૭૪ હતી, જેમાં હવે લગભગ ત્રણગણો વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વધતી સંખ્યાની સાથે કૂતરું માણસને ફરક્યું હોવાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. 



કૂતરાઓનું નામ પડે એટલે કેટલાક લોકોના ચહેરા પર મસમોટું સ્માઇલ આવી જાય તો કેટલાક લોકોના નાકનું ટેરવું ચડી જાય. રસ્તે રખડતા કૂતરાઓને જોઈને કેટલાક લોકોના હૃદયમાં જીવદયાપ્રેમ જાગૃત થઈ જાય તો કેટલાક લોકો એમને જોતાં જ ડરના માર્યા બે ડગલાં પાછળ હટી જાય. આ જ કારણ મુંબઈની કેટલીક સોસાયટીઓમાં હવે ઘર્ષણનું નિમિત્ત બન્યું છે.


સોસાયટીના કેટલાક સભ્યો નિયમિત ધોરણે રસ્તે રખડતા કૂતરાઓનું ધ્યાન રાખવા મથે છે, એમને ખાવાનું અને દૂધ આપે છે, કોઈ કૂતરું બીમાર પડ્યું હોય કે અકસ્માતનો ભોગ બન્યું હોય તો એમની સારવાર પણ કરાવે છે. સામા પક્ષે ઘણી વાર એવું પણ બને છે કે એ જ વિસ્તારમાં રહેતા કેટલાક અન્ય રહેવાસીઓને જીવદયાપ્રેમીઓની આ પ્રવૃત્તિ ગમતી નથી. તેમનું કહેવું એમ હોય છે કે તમે આ કૂતરાઓને ખવડાવો છો તેથી તેઓ અહીં ઘર કરી ગયા છે, ગંદકી કરે છે, લોકોને હેરાન કરે છે, અમને કરડે છે. પરિણામે આવા લોકો જીવદયાપ્રેમીઓ સામે અવાજ ઉઠાવે છે, તેમની સામે બળવો પોકારે છે અને ક્યારેક તો વાત પોલીસ સુધી ગઈ હોવાના કિસ્સા પણ બનતા રહેતા હોય છે. અધૂરામાં હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું કે રખડતા ડૉગીઓની ખવડાવનારને જો એ કોઈને કરડી જાય તો એના માટે દોષી ગણી શકાય. આવી પરિસ્થિતિમાં શું કરવું? બંને પક્ષ પાસે પોતપોતાનું સત્ય છે, પોતપોતાની દલીલો છે. આમાંથી સાચું કોણ અને ખોટું કોણ? આ સમસ્યાનો શું ઉકેલ હોઈ શકે? ચાલો, આજે આ વિષયને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરી જોઈએ.

મલાડમાં રહેતા મૂળ ગુજરાતના ગોધ્રો ગામના જૈન કચ્છી અજય શાહ છેલ્લાં સાત-આઠ વર્ષથી રસ્તે રખડતા કૂતરાઓને ખાવાનું ખવડાવે છે. માત્ર શોખ તરીકે શરૂ થયેલી આ પ્રવૃત્તિ હવે તેમનું પૅશન બની ગઈ છે. તેમનું કહેવું છે કે ‘માણસમાત્રમાં જીવદયા હોવી જોઈએ. એમાં ફક્ત મનુષ્યોનો જ નહીં, પશુ-પક્ષી બધાનો જ સમાવેશ થવો જોઈએ. આપણે ત્યાં વાર-તહેવારે ગરીબોને ખાવાનું ખવડાવવાની પ્રથા છે. લોકો ગાયને ઘાસ નાખે છે, કબૂતરને ચણ નાખે છે, કાગડાને કાગવાસ નાખે છે; પરંતુ રસ્તે રખડતાં જાનવરોનો આમાં ક્યાંય સમાવેશ થતો નથી. હકીકત તો એ છે કે તેઓ પણ જીવ જ છે. એમને પણ આપણી જેમ જ ભૂખ લાગે છે. આપણે એમને નહીં ખવડાવીએ તો તેઓ પોતાની આસપાસ જે મળશે એ ખાશે. કચરામાંથી શોધીને ખાશે, ગટરની આસપાસ પડેલું ખાશે; પરંતુ એ હાઇજીનિક નહીં હોય. આવું ખાવાનું ખાઈને તેઓ પોતે પણ બીમાર પડી શકે છે અને આપણને પણ બીમાર પાડી શકે છે. તેથી હું નિયમિત ધોરણે આ જાનવરોને ખવડાવતો રહું છું. મારી સોસાયટીમાં પણ કેટલાક લોકોને મારી આ પ્રવૃત્તિ ગમતી નથી, પરંતુ હું તેમની વાતો કાને ધરતો નથી. તેઓ ઇચ્છે તો પોલીસમાં જઈને મારી સામે ફરિયાદ પણ નોંધાવી શકે છે. હું જવાબ આપવા તૈયાર છું, પણ આ કામ બંધ તો નહીં જ કરું.’ 


અજયભાઈની વાત સામે પોતાના મુદ્દા રજૂ કરતાં કાંદિવલીની પારસવાડીમાં રહેતા પ્રોફેસર હાર્દિક ભટ્ટ કહે છે, ‘રસ્તે રખડતાં જાનવરોને ભોજન આપવું ચોક્કસ એક સારું કર્મ છે, પરંતુ સદ્કર્મ પણ શિસ્તબદ્ધ રીતે થવું જોઈએ. તમારું સદ્કર્મ સોસાયટીમાં રહેતા અન્ય લોકો માટે હેરાનગતિનું કારણ બની જાય એ કોઈ રીતે યોગ્ય નથી. મારી સોસાયટીમાં ચાર બિલ્ડિંગ છે. આ ચારેચાર બિલ્ડિંગમાં કેટલાક એવા લોકો છે જેઓ રોજિંદા ધોરણે રસ્તે રખડતા કૂતરાઓને ખાવાનું ખવડાવે છે. એને પગલે એમણે અમારી સોસાયટીની આસપાસ પોતાનું ઘર બનાવી લીધું છે. હવે માત્ર અમારી સોસાયટીમાં જ કૂતરાઓની સંખ્યા વધીને ૩૦થી ૪૦ થઈ ગઈ છે. આ કૂતરાઓ આખો દિવસ અમારાં આ ચાર બિલ્ડિંગ વચ્ચે ફર્યા કરે છે, આવતા-જતા બધા પર ભસ્યા કરે છે, અમારા વાહનોની પાછળ દોડે છે. એટલું જ નહીં, કેટલાક લોકોને તો એમણે બચકાં પણ ભર્યાં છે. વચ્ચે એક કૂતરું અમારી જ સોસાયટીના સેક્રેટરીની બીજા ધોરણમાં ભણતી છોકરીને કરડી ગયું હતું.

કુરિયરવાળાને પણ આ પ્રસાદ મળી ગયો છે. અરે, એક વાર તો ચારથી પાંચ કૂતરા અમારા વૉચમૅનની પાંચ વર્ષની દીકરીને પીંખી કાઢવા તેની આસપાસ ફરી વળ્યા હતા. રોજ ચાર-પાંચ ગુરખાઓએ અમારે ત્યાં લાકડી લઈ બેસી રહેવું પડે છે. હવે કોઈ અમારા બિલ્ડિંગમાં પગ મૂકવા તૈયાર નથી. ઇસ્ત્રીવાળો હોય, કુરિયરવાળો હોય કે પોસ્ટમૅન; બધા ઉપર આવવાને બદલે અમને ફોન કરીને પોતાનાં કપડાં, પાર્સલ કે ટપાલ લેવા નીચે બોલાવે છે. ઘરે કોઈ મિત્ર કે મહેમાન આવ્યા હોય તો તેમને પણ લેવા અને મૂકવા અમારે નીચે સુધી જવું પડે છે. સોસાયટીના કેટલાક લોકો આ કૂતરાઓને ખાવાનું ખવડાવવા એમને દાદરા સુધી બોલાવે છે. પછી એ કૂતરા ત્યાં જ પોતાનો અડ્ડો જમાવીને બેસી રહે છે. દાદરામાં બેસેલા આ કૂતરાઓ કેટલીક વાર ત્યાં જ ટૉઇલેટ અને બાથરૂમ કરીને ગંદું કરી જાય છે. ઝાડુવાળાઓ પણ આ પરિસ્થિતિથી કંટાળ્યા હોવાથી આ ગંદકી સાફ કરવા તૈયાર નથી. માણસ દિવસે જાગે અને રાતના સૂઈ જાય, પરંતુ કૂતરાઓ રાતના એકદમ જાગૃત થઈ જાય. તેથી આખા દિવસના આ થાક બાદ જ્યારે અમે સૂવાની તૈયારીમાં હોઈએ ત્યારે સોસાયટીના એ ૩૦થી ૪૦ કૂતરા એકસાથે ભસવાનું શરૂ કરે જે આખી રાત ચાલે. પરિણામે હવે અમે રાતના પણ નિરાંતે સૂઈ શકતા નથી. અમે સોસાયટીની મીટિંગ્સમાં ઘણી વાર આ મુદ્દા વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ, પરંતુ જેઓ આ કામ કરે છે અથવા જેઓ એમના સમર્થક છે તેઓ હવે આવી મીટિંગોમાં આવતા જ નથી. અમે બીએમસીમાં ફોન કરીને તેમની કૂતરા પકડીને લઈ જતી ગાડી બોલાવી તો આ જીવદયાપ્રેમીઓ તેમની સામે મોરચો કાઢીને બેસી ગયા. એટલું જ નહીં, એનજીઓ તથા પોલીસમાં અમારી જ સામે ફરિયાદ નોંધાવી દીધી. આ તે કેવું સદ્કર્મ? તમને શોખ હોય તો તમે પોતાના ઘરે કૂતરા પાળો, કોઈ ના પાડતું નથી; પરંતુ સોસાયટી એક સંગઠન છે. એમાં રહેવાના કેટલાક નિયમો છે જે બધાના કલ્યાણ માટે બનેલા છે. પોતાની ધાર્મિક માન્યતાઓ પોષવા અન્યોને ત્રાસ આપવો એ કયા ધર્મમાં લખેલું છે?’

કૂતરાઓ માણસોને ત્રાસ આપે છે એ વાતનો સાફ ઇનકાર કરતાં બોરીવલીની આઇ. સી. કૉલોનીમાં રહેતા દ્વારકાના લોહાણા વૈષ્ણવ ૪૧ વર્ષના મેહુલ મોદી કહે છે, ‘હું છેલ્લાં સાત વર્ષથી મારા વિસ્તારના ૩૫ કૂતરાઓને રોજિંદા ધોરણે ખાવાનું આપું છું. બીમાર કે ઈજાગ્રસ્ત કૂતરાને હૉસ્પિટલમાં લઈ જવા મેં એક ઍમ્બ્યુલન્સ પણ રાખી છે. મારા એરિયામાં પણ ઘણા એવા લોકો છે જેમને મારી આ પ્રવૃત્તિ ગમતી નથી. તેમનું કહેવું છે કે મારા કારણે આ કૂતરાઓ આખો દિવસ અહીં ફર્યા કરે છે, ગંદકી કરે છે, ભસ્યા કરે છે, ત્રાસ આપે છે. જોકે માણસો કૂતરાઓને જે રીતનો અને જે હદનો ત્રાસ આપતા હોય છે એની તો આપણે કલ્પના પણ કરી શકતા નથી. અમારા જ વિસ્તારની પાછળ જંગલ છે. ઘણી વાર નશો કરવાવાળા, દારૂ પીવાવાળા, ચોર જેવાં કેટલાંક અસામાજિક તત્ત્વો રાતના સમયે ત્યાં ઘૂસી આવતાં હોય છે. અમારા વિસ્તારના કૂતરા જ્યારે તેમને જોઈને ભસે ત્યારે તેમાંના કેટલાકે ઘણી વાર બ્લેડથી તેમને ઈજા પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે. દિવાળીમાં કૂતરાની પૂંછડી સાથે ફટાકડા બાંધી દીધા હોવાના, કોઈ બીમાર કે ઈજાગ્રસ્ત કૂતરું ક્યાંક પડ્યું હોય તો એને ભગાડવા એના પર ઊકળતું ગરમ પાણી નાખી દીધા હોવાના, કૂતરીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દેવાના કે પછી કોઈ કૂતરાને દિવસો સુધી ક્યાંક પૂરી રાખી એની નિર્મમ હત્યા કરી હોવાના અનેક કિસ્સા અમારી પાસે અવારનવાર આવતા રહેતા હોય છે. અરે, વચ્ચે તો મારી પાસે એક કેસ આવ્યો હતો જેમાં કોઈએ એક કૂતરીના મોઢા પર ઍસિડ નાખી દીધું, જેને પગલે એના ચહેરા પર અનેક ટાંકા લેવા પડ્યા અને એની બંને આંખ જતી રહી. આ સિવાય દિવાળીમાં ફટાકડાના અવાજથી ગભરાઈને કોઈ કૂતરાને પૅરૅલિસિસનો અટૅક આવી ગયો હોય, કોઈ કોમામાં સરી પડ્યું હોય કે કોઈ હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ પામ્યું હોવાની ઘટનાઓ તો બનતી જ રહે છે. કેટલાક લોકો કૂતરાઓને પોટી કરતા જોઈને એમને લાકડીથી ભગાડી મૂકે છે; પરંતુ શું તમને ખબર છે કે પોટી કરવા ન મળે તો આ બેજુબાન જાનવરોને ફિટ પણ આવી શકે છે? હવે તમે જ કહો કે કૂતરાઓ માણસોને ત્રાસ આપે છે કે માણસો કૂતરાઓને?’

મેહલુભાઈએ વર્ણવેલા કિસ્સા જેટલા સાચા છે એટલું જ સાચું એ પણ છે કે જે વિસ્તારોમાં કૂતરાઓને નિરાંતે ભોજન મળી જાય છે ત્યાં એમની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. તાજેતરમાં જ બહાર આવેલા એક અહેવાલ અનુસાર મુંબઈમાં રસ્તે રખડતા કૂતરાઓની સંખ્યા વધી રહી છે. છેલ્લે બીએમસી દ્વારા કરવામાં આવેલી ગણતરી અનુસાર ૨૦૧૪માં રસ્તે રખડતા શ્વાનની સંખ્યા ૯૫,૧૭૪ હતી, જેમાં હવે લગભગ ત્રણગણો વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વધતી સંખ્યાની સાથે કૂતરું માણસને કરડ્યું હોવાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. બીએમસી દ્વારા જ બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર ૨૦૨૦માં ડૉગ-બાઇટના ૪૬,૦૩૨ કિસ્સા નોંધાયા હતા, જે ૨૦૨૧માં વધીને ૭૪,૯૬૪ થઈ ગયા હતા. 

આ પાછળનું કારણ સમજાવતાં તાડદેવનાં વેટરિનેરિયન ડૉ. ખુશ્બૂ શાહ કહે છે, ‘કૂતરાઓની બ્રીડિંગ સાઇકલ બહુ ઝડપી હોય છે. એક કૂતરી વર્ષમાં બે વાર બાળકોને જન્મ આપી શકે છે. પ્રત્યેક સાઇકલમાં તે એકસાથે પાંચથી દસ બાળકોને જન્મ આપે છે. એમાંથી ૫૦ ટકા નાના હોય ત્યારે જ કોઈ અકસ્માતનો અથવા બીમારીનો ભોગ બનીને મૃત્યુ પામે છે, પરંતુ બાકીના ૫૦ ટકા જીવી જાય છે. બીજા શબ્દોમાં પ્રત્યેક માદા દ્વારા દર વર્ષે ૧૦ બાળકોનો કૂતરાઓની કુલ સંખ્યામાં વધારો થાય છે. આ બાળકોમાંથી પણ પાછી જે માદા હોય છે તે આગલા છ મહિનામાં જ બાળકોને જન્મ આપવા સક્ષમ બની જાય છે. તેથી આવતા વર્ષે એના દ્વારા બીજાં ૧૦ બાળકોનો કૂતરાઓની વસ્તીમાં વધારો થાય છે. સ્વભાવે કૂતરું એક પ્રાદેશિક પ્રાણી છે. તે ફક્ત પોતાના જ વિસ્તારમાં રહે છે. જેવું તે પોતાની સીમા ઓળંગીને બીજા વિસ્તારમાં પ્રવેશે છે કે ત્યાંના કૂતરાઓ એને ફાડી ખાય છે. તેથી અંદરોઅંદર એમની વચ્ચે સીમારેખાની બાબતે સહમતી હોય છે. પરિણામે તમારા વિસ્તારમાં રહેતી કૂતરી જે બાળકોને જન્મ આપશે તેઓ તમારા જ વિસ્તારમાં રહેશે, બીજે જશે નહીં. આ જ કારણ છે કે અમુક વિસ્તારોમાં કૂતરાઓની સંખ્યા ખૂબ વધારે હોય છે તો કેટલાકમાં ઓછી. આ સમસ્યાનો એક જ ઇલાજ છે એમની નસબંધી એટલે કે સ્ટરિલાઇઝેશન કરાવી દેવું. એક વાર એમનું સ્ટરિલાઇઝેશન કરાવી દઈએ એટલે તેઓ નવાં બાળકોને જન્મ આપશે નહીં તેથી એમની વસ્તી આપોઆપ કાબૂમાં આવી જશે. બીજી બાજુ એમના કુદરતી આવેગો શાંત થઈ જતાં માદા માટે કૂતરાઓની અંદરોઅંદર જે લડાઈ થતી હોય એ પણ બંધ થઈ જશે, જેને પગલે એ વિસ્તારમાં શાંતિ થઈ જશે. સાથે જ એ આવેગ હેઠળ ક્યારેક તેઓ માણસો પર જે હુમલાઓ કરી બેસતા હોય છે એ પણ નિયંત્રણમાં આવી જાય છે. ઉપરાંત એમને ઇન્ફેકશન થવાની કે પછી માદાઓને ઓવેરિયન કૅન્સર થવાની સંભાવના પણ નહીંવત્ થઈ જાય છે. તેથી કૂતરાઓનું સ્ટરિલાઇઝેશન થવું અત્યંત આવશ્યક છે.’

આ માટે બીએમસી આખું વર્ષ સ્ટરિલાઇઝેશન પ્રોગ્રામ ચલાવે છે. એ હેઠળ ૨૦૧૭માં ૨૪,૨૯૦ કૂતરાઓની નસબંધી કરવામાં આવી હતી, જે ૨૦૨૧માં વધીને ૩૩,૧૬૬ સુધી પહોંચી હતી. જોકે જે પ્રમાણે કૂતરાઓની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે એની સામે બીએમસીનો આ પ્રોગ્રામ નબળો પુરવાર થઈ રહ્યો છે. એની પાછળનું કારણ સમજાવતાં કેમ્પ્સ કૉર્નરમાં આવેલા કાવસમાનેક ઍનિમલ વેલ્ફેર ફાઉન્ડેશનનાં સીઈઓ લીના સોઝ કહે છે, ‘હાલ આખા મુંબઈમાં બીએમસીનાં માત્ર ચાર જ સ્ટરિલાઇઝેશન સેન્ટર છે. આ સેન્ટરોએ પોતાને ત્યાં સ્ટરિલાઇઝ કરેલા કૂતરાઓને આગલા દસ દિવસ સેન્ટરમાં રાખવા પડે છે, કારણ કે સ્ટરિલાઇઝેશનની આ શસ્ત્રક્રિયામાં ટાંકા લેવા જે દોરા વાપરવામાં આવે છે એને સુકાતાં દસ દિવસ લાગે છે. એ જ સામાન્ય ટાંકાના સ્થાને તેઓ સોલ્યુબલ સ્યુચર્સ વાપરે તો નસબંધી બાદ બે-ત્રણ દિવસમાં જ એ કૂતરાઓને પોતાના વિસ્તારમાં પાછો મૂકી આવી શકાય. જોકે સામાન્ય દોરાની સરખામણીએ આ સોલ્યુબલ સ્યુચર્સ મોંઘા પડતા હોવાથી સરકારી સેન્ટર્સમાં હજી પણ એનો ઉપયોગ થતો નથી. પરિણામે એમના સ્ટરિલાઇઝેશનનો પ્રોગ્રામ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.’ 

લીનાની વાતને આગળ વધારતાં ભાંડુપની પ્લાન્ટ ઍન્ડ ઍનિમલ વેલ્ફેર સોસાયટીના સ્થાપક સુનીશ સુબ્રમણ્યમ જણાવે છે, ‘એક તો સરકારી સ્ટરિલાઇઝેશન સેન્ટર્સની સંખ્યા ખૂબ ઓછી છે. બીજું, જે છે એના વિશે પણ આમ જનતામાં કોઈ જાગૃતિ નથી. જેઓ આ સેન્ટર્સના લોકેશનથી પરિચિત છે તેમને પણ દૂરનાં આવાં સેન્ટર્સમાં કૂતરાને સ્ટરિલાઇઝ કરવા લઈ જવાનું મુશ્કેલ પડે છે. સામા પક્ષે કૂતરાઓની વધતી જતી વસ્તીને જોતાં હવે જરૂરી છે કે બીએમસી મુંબઈના પ્રત્યેક વૉર્ડમાં આવું એક-એક સેન્ટર શરૂ કરે. સાથે જ પ્રત્યેક વૉર્ડના લોકોને આ સેન્ટર્સ વિશે માહિતીગાર કરે. થોડા સમય પહેલાં સરકાર દ્વારા આ સેન્ટર્સની કામગીરી પર નજર રાખવા ઍનિમલ બર્થ કન્ટ્રોલ મૉનિટરિંગ કમિટી બેસાડવામાં તો આવી હતી, પરંતુ આ કમિટીએ પણ ક્યારેય પૂરતી પારદર્શિતાથી કામ કર્યું નહીં. તેથી જરૂરી છે કે આવી કમિટીમાં સરકારી ઑફિસર ઉપરાંત બિનસરકારી સંસ્થાઓ તથા સ્થાનિક ઍનિમલ ઍક્ટિવિસ્ટ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે. કૂતરાઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખતાં આવશ્યક છે કે નિયમિત ધોરણે કૂતરાઓની વસ્તીગણતરી થાય, ડૉગ-બાઇટ્સના કિસ્સાઓ પર ચાંપતી નજર રાખવામાં આવે અને પોતાના ઍનિમલ બર્થ કન્ટ્રોલ પ્રોગ્રામને વાયુવેગે આગળ વધારવા સરકાર નવી ટેક્નૉલૉજી અને સાધનોનો ઉપયોગ કરતી થાય.’ 

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2022 04:08 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK