Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લવ સ્ટોરીની હેટ સ્ટોરી

લવ સ્ટોરીની હેટ સ્ટોરી

25 December, 2021 05:44 PM IST | Mumbai
Raj Goswami

‘હું આ ફિલ્મનો પ્રોડ્યુસર છું. લવ સ્ટોરી હું જેવી રીતે ઇચ્છું એવી રીતે રિલીઝ થશે, સમજ પડી?’ રવૈલમાં પણ ઘણા મહિનાઓથી ગુસ્સો ભરાયેલો હતો. તેણે સામું કહ્યું, ‘તો પછી જાતે જ ફિલ્મ પૂરી કરી નાખોને.’

લવ સ્ટોરીની હેટ સ્ટોરી

લવ સ્ટોરીની હેટ સ્ટોરી


રાજેન્દ્રકુમારનો પિત્તો ગયો અને તેણે રાહુલ રવૈલ પાસે ખુલાસો માગ્યો. રવૈલે કહ્યું કે એ બધાં દૃશ્યોની ફિલ્મમાં જરૂર નથી. કુમાર ઓર ભડક્યા, ‘હું આ ફિલ્મનો પ્રોડ્યુસર છું. લવ સ્ટોરી હું જેવી રીતે ઇચ્છું એવી રીતે રિલીઝ થશે, સમજ પડી?’ રવૈલમાં પણ ઘણા મહિનાઓથી ગુસ્સો ભરાયેલો હતો. તેણે સામું કહ્યું, ‘તો પછી જાતે જ ફિલ્મ પૂરી કરી નાખોને.’

કુમાર ગૌરવ-વિજયેતા પંડિત અભિનીત ૧૯૮૧ની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘લવ સ્ટોરી’ યાદ છે? હશે જ. એના નિર્દેશક કોણ હતા એ યાદ છે? નહીં જ હોય. મોટા ભાગના દર્શકોને ખબર છે કે જ્યુબિલી સ્ટાર રાજેન્દ્રકુમારે તેમના દીકરા કુમાર ગૌરવને લૉન્ચ કરવા માટે ‘લવ સ્ટોરી’ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મ જબરદસ્ત હિટ ગઈ હતી અને કુમાર ગૌરવ રાતોરાત સ્ટાર બની ગયો હતો. 
એમાં ફિલ્મના નિર્દેશક રાહુલ રવૈલનું નામ બેય રીતે ગાયબ થઈ ગયું, પડદા પરથી અને લોકોની જબાન પરથી. ફિલ્મ બનતી હતી ત્યારે રાજેન્દ્રકુમાર સાથે તેમને માથાકૂટ થઈ અને તેમણે ફિલ્મ છોડી દીધી. ફિલ્મ નિર્દેશકને ક્રેડિટ આપ્યા વગર જ રિલીઝ થઈ. એ વખતે સિનેમાની દુનિયાના સીમિત લોકો સિવાય કોઈને ખબર જ નહોતી કે ફિલ્મનું નિર્દેશન કોણે કર્યું છે. ફિલ્મનું શ્રેય રાજેન્દ્રકુમારને મળ્યું હતું. 
થોડા વખત પહેલાં આ જ ઘટનાનું પુનરાવર્તન થયું. શશી રંજન નામના ઍક્ટર-પ્રોડ્યુસર ‘લવ સ્ટોરી અગેઇન’ નામથી ફિલ્મ બનાવવાના હતા. એનું નિર્દેશન તેમણે રાહુલ રવૈલને સોંપ્યું હતું. એમાં પણ બન્ને વચ્ચે કોઈ મગજમારી થઈ એટલે રવૈલે ફિલ્મ છોડી દીધી અને સિનેમૅટોગ્રાફર બિનોદ પ્રધાનને નિર્દેશન સોંપવામાં આવ્યું. રંજને ત્યારે કહ્યું હતું, ‘અમે સર્જનાત્મક મતભેદોના કારણે અલગ પડ્યા છીએ.’ રવૈલે કહ્યું હતું, ‘મેં ૧૯૮૧ની ફિલ્મ શૂટિંગ થઈ ગયા પછી છોડી હતી, પણ આ વખતે ફિલ્મ શરૂ થાય એ પહેલાં છોડી છે.’
બેતાબ, અર્જુન, ડકૈત, અંજામ, અર્જુન પંડિત અને જો બોલે સો નિહાલ જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર રાહુલ રવૈલ એચ. એસ. રવૈલના પુત્ર થાય. સિનિયર રવૈલે મેરે મેહબૂબ, સંઘર્ષ, મેહબૂબ કી મહેંદી અને લૈલા મજનૂ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. જુનિયર રવૈલે રાજ કપૂરના સહાયક તરીકે કામ શરૂ કર્યું હતું. કહેવાય છે કે રાજ કપૂરની ફિલ્મકળા પર કોઈ વ્યક્તિ અધિકૃત રીતે બોલી શકે એમ હોય તો એ રાહુલ રવૈલ છે.
રવૈલે ‘રાજ કપૂર : ધ માસ્ટર ઍટ વર્ક’ નામથી શોમૅનનું જીવનચરિત્ર લખ્યું છે. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુના હાથે દિલ્હીમાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં રાજ કપૂરની ફિલ્મ બનાવવાની શૈલી અને એની પાછળની સંવેદનાનું બારીકીથી વર્ણન કરવામાં આવ્યું છે. એની રસપ્રદ વાતો આપણે ફરી ક્યારેક કરીશું. આ પુસ્તકમાં રાહુલ રવૈલે ‘લવ સ્ટોરી’માં જે ફિયાસ્કો થયો હતો એની પણ વાત કરી છે.  
રાહુલ રવૈલે ૧૯૮૦માં પરવીન બાબી, રિશી કપૂર, રાજેન્દ્રકુમાર અને આશા પારેખને લઈને ‘ગુનહગાર’ ફિલ્મથી ફિલ્મ નિર્દેશનમાં ડેબ્યુ કર્યું હતું. એ ફિલ્મ તો ખાસ ઉકાળી ન શકી, પરંતુ બીજા જ વર્ષે આવેલી ‘લવ સ્ટોરી’ એ સમયની યુવા પેઢીની ડાર્લિંગ બની ગઈ.
મનોજકુમારની ક્રાન્તિ, અમિતાભ બચ્ચનની લાવારિસ, નસીબ અને કાલિયા, કમલ હાસનની એક દુજે કે લિએ, સંજય દત્તની રૉકી અને જિતેન્દ્રની મેરી આવાઝ સુનો જેવી તોપ ફિલ્મો વચ્ચે ‘લવ સ્ટોરી’ની પિપૂડી એવી વાગી કે (કમાણીની દૃષ્ટિએ) એ વર્ષની ટૉપ ટેન ફિલ્મોમાં ત્રીજા નંબરે આવી ગઈ. 
હિન્દી ફિલ્મોમાં યુવા છોકરા-છોકરીઓની પ્રેમકહાનીઓ સદાબહાર વિષય છે. એ પ્રેમમાં જાત-પાત, ધરમ, ગરીબી-તવંગરી, ભાષા કે પછી પેરન્ટ-વિલનનો અહંકાર અવરોધ બનીને આવે. જુદા-જુદા સ્વરૂપે તમામ પ્રેમ કહાનીઓમાં આ જ વિષયવસ્તુ રહી છે. ‘લવ સ્ટોરી’માં પણ એ જ વર્ષે આવેલી ‘એક દુજે કે લિએ’ની જેમ પેરન્ટ્સ વિલન બને છે, પરંતુ એમાં એક નવીનતા એ હતી કે છોકરા-છોકરીને સાથે પેરન્ટ્સની પોતાની ભૂતકાળની પ્રેમ કહાની પણ એમાં ઉજાગર થાય છે. જે છોકરો અને છોકરી એકબીજાને ચાહતાં હોય તેનાં મમ્મી-પપ્પા પણ જ્યારે કૉલેજના જમાનાનાં પ્રેમી નીકળે ત્યારે દર્શકોને તો જાણે ‘એકની ઉપર એક ફ્રી’ જેવો આનંદ આવેલો. 
વાર્તા બહુ જ સામાન્ય હતી. વિજય મેહરા (રાજેન્દ્ર કુમાર) અને સુમન (વિદ્યા સિંહા) કૉલેજનાં મિત્રો છે. રામ ડોગરા (ડૅની ડેન્ઝોન્ગ્પા) સુમનને ચાહે છે. વિજયને તેની ઈર્ષ્યા થાય છે અને બીજી છોકરી સાથે લગ્ન કરે છે. સુમન રામને પરણે છે. વિજયની પત્ની બેબી બૉય બન્ટી (કુમાર ગૌરવ)ને જન્મ આપીને અવસાન પામે છે.
બીજી બાજુ સુમન અને રામને પિન્કી (વિજયેતા પંડિત) નામની પુત્રી જન્મે છે. વિજય બન્ટીને પોતાની જેમ બિલ્ડર બનાવવા માગે છે પરંતુ બન્ટીને પાઇલટ બનવું હોય છે એટલે નારાજ થઈને નાસી જાય છે. બીજી બાજુ રામ પિન્કીની ઇચ્છા વિરુદ્ધ તેને પરણાવી દેવાની ફિરાકમાં છે એટલે પિન્કી પણ ઘર છોડીને જતી રહે છે. 
હવાલદાર શેર સિંહ (અમજદ ખાન) પાસે બન્ને ગાયબ છોકરાંને શોધવાનો કેસ આવે છે. એ બન્નેને પકડી પાડે છે પરંતુ એ ધમાચકડીમાં બન્ટી અને પિન્કી એકબીજાના પ્રેમમાં પડે છે. બન્ને હવે એકસાથે નાસી જાય છે અને એક અજાણી જગ્યાએ ઘર બાંધીને રહે છે. 
પિન્કીનો પિતા રામ તેની શોધમાં ત્યાં આવે છે. તે પિન્કીને જબરદસ્તી સાથે લઈ જાય છે. બીજી બાજુ વિજય બન્ટીના પ્રેમને માન્ય રાખે છે પણ રામ પિન્કીને પરણાવી દેવાની યોજના કરે છે. બન્ટી અને પિન્કી ફરીથી નાસી જાય છે, પણ એમાં ડાકુઓની એક ટોળકી બન્નેની પાછળ પડે છે એટલે છોકરાંને બચાવા માટે વિજય અને રામ બન્ને વહારે આવે છે. એમાં બન્ટી રામનો જીવ બચાવે છે એટલે રામનું હૃદયપરિવર્તન થાય છે. પછી ખાધું, પીધું અને રાજ કર્યું. 
ફિલ્મની સીધી પ્રેરણા શેક્સપિયરનું નાટક રોમિયો ઍન્ડ જુલિયટ હતું પણ એના પર રાજ કપૂરની ‘બૉબી’ અને ‘ધ ડિફાઇન્ડ વન’ નામની અમેરિકન ટીવી-સિરિયલની પણ થોડી અસર હતી. દીકરા કુમાર ગૌરવને લૉન્ચ કરવા માટે રાજેન્દ્રકુમારે ફિલ્મમાં પૈસા રોક્યા હતા. કુમાર પોતે એક સફળ ઍક્ટર હતા એટલે તેમને પણ ફિલ્મો કેવી રીતે બને એની સમજ હતી. પરિણામે નવાસવા રાહુલ રવૈલના કામમાં તેમની દખલઅંદાજી રહેતી હતી. 
મિર્ઝા બ્રધર્સ નામના લેખકોની આ વાર્તા મૂળ તો ‘કસ્મેવાદે’ અને ‘પુકાર’વાળા નિર્માતા રમેશ બહલ બનાવવાના હતા અને સંજય દત્ત-ટીના મુનીમને લઈને સુનીલ દત્ત એનું નિર્દેશન કરવાના હતા પરંતુ લેખક બંધુઓને બહલ સાથે જામ્યું નહીં એટલે તેમણે રાજેન્દ્રકુમારને સ્ક્રિપ્ટ સંભળાવી. રાજેન્દ્રકુમારે રાહુલ રવૈલની પહેલી ફિલ્મ ‘ગુનહગાર’માં કામ કર્યું હતું. એ ઓળખાણના નાતે ‘લવ સ્ટોરી’નું નિર્દેશન તેમને સોંપ્યું હતું. 
સીમા સોનિક અલિમચંદે લખેલા જીવનચરિત્ર ‘જ્યુબિલી કુમાર’માં રાજેન્દ્રકુમાર કહે છે, ‘રાહુલ મારા દીકરા જેવો હતો, પરંતુ ખબર નહીં કેમ બહુ જક્કી હતો. જરૂર ન હોય તોય રીટેક કરતો અને પૈસાનો બગાડ થતો.’ 
એ સિવાય પણ રાજેન્દ્રકુમાર શૂટિંગમાં સલાહસૂચન આપતા રહેતા. એવાં ઘણાં દૃશ્યો હતાં જે તેમના કહેવાથી ફિલ્મમાં રાખવાં પડ્યાં હતાં. જેમ કે ફિલ્મની શરૂઆતમાં કુમાર ગૌરવ પ્લેન ઉડાડતો ‘એન્ટ્રી’ કરે છે.
ફિલ્મ થોડીક જ બાકી હતી અને પછી રાજેન્દ્રકુમારના જ ડિમ્પલ થિયેટરમાં એનો પ્રિવ્યુ શો યોજાયો હતો. બધા કુમાર ગૌરવની ‘એન્ટ્રી’ જોવા ઉત્સુક હતા, પરંતુ પ્લેનવાળું દૃશ્ય આવ્યું જ નહીં. કુમાર ગૌરવે પૂછ્યું, ‘પાપા, ઇન્ટ્રોડક્શન સીક્વન્સ ક્યાં છે? આમાં હું પ્લેન ચલાવતો હતો એ ક્યાં ગયું?’
રાજેન્દ્રકુમાર પોતે જ આઘાતમાં હતા, કારણ કે બેટાને દર્શકો સામે શાનદાર રીતે પેશ કરવા માટે તેણે એ દૃશ્ય શૂટ કરાવ્યું હતું. પછી તો એવી ખબર પડી કે એડિટિંગ ટેબલ પર સંખ્યાબંધ દૃશ્યોને કાપી નાખવામાં આવ્યાં છે. રાજેન્દ્રકુમારનો પિત્તો ગયો અને તેણે રાહુલ રવૈલ પાસે ખુલાસો માગ્યો. રવૈલે કહ્યું કે એ બધાં દૃશ્યોની ફિલ્મમાં જરૂર નથી. કુમાર ઓર ભડક્યા, ‘હું આ ફિલ્મનો પ્રોડ્યુસર છું. 
લવ સ્ટોરી હું જેવી રીતે ઇચ્છું 
એવી રીતે રિલીઝ થશે, 
સમજ પડી?’
રવૈલમાં પણ ઘણા મહિનાઓથી ગુસ્સો ભરાયેલો હતો. તેણે સામું કહ્યું, ‘તો પછી જાતે જ ફિલ્મ પૂરી કરી નાખોને.’ રાહુલે એ છોડી દીધી. રાજેન્દ્રકુમારે પ્લેનમાંથી એન્ટ્રી સાથેનાં કાપી નાખેલાં દૃશ્યો પાછાં ફિલ્મમાં લીધાં. કુમાર ગૌરવે રાહુલ રવૈલને સમજાવવાની કોશિશ કરી હતી, પણ રવૈલે કહી દીધું કે ‘લવ સ્ટોરી’ સાથે મારે હવે કોઈ લેવાદેવા નથી. 
રાજેન્દ્રકુમારની એવી દખલઅંદાજી હતી કે નિર્દેશક તરીકે તે પોતાનું નામ મૂકવા માગતા હતા. રાજ્યસભા ટીવીના લોકપ્રિય કાર્યક્રમ ‘ગુફ્તગૂ’માં સૈયદ મોહમ્મદ ઇરફાનને રવૈલે કહ્યું હતું કે તે કોર્ટમાં જઈને આદેશ લઈ આવ્યા હતા કે ફિલ્મમાં રાજેન્દ્રકુમારને ક્રેડિટ ન મળે. ‘મેં તો મારું નામ મૂકવાની ના પાડી જ હતી પણ બીજા કોઈનું પણ ન આવવું જોઈએ. લવ સ્ટોરી કદાચ એકમાત્ર ફિલ્મ છે જેમાં નિર્દેશકનું નામ નથી.’
ચાર મહિનાના વિલંબ બાદ ‘લવ સ્ટોરી’ રિલીઝ થઈ અને રાતોરાત લોકપ્રિય‌તાનાં શિખર ચડી ગઈ. પેલા પુસ્તકમાં કુમાર ગૌરવ કહે છે, ‘હું દિલ્હીમાં પ્રીમિયર શોમાં ગયો હતો. બહાર આવ્યો તો લોકો મને ઘેરી વળ્યા. છોકરીઓ મારાં કપડાં ખેંચતી હતી. કોઈ મારા હાથ પકડતું હતું. ફોટોગ્રાફરો પડાપડી કરતા હતા. મને સમજ જ ન પડી કે શું થયું છે.’
લેખિકા સીમા લખે છે, ‘ભાવિ સુપરસ્ટાર તરીકે આવેલો કુમાર લવ સ્ટોરીની ઇમેજમાં કેદ બનીને રહી ગયો. એમાંથી એ બહાર નીકળી ન શક્યો. તેનું સ્ટારડમ ઊગતાં પહેલાં જ આથમવા લાગ્યું હતું.’ 



જાણ્યું-અજાણ્યું...


 લવ સ્ટોરીમાંથી મન ઊઠી ગયું એટલે રાહુલ રવૈલે સની દેઓલની ‘બેતાબ’ પર ફોકસ કરી દીધું હતું.
 વિજયેતા પંડિતે રાજેન્દ્રકુમારને ફરિયાદ કરી હતી કે તેને ફિલ્મમાં ન્યાય નથી મળતો ત્યારે કુમારે કહ્યું હતું કે તેણે તેમના દીકરા માટે ફિલ્મ બનાવી છે.

 અમિતકુમારની આ યાદગાર ફિલ્મ છે અને ‘યાદ આ રહી હૈ..’ ગીત માટે તેને ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો.
 પહેલાં આ ફિલ્મ ટીના મુનીમને ઑફર થઈ હતી પણ તે સંજય દત્ત સાથે ‘રૉકી’ કરતી હતી એટલે ના પાડી હતી.
 વિજયેતા પંડિતની મોટી બહેન ગાયક-ઍક્ટ્રેસ સુલક્ષણા પંડિતને વિદ્યા સિંહા (ડૅનીની પત્ની)વાળો રોલ કરવો હતો. રાજેન્દ્ર કુમારને બે બહેનો પર નિર્ભર રહેવું નહોતું. 

 રાજેન્દ્રકુમારની ઇચ્છા હતી કે તેમનો મિત્ર મનોજકુમાર આ ફિલ્મનું નિર્દેશન કરે, પણ મનોજકુમાર ‘ક્રાન્તિ’ ફિલ્મમાં વ્યસ્ત હતો એટલે પ્રેમથી ના પાડી હતી.

રાહુલ રવૈલ શું કહે છે?

મેં ક્યારેય લવ સ્ટોરીના વિવાદ વિશે વાત નથી કરી પણ હવે મને લાગ્યું કે આખી વાતને સામે મૂકવી જોઈએ. ‘લવ સ્ટોરી’ વિશે મારે વાત કરવી એટલા માટે જરૂરી છે કારણ કે રાજ કપૂરે એક એક ક્ષણનું ભવિષ્ય ભાખ્યું હતું અને એ પ્રમાણે જ થયું હતું. એટલે મને થયું કે મારે એના વિશે લખવું જોઈએ. લોકોને કહેવું જોઈએ.
રાહુલ રવૈલ, ‘રાજ કપૂર : ધ માસ્ટર ઍટ વર્ક’ પુસ્તકમાં

  રાજેન્દ્રકુમારના જ ડિમ્પલ થિયેટરમાં એનો પ્રિવ્યુ શો યોજાયો હતો. બધા કુમાર ગૌરવની ‘એન્ટ્રી’ જોવા ઉત્સુક હતા, પરંતુ પ્લેનવાળું દૃશ્ય આવ્યું જ નહીં. 

Whatsapp-channel Whatsapp-channel

25 December, 2021 05:44 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK