Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ જગત આવું નહીં હોય

આ જગત આવું નહીં હોય

01 August, 2021 08:30 AM IST | Mumbai
Kana Bantwa

માનવ-મગજની વિકસવાની ઝડપ અગાઉ ક્યારેય નહોતી એટલી વધી ગઈ છે અને એ બહુ જ થોડા સમયમાં દુનિયાને સદંતર બદલી નાખશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માણસ બહુ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. માણસની પ્રકૃતિ, એનાં લક્ષણો આ બધું એનું એ જ છે. માણસનું એક્સપોઝર એટલું વધુ છે કે તે વધુ ને વધુ હોશિયાર, સજ્જ, સક્ષમ બની રહ્યો છે. આવતાં પચ્ચીસ વર્ષમાં માણસ એટલો બધો બદલાઈ ગયો હશે કે વિશ્વનું અત્યારનું જે સ્વરૂપ છે એ ધરમૂળથી પરિવર્તિત થઈ ગયું હશે.

મોબાઇલમાં મેમરી ફુલ થઈ જાય એમ માણસના મગજની મેમરી ક્યારેય ફુલ થઈ જાય ખરી? ક્યારેય એવું બને કે મગજ નવું કશું સ્ટોર કરી શકવા અક્ષમ બની જાય? કેટલા જીબીની હશે માનવ-મગજની હાર્ડ ડિસ્ક?



તમને થશે કે આ બન્ને બાબતોને એકબીજા સાથે શું લાગેવળગે? બેયને સંબંધ છે અને ચોલી-દામનનો સંબંધ છે. હકીકત એ છે કે માણસના મગજને અત્યારે એટલી બધી ઇન્ફર્મેશન મળી રહી છે, એટલું બધું ઇનપુટ મળી રહ્યું છે કે માનવ-મગજ ચક્રવૃદ્ધિ વ્યાજની સ્પીડથી વિકસી રહ્યું છે અને એને લીધે જે પરિવર્તન આવી રહ્યાં છે એની ઝડપ એટલી બધી છે કે વિશ્વ છેલ્લાં પચ્ચીસ લાખ વર્ષમાં નહોતું બદલાયું એટલું આવતાં પચ્ચીસ વર્ષમાં બદલાઈ જશે. ઉત્ક્રાંતિની થિયરી મુજબ માણસ વાનરમાંથી ધીમે-ધીમે બદલતો જઈને આજની સ્થિતિએ પહોંચ્યો છે. ઉત્ક્રાંતિનાં પચ્ચીસ લાખ વર્ષ પહેલાંથી મંદી અને બે લાખ વર્ષ પહેલાં સુધી માણસનું મગજ ખાસ વિકસ્યું જ નહોતું અને તેનું એક્સપોઝર માત્ર જંગલનો તે રહેતો હોય એટલો ભાગ, શિકારી જાનવરો, દિવસ-રાત અને પ્રાકૃતિક ઘટનાઓ પૂરતું જ હતું, સામાન્ય પ્રાણીઓનું હોય એટલું. બે લાખ વર્ષ પહેલાં માણસ દોડતાં, પથ્થરો વાપરતાં શીખ્યો. એ બે લાખ વર્ષમાં પણ એક્સપોઝર બહુ જ ઓછું રહ્યું. પૈડું ચલાવતાં અને આગ પ્રગટાવવાનું માંડ શીખ્યો. છેલ્લાં પાંચ હજાર વર્ષમાં માણસ નગરો બાંધતાં, વેપાર કરતાં, ખેતી કરતાં, લખતાં, વાંચતાં શીખ્યો, કલાઓ શીખ્યો, સુસંસ્કૃત બન્યો. છેલ્લાં ચારસો વર્ષમાં દરિયો ખેડીને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચ્યો, જગત આખાને જોઈ લીધું અને માણસે ક્રાંતિ કરી. ઉદ્યોગો સ્થપાયા, નવી શોધો થઈ.


વિશ્વ સંપૂર્ણપણે બદલાઈ ગયું

 છેલ્લાં સો વર્ષમાં કમ્યુનિકેશનની ક્રાંતિ એવી જબરદસ્ત થઈ કે વિશ્વના દરેક વિસ્તારના માણસો એકબીજા સાથે કમ્યુનિકેશનથી જોડાઈ ગયા. જગતના એક છેડેથી બીજા છેડે વાત થવા માંડી. જે માહિતી એક છેડેથી બીજા છેડે પહોંચતાં મહિનાઓ લાગતા હતા એની જગ્યાએ રિયલ ટાઇમ માહિતી પહોંચવા માંડી. છેલ્લા અઢી દાયકામાં ઇન્ફર્મેશનની ક્રાંતિ થઈ. અગાઉ કશું જાણવું હોય તો મર્યાદિત પુસ્તકો હતાં અને એને મેળવવા, વાંચવા માટે પણ લાઇબ્રેરીમાં જવું પડતું. આપણે ત્યાં એક મિથ છે કે અગાઉ લોકો બહુ જ વાંચતા અને હવે માણસ કશું વાંચતો નથી અથવા બહુ જ ઓછું વાંચે છે. હકીકતમાં ચિત્ર સાવ ઊલટું છે. માણસ અગાઉ ક્યારેય નહોતો વાંચતો એટલું અત્યારે વાંચે છે. અગાઉ ક્યારેય માણસને નહોતું પીરસાતું એટલું અત્યારે પીરસાય છે. અગાઉ માણસ પાસે વાંચવા માટે પુસ્તકો, થોડાં મૅગેઝિનો અને અખબારો સિવાય કશું હતું જ નહીં. એ મર્યાદિત વાંચનથી માણસના મગજને જે માહિતી મળતી એનું ઍનૅલિસિસ કરીને માણસ પોતાની સમજણ, પોતાની સજ્જતા વધારતો હતો. જ્ઞાની બનવા માટે ત્યારે બહુ જ ઓછી માહિતી ઉપલબ્ધ હતી. હવે દરેક માણસ જ્ઞાની બની જાય એટલી બધી માહિતી રોજ તેના સુધી પહોંચે છે. માણસનો રોજનો સરેરાશ રીડિંગ ટાઇમ વધ્યો છે. સ્ક્રીનમાં, બધું જ જ્ઞાન આંગળીના ટેરવે છે. વિશ્વની કોઈ પણ બાબત વિશે માહિતી જોઈતી હોય તો મિલીસેકન્ડમાં સ્ક્રીન પર હાજર થઈ જાય છે.


મગજ અને કમ્પ્યુટર

મોબાઇલમાં મેમરી ફુલ થઈ જાય એમ માણસના મગજની મેમરી ક્યારેય ફુલ થઈ જાય એવું નહીં બને. માણસનું મગજ અને કમ્પ્યુટર ઘણા અંશે સરખાં છે. વિજ્ઞાનીઓએ અડસટ્ટો માર્યો છે કે માણસનું મગજ અઢી પેટાબાઇટ મેમરી સ્ટોર કરી શકે છે અર્થાત્ પચ્ચીસ લાખ ગીગાબાઇટ મેમરી મગજમાં સમાઈ શકે છે. વિશ્વનું સૌથી મોટું સુપરકમ્પ્યુટર ચાલીસ પેટાબાઇટ મેમરીનું છે. માણસના મગજની સ્ટોરેજ કૅપેસિટીની કોઈ મર્યાદા હોય તો તે ક્યારેક તો ફુલ થઈ જવી જોઈએ, પણ એવું થતું નથી. આવડું અમથું મગજ આટલી બધી મેમરી કઈ રીતે સ્ટોર કરી શકે તે પ્રશ્ર્ન વિજ્ઞાનીઓ માટે છે. આપણે તો મગજની ક્ષમતા સમજવી છે. માણસનું મગજ અમાપ મેમરી ધરાવે છે, પણ ખરી કમાલ એની અંદરના સૉફ્ટવેરની છે. મન નામનો આ સૉફ્ટવેર એટલો શક્તિશાળી અને પોતાની મેળે વિકસનાર છે કે તે મગજની ક્ષમતાને અપરિમિત બનાવી દે છે. મગજ ન્યુરૉન્સનાં જાળાંઓ દ્વારા બાબતો યાદ રાખે છે. એનાં કનેક્શન્સની સંખ્યા અબજોમાં હોય છે. એટલે અબજો ગુણ્યા અબજો બાબતો એમાં સચવાયેલી રહે છે. મગજની સૌથી મહત્ત્વની ક્ષમતા પોતાનું જ રીવાયરિંગ કરવાની છે અને એમાં મન નામનો સૉફ્ટવેર ભાગ ભજવે છે.

મગજની મેમરી જુદી છે

મગજ મશીન નથી. એ હોશિયાર ચીજ છે. એ કમ્પ્યુટર કે મોબાઇલની જેમ બધું જ સ્ટોર કરી રાખતું નથી. ઘણું ડિલીટ કરતું રહે છે. તમે સવારે ઊઠો ત્યારથી રાત્રે ઊંઘો ત્યાં સુધીમાં તમે અનેક દૃશ્યો જોયાં હોય છે, અનેક વાતો કરી હોય છે, અનેક અનુભવ કર્યા હોય છે, અસંખ્ય બાબતો તમે કરી હોય છે. મગજ એ બધાને કાયમી યાદ રાખતું નથી. એને ટેમ્પરરી મેમરીમાં રાખે છે જે થોડા સમયમાં ડિલીટ થઈ જાય છે. તમે એક રસ્તા પરથી પસાર થાઓ છો ત્યારે દરેક દુકાનને જુઓ છો; પણ પસાર થયાની બીજી મિનિટે તમને તે બધી દુકાનનાં નામ યાદ નહીં હોય, ત્યાં કેટલા માણસ હતા એ યાદ નહીં હોય. જોકે કોઈ દુકાને ઝઘડો થતાં જોયો હશે તો એ તમને યાદ હશે, કારણ કે ઝઘડાને મહત્ત્વની ઘટના ગણીને મગજે એને યાદ રાખી લીધી હોય છે.

 માણસને અત્યારે એટલી બધી માહિતી મળી રહી છે જેટલી અગાઉ ક્યારેય મળતી નહોતી. રોજની કેટલાય જીબી માહિતી માણસ કન્ઝ્યુમ કરે છે. સ્વર્ગમાંથી શિવજીની જટામાં ઊતરતી ગંગાની જેમ ઇન્ફર્મેશનનો પ્રચંડ ધોધ માણસના મગજ પર પછડાય છે અને જેમ મહાદેવની જટામાં ગંગા સમાઈ ગઈ હતી એમ માણસના મગજમાં સમાઈ જાય છે તો પણ મગજ છલકાતું નથી. એ આ બધી જ માહિતીનું પોતાની ક્ષમતા મુજબ ઍનૅલિસિસ કરે છે અને પોતાને વિકસાવે છે. રોજેરોજ માણસનું મગજ વધુ ને વધુ શક્તિશાળી, વધુ સક્ષમ બની રહ્યું છે. આ સ્થિતિ સમય જતાં વધુ વેગ પકડશે. સામાન્ય રીતે એવું મનાતું હોય કે માહિતીના અતિરેકથી મગજ થાકી જતું હશે, પણ મગજ ક્યારેય થાકતું નથી. એ થાક્યા વગર સતત ચાલતું અને દોડતું રહે છે. માણસ ઊંઘી જાય ત્યારે પણ મગજ તો જાગતું જ હોય છે. ત્યારે એ દિવસભરની માહિતીનું નિરાંતે પૃથક્કરણ કરે છે, પોતાનું રિપેરિંગ કરે છે, માહિતીનું યોગ્ય વિભાજન કરીને ગોઠવે છે.

માણસને જેટલું એક્સપોઝર મળે એટલો વિકસે છે. ગામડાનો કોઈ માણસ શહેરમાં કમાવા જાય અને પોતાનો ધંધો વિકસાવે તે માણસની સમજ એ જ ગામના તેની સાથેના માણસો કરતાં ઘણી વધી જાય છે. અર્થાત્ તેને વધુ ઇન્ફર્મેશન મળી છે. મગજ તો બન્નેનાં સરખાં જ હતાં. એકનું મગજ મર્યાદિત માહિતીને લીધે વિકસી શક્યું નહીં, બીજાનું વિકસ્યું. એટલે જ જે માનવ-બાળક મોગલીની જેમ પ્રાણીઓ સાથે ઊછરે છે તેનો માનસિક વિકાસ બહુ જ ઓછો હોય છે. મૂરનો લો નામનો એક નિયમ મૂર નામના એક ટેક્નૉક્રેટે માઇક્રો ચિપમાં ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા માટે બનાવ્યો હતો. એ મુજબ બે વર્ષમાં ચિપમાં ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા બમણી થઈ જાય છે. આ નિયમ ટેક્નૉલૉજી અને વિશ્વમાં આવતાં પરિવર્તનો માટે પણ એટલો જ લાગુ પડે છે. માનવ-મગજની વિકસવાની ઝડપ અગાઉ ક્યારેય નહોતી એટલી વધી ગઈ છે અને એ બહુ જ થોડા સમયમાં દુનિયાને સદંતર બદલી નાખશે. તૈયાર રહેજો એ માટે.

આ જગત આવું નહીં હોય

માણસના મગજને જેટલું વધુ ઇનપુટ મળે છે એટલું એ વધુ મજબૂત બને છે, વધુ શક્તિશાળી બને છે. એટલે જ આજની નવી પેઢી વધુ સ્માર્ટ છે, વધુ સજ્જ છે. માણસ પણ વધુ ને વધુ વિચારવા સક્ષમ બન્યો છે, તેની ક્ષમતા વધી છે. થોડા દાયકા પહેલાં બાળક પાંચેક વર્ષનું થાય ત્યાં સુધી સહેજ અબુધ, ભોળું રહેતું. હવેનાં બાળકો સ્માર્ટ છે. કારણ સાદું છે. અગાઉ બાળકોને જે એક્સપોઝર મળતું હતું એ ખૂબ મર્યાદિત હતું. વધુમાં વધુ તેને વાર્તાઓ કે હાલરડાં સાંભળવા મળતાં. અત્યારે બાળકને એક મહિનામાં એટલી ઇન્ફર્મેશન મળી જાય છે જે ત્યારે એક વર્ષે પણ નહોતી મળતી. બે વર્ષનું બાળક મોબાઇલ ઑપરેટ કરવા માંડે છે, ગીતો શીખી જાય છે, કાર્ટૂન યાદ રાખે છે. પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો તેની પાસે એટલી માહિતી હોય છે કે તે સમજદાર બની ચૂક્યું હોય છે. આજે જે બાળકો દસ-પંદર વર્ષનાં છે તેમને આટલાં ઓછાં વર્ષમાં એટલું એક્સપોઝર મળી ગયું છે જે જૂની પેઢીને આખી જિંદગીમાં નહોતું મળ્યું.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2021 08:30 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK