રોહને ધ્રૂજતા હાથે મોબાઇલ ઉપાડ્યો. તેની આંગળીઓ સ્ક્રીન પર રીતસર થરથરતી હતી.
ઇલસ્ટ્રેશન
રૉકફર્ડ વિલાના ડ્રૉઇંગ-હૉલમાં લોહી થીજવી દેતો કાતિલ સન્નાટો પથરાયેલો હતો. અરબી સમુદ્રનું સાઇક્લોનિક તોફાન જાણે વિલાની વર્ષો જૂની દીવાલો તોડવા માગતું હોય એમ રઘવાયું થયું હતું. દરિયાનાં મોજાંઓનો અવાજ એ સ્તર પર હતો જાણે કે સેંકડો તોપ એકસાથે ફૂટતી હોય. પવનના પ્રચંડ દબાણથી બારીઓના કાચ થરથર કાંપતા હતા.
ટેબલ પર કબીર સંઘવીની લાશ પડી હતી. તેની પીઠમાં હૃદયને ચીરીને ઊતરી ગયેલા બાર ઇંચના સ્ટીલના કિચન-નાઇફમાંથી લોહીનાં ટીપાં હજુ પણ ટેબલક્લૉથ પર ધીમે-ધીમે ટપકતાં હતાં. ઢોળાયેલી સ્કૉચ અને તાજા લોહીની તીખી વાસ હૉલની હવાને ભારે કરતી હતી.
ADVERTISEMENT
તનિષાના હાથ-પગ ધ્રૂજતા હતા. તેણે બન્ને હાથ મોં પર દાબી રાખ્યા હતા. તેને રડવું હતું, પણ ડરને લીધે તેનાથી એક ડૂસકું પણ બહાર નહોતું નીકળતું. અનન્યા દીવાલનો ટેકો લઈને સાવ સુન્ન ઊભી હતી, શ્વાસની વધી ગયેલી ગતિના કારણે તેની છાતી ધમણની જેમ ઊંચી-નીચી થતી હતી.
વિવાન હજુ પણ ટેબલ પાસે જ ઊભો હતો. તેના બન્ને હાથ લોહીથી ખરડાયેલા હતા. અંધારામાં જ્યારે કબીર ટેબલ પર ઢળ્યો ત્યારે અનાયાસ જ વિવાને તેને પડતો બચાવવા માટે પકડ્યો હતો, એ વખતે કબીરની પીઠમાંથી નીકળેલા લોહીનાં ટીપાં વિવાનના શર્ટની બાંય અને હથેળી પર ચોંટ્યાં હતાં. વિવાન પોતાના એ લોહીવાળા હાથ એવી રીતે જોતો હતો જાણે એ પારકા હાથ હોય.
‘હું... હું પોલીસને ફોન કરું છું...’
રોહને ધ્રૂજતા હાથે મોબાઇલ ઉપાડ્યો. તેની આંગળીઓ સ્ક્રીન પર રીતસર થરથરતી હતી.
‘કોઈ ફાયદો નથી રોહન...’ સોફા પરથી ઊભા થઈને સોમચંદ ટેબલ તરફ આવ્યા, ‘સાઇક્લોનને કારણે વિલા તરફ આવતો આખો કૉઝવે દરિયામાં ડૂબી ગયો છે. વાવાઝોડું શાંત ન પડે ત્યાં સુધી વર્સોવા કે મલાડ પોલીસ-સ્ટેશનથી કોઈ બોટ કે જીપ અહીં નહીં પહોંચી શકે.’
‘તો કરવાનું શું?’
અનન્યાએ ઑલમોસ્ટ ચીસ પાડી અને સોમચંદે અનન્યાની સામે જોયું.
‘શાંત રહેવાનું અને શાંતિથી મને સાંભળવાનો...’ સોમચંદે ધીમેકથી ચારેય યંગસ્ટર્સ પર નજર ફેરવી, ‘મેં કહ્યું એમ, હું ડિટેક્ટિવ સોમચંદ.. મને અહીં વિવાનના પપ્પા જયંત મહેતાએ મોકલ્યો છે. જયંત મહેતાની કંપનીનાં ફંડ્સ અને વિવાનને કોણ બ્લૅકમેઇલ કરે છે એની તપાસ તેમણે મને સોંપી છે, પણ અનફૉર્ચ્યુનેટલી વાત બ્લૅકમેઇલિંગથી આગળ વધીને કોલ્ડ-બ્લડેડ મર્ડર સુધી પહોંચી ગઈ.’
‘યુ મીન, તમે... તમને...’ વિવાનની આંખો પહોળી થઈ ગઈ હતી, ‘ડૅડને બધી... બધી ખબર છે?’
‘હા અને ના... જયંતભાઈ એટલું જાણે છે કે કંપનીમાંથી કરોડો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે અને કોઈ તમને મૅરેજ તોડવાની ધમકી આપે છે.’ સોમચંદે વિવાનની સામે જોયું, ‘એ ચર્ચા આપણે પછી કરીશું, વિવાન. અત્યારે આપણો પૉઇન્ટ જો કોઈ હોય તો એ જ કે આપણી સામે તાજી, ફ્રેશ હમણાં જ રેડી થયેલી એક લાશ પડી છે.’
સોમચંદે ખિસ્સામાંથી લૅટેક્સ સર્જિકલ ગ્લવ્ઝ કાઢીને પહેર્યાં અને પછી હાથમાં રહેલી LED ટૉર્ચ ચાલુ કરી. સફેદ દૂધ જેવો તીવ્ર પ્રકાશ ટેબલની વચ્ચોવચ ફેંકાયો, જ્યાં થોડી વાર પહેલાં મોબાઇલ ગેમ રમવા માટે પાંચેય સ્માર્ટફોન મૂકવામાં આવ્યા હતા.
અને જે ક્ષણે સોમચંદની નજર ટેબલ પર પડી... ટેબલ પર કાચના તૂટેલા ટુકડાઓ વચ્ચે વિવાન, રોહન, અનન્યા અને તનિષા એ ચારેયના ફોન એમ ને એમ પડ્યા હતા, પણ જે ફોન હવામાં લહેરાવીને કબીર સંઘવી ચીસો પાડતો હતો કે આ ફોનમાં તમારા બધા વિરુદ્ધ પ્રૂફ છે એ કબીરનો ફોન ટેબલ પરથી ગાયબ હતો.
‘કબીરનો ફોન ક્યાં છે?’
સોમચંદે દરેકની સામે જોયું અને બીજી જ સેકન્ડે ચારેય જણ એકબીજાનાં મોં જોવા લાગ્યાં.
‘મને નથી ખબર...’ સૌથી પહેલાં રોહને કહ્યું, ‘ઝાડ પડવાનો ધડાકો થયો અને પછી લાઇટ ગઈ ત્યાં સુધી ફોન કબીરના હાથમાં જ હતો.’
સોમચંદે બાકીના બધાની સામે જોયું, પણ બધાની બોલતી બંધ હતી.
‘એનો સીધોસાદો અર્થ એ કે...’ ઊંડો શ્વાસ લઈ સોમચંદ બધા તરફ ઝૂક્યા, ‘આ મર્ડર આવેશમાં આવીને થયેલું કોઈ ઍક્સિડેન્ટલ મર્ડર નથી, આ એક પ્રી-પ્લાન્ડ મર્ડર છે. મર્ડરરે અંધારાનો લાભ લઈને કબીર પર અટૅક કર્યો અને પછી સૌથી પહેલું કામ તેના હાથમાંથી ફોન ઝૂંટવવાનું કર્યું, જેથી એ ફોનમાં રહેલા ઑડિયો કે વિડિયો કોઈના હાથમાં ન આવે...’
‘સોમચંદ સર, એવું પણ બની શકેને...’ અનન્યાએ ધ્રૂજતા અવાજે કહ્યું, ‘બહારનો કોઈ ગુંડો કે ચોર બારીમાંથી અંદર આવ્યો હોય અને તેણે કબીરને મારીને ફોન લઈ લીધો હોય. યુ નો, આ મઢ આઇલૅન્ડ છે, અહીં આવું વારંવાર બને છે.’
‘રાઇટ અનન્યા, તારી થિયરી કમ્ફર્ટ આપનારી છે, પણ રિયલિટીથી ખાસ્સી દૂર છે.’ સ્માઇલ સાથે સોમચંદે ફરી બધા સામે જોયું, ‘ઠીક છે, અનન્યાના મન ખાતર આપણે તે કહે છે એ પણ ચેક કરી લઈએ.’
સોમચંદે ટૉર્ચ હાથમાં લીધી અને હૉલના મેઇન ડોર તરફ ગયા. દરવાજો અંદરથી ચુસ્ત બંધ હતો. એ પછી સોમચંદે વિલાની તમામ ફ્રેન્ચ વિન્ડોઝ અને કાચની બારીઓ ચેક કરી. દરેક બારી અંદરથી લૅચ મારેલી હતી અને કાચ પર કોઈ સ્ક્રૅચ કે તોડફોડનું નિશાન નહોતું.
સોમચંદે હૉલના ખૂણામાં આવી ગયેલા વિલાના કૅરટેકર રામદાસને બોલાવ્યો.
‘રામદાસ, પાછળનો દરવાજો, રસોડાની જાળી કે ટેરેસનો દરવાજો ખુલ્લો છે?’
‘ના સાહેબ, ભગવાનના સોગન...’ ગળામાં પહેરેલી તુલસીની માળાને માથે ચડાવતાં રામદાસે કહ્યું, ‘૭ વાગ્યે દરિયાનું પાણી કમ્પાઉન્ડમાં આવ્યું ત્યારે જ મેં સાહેબના કહેવાથી પાછળની જાળી અને ટેરેસનો દરવાજો લૉક કરી દીધો.’
‘એ ચાવીઓ...’
સોમચંદ બોલવાનું પૂરું કરે એ પહેલાં જ રામદાસે કમરપટ્ટા પરથી ચાવીઓ કાઢી સોમચંદ સામે ધરી.
‘આ રહી સાહેબ...’
સોમચંદ ફરી ટેબલ પાસે આવ્યા. હોઠ પર રહેલી વણસળગેલી સિગારેટ કાઢીને સોમચંદે ટેબલની કિનારી પર બે વાર હળવેથી ઠપકારી અને પછી બધાની સામે જોયું.
‘વિલાના તમામ દરવાજા અંદરથી લૉક છે. કોઈ બારી તૂટેલી નથી. બહાર વરસાદ અને દરિયાનું તોફાન એટલું ભયાનક છે કે બહારથી કોઈ અંદર આવી શકે એમ નથી. એનો સીધો અર્થ એટલો થાય છે...’ જમણા હાથની પહેલી આંગળી ચારેય ફ્રેન્ડ્સ તરફ ધરતાં સોમચંદે કહ્યું, ‘આ એક ક્લોઝ્ડ-રૂમ મર્ડર છે. મીન્સ બહારથી કોઈ કિલર આવ્યો નથી. કબીરને પીઠમાં છરી મારનારો મર્ડરર અહીં હાજર રહેલા તમારા ચારમાંથી કોઈ એક એટલે કે... વિવાન મહેતા, રોહન ઝવેરી, અનન્યા શાહ અને તનિષા કાપડિયામાંથી કોઈ એક છે અને એ ફાઇનલ છે.’
હૉલમાં શ્વાસ રૂંધાઈ જાય એવું ભારે ટેન્શન છવાઈ ગયું. પવનના સુસવાટા વચ્ચે પણ એ ચારેયના ઝડપી શ્વાસોચ્છ્વાસનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.
‘વૉટ ધ હેલ...’ રોહનનો અવાજ મોટો થઈ ગયો હતો, ‘મિસ્ટર ડિટેક્ટિવ, તમે અમારા પર બ્લેમ કરો છો... તમને ખબર છે, અમે વર્ષોથી ફ્રેન્ડ્સ છીએ. કોઈ એકબીજાનું ક્યારેય ખરાબ કરે નહીં...’
‘ખરાબ?’ સોમચંદના ચહેરા પર સ્માઇલ આવી ગયું, ‘અડધો કલાક પહેલાં મોબાઇલ ગેમમાં સાબિત થઈ ગયું કે તમે અને અનન્યાએ વિવાનની કંપનીના શૅર્સ ચોરીછૂપીથી વેચી નાખ્યા. વિવાનના ફોન પર બે કરોડનો બ્લૅકમેઇલિંગનો મેસેજ આવ્યો. તનિષા પોતાનો ન્યુડ વિડિયો ડિલીટ કરવા માટે તરફડતી હતી અને કબીર પાસે તમારાં બધાંનાં કરતૂતોના પુરાવા હતા. તમારામાંથી કોઈ એક નહીં, તમારા ચારેય પાસે કબીરને મારવા માટે પૂરતાં કારણો હતાં...’
બધાં ચૂપ થઈ ગયાં. કોઈ પાસે જવાબ નહોતો.
શાંત થયેલા એ વાતાવરણને તોડતાં સોમચંદે કડકાઈ સાથે કહ્યું, ‘હવે કોઈ પોતાની જગ્યા પરથી હલશે નહીં. તમારા ચારેયની તલાશી લેવાશે...’
‘નો... નેવર...’ તનિષાએ ચીસ પાડી, ‘આઇ ઍમ અ ગર્લ, તમે મને ટચ ન કરી શકો... ઇટ્સ અગેઇન્સ્ટ ધ લૉ...’
‘આ લૉ જ તમને અને તમારા જેવાને બગાડવાનું કામ કરે છે...’ સોમચંદ ઝાટકા સાથે તનિષાની નજીક ગયો અને તનિષાની હડપચી પકડી, ‘જો ધારું તો અત્યારે ને અત્યારે, અહીં બધાની હાજરીમાં તને બર્થ-સૂટમાં લાવીને ચેક કરી શકું અને તું મારો વાળ પણ વાંકો કરી શકે નહીં, પણ... મને મારા સંસ્કાર રોકે છે.’
સોમચંદે અનન્યાની સામે જોયું.
‘અનન્યા તારી તલાશી લેશે અને હું સામે ઊભો રહીને જોઈશ...’ સોમચંદે ફરીથી બધા સામે જોયું, ‘જો તમે નિર્દોષ હો તો તલાશીથી ડરવાની જરૂર નથી.’
સૌથી પહેલાં સોમચંદે રોહનને ચેક કર્યો. રોહનના પૉકેટમાંથી ગાડીની ચાવી, વૉલેટ અને સિગારેટ લાઇટર નીકળ્યું. અનન્યાના પર્સમાંથી લિપસ્ટિક, ફાઉન્ડેશન, કૉમ્પૅક્ટ પાઉડર અને ડિપ્રેશનની ગોળીઓ નીકળી, જ્યારે તનિષાના પર્સમાંથી પાવર બૅન્ક, વ્લૉગિંગ માટેનો નાનો માઇક્રોફોન અને પર્ફ્યુમની બૉટલ સિવાય કંઈ શંકાસ્પદ ન મળ્યું.
છેલ્લે સોમચંદ વિવાન મહેતા સામે આવીને ઊભા રહ્યા. વિવાનના બન્ને હાથ લોહીથી ખરડાયેલા હતા. સોમચંદે વિવાનના બ્લેઝરનાં બહારનાં ખિસ્સાં તપાસ્યાં, એમાં કશું નહોતું. પૅન્ટના ખિસ્સામાં માત્ર રૂમાલ હતો પણ જેવો સોમચંદે વિવાનના બ્લેઝરના ડાબી બાજુના અંદરના પૉકેટમાં હાથ નાખ્યો કે સોમચંદની આંગળીઓ સાથે પ્લાસ્ટિક અને મેટલનો એક નાનકડો, ધારદાર ટુકડો અથડાયો.
સોમચંદની આંખો ચમકી. તેણે એ વસ્તુ બહાર કાઢી ટૉર્ચ સામે ધરી.
એ જે વસ્તુ હતી એ જોઈને બધાં હચમચી ગયાં.
સોમચંદની હથેળીમાં કબીરના
ગુમ થયેલા મોબાઇલનું તોડી નાખેલું સિમકાર્ડ હતું.
સોમચંદે ફરીથી વિવાનનાં ખિસ્સાં ચેક કર્યાં અને મોબાઇલમાંથી સિમ બહાર કાઢવા વપરાતી સિમ-ઇજેક્ટર પિન પણ તેના ખિસ્સામાંથી નીકળી.
‘ઓહ ગૉડ...’
અનન્યાના મોંમાંથી ચીસ નીકળી ગઈ અને તનિષાની આંખો ફાટી ગઈ.
‘વિવાન?! તું... તેં કબીરને મારી નાખ્યો?’
‘વિવાન, આ શું કર્યું યાર?’ રોહન આગળ આવ્યો, ‘કબીર તને બ્લૅકમેઇલ કરતો હતો એટલે તેં અંધારામાં તેને આમ...’
‘તેં કબીરનું સિમકાર્ડ આમ તોડી નાખ્યું?’ અનન્યા સ્તબ્ધ હતી, ‘એ તેં તારા જ પૉકેટમાં રાખ્યું?’
વિવાનનો ચહેરો ક્ષણવારમાં લાશ જેવો થઈ ગયો. તેના પગ ધ્રૂજવા લાગ્યા. તે પોતાના લોહીવાળા બન્ને હાથ હવામાં હલાવીને પાગલોની જેમ બૂમો પાડવા લાગ્યો.
‘ના... ના, મેં કંઈ નથી કર્યું. આ... આ ખોટું છે...’ વિવાન સોમચંદ સામે ઘૂંટણિયે પડી ગયો. ‘સર, મારા ભગવાનના સોગન. મેં કબીરનો ફોન હાથમાં પણ નથી લીધો. મને નથી ખબર આ સિમકાર્ડ, આ પિન મારા પૉકેટમાં ક્યાંથી આવ્યાં? કોઈ, કોઈ મને ફસાવે છે... કોઈએ મારા ખિસ્સામાં આ બધું મૂકી દીધું છે...’
‘વિવાન, તારા જ જૅકેટના અંદરના ખિસ્સામાંથી સિમકાર્ડ નીકળ્યું છે, તારા હાથ પર કબીરનું લોહી છે અને સૌથી અગત્યની વાત, તારી પાસે કબીરને મારવાનું સૌથી મોટું મોટિવ હતું... બીજા કોઈ પ્રૂફની હવે જરૂર નથી.’
વિવાન રડી પડ્યો. તમામ પુરાવા, મોટિવ, લોહીવાળા હાથ, તૂટેલું સિમકાર્ડ અને ઇજેક્ટર પિન ચીસો પાડીને કહેતાં હતાં કે કબીર સંઘવીનું મર્ડર વિવાને કર્યું છે. અલબત્ત, સોમચંદ હજુ પણ વિચારમાં હતો. તેણે હથેળીમાં રહેલું તૂટેલું સિમકાર્ડ જોયું. પછી ટેબલ પર પડેલી કબીરની લાશ તરફ જોયું.
સોમચંદ ધીમાં પગલે ટેબલ પાસે ગયો.
તેણે ટૉર્ચનો પ્રકાશ કબીરના અડધા પીધેલા રેડ વાઇનના ગ્લાસ પર પાથર્યો.
ગ્લાસની કિનારી પર આછો સફેદ પાઉડર સુકાઈને ચોંટેલો હતો. સોમચંદે ગ્લવ્ઝવાળી આંગળીથી એ પાઉડર સહેજ અડીને સૂંઘ્યો.
એ કોઈ તીવ્ર સ્લીપિંગ પિલની વાસ હતી.
સોમચંદની નજર હવે વિવાન પરથી હટીને બાકીના ત્રણ શંકાસ્પદો પર ફરી.
‘વિવાન, કાયદો પુરાવા પર ચાલે છે અને અત્યારે તમામ પુરાવા તારી વિરુદ્ધમાં છે... પણ...’ સોમચંદે ભારે અવાજ સાથે કહ્યું, ‘મારો અત્યાર સુધીનો ઇન્વેસ્ટિગેશનનો અનુભવ કહે છે કે જ્યારે પુરાવા સહેલાઈથી, ઝડપથી અને આટલા પર્ફેક્ટ રીતે સામે આવે... ત્યારે માનવું કે કોઈ શાતિર-બદમાશ માસ્ટરમાઇન્ડે ફેંકેલી જાળ છે.’
સોમચંદે ટૉર્ચનો પ્રકાશ અચાનક વાઇનના ગ્લાસ તરફ ફેરવ્યો.
‘કબીરને પીઠમાં છરી મારવામાં આવી એ પહેલાં તેના વાઇનમાં આ ઊંઘની દવા કોણે ભેળવી હતી? અને એ વાઇન કબીરના હાથમાં કોણે આપ્યો હતો?’
સોમચંદની આ તીખી નજર સામે આવતાં જ તનિષાના ચહેરા પરથી અચાનક લોહી ઊડી ગયું!
બહાર દરિયાનું સાઇક્લોન વધુ
હિંસક બનીને વિલા પર ત્રાટકી રહ્યું હતું અને અંદર ડિટેક્ટિવ સોમચંદ ચાર યંગસ્ટર્સ પર.
(ક્રમશઃ)
