Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમારી મેન્ટલ હેલ્થ સરસ રહેશે જો તમારે એક બહેન હશે તો

તમારી મેન્ટલ હેલ્થ સરસ રહેશે જો તમારે એક બહેન હશે તો

Published : 08 April, 2026 09:33 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ના, આવું અમે નથી કહી રહ્યા પણ વૈજ્ઞાનિકો કહે છે

ભૂમિત શાહ લાડકી બહેન પૂજા સાથે

ભૂમિત શાહ લાડકી બહેન પૂજા સાથે


ના, આવું અમે નથી કહી રહ્યા પણ વૈજ્ઞાનિકો કહે છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ છેલ્લાં ૮૫ વર્ષથી સેંકડો પરિવારો પર એક રિસર્ચ કર્યું અને એમાં એક બહુ મસ્ત વાત બહાર આવી છે. રિસર્ચ કહે છે કે જીવનમાં એક બહેનનું હોવું એ માત્ર નસીબની વાત નથી પણ તમારા મેન્ટલ હેલ્થ માટે એક વરદાન છે. અભ્યાસનાં તારણો અને બહેનો સાથે ગાઢ નાતો ધરાવતાં ભાઈ-બહેનોના અનુભવો વાંચશો તો જેને બહેન નહીં હોય તેને પણ થશે કે કાશ, મારે એક બહેન હોત...

દુનિયા સામે આપણે ગમે એટલા મોટા સાહેબ કે જવાબદાર વ્યક્તિ હોઈએ, પણ એક વ્યક્તિ એવી છે જેની સામે આપણે આજે પણ એ જ રડમસ કે તોફાની બાળક બની શકીએ છીએ. તે છે તમારી બહેન. તે તમારી સફળતાની નહીં પણ તમારા સંઘર્ષની સાક્ષી છે. હાર્વર્ડ યુનિવર્સિટીનું રિસર્ચ પણ કહે છે કે આ જે ‘પોતાના હોવાનો અહેસાસ’ છે એ જ આપણને લાંબું અને તંદુરસ્ત આયુષ્ય આપે છે. રિસર્ચ અનુસાર જેમને બહેન હોય છે તેમનામાં કોર્ટિસોલ એટલે કે તનાવ માટે જવાબદાર હૉર્મોનનું સ્તર પંદરથી ૨૦ ટકા ઓછું જોવા મળે છે. ભલે તમે દૂર રહેતા હો, પણ બાળપણની યાદો શૅર કરી શકે એવી વ્યક્તિ તમારી પાસે છે એ અહેસાસ જ ચિંતા ઘટાડવા માટે પૂરતો છે. મુશ્કેલ સમયમાં બહેન એક નૅચરલ ઇમોશનલ રેગ્યુલેટર તરીકે કામ કરે છે. તે કદાચ તમારી સમસ્યાનો ઉકેલ ન લાવી શકે, પણ તેની સાથેની પાંચ મિનિટની વાતચીત મનનો ભાર હળવો કરી દે છે. જે મહિલાઓને બહેન હોય છે તેમને છૂટાછેડા કે મેનોપૉઝ જેવા મુશ્કેલ તબક્કાઓ દરમ્યાન ડિપ્રેશનમાં જવાની શક્યતા ઓછી હોય છે. જૂની યાદો અને સાથ-સહકાર તેમને માનસિક રીતે મજબૂત રાખે છે. એવી જ રીતે બહેન સાથે ઊછરેલાં બાળકોમાં અન્યની લાગણીઓ સમજવાની શક્તિ વધુ હોય છે. તેઓ સામાજિક સંબંધો બાંધવામાં અને ઝઘડાઓ ઉકેલવામાં વધુ કુશળ હોય છે. સમાધાન અને સંઘર્ષ પછી પણ પ્રેમ જાળવી રાખવાની કળા તેઓ બાળપણમાં જ શીખી જાય છે. ઉપરાંત મજબૂત ભાવનાત્મક સંબંધો સીધી રીતે હૃદયના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ સાથે જોડાયેલા છે. બહેન સાથેનો નિયમિત સંપર્ક તમને લાંબું અને તંદુરસ્ત જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે છે.



જજમેન્ટ વગરનો ઇમોશનલ સપોર્ટ


ભાઈ જ્યારે જવાબદારીઓના બોજ નીચે દબાયેલો હોય ત્યારે નાની બહેન પણ મોટી બહેન જેવી સમજણ દેખાડી શકે છે. આવો જ કંઈક અનુભવ માટુંગામાં રહેતા વ્યવસાયે વકીલ એવા ૨૯ વર્ષના ભૂમિત શાહનો રહ્યો છે. પોતાની નાની બહેન પૂજા વિશે વાત કરતાં તે કહે છે, ‘પૂજા મારા પપ્પાના કુટુંબમાં એકમાત્ર દીકરી છે અને ભાઈઓ વચ્ચે જ ઊછરી છે એટલે અમારો બૉન્ડ પણ ટિપિકલ ભાઈ-બહેન જેવો નહીં પણ બે ભાઈઓ જેવો જ છે. હું જેટલી ફ્રીલી મારા મિત્રો સાથે વાત કરી શકું એટલી જ નિખાલસતાથી પૂજા સાથે વાત કરું છું. મને ખબર છે કે મારી લાઇફમાં તે એકમાત્ર એવી વ્યક્તિ છે જે મારો વાંક હોય કે ન હોય, મને ક્યારેય જજ નહીં કરે. મારા પપ્પા છેલ્લાં પાંચ વર્ષથી બેડ-રિડન હતા અને ગયા વર્ષે જ તેમનું અવસાન થયું. એકાએક ઘરની બધી જવાબદારીઓ મારા ખભા પર આવી ગઈ. જ્યારે તમારી પાસે આખી ફૅમિલીની અપેક્ષાઓ હોય ત્યારે તમારે તમારા પોતાના વિચારો અને લાગણીઓને સાઇડ પર મૂકીને જવાબદારી નિભાવવી પડે છે. ઘણી વાર એવી સ્થિતિ આવે જ્યારે તમે માતા-પિતા પાસે ન જઈ શકો. ત્યાં તમારી ઇમોશનલ વલ્નરેબિલિટી (લાગણીશીલ નબળાઈ) ફક્ત તમારી બહેન જ સમજી શકે છે. હમણાં બે મહિના પહેલાં જ મારાં લગ્ન થયાં છે. અરેન્જ્ડ મૅરેજ સેટઅપમાં જ્યારે છોકરી જોવાની વાત આવી ત્યારે એક છોકરીની શું અપેક્ષાઓ હોય અને મારે એક પાર્ટનર તરીકે શું ફુલફિલ કરવાનું છે એ મને પૂજા પાસેથી જ શીખવા મળ્યું. જીવનમાં આપણને હંમેશાં પ્રૅક્ટિકલ સૉલ્યુશન નથી જોઈતા હોતાં. બસ, એક ઇમોશનલ કનેક્ટની જરૂર હોય છે. પૂજા મારાથી પાંચ વર્ષ નાની છે, પણ અમુક વાતોમાં તે મને મોટી બહેન જેવી લાગે છે.’

લૉન્ગ ડિસ્ટન્સ સપોર્ટ સિસ્ટમ


સિસ્ટરમાં એટલી તાકાત હોય છે કે તે દૂર હોવા છતાં તમારી સપોર્ટ સિસ્ટમ બની શકે. એનું ઉદાહરણ છે દહિસરમાં રહેતા અને માર્કેટિંગ મૅનેજર તરીકે કામ કરતાં ૨૧ વર્ષનાં વૃંદા પાનસુરિયા અને તેનાથી બે વર્ષ મોટી બહેન દિશા પાનસુરિયા. બન્ને બહેનો વચ્ચેના બૉન્ડ વિશે વાત કરતાં વૃંદા કહે છે, ‘દિશા બે વર્ષ પહેલાં ભણવા માટે અમેરિકા શિફ્ટ થઈ ત્યારે એ મારા માટે જિંદગીનો સૌથી અઘરો તબક્કો હતો, કારણ કે અમે માત્ર બહેનો જ નહીં પણ એકબીજાની બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ. મને યાદ છે કે અમે જ્યારે નાનાં હતાં અને કોઈ વાત પર ઝઘડતાં ત્યારે મમ્મી કંટાળીને કહેતી કે તમને બેઉને તો અલગ-અલગ દેશમાં મૂકી આવવા જોઈએ! એ સમયે અમને આ વાતની ગંભીરતા નહોતી સમજાતી, પણ જ્યારે દિશા ખરેખર અમેરિકા ગઈ ત્યારે અમને એ લૉન્ગ ડિસ્ટન્સનું અસલી દુખ સમજાયું. ખાસ કરીને તહેવારોમાં જ્યારે હું અહીં હોઉં અને તે ત્યાં સાત સમંદર પાર ત્યારે તેની ખોટ બહુ જ વર્તાય છે. અલગ ટાઇમ ઝોન અને અમે બન્ને વર્કિંગ હોવાને કારણે ફોન પર વાત કરવામાં પણ ઘણી વાર મુશ્કેલી પડે છે. છતાં આજે પણ મારા જીવનમાં કંઈ પણ સારું કે ખરાબ થાય, તે પહેલી વ્યક્તિ છે જેને હું કૉલ કરું છું. હું મારી જાતને ફાધર્સ ગર્લ કે મધર્સ ગર્લ નથી કહેતી, પણ ગર્વથી કહું છું કે હું મારી મોટી બહેનની ગર્લ છું. અમે એકબીજા પાસે મન મૂકીને બધી જ વાતો કરીએ છીએ. દિશા પાસેથી મેં જે સૌથી મહત્ત્વનો ગુણ શીખ્યો છે એ છે ક્યારેય હાર ન માનવી. આજે તે અમેરિકામાં રહીને સંપૂર્ણપણે ઇન્ડિપેન્ડન્ટ છે. ત્યાં ગયા પછી તેણે રાત-દિવસ મહેનત કરી અને આજે તે ટોચની મલ્ટિનૅશનલ કંપનીમાં જૉબ કરી રહી છે. આ બધું રાતોરાત નથી મળ્યું. એવા દિવસો પણ હતા જ્યારે તેનો આત્મવિશ્વાસ ડગમગતો. ત્યારે હું તેની તાકાત બનીને તેને મોટિવેટ કરતી અને જ્યારે હું નિરાશ હોઉં ત્યારે તે મને આગળ વધવા માટે પુશ કરે છે. દિશા માટે જો મારે એક શબ્દ કહેવો હોય તો તે મારી સપોર્ટ સિસ્ટમ છે. અમે દુનિયા માટે બહેનો હોઈ શકીએ, પણ એકબીજા માટે તો કાયમ બેસ્ટ ફ્રેન્ડ્સ જ રહીશું.’

બહેનો મારી રેસ્ક્યુ ટીમ છે

થાણેમાં રહેતા અને સિનિયર એરિયા બિઝનસ મૅનેજર તરીકે કામ કરતા ૩૯ વર્ષના રાહુલ બોરીચા માટે તેમની ત્રણેય મોટી બહેનો જ્યોતિ, મીનાક્ષી અને ભારતી કોઈ સ્ટ્રેસબસ્ટરથી ઓછી નથી. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘દરેક પરિણીત પુરુષ જાણે છે કે જ્યારે ઘરની જવાબદારીઓ અને મમ્મી-પત્ની વચ્ચેના નાના-મોટા વિવાદો શરૂ થાય ત્યારે સ્થિતિ કેટલી તનાવભરી બની જાય છે. હું પણ એક સમયે આ બન્ને પક્ષો વચ્ચે એવો ફસાયો હતો કે કોનો પક્ષ લેવો એ સમજાતું નહોતું. આ બાબત મને માનસિક રીતે ખૂબ પરેશાન કરી રહી હતી. એ સમયે મારી પાસે એક જ રસ્તો હતો - મારી બહેનોને ફોન કરવો. સાચું કહું તો તેમની સાથેની એ એક વાતચીતે બધું જ બદલી નાખ્યું. તેમણે શાંતિથી મને સાંભળ્યો, મારી પરિસ્થિતિ સમજી અને મને પ્રૅક્ટિકલ રસ્તાઓ બતાવ્યા. એ વાત પછી હું ઘણો રિલૅક્સ થયો અને મને પરિસ્થિતિ સંભાળવાની તાકાત મળી. ઘરના ઝઘડા જ નહીં, આર્થિક બાબતો પણ હું માત્ર મારી બહેનો સાથે જ શૅર કરી શકું છું. મને ખબર છે કે તેઓ મને જજ કર્યા વગર સમજશે અને હંમેશાં સાચું માર્ગદર્શન આપશે. અમારી વચ્ચે એક રમૂજી સીક્રેટ પણ છે જે આજે પણ અમને હસાવે છે. હું જ્યારે આઠમા ધોરણમાં હતો ત્યારે એક વિષયમાં ફેલ થયો હતો અને રિપોર્ટ-કાર્ડમાં પપ્પાની સહી કરાવવાની હતી. મારામાં પપ્પા પાસે જવાની હિંમત નહોતી એટલે મેં મારી બહેન ભારતીને રિક્વેસ્ટ કરી કે તે પપ્પા જેવી જ સહી કરી આપે. તેણે મારા માટે સહી કરી આપી અને હું મુસીબતમાંથી બચી ગયો. આજે પણ અમે એ વાત યાદ કરીને ખૂબ હસીએ છીએ. મારી બહેનો ઉત્તમ લિસનર પણ છે. પહેલાં તેઓ મને શાંતિથી સાંભળે અને પછી એવા ઉપાય બતાવે જે પાળવા ખૂબ સરળ હોય. એક વાર હું પારિવારિક પ્રશ્નોને કારણે માનસિક રીતે સાવ થાકી ગયો હતો. ત્યારે મેં મોડી રાત્રે જ્યોતિને ફોન કર્યો. તેણે જરા પણ ગુસ્સો કર્યા વગર મને સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવ્યું કે શાંતિથી બધું કેવી રીતે હૅન્ડલ કરવું. એ ક્ષણે તે ખરેખર મારા માટે એક આધાર સાબિત થઈ. અમારી વચ્ચે ક્યારેક ઝઘડા પણ થાય છે, પણ અમારો બૉન્ડ એટલો મજબૂત છે કે અમે લાંબો સમય રિસાઈને નથી રહી શકતા. સામાન્ય રીતે હું જ પહેલાં મેસેજ કે કૉલ કરીને વાતની શરૂઆત કરી દઉં છું. નાનપણમાં અમે રમકડાં કે ટીવીના રિમોટ માટે લડતાં, પણ આજે એ જ સંબંધ એક મજબૂત ઇમોશનલ સપોર્ટમાં બદલાઈ ગયો છે. હવે અમે એકબીજાના જીવનના મહત્ત્વના નિર્ણયોમાં સાથે હોઈએ છીએ અને એકબીજાની સફળતાની ઉજવણી કરીએ છીએ. નાનપણની એ લડાઈઓ હવે સમજદારીમાં બદલાઈ ગઈ છે.’

સિસ્ટર મધર અને ફ્રેન્ડ બન્ને બની શકે

જરૂર પડે ત્યારે બહેન જીવનમાં માતાની ભૂમિકા પણ ભજવતી હોય છે. આવો જ કંઈક અનુભવ ગોરેગામમાં રહેતી અને ટ્રાવેલ એજન્સી ચલાવતી ૩૦ વર્ષની ઉર્વી શાહનો છે.  ૧૧ વર્ષ મોટી સિસ્ટર નીલમ ભાનુશાલી સાથેના પોતાના બૉન્ડ વિશે વાત કરતાં તે કહે છે, ‘મારી મોટી બહેન નીલમે બાળપણમાં મને એક બહેન કરતાં મમ્મીની જેમ જ ઉછેરીને મોટી કરી છે. સામાન્ય રીતે બહેનો વચ્ચે જે ઝઘડા થતા હોય એવું અમારે ક્યારેય નથી થયું. તે હંમેશાં મારી પ્રોટેક્ટર રહી છે અને મને ડગલે ને પગલે નવું શીખવતી રહી છે. હું મોટી થઈ એ પછી અમારો આ બૉન્ડ મધર ફિગરમાંથી બદલાઈને એક ફ્રેન્ડ જેવો બની ગયો. આજે સ્થિતિ એવી છે કે જે વાતો કદાચ મમ્મી ન સમજી શકે એ મારી મોટી બહેન એક સેકન્ડમાં સમજી જાય છે. કંઈ પણ થાય એટલે સૌથી પહેલાં હું તેને જ કૉલ કરું અને મનમાં હોય એ બધું ઠાલવી દઉં. તે મને શાંતિથી સાંભળે અને બસ એટલું જ કહે કે આ બહુ નાની વસ્તુ છે; આરામથી ટૅકલ કર, હાઇપર ન થા. તેનું આટલું સાંભળીને જ મારા મનનો ભાર ઓછો થઈ જાય. તે મને હંમેશાં અહેસાસ કરાવે છે કે જીવન આ બધી નાની-નાની બાબતો કરતાં ઘણું મોટું છે. હું પોતાની ટ્રાવેલ એજન્સી ચલાવું છું, જ્યારે તે હાઉસવાઇફ છે છતાં મને હંમેશાં મોટિવેટ કરે છે કે હું મારી કરીઅરમાં આગળ વધું. નીલમ વિશે મારે બસ એટલું જ કહેવું છે કે તેણે મારી લાઇફમાં ફક્ત વર્ષો ઍડ નથી કર્યાં, મારા જીવનના દરેક વર્ષમાં લાઇફ ઍડ કરી છે.’  

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 09:33 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK