આવશ્યક ખર્ચનું બજેટ તૈયાર કર્યું અને દર મહિનાના ખર્ચ પર નજર રાખીને બિનજરૂરી ખર્ચ ઘટાડ્યા
પ્રતીકાત્મક તસવીર
હાલમાં મારી મુલાકાત મુંબઈના મધ્યમ વર્ગના શાહ પરિવાર સાથે થઈ. તેઓ આ કટાર નિયમિત વાંચે છે. તેમની સામે એક નાણાકીય કટોકટી આવી ગઈ હતી. ૪૨ વર્ષના રાજેશ શાહ સૉફ્ટવેર એન્જિનિયર છે અને તેમની ૪૦ વર્ષની પત્ની પ્રિયા શિક્ષિકા છે. તેમને ૧૫ વર્ષની દીકરી અનન્યા અને ૧૦ વર્ષનો દીકરો આરવ છે (બધાં નામ બદલ્યાં છે). રાજેશ-પ્રિયાની કુલ વાર્ષિક આવક ૧૫ લાખ રૂપિયા છે. આમ છતાં તેમને અનેક નાણાકીય મુશ્કેલીઓ સતાવવા લાગી હતી.
મુશ્કેલીઓ : મેં તેમની રહેણીકરણીનો અભ્યાસ કર્યો ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં આવીઃ
ADVERTISEMENT
૧. શાહ પરિવારે ક્રેડિટ કાર્ડ પર કુલ ત્રણ લાખ રૂપિયાનું કરજ કરી લીધું હતું.
૨. પરિવારે પોતાના ખર્ચનો ક્યારેય હિસાબ રાખ્યો નહોતો. એને લીધે વધુપડતો ખર્ચ થઈ ગયો હતો.
૩. બચત અને રોકાણને લગતું કોઈ આયોજન નહોતું.
૪. બચત અને રોકાણ ન હોવાથી લાંબા ગાળાનાં લક્ષ્યો વિશે વિચાર કરવાનો સવાલ જ આવ્યો નહોતો.
ઉપાય : ૧. તેમણે આવશ્યક ખર્ચનું બજેટ તૈયાર કર્યું અને દર મહિનાના ખર્ચ પર નજર રાખીને બિનજરૂરી ખર્ચ ઘટાડ્યા. પરિણામે દર મહિને તેમને ૫૦૦૦ રૂપિયાની બચત થવા લાગી.
૨. તેમણે ક્રેડિટ કાર્ડનાં બિલ ચૂકવવા માટે ઓછા વ્યાજની પર્સનલ લોન લઈ લીધી. આ રીતે તેમનો કરજ ચૂકવવા પાછળ થતો ખર્ચ ઘટી ગયો અને કરજ ધીમે-ધીમે ઓછું થવા લાગ્યું.
૩. શાહ દંપતીએ ત્રણથી છ મહિનાના ખર્ચ જેટલી રકમ તાકીદના ભંડોળ તરીકે રાખવા માટે બચત શરૂ કરી દીધી.
૪. પરિવારે અનન્યા અને આરવના ઉચ્ચ શિક્ષણ માટે જોગવાઈ થઈ શકે એ હેતુથી બન્ને માટે અલગ-અલગ સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફત રોકાણ શરૂ કર્યું. સમયાંતરે SIP મારફત થતા આ રોકાણની રકમ વધારવી એવું નક્કી કર્યું.
૫. દંપતીએ પ્રોવિડન્ટ ફન્ડ અકાઉન્ટમાં પોતાનું કૉન્ટ્રિબ્યુશન વધારી દીધું અને એમ્પ્લૉયર તરફથી એટલું જ કૉન્ટ્રિબ્યુશન થાય એ સુવિધાનો લાભ લીધો. તેમણે નિવૃત્તિકાળ માટે નૅશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં ખાતાં ખોલાવી લીધાં.
પરિણામ : માત્ર છ મહિનામાં શાહ પરિવારની આર્થિક સ્થિતિ સુધરી. તેમણે ક્રેડિટ કાર્ડનું એક લાખ રૂપિયાનું કરજ ચૂકવી દીધું, માસિક ખર્ચમાં ૫૦૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો અને ત્રણ મહિનાના ઘરખર્ચ જેટલું તાકીદનું ભંડોળ ઊભું કરી દીધું. સંતાનોના શિક્ષણ અને નિવૃત્તિકાળ માટેનું આયોજન થવાને કારણે તેઓ ભવિષ્યની બાબતે આત્મવિશ્વાસી બનવા લાગ્યાં.
નિષ્કર્ષ : શાહ પરિવારના કિસ્સા પરથી સ્પષ્ટ દેખાય છે કે જો ઘરમાં સારીએવી આવક આવતી હોય એ સ્થિતિમાં પણ જો નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ યોગ્ય નાણાકીય આયોજન કરવામાં આવે નહીં તો નાણાકીય મુશ્કેલીઓ આવી શકે છે. બજેટ બનાવવું, કરજ માફકસરનું અને અતિ આવશ્યક હોય એટલું જ રાખવું તથા બચત અને રોકાણ માટે સ્પષ્ટતા સાથે આગળ વધવું એ બધી બાબતો હોય તો પરિવાર સુખની નીંદર માણી શકે છે.

