° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


સિંહ અને હરણ, શિકાર અને બચાવ

12 June, 2022 01:43 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

જો તમે સર્વાઇવલની વૉરમાં ક્યાંય પણ પાછળ રહી ગયા તો તમારો શિકાર નક્કી છે અને જો તમે શિકાર ન કરી શક્યા તો તમારે ભૂખે મરવાનો વારો આવશે એ પણ નક્કી છે. મતલબ એટલો જ કે તમારો પર્ફોર્મન્સ એ-વન ક્વૉલિટીનો હોવો જોઈશે

પ્રતીકાત્મક તસવીર આરંભ હૈ પ્રચંડ

પ્રતીકાત્મક તસવીર

કૉર્પોરેટ જૉબમાં કે બિઝનેસમાં તમારી સાથે ઘણા છે જેઓ તમારા જ લેવલ પર તમારી સાથે કામ કરે છે. તમે પણ જો એ લોકોને જોઈને કામ કરશો તો કદાચ તમે આગળ નહીં નીકળી શકો અને પછી જ્યારે મંદી કે કૉસ્ટ-કટિંગ આવશે ત્યારે સૌથી પહેલાં કોળિયો બનવાનો વારો તમારો આવશે, પણ જો તમે એના કરતાં વધારે સ્માર્ટ હશો અને ગોલ તરફ એ બીજા કરતાં ફાસ્ટ ભાગતા હશો તો તમે મંદી કે કૉસ્ટ-કટિંગના ખોરાક નહીં બનો.

મારા એક નાટકની ટૂર આફ્રિકા થઈ ત્યારની વાત છે. આફ્રિકામાં મેં એ વાત સાંભળી હતી અને એ સાંભળ્યા પછી એ જ વાત મને અત્યારે મારી ગુજરાતની ટૂર દરમ્યાન વારંવાર યાદ આવે છે.
દરરોજ સવારે જ્યારે હરણ જાગે ત્યારે એને ખબર હોય છે કે જંગલના સૌથી ઝડપી ભાગતા સિંહ કરતાં વધારે ઝડપથી એણે ભાગવાનું છે, જો એ ભાગી ન શકે તો એનો આજનો દિવસ છેલ્લો. મજાની વાત જુઓ તમે, આ જ વાત સિંહને પણ ખબર છે. એને ખબર છે કે એણે આજે વધારે ઝડપથી ભાગવું પડશે. જો એ ભાગશે નહીં તો એણે ભૂખે મરવાનો વારો આવશે. આફ્રિકામાં ઑલમોસ્ટ દરેક વ્યક્તિના મોઢે તમને આ વાત એક કે બીજી રીતે સાંભળવા મળે જ મળે. હું માનું છું કે આ હકીકત આફ્રિકા જ નહીં, દરેક માણસને પણ લાગુ પડે છે. જૉબ હોય, બિઝનેસ હોય કે પછી કોઈ સ્ટાર્ટ-અપ હોય. દરેકે ફાસ્ટ ભાગવાનું છે. નહીંતર પાછળ રહી જશો અને જો પાછળ રહી ગયા તો આપણે કોઈનું ફૂડ બનવાનો વારો આવશે અને ધારો કે ફૂડ ન બન્યા તો ભૂખે મરવાનો વારો આવશે, પણ એક વાત નક્કી છે કે ધીમા પડ્યા એટલે અંત નજીક.

આ વાત ક્રૂર લાગે, પણ આ રિયલિટી છે. આજે જે ઝડપે આપણે આગળ વધીએ છીએ ત્યાં આપણે રોજેરોજ એક નવા ગોલ, નવા ટાસ્ક પૂરા કરતા જવાનું છે. રોજ કૉમ્પિટિશનમાં ઊતરવાનું અને રોજ જીતવાનું. રોજ એક નવું સાહસ કરવાનું અને રોજ એ સાહસમાંથી જીત સાથે પાર ઊતરવાનું. જીતીશું નહીં કે બહાર નહીં આવીએ તો કોઈ પણ ઘડીએ અંત આવી જશે અને અંત જોઈતો ન હોય તો આપણે ભાગવાનું અને એ પણ સક્સેસની તૈયારી સાથે.

- અને રિયલિટી એ જ છે કે આપણે દોડવા માટે જ જાગીએ છીએ. દોડવા માટે, ભાગવા માટે, જીવનમાં કંઈક પામવા માટે જ તો આ કરીએ છીએ. આપણી પાસે એક ગોલ છે, એક હેતુ છે જેને મેળવવાનો છે, સિદ્ધ કરવાનો છે. તમારે જે હેતુ મેળવવો હોય એ જ ગોલ કદાચ એ જ ક્ષણે તમારી સાથોસાથ બીજા કોઈએ પણ બનાવ્યો હોઈ શકે અને કાં તો એ જ ગોલ તેને પણ આપવામાં આવ્યો હોય. જો એવું હોય તો તમારી સીધી કૉમ્પિટિશન એ વ્યક્તિ સાથે છે અને હવે તમારે બન્નેએ દોડવાનું છે, ભાગવાનું છે. એ પૉસિબલ જ નથી કે તમે બન્ને એ ગોલને પામી શકો, અચીવ કરી લો. જો એ ગોલના ઑપ્શન ઘણા હશે તો બન્ને પામી લો એવું બની શકે, પણ જો એવું બન્યું તો તમે તમારા કૉલર ટાઇટ નથી કરી શકવાના અને ધારો કે એક જ ગોલ અને એક જ ઑપ્શન હોય તો બન્નેમાંથી કોઈ એકને એ સિદ્ધિ મળશે. એવા સમયે જો તે અલર્ટ હશે તો આગળ નીકળશે, જેની ભાગવાની સ્પીડ વધારે હશે તે જીતી જશે. બીજી સવાર, નવો ગોલ અને નવી સ્પર્ધા, નવો સ્પર્ધક અને ફરી પાછું ભાગવાનું શરૂ.

આફ્રિકાની વાતને હવે બરાબર સમજવાની છે. સમજવાની છે અને સાચી રીતે શીખવાની અને એને અનુસરવાની પણ છે. જંગલનો રાજા સિંહ પણ જો શિકાર કરવા માટે નીકળે નહીં અને બેસી રહે તો એણે ભૂખે મરવાનો વારો આવે. સિંહે પણ શિકાર પર નીકળ્યા પછી હરણને પકડવા માટે હરણ કરતાં વધારે ઝડપથી ભાગવું પણ પડે અને ભાગ્યા પછી મહેનત પણ એણે જ કરવી પડે. જો તમે સિંહ બનીને જીવવામાં માનતા હો કે પછી તમારી જાતને જ તમે સિંહ માનતા હો તો હું કહીશ કે તમારી પાસે બીજો કોઈ ઑપ્શન જ નથી કે તમે જરા પણ બેદરકાર રહો. તમે કિંગ છો એટલે તમારે કિંગની જેમ જ રહેવાનું છે, ભાગવાનું છે અને માત્ર તમારા માટે જ નહીં, તમારા સિવાયના એ સૌકોઈ માટે પણ ગોલ પૂરો કરવાનો છે જેઓ તમારી સાથે જોડાયેલા છે. કહ્યું એમ, નો ઑપ્શન. કોઈ બીજી વાત જ નહીં.

હમણાં જ મેં તમને કહ્યું કે જંગલમાં સૌથી વધુ ઝડપથી ભાગી શકતું હરણ પણ જો ધીમું પડે તો એણે સિંહનું ભોજન બનવું પડે છે. હવે જરા વિચારો કે તમે હરણ છો અને તમારે તમારી જાતને એ હરણની જગ્યાએ જોવાની છે. હવે યાદ કરો એ આખા હરણના ટોળાને અને એ બધાની વચ્ચે તમારે ભાગવાનું છે. જો ધીમા પડ્યા તો શિકાર, અને ક્યાંય નહીં પહોંચી શકો. ધારો કે વધારે ઝડપથી નીકળી ગયા આગળ તો આપણે બધું પાર કરી જઈશું. આ આજની રિયલ લાઇફ છે. આજની કૉર્પોરેટ જૉબમાં કે બિઝનેસમાં તમારી સાથે ઘણા લોકો છે જેઓ તમારા જ લેવલ પર છે અને તમારી સાથે જ કામ કરે છે. તમે પણ જો એ લોકોને જોઈને કામ કરશો તો કદાચ તમે આગળ નહીં નીકળી શકો અને પછી જ્યારે મંદી કે કૉસ્ટ-કટિંગ આવશે ત્યારે સૌથી પહેલાં કોળિયો બનવાનો વારો તમારો આવશે, પણ જો તમે એના કરતાં વધારે સ્માર્ટ હશો અને ગોલ તરફ એ બીજા કરતાં ફાસ્ટ ભાગતા હશો તો તમે મંદી કે કૉસ્ટ-કટિંગના ખોરાક નહીં બનો.

હવે વિચારો કે તમે સિંહ છો અને તમારે સિંહની જેમ જ વિચારવાનું છે તો સમજો કે તમારું કામકાજ ખૂબ સરસ ચાલે છે, પણ જો તમે કંઈક નવું, અલગ કે પછી ડિફરન્ટ કરવા માટે બહાર નહીં આવો તો એક દિવસ કોઈ બીજું તમારા કરતાં અલગ, નવું અને જુદું કરીને તમારો રોટલો છીનવી જશે અને એ દિવસે તમારે ભૂખે મરવાનો વારો આવશે. જો એવું ન થવા દેવું હોય તો તમારે ફાસ્ટ ભાગવું પડશે, એકધારું અલગ અને નવું કરતા જવું પડશે. જે દિવસે કે જે સમયે તમારાથી નવું કશું ન થયું અને તમે તમારી અનિવાર્યતા સાબિત ન કરી શક્યા એ દિવસે તમારે સમજી લેવાનું કે તમારે ભૂખ્યા રહેવાનો સમય આવી ગયો છે અને તમે એકલા પડવા માંડ્યા છો, પણ જો તમે લડી લીધું, દોડી લીધું અને નવું કરવાની જવાબદારીમાં નવું કરી ગયા તો તમારે સમજી લેવાનું કે તમે ચલણમાં હજી પણ અકબંધ છો અને તમારું શાસન આમ જ અકબંધ રહેશે. એક વાત યાદ રાખજો કે તમને હરાવવા માગતી વ્યક્તિએ તમારા કરતાં અલગ વિચારવું પડશે અને તમારાથી વધારે ઝડપથી ભાગવું પડશે. આ વાત માત્ર અહીં જ નથી અટકતી. એક દિવસ, વીક કે પછી એક મહિના માટે પણ આ વાત લાગુ નથી પડતી. રોજ સવારે જાગો ત્યારે તમારે નક્કી કરીને નીકળવાનું છે કે તમારાથી આગળ કોઈ ન રહે અને તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે તમે પાછળ પણ ન રહી જાઓ. આ જો હરણ ધીમું પડ્યું તો જીવ ગયો અને સિંહ ધીમો પડ્યો તો પણ જીવ ગયો. એક શિકાર થઈને મરશે અને બીજું ભૂખ્યું રહીને. રોજ આ વાતને યાદ કરીને, આ જ વાતને જીવનમાં અમલમાં મૂકીને ભાગવાનું છે, દોડવાનું છે અને દોડતા રહેવાનું છે. તમે ચાહે ૨૦ વર્ષના હો તો પણ આ જ વાત લાગુ પડે અને ધારો કે તમે ૫૦ના હો તો પણ તમને આ જ વાત લાગુ પડે છે.

હું દરેક વખતે કહું છું કે આપણે કંઈક અલગ, નવું અને નોખું કરવાનું છે. બીજાથી જુદું કરવાનું છે અને બીજા કરે એ પહેલાં કરવાનું છે. જો એવું કરી શક્યા તો જ તમે ટકશો અને આવું કરવા માટે તમારામાં ફાઇટિંગ સ્પિરિટ હોવો જોઈશે. જો એક વખત આ સ્પિરિટ આવી ગયો તો ક્યારેય દુખી થવાનો વારો નહીં આવે, ક્યારેય હારનો સામનો કરવાનો વારો નહીં આવે, ક્યારેય થાક નહીં લાગે અને ક્યારેય નહીં લાગે કે બહુ ભાગી લીધું. કારણ, વાત તમારા જીવની છે. થાકીને, હારીને કે બેસી રહેવાથી કંઈ મળવાનું નથી પણ જો ભાગીશું તો ચોક્કસ કંઈક મેળવીને જ રહીશું માટે મિત્રો, ગોલ સેટ કરીને નક્કી કરો કે કઈ રીતે અને કેવી રીતે એ ગોલને હાંસલ કરવો છે અને એમાં સાથે આ ફાઇટિંગ સ્પિરિટ ઉમેરી દો. બસ, ક્યારેય પાછળ જોવાનો સમય નહીં આવે પણ કહ્યું એમ, ધીમા નથી પડવાનું અને ક્યારેય અટકવાનું નથી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

12 June, 2022 01:43 PM IST | Mumbai | Bhavya Gandhi

અન્ય લેખો

૧૨૩ મિનિટ અને હાર્ડલી ૨૦૦ ડાયલૉગ્સ

હા, વેબ-સિરીઝ ‘ મૅન વર્સસ બી’માં એવું જ છે અને એ પછી પણ એ વેબ-સિરીઝ આપણા તમામ મેકર્સને કહે છે કે કામ આ રીતે થાય અને આ સ્તરનું થાય

31 July, 2022 07:08 IST | Mumbai | Bhavya Gandhi

વૉટ્સઍપ યુઝિંગ મી...

આવું સ્ટેટસ લખીને જિમ કૅરીએ વૉટ્સઍપ વાપરવાનું બંધ કર્યું. કેટલી સાચી વાત તેણે લખી હતી. આ વાત જ કહે છે કે આપણે ટેક્નૉલૉજીને આધીન થતા જઈએ છીએ અને નેચરથી દિવસે-દિવસે દૂર

24 July, 2022 08:02 IST | Mumbai | Bhavya Gandhi

આપણે ભાર રાખવાનું ક્યારથી બંધ કરીશું?

તમારી પ્રેઝન્સ માત્ર જો વાતાવરણને ભારે કરી દેતું હોય તો તમારે ખરેખર વિચારવું જોઈએ કે ત્યાં હાજર રહેલા સૌકોઈને તમારાથી કેવો ત્રાસ છૂટતો હશે

17 July, 2022 02:37 IST | Mumbai | Bhavya Gandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK