Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વાત ૨૦૨૨ના વર્ષની

વાત ૨૦૨૨ના વર્ષની

29 December, 2022 09:57 PM IST | Mumbai
JD Majethia

સરવાળે આ વર્ષ ખરેખર બહુ સારું રહ્યું. આ વર્ષની સૌથી મોટી રાહતવાળી જો કોઈ વાત હોય તો એ કે કોરોનામાંથી આપણને છુટકારો મળ્યો. બે-અઢી વર્ષ સુધી આપણે અનેક રિસ્ટ્રિક્શન વચ્ચે રહ્યા, પણ આ વર્ષે આપણને એ બધામાંથી રાહત મળી અને આપણે એનો લાભ પણ લીધો

વાત ૨૦૨૨ના વર્ષની

જેડી કૉલિંગ

વાત ૨૦૨૨ના વર્ષની


ગયા ગુરુવારે તમને કહ્યું એમ જેવી ક્રિસમસ પૂરી થાય એટલે ઑટોમૅટિકલી આપણું મન વીતેલા વર્ષનું સરવૈયું કાઢવામાં લાગી જાય. તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે આપણે આ સરવૈયું કેમ કાઢતા હોઈએ છીએ? આપણું મન એ દિશામાં કેમ કામે લાગતું હોય છે?

કારણ કે આપણને હંમેશાં એક હોપ હોય છે, એક આશા હોય છે કે આપણા જીવનમાં બધું સારું જ થવાનું છે અને માણસ હંમેશાં આ હોપ પર જ જીવે છે. હિન્દીમાં એક સરસ લાઇન છે, બહુ જાણીતી લાઇન છે. તમે પણ અગાઉ વાંચી-સાંભળી હશે...
ઉમ્મીદ પે તો દુનિયા કાયમ હૈ.



આપણે બધા એક હોપ સાથે જીવતા હોઈએ છીએ કે આજ કરતાં આવતી કાલ વધારે સારી છે. બેટર ટુમોરો. બેટર ટુમોરો સામે આ આખું બેટર ન્યુ યર એવી અપેક્ષા હોય છે અને એ અપેક્ષાને કારણે જ આપણે ક્રિસમસ આવતાં જ વીતેલા વર્ષના સરવૈયા પર લાગી જતા હોઈએ છીએ કે મારું વીતેલું વર્ષ કેવું રહ્યું?


આપણે પણ એ જ વાત કરીએ અત્યારે કે આપણું વીતેલું વર્ષ કેવું રહ્યું? જો સાચું કહું તો ઓવરઑલ મને લાગે છે કે આ વર્ષ એટલે કે ૨૦૨૨ આમ તો ભારતમાં રહેતા લોકોનું સારું જ ગયું છે અને એની સૌથી સારી વાત એ કે કોવિડ ખતમ થયો. એ વાત જુદી છે કે હમણાં-હમણાં પાછા કોવિડના સમાચારો આવવાના શરૂ થયા છે, પણ આપણે એ બધાથી હજી એટલું ડરવાની જરૂર નથી એટલે આપણે એ વાતને અત્યારે સાઇડ પર મૂકીને આગળ વધીએ. આગળ વધીને કહેવાનું હોય તો કહેવું પડે કે ૨૦૨૨માં ભારત પરથી કોવિડનો ભય ખાસ્સો ઓછો થઈ ગયો. અગાઉનાં બે-અઢી વર્ષ આપણે કોવિડ-૧૯નાં જોયાં હતાં જેણે આપણને એવો ખોફ દેખાડ્યો કે આપણે ઑલમોસ્ટ એ વર્ષોમાં ઘરમાં જ રહ્યા. કહો કે એણે આપણને ઘરમાં કરી દીધા. અકલ્પ્ય ઘટનાઓ ઘટી આપણી સાથે, આપણા સ્વાસ્થ્ય સાથે અને એ સિવાય પણ શુંનું શું થયું આપણા જીવનમાં. ઘણા લોકોને આ કોવિડ પછી અજીબ-અજીબ પ્રકારના નાના-મોટા ચેન્જ શરીરમાં તબિયતની દૃષ્ટિએ જોવા મળે છે. મારી જ વાત કરું તો મને કોઈ વાર એમ થાય કે મને સતત ઉધરસ થયા જ કરે છે, જરાક મટે અને બે-ચાર દિવસ ઉધરસ વિનાના જાય કે પછી તરત જ ફરી ઉધરસ દેખાવા લાગે. મને થાય છે કે આ કોવિડ પછી ઉધરસ ઘર કરી ગઈ છે. આવું તો નાનું-મોટું ઘણું છે. કોઈને યંગ એજમાં હાર્ટ-અટૅક આવ્યો હોય એવા પણ ન્યુઝ આવ્યા. એમ છતાં કહેવું રહ્યું કે ૨૦૨૨માં આ કોવિડમાંથી છુટકારો થયો અને આખું વર્ષ શાંતિથી પસાર થયું. આપણે બધાએ બંધન વિના કે પછી રિસ્ટ્રિક્શન વિના આઝાદીનું એક વર્ષ માણ્યું. 

આ જ વર્ષના મારા બીજા સમયની વાત કરું તો કામની દૃષ્ટિએ ઈશ્વરની કૃપાથી મારું આ વર્ષ બહુ સરસ રહ્યું. ‘વાગલે કી દુનિયા’એ બીજા વર્ષમાં પણ એની જે સફળતા હતી એને જાળવી રાખી તો આ વર્ષે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ નામનો શો જૂનમાં લૉન્ચ થયો, જેની તૈયારી વર્ષની શરૂઆતથી અમે કરી દીધી હતી. આ બે શો ઉપરાંત કામની દૃષ્ટિએ હજી પણ એક સરસ કામ થયું. અમે એક વેબ-સિરીઝ બનાવીએ છીએ, જેનું શૂટ અમે માર્ચથી મે મહિના દરમ્યાન કર્યું. અમારી એ વેબ-સિરીઝનું નામ છે ‘હૅપી ફૅમિલી-કન્ડિશન્સ અપ્લાય’. આ જે વેબ-સિરીઝ છે એ તમને ૨૦૨૩ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ઍમેઝૉન પ્રાઇમ પર જોવા મળવાની છે. અત્યારે એનું પોસ્ટ-પ્રોડક્શન્સનું કામ ચાલે છે. આ ઉપરાંત એક બહુ મોટી સરપ્રાઇઝ છે જે તમારા માટે આવતા વર્ષે આવવાની છે, પણ એની શરૂઆત આ વર્ષથી થઈ અને અત્યારે એની પણ તૈયારીઓ ચાલી રહી છે જેને લીધે હું બહુ ખુશ છું. મને કહેવાનું બહુ મન થાય છે, કારણ કે એમાં તો હું...
ચાલોને, એ એક્સાઇટમેન્ટ જાળવી રાખું. જ્યારે આવશે ત્યારે એકસાથે બધું કહીશ. 


ફરી વાત કરીએ ૨૦૨૨ની તો વર્ક-વાઇઝ વર્ષ સરસ ગયું છે તો બાળકોનું ભણવાનું અને બીજું બધું બધું સારું રહ્યું છે. પત્નીનું કામ પણ બરાબર ચાલે છે અને મારી ફૅમિલીમાં પણ બધું એકદમ પરફેક્ટ ચાલે છે. હા, એક અફસોસની વાત જે રહી તે એ કે છેલ્લા દસેક દિવસથી મારા ફાધરની તબિયત બરાબર ન રહી, હૉસ્પિટલમાં ગયા. થોડું ડર લાગી જાય એવું પણ થયું, પણ હમણાં પાછું સારું છે એ ઈશ્વરની મહેરબાની. મારાં ભાઈ અને ભાભી, અમૂલ અને પન્નાભાભી તેમનું બહુ ધ્યાન રાખે છે તો ઘરના બીજા બધા મેમ્બરોને પણ ફાધરની ચિંતા બહુ રહ્યા કરે છે. બસ, ઈશ્વરને એ જ પ્રાર્થના કે તેમનું જેટલું જીવન બાકી છે એ તકલીફ વિનાનું કે પછી ઓછી તકલીફવાળું જાય. 

મારા બાપુજી હંમેશાં કહે કે આ જન્મનું અહીં જ ભોગવી લેવું સારું. 

મારા ફાધર બહુ મજબૂત વિલ-પાવરવાળા છે એટલે તે બરાબર લડી લેશે, જીવી લેશે અને એમ છતાં કહેવાનું મન થાય કે આ એક દુઃખની વાત છે આ વર્ષની. 

તમને ખબર જ છે કે દર વર્ષે અમે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવતા હોઈએ છીએ, પણ તમને લાસ્ટ વીક કહ્યું એમ આ વર્ષે હજી સુધી કોઈ પ્લાન બનતો દેખાઈ નથી રહ્યો. જોકે ઘણી વાર જીવનમાં સરપ્રાઇઝ પણ આવે એટલે હું એ બાબતમાં નિરાશ નથી. હું બહુ આશાવાદી છું. મને હંમેશાં હોપ ગમે. ખરાબમાં ખરાબ સમયમાં પણ હું આશાવાદને એકદમ અકબંધ રાખું એટલે એ જ આશાવાદ સાથે કહું તો પ્લાન બની પણ શકે છે અને બાળકો સાથે, ફ્રેન્ડ્સ સાથે, ફૅમિલી સાથે વેકેશનનું આયોજન થઈ પણ જાય.

હવે તો બાળકો મોટાં થઈ ગયાં અને મારા મિત્રો થોડા બુઢ્ઢા થઈ ગયા (આ વાત વાંચીને મારા મિત્રો બહુ ગાળો આપશે એ કન્ફર્મ છે). એ લોકોને ડાન્સ-પાર્ટીમાં જવાની મજા ન આવે અને મને જવાનું બહુ મન હોય. ૩૧ ડિસેમ્બરે મારે આખી રાત ડાન્સ કરવો હોય અને મારા મિત્રો ત્યાં કંટાળવા લાગે. એ લોકો થોડી-થોડી વારે કહે કે ચાલને હવે, પણ હું અટકું જ નહીં. 

કેટકેટલાં વેકેશનમાં અમે થર્ટીફર્સ્ટની પાર્ટી કરતા હોઈએ ત્યારે એ બધા બેસી ગયા હોય, પણ હું નાચતો હોઉં. અરે, ડીજે પણ મને દેખાડીને કહે કે આને કહો રોકાય. ત્યાં સુધી હું નાચતો હોઉં એટલે મારી બહુ ઇચ્છા છે કે મને કોઈ એવી પાર્ટીમાં જવા મળે કે હું આખી રાત મજા કરું, ડાન્સ કરું. નવા વર્ષની એવી જોરદાર શરૂઆત કરું કે આખું વર્ષ એક પૉઝિટિવ અને હૅપી એનર્જી સાથે જાય. 

આ વર્ષની બીજી એક બહુ જ સારી વાત જો કહું તો ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ અને ‘વાગલે કી દુનિયા’નાં બહુબધાં નૉમિનેશન થયાં. પહેલી જાન્યુઆરીએ ટીવી શોના અવૉર્ડ્સ ફંક્શનનું ટેલિકાસ્ટ થશે. અમારા આ બન્ને શોના કુલ મળીને ત્રેવીસ નૉમિનેશન થયાં હતાં, જેમાંથી અમને ચાર અવૉર્ડ મળ્યા. એ ફંક્શન તમને પહેલી જાન્યુઆરીએ સ્ટારપ્લસ પર જોવા મળશે અને હા, જાન્યુઆરીમાં આ બન્ને શોમાં પણ બહુ સરસ વાર્તાઓ આવવાની છે એટલે તમને ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં બહુ મજા આવશે અને ‘વાગલે કી દુનિયા’માં બહુ જબરદસ્ત ટ્વિસ્ટ આવવાના છે તો જોવાનું ચૂકતા નહીં.

હવે મળીશું આવતા વર્ષે. આ જ વાતને કન્ટિન્યુ કરીશું અને નવા વર્ષમાં તમારે કેવાં રેઝોલ્યુશન લેવાં જોઈએ એની પણ ચર્ચા કરીશું. મળીએ ત્યારે આવતા ગુરુવારે અને હા, હૅપી ન્યુ યર ઇન ઍડ્વાન્સ.

 ઘણા લોકોને કોવિડ પછી અજીબ-અજીબ પ્રકારના નાના-મોટા ચેન્જ શરીરમાં તબિયતની દૃષ્ટિએ જોવા મળે છે. મારી જ વાત કરું તો મને કોઈ વાર એમ થાય કે મને સતત ઉધરસ થયા જ કરે છે, જરાક મટે અને બે-ચાર દિવસ ઉધરસ વિનાના જાય કે પછી તરત જ ફરી ઉધરસ દેખાવા લાગે. મને થાય છે કે આ કોવિડ પછી ઉધરસ ઘર કરી ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2022 09:57 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK