૪૫૦થી વધારે એક્સપરિમેન્ટલ નાટકો, ફિલ્મો, સિરિયલો અને વેબ-સિરીઝમાં કામ કર્યા પછી પણ હજી ઘણું કરવાનું બાકી છે અને હજી મેળવવાનું બાકી છે એ વિચાર મારા મનમાં સતત રહે છે.
વિક્રમ વેધાના સેટ પર હૃતિક રોશન સાથે ગોવિંદ પાંડે.
અમિતાભ બચ્ચન. કરોડોનો આસામી અને દુનિયાભરમાં જેમની છબિને રિસ્પેક્ટની પરાકાષ્ઠાથી જોવામાં આવે છે એ બિગ બી આજે પણ કોઈ સીન માટે જ્યારે કૅમેરાની સામે આવે એટલે થોડીક ક્ષણ નર્વસ થઈ જાય અને આજે પણ કોઈ તેમને પૂછે કે તમે માનો છો કે તમને જીવનમાં ધારેલી સફળતા મળી ગઈ છે તો તેમનો જવાબ ના જ હશે. મેં ઘણા લેજન્ડરી ઍક્ટર સાથે કામ કર્યું છે. ઓમ પુરી, નસીરુદ્દીન શાહથી લઈને શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષયકુમાર, હૃતિક રોશન જેવા બીજા અનેક સ્ટારનાં નામ હું ગણાવી શકું જેમની પાસેથી એક જ મેસેજ મને સતત મળતો રહ્યો છે અને એ છે કે કામ કરતા રહો. મહેનતને ક્યારેય ન અટકાવો. જીવનમાં ટકવું હશે તો અટકવું નહીં એ જ સિદ્ધાંત હું શીખ્યો છું અને આ જ વાતને ગાંઠે બાંધીને અત્યાર સુધીનું જીવન જીવ્યો છું.




