Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બાજી : ઘટના-દુર્ઘટના (પ્રકરણ ૧)

બાજી : ઘટના-દુર્ઘટના (પ્રકરણ ૧)

Published : 02 November, 2026 05:37 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘તમારી ઍર-હૉસ્ટેસો તો કેવી રૂપકડી હોય છે. એમાંથી કોઈ ગમી નહીં કે પછી પટી નહીં?’

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


‘આજા સનમ...’

બંગલાની કમ્પાઉન્ડ-વૉલને સમાંતર સજાવેલા ફૂલોના ક્યારામાં પાઇપ વાટે પાણીનો છંટકાવ કરતી મોસમ હલકભર્યા કંઠે લતાનું ગીત ગણગણતી હતી ત્યાં બાજુના બંગલાની હદમાંથી ટહુકો સંભળાયો, ‘તારો રાજકુમાર મુંબઈમાં હશે તો-તો આવી પહોંચશે.’



જોયું તો સ્મિતાભાભી. મોસમ થોડી રતાશવર્ણી થઈ. ૯ મહિના અગાઉ હું પ્રેમમાં પડી, બે મહિના અગાઉ મારી સગાઈ થઈ ત્યારે સખી જેવાં ભાભીની મશ્કરી પણ કેવી મીઠી લાગે છે.


હોઠ કરડતી મોસમ વાગોળી રહી:

વેપારી પિતા મનોહરભાઈ અને ગૃહિણી માતા આનંદીબહેનની એકની એક દીકરી તરીકે મોસમ ભારે લાડમાં ઊછરી. પૈસાની રેલમછેલથી દીકરી છકી ન જાય એ માટે પણ માવતર સાવધ રહેતાં. પરિણામે મોસમના ઉછેરમાં સંસ્કારપોત આપોઆપ વણાતું ગયેલું. અંગે યૌવન મહોર્યું, સ્વર્ગની અપ્સરાઓ પણ પાણી ભારે એવું રૂપ ખીલ્યું એથી છકી જવાનું તેના સ્વભાવમાં જ નહોતું.


ખારની નૂતન સોસાયટીમાં સામસામી કતારમાં હારબદ્ધ બંગલાઓ હતા. એમાં બાજુમાં રહેતા વૈષ્ણવ પરિવાર જોડે આનંદીબહેનનો ઘરોબો કેળવાઈ ગયેલો. મોસમને પણ બાજુવાળાં કિશોરીમાસી સાથે બહુ ભળતું. તેમના દીકરા સત્યેનભાઈને તે પહેલેથી રાખડી બાંધતી. પાંચેક વર્ષ અગાઉ સત્યેનનાં લગ્ન થયાં એ પછી સ્મિતાભાભી જોડેય મોસમને ગોઠી ગયું હતું.

‘અક્ષતકુમાર મુંબઈમાં છે કે ફ્લાઇટ લઈને ઊપડ્યા છે ક્યાંક?’

ફ્લાઇટ. મારી સગાઈ પ્લેન ઉડાડવાના શોખીન પાઇલટ સાથે થશે એવું તો મેં પણ ક્યાં ધાર્યું હતું!

અક્ષત ભારતની જાણીતી ઉડ્ડયન કંપની ‘DN (ડે-નાઇટ) ઇન્ડિયાનો સીઝન્ડ પાઇલટ છે.

‘આજે તો તે લંડન ઊપડ્યા છે.’

થોડી આડીઅવળી વાતો કરીને સ્મિતાભાભી તેમના ઘરમાં ગયાં
એટલે વળી એકલી પડેલી મોસમ વાગોળી રહી :

ફૅશન-ડિઝાઇનિંગનો ડિગ્રી કોર્સ કરીને પોતે પૅરિસના જાણીતા બુટિકમાં પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ માટે અપ્લાય કરેલું. નસીબજોગે ઍડ્મિશન મળી પણ ગયું એટલે વર્ષદહાડો પૅરિસમાં રહેવાનો જોગ સર્જાયો.

અને એ જોગ જ અક્ષતના મેળાપમાં નિમિત્ત બન્યો!

પાઇપ મૂકી, પાણીની ચકલી બંધ કરીને વરંડાના હીંચકે ગોઠવાતી મોસમે ગતખંડનું સંધાન મેળવી લીધું:

પોતે ત્યાં એક અપાર્ટમેન્ટમાં રેન્ટ પર રહેતી. પૅરિસનો પૉશ એરિયા. વૈભવી ફ્લૅટમાં રહેનારી હું એકલી. રેન્ટના કેટલા યુરો ચૂકવવાના થયા હશે એ તો પપ્પા જ જાણે! પણ એકંદરે એકદમ સુરક્ષિત જગ્યા.

આવામાં છએક મહિના પછીની એક વહેલી સવારે ડોરબેલ રણકી.

ચાલુ દિવસે આ સમયે તો કોણ હોય! પાછી ઉપરાઉપરી બેલ મારે છે! નાઇટ ગાઉનનો બેલ્ટ કસીને ડોર કૅમેરાની સ્ક્રીન જોઈ તો સફેદ વર્દીમાં શોભતો કોઈ જુવાન દેખાયો. સવાર થઈ ચૂકી હતી, આડોશી-પાડોશીઓ પણ જાગી ચૂક્યા હોય એટલે બીવા જેવું ન લાગ્યું ને મેં દરવાજો ખોલ્યો : કયા ઘોડે ચડી નીકળ્યા છો કે આટલી ઉતાવળ.

પણ આ શું! તે જુવાન તો જાણે લકવો લાગી ગયો હોય એમ પૂતળા જેવો બનીને મને નિહાળી રહ્યો છે. બેલ પર દબાયેલી આંગળી પણ ઉઠાવવાનું ભૂલી ગયો કે શું?

ખીજમાં મેં આંચકાભેર તેનો હાથ ખસેડ્યો કે તે ઝબકયો, ‘ઓહ સૉરી! પણ જરા મને ચૂંટી ખણોને. ક્યાંક હું સ્વર્ગના દરવાજે તો નથી આવી ઊભોને!’

તેની લઢણે મને મનમાં જ મલકાવી મૂકી. મારા રૂપની પ્રશસ્તિની મને નવાઈ નહોતી, પણ મને અપ્સરા સાથે સીધી સરખાવવાને બદલે સ્વર્ગનું પૂછનારો નિરાળો લાગ્યો. મારાથી ત્રણ-ચાર વર્ષ મોટો, છવ્વીસ-સત્યાવીસનો જણાતો જુવાન છે પણ કેવો ચાર્મિંગ! આકર્ષક નાકનકશો, ગોરો વાન, તેની કસાયેલી કાયામાંથી મર્દાનગી જાણે નીતરી રહી છે! પાછો કેવો નિર્દોષભાવે ફ્લર્ટ કરે છે.

ચૂંટી ખણવાને બદલે મેં વ્યંગ છેડ્યો, ‘મતલબ તમે સ્વર્ગમાં જ જશો એવી તમને આશા છે?’

તરત જ જવાબ હાજર, ‘તમે હશો તો આપણને નરક પણ ચાલશે હોં!’

‘જવા દો, હાલ તો આપણે બેઉ પૃથ્વીલોકમાં જ છીએ.’ મેં અવાજમાં કરડાકી ભેળવી, ‘અને અહીં અજાણ્યાના ઘરે આમ ટપકવું મૅનરલેસ ગણાય છે.’

‘આઇ ઍમ સૉરી ફૉર ધૅટ, પણ તમારા કામ માટે જ આવ્યો છું. તમારાં મધરે તમારા માટે પાર્સલ...’ બીજા હાથમાં પકડેલી બૅગ ધરતાં તે ખચકાયો, ‘વેઇટ, આ તો છોકરા માટે છે – મિતેશ નાગર, જ્યારે તમે તો છોકરી છો... સાફ દેખાય છે!’

બેલ્ટ કસવાથી મારાં ઉરજોનો ઉભાર ગાઉનના આવરણ આડેય ઊલટો વધુ સ્પષ્ટપણે દેખીતો બન્યો હતો. એ જોઈને મૂછમાં મલકાતાં તેણે કહેલા શબ્દોએ મને છૂઇમૂઇ કરી મૂકી, પછી બોલવાનું સૂઝ્યું, ‘મિતેશભાઈ બે ફ્લોર નીચે રહે છે.’

‘ઓહ. ઓકે. થૅન્ક્સ.’

તે નીકળ્યો અને ૧૦ મિનિટ પછી ફરી દરવાજે ડોકાયો.

‘હાય, માયસેલ્ફ અક્ષત જાની. તમે મને કુરિયરવાળો ન ધારી લો એટલા પૂરતું ક્લૅરિફાય કરવા આવ્યો છું કે હું DN ઇન્ડિયાનો પાઇલટ છું, ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ ઑપરેટ કરું છું અને ઓળખીતા-પાળખીતા તેમના રિલેટિવ્સ માટે ક્યારેક સંપેતરું આપી જાય તો પહોંચતું કરું છું... બોલો, તમારે ઇન્ડિયામાં કોઈ હોય ને કશું મોકલવાનું હોય તો કહો. આજે રાતે મારી મુંબઈની રિટર્ન ફ્લાઇટ છે.’

‘થૅન્ક્સ, પણ મારે એવું ખાસ કંઈ લાવવા-લઈ જવાનું હોતું નથી.’

‘અફકોર્સ!’ અક્ષતે સ્મિત ફરકાવ્યું, પછી કૅપ સરખી કરતાં ઉમેર્યું, ‘મારી એક બીજી ખાસિયત પણ છે. કોઈ ખૂબસૂરત છોકરી મને કૉફી માટે ઇન્વાઇટ કરે તો હું ના નથી પાડતો.’

હવે મારાથી હસ્યા વિના ન રહેવાયું, ‘સમજી ગઈ. પ્લીઝ કમ ઇન.’

અને બસ, પછી તો ઘરમાં પ્રવેશેલા તે ક્યારે મારા હૈયામાં સમાઈ બેઠા એની મને ખુદને ગત ન રહી.

ઉસ્તાદ એવા કે પોતે મોટા ભાગે પૅરિસની જ ફ્લાઇટ લે. અમે સાથે લંચ લઈએ, ડિનર કરીએ. અક્ષત પાસે વાતોનો ખજાનો હતો. પાઇલટ તરીકે કેવા-કેવા અનુભવો થતા એના અનેક રસપ્રદ કિસ્સા મને હજીયે યાદ છે.

‘તમારી ઍર-હૉસ્ટેસો તો કેવી રૂપકડી હોય છે. એમાંથી કોઈ ગમી નહીં કે પછી પટી નહીં?’

ક્યારેક હું પૂછતી ને અક્ષત ગંભીર બનતા, ‘હું સાધુ નથી મોસમ. વૈરાગી નથી એટલે પણ રાગ માણવામાં હું પાપ જોતો નથી. આઇ ઍમ નૉટ વર્જિન. અનેક વાર, ઘણી સ્ત્રીઓ સાથે મેં શરીરસુખ માણ્યું છે. લગ્ન પછી પરસ્ત્રી સાથે નહીં જ સૂવું એવી કોઈ ગૅરન્ટી મારા ડ્યુટી-અવર્સ જોતાં હું આપી શકું નહીં. ક્યારેક તો દિવસો સુધી ઘરથી દૂર રહેવાનું બને ત્યારે જીન્સી આવેગને ઠારવામાં હું બેવફાઈ જોતો નથી, તારા પક્ષે પણ નહીં જોઉં. પણ હા, મારો અંશ તારા ગર્ભ સિવાય ક્યાંય નહીં શ્વસે, મારા હૈયામાં તારું સ્થાન ૭ ભવમાં કોઈ લઈ નહીં શકે, મારા માટે એ જ સપ્તપદી.’

આમાં નિખાલસતાથી વધુ વૈચારિક સ્પષ્ટતા હતી, જેની સાથે હૈયામેળ થયો તેની સમક્ષ આવરણ વિનાના રહેવાની પ્રતિબદ્ધતા હતી. દામ્પત્યમાં ખરું મહત્ત્વ તો એનું જને! મનચાહ્યા પુરુષનું પરસ્ત્રીગમન અવગણવામાં પ્રેમનો અંધાપો નહોતો, કેમ કે બીજી સ્ત્રી સાથે સૂનારો પુરુષ અમારા એકાંતમાં અચલ રહેતો : તારી સાથે હું બીજી સ્ત્રીઓની જેમ સૂઈ ન શકું મારી મોસમ, આપણી તો હકની રાત હશે... વિધિવત્, બાકાયદા લગ્ન પછીની મધુર સુહાગરાત!’

આવા પ્રીતમ પર કોણ ઓવારી ન જાય!

બેઉ ઘરનાને અમારા મેળનો ખ્યાલ આવવા લાગેલો. પાર્સલના બહાને ખારના ઘરે આવરો-જાવરો કરીને તેમણે મમ્મી-પપ્પાનું મન મોહી લીધેલું: છોકરો કુંવારો છે, માબાપનો એકનો એક. જુહુમાં આલીશાન પેન્ટહાઉસ છે અને પાછો આપણી જેમ ગુજરાતી.

હું ઇન્ડિયા આવી હોઉં ત્યારે અક્ષત કોઈક બહાને ફૅમિલી ગૅધરિંગ ગોઠવી નાખતા. અક્ષતનાં મમ્મી-પપ્પા સાથે મેં પણ મેળ જમાવી દીધેલો.

પરિણામે અમારે મા-બાપને કહેવું જ ન પડ્યું. ૩ મહિના અગાઉ ટ્રેઇનિંગ પતાવીને પૅરિસથી હું પરત થઈ એના મહિનામાં જ બન્નેનાં માવતરે સામેથી અમને એક કરવાનું ઠેરવી દીધું!

દરમ્યાન મેં નાના પાયે ઘરમેળે કામકાજ શરૂ કર્યું હતું.

એક તરફ બુટિકની વ્યસ્તતા, બીજી બાજુ અક્ષતનો ચસોચસ પ્રણય, ત્રીજી બાજુ સગાઈનાં પડઘમ. નજરાઈ જવાય એટલું સુખ વરસી રહ્યું હતું ત્યાં...

‘મોસમ, આ શનિ-રવિ ફ્રી છે?’ પૂછીને સ્મિતાભાભીએ પ્રસ્તાવ મૂક્યો, ‘હું મારા પિયર અમદાવાદ જાઉં છું, ફાવે એમ હોય તો તુંય ચાલ. રિવરફ્રન્ટ જઈશું, કાંકરિયા ફરીશું...’

મને શું વાંધો હોય! અક્ષત આમેય આખું વીક બહાર રહેવાના હતા. ના, તેમના લૉન્ગ આઉટિંગ દરમ્યાન તે કોઈ સ્ત્રીની સોબત માણી લેતા હશે એવું કંઈ જ હું વિચારતી નહીં, અક્ષત આવે ત્યારે પૂછતી પણ નહીં. જેની સ્પષ્ટતા થઈ જ ચૂકી છે એ વિષયને બીજી વાર ઉખેળવાનો હોય જ નહીંને!

સ્મિતાભાભીનું પિયર મારા માટે અજાણ્યું નહોતું. જોકે આ વખતે ફરવાથી વધુ રસ સગાઈ માટેના શૉપિંગનો હતો. શનિવાર આખો અમે બજારમાં રખડ્યાં.

રવિવારે વહેલી સવારે કાંકરિયા પહોંચ્યાં. અહીંની બોટ-રાઇડ ફેમસ છે. અમે બે અને ભાભીના ભાઈના દસ-બાર વર્ષના બે છોકરા. બોટ ધક્કેથી ઊપડી. છોકરાઓ બરાબર મસ્તીના મૂડમાં હતા. તેમની ઊછળકૂદને કારણે બોટ આડીતેડી થઈ જતી. એમાં જાણે કેમ હું બૅલૅન્સ ગુમાવીને તળાવમાં ખાબકી!

બાપ રે. તરતાં આવડે નહીં. નહીં ડૂબવા હું હવાતિયાં મારવા લાગી એમ ઊલટી ડૂબવા લાગી. ભાભીએ ચીસાચીસ કરી મૂકી, છોકરાઓને ધીબેડી નાખ્યા.

અને કોઈના સશક્ત હાથોએ મને જકડી, ખેંચી, કિનારે તાણી લાવ્યો ત્યાં સુધીમાં ભાભી પણ બોટ વળાવીને આવી પહોંચ્યાં.

‘તમારો ખૂબ આભાર ભાઈ! મોસમ, તું ઠીક છેને?’

મેં ઘડીક હજીયે મને બે હાથોમાં તેડીને ઊભા જુવાન તરફ જોયું, ઘડીક ભાભીને નિહાળી હકારમાં ડોક ધુણાવી.

તે જુવાન અચ્યુત હતો.

અને મોસમ ફોનની રિંગે ઝબકી, વિચારવમળમાંથી બહાર આવી.

જોયું તો...

અચ્યુત કૉલિંગ!

મોસમે હોઠ કરડીને મોબાઇલ સાઇલન્ટ મોડ પર મૂકી દીધો.

lll

મોસમે કૉલ ન લીધો! કદાચ
બિઝી હશે...

ખભા ઉલાળીને અચ્યુતે
અરીસામાં જોયું.

કાલિયા!

નાનપણમાં બધા મને કાળિયો કહેતા, કિશોરાવસ્થામાં શેરીમાં કાલિયાનું ઉપનામ મળી ગયું... મારા આ ગાઢા શ્યામ વર્ણને કારણે!

ક્યારેક ઓછું આવતું તો મા કહેતી : યશોદા કા નંદલાલા પણ શામળા જ હતાને! તું કંઈ મારો ઓછો કામણગારો છે!

મા-પિતાનો વર્ણ વારસામાં મળ્યો હતો એમાં આ સમજે એટલું ઠસી ગયું કે ઈશ્વરે કલર ભલે કાળો આપ્યો, શરીરને સુગઠિત બનાવવાનું તો મારા હાથમાં છે!

કિશોરવયથી રાખેલી કાળજી આજે મારા દેખાવમાં પડઘાય છે. શ્યામ ત્વચા છતાં દેહનો કસાયેલો ઘાટ યુવતીઓને લોભાવ્યા વિના રહે નહીં, પણ તકલીફ એ છે કે તેમની નજર ત્વચાથી ઉપર ઊઠતી જ નથી!

એમાં અપવાદરૂપ નીકળી મોસમ...

કાંકરિયાના તળાવમાં યુવતીને ડૂબતી જોઈ પોતે પડતું નાખ્યું ત્યારે અણસારે નહોતો કે રુદિયે કોઈનાં રૂમઝૂમ પગલાં પડવાનો માંડવડો રચાઈ રહ્યો છે!

નાજુક કમળકાકડીની જેમ તે મારા આગોશમાં ખેંચાઈ આવેલી. તેના રૂપની ઝલક, તેનાં અંગોનો સ્પર્શ, તેના સુગંધી શ્વાસની આવનજાવન... એક જુવાને હૈયું હારવા આટલાં કારણો તો બહુ થયાં!

એથી પણ એક વિશેષ કારણ
હતું : મારો સ્કિનટોન જોઈ તેણે મોં નહોતું ફેરવ્યું!

અત્યારે પણ એ યાદે અચ્યુત મહોરી ઊઠ્યો.

lll

તે હાંફી રહ્યો. શ્વાસોના લયમાં કામનાનો આવેગ ભળે ત્યારે ઉચ્છ્વાસના ઊંહકારા પણ તીવ્ર બની જતા હોય છે.

સ્વિટ્ઝરલૅન્ડની વિલામાં કામસુખમાં રમમાણ બનેલા ભારતના વિરોધી પાર્ટીના રાજનેતાને અણસાર નહોતો કે કોઈ પોતાની અંગત પળોને કૅમેરામાં કેદ કરી રહ્યું છે!

ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 05:37 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK