સીદી કમ્યુનિટીનાં હીરાબાઈ લોબી પાસે અક્ષરજ્ઞાન ન હોવા છતાં તેમણે પોતાની કમ્યુનિટીને શિક્ષણ અને રોજગાર આપવાનું કામ એવી અદ્ભુત રીતે કર્યું કે પદ્મશ્રી સમારંભ સમયે પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ હીરાબાઈ લોબીને સામેથી કહ્યું કે એક વખત મારા માથા પર હાથ મૂકો
હીરાબાઈ લોબી, સીદી કમ્યુનિટીની મહિલાઓનાં ઉદ્ધારક- પદ્મશ્રી ૨૦૨૩
‘સૌથી સારું કામ તમે કયરું. રેડિયો પર આવવા માંડ્યા. રેડિયોને લીધે હું તમને દર અઠવાડિયે સાંભળતી થઈ ને મને નવું-નવું ઘણુંય શીખવા મળ્યું...’
૨૦૨૩માં પદ્મશ્રી અવૉર્ડનું સન્માન લેવા આવેલાં ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાંબુર ગામનાં અને મહિલા ઉત્થાનનાં કાર્યોને કારણે દેશભરમાં પૉપ્યુલર થયેલાં હીરાબાઈ લોબીએ રાષ્ટ્રપતિભવનમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ઊભા રહીને વાત કરવાનું શરૂ કરી દીધું હતું અને બાજુમાં બેઠેલા અમિત શાહ તથા સ્મૃતિ ઈરાની તેમને જોતાં રહી ગયાં હતાં. હીરાબાઈ લોબીને એ દિવસ હજી પણ યાદ છે.



