નવી પેઢીને શૈક્ષણિક સહાય કરો તો તેઓ આત્મનિર્ભર બનીને સમાજના અન્ય વર્ગને ઉપયોગી થવા માટે સક્ષમ બનતા હોય છે.
પ્રતીકાત્મક તસવીર
સમય બદલાઈ રહ્યો છે અને શિક્ષણ મહત્ત્વપૂર્ણ બન્યું છે. અમારો મોઢ વણિક સમાજ પહેલેથી જ શિક્ષણની બાબતમાં મુઠ્ઠી ઊંચેરો રહ્યો છે. જોકે છેલ્લા થોડાક અરસામાં શિક્ષણમાં પણ બાળકો વૈજ્ઞાનિક અભિગમથી વિચારતાં થાય અને ટેક્નૉલૉજીનો પ્રોડક્ટિવ ઉપયોગ કરતાં શીખે એવા પ્રયાસો અમે કર્યા છે. શિક્ષણમાં પણ અમારા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને ટેક્નૉલૉજીના ક્ષેત્રે આગળ વધવા માટે અમે પ્રોત્સાહિત કરતા રહ્યા છીએ અને એ માટે આર્થિક સહાય પણ કરી છે. છેલ્લાં સાત-આઠ વર્ષમાં લગભગ ત્રણસો પરિવારોનાં સંતાનોએ એન્જિનિયરિંગ અને એવા જ બીજા ટેક્નૉલૉજીને લગતા કોર્સિસ કર્યા છે. નબળાં કુટુંબોને આર્થિક સહાય કરો તો એ હંમેશ માટે તમારા પર નિર્ભર રહે, પરંતુ તેમની નવી પેઢીને શૈક્ષણિક સહાય કરો તો તેઓ આત્મનિર્ભર બનીને સમાજના અન્ય વર્ગને ઉપયોગી થવા માટે સક્ષમ બનતા હોય છે.
જેનો પ્રચાર અમે સમાજના લોકોમાં કરી રહ્યા છીએ એ ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટ અમે અમારા સામાજિક કાર્યોની પ્રણાલીમાં પણ લઈ આવ્યા છીએ. જેમ કે અમે ‘I am Modh’ નામની એક ઍપ્લિકેશન લૉન્ચ કરી છે જેમાં સમાજના લોકો છ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે. એક તો સમાજના લોકો એ ઍપના માધ્યમથી ચૅટ કરી શકે. કોઈને જૉબ જોઈતી હોય અથવા કોઈ પાસે જૉબ હોય તો તેઓ આ પ્લૅટફૉર્મ પર વિગતો મૂકી શકે. જે પેરન્ટ્સને
ADVERTISEMENT
દીકરા-દીકરી પરણાવવાં છે એ લોકો પોતાના ક્રાઇટેરિયા આના પર મૂકી શકે. કોઈને ડોનેશન જોઈતું હોય અથવા કોઈને ડોનેશન આપવું હોય તો એ પણ આ ઍપ પર પોતાની રજૂઆત મૂકી શકે. છેલ્લે પોતાની કોઈ પ્રોડક્ટ લૉન્ચ કરી હોય એ અથવા પોતાને કોઈ ઇનોવેટિવ પ્રોડક્ટની જરૂર છે એને લગતી વાતો પણ સમાજની સામે આ ઍપના માધ્યમે લોકો મૂકી શકે. આ એક પ્લૅટફૉર્મે અનેક સ્તર પર સમાજના લોકો માટે પરસ્પર સાથી હાથ બઢાનાની ભાવના પ્રગટાવી છે. કામ વધુ સરળ બન્યું છે અને લોકો માટે એક ક્લિકમાં ઉપલબ્ધ થઈ છે. અમને ઍપ્લિકેશનનો અદ્ભુત રિસ્પૉન્સ મળ્યો છે.
આપણી નવી પેઢીને બધું જ ડિજિટલ ફાવે છે અને અહીં નવી પેઢીને ઉપયોગી હોય એવી ઘણી બાબતો છે ત્યારે આ ખૂબ જ મહત્ત્વનું છે કે સમાજ પોતાની રૂઢિગત માન્યતામાંથી બહાર આવે. બદલાઈ રહેલા યુગમાં સમાજના સ્તરે પણ ઍડ્વાન્સમેન્ટ આવે એ સમાજના યુવાવર્ગને જોડી રાખવા માટે અતિશય જરૂરી છે.

