થોઈ ઘડીક વિચારમાં પડી, ‘શું શું નથી ગમતું?’ – કોરોઉનો તુંડમિજાજી સ્વભાવ, કાંઈ નક્કી જ ન હોય કે ક્યારે છટકશે; આ ચિડિયાઘર જેવું ઘર, જેનો એક ભાગ કબૂતરખાનું ને બાકી વધેલી જગ્યામાં જગ્યા ઓછી અને સામાન વધારે હતો;
પ્રતીકાત્મક તસવીર
કમરે લાગેલા જખમમાંથી લોહી આવતું હતું. મલમપટ્ટી કરી સ્વસ્થ થઈ થોઈ રસોડામાં પાણી પીવા ગઈ. તેનું અડધું ધ્યાન અંદર અને અડધું ધ્યાન બહાર હતું. શહેરની પરિસ્થિતિ જ આજકાલ એવી હતી કે દરેકે એક કાન ઘરમાં ને બીજો બહાર લગાડીને રાખવો પડતો. આમ તો કોરોઉ આજકાલ કામ જ એવું કરતો કે શહેરની આવી હાલતમાં તેમના ઘરમાં દિવાળી આવતી. પરચૂરણ કામ કરતો કોરોઉ થોડા સમય પહેલાં જ કોઈ પાર્ટી માટે કામ કરતો થયો હતો. કામ તો સાવ નાનકડું જ હતું. પાર્ટીના લોકો સાથે કામ પડ્યે ટોળામાં ભળી જવાનું હતું. કોરોઉ આમ પણ વાતની જડ સુધી જવાની પંચાતમાં પડતો નહીં એટલે વગર સવાલ કર્યે બે પૈસા રળી લેવા તેને ગમતા હતા. એ બહાને ઘરમાં બે પૈસા તો આવે! થોઈને આ જરાય ગમતું નહીં, પણ ધીરે-ધીરે ન ગમતું બધુ જ તેણે ગમાડી લીધું હતું.
થોઈ ઘડીક વિચારમાં પડી, ‘શું શું નથી ગમતું?’ – કોરોઉનો તુંડમિજાજી સ્વભાવ, કાંઈ નક્કી જ ન હોય કે ક્યારે છટકશે; આ ચિડિયાઘર જેવું ઘર, જેનો એક ભાગ કબૂતરખાનું ને બાકી વધેલી જગ્યામાં જગ્યા ઓછી અને સામાન વધારે હતો; કોરોઉની લખણખોટી બિલાડી, જેના પેશાબની ગંધથી ઘરનો એક ખૂણો સાવ જ નકામો થઈ ગયો હતો. થોઈને ક્યારેક લાગતું કે પોતે પણ આ કબૂતરની જેમ જ પાંજરે પુરાયેલું એક પંખી છે. કબૂતરો ફફડે તો કોરોઉ એને શાંત કરવા અડધી રાતે પણ જાગે, પણ પોતે તેની હાજરીમાં ફફડતી રહે તો તેને શાંત પાડવાનું તો સૂઝે જ નહીં, ઊલટાનું આવું થવાથી ક્યારેક તેને અજીબ પ્રકારનો કેફ ચડતો, જેમાં તે ન કરવાનું કરી નાંખતો.
કમરેથી આવતું લોહી તો બંધ થયુ હતું, પણ દુખાવો હજીયે મટવાનું નામ નહોતો લેતો. મન કોરોઉને કોસવા લાગ્યું. અંદરથી તેને પોતાની જ મશ્કરી ઉડાવતો હોય એવો અવાજ આવ્યો, ‘તને કોણે કહેલું આવા જલ્લાદને વરવાનું?’
- ‘મેં જ કહેલું, મેં પોતે જ! કેટલી વાર કહું? મારી જ હઠ હતી તેને પરણવાની. આવો જલ્લાદ જેવો માણસ એક વખત પોચા હૃયનો માણસ હતો. સાવકી મા અને સગા નિષ્ઠુર બાપની ઠોકરો ખાધેલો માણસ! રોજ સગા બાપની હડધૂત સહન કરીને તેનો નમાયો ચહેરો પોકારી-પોકારીને કહેતો કે તે બિચારો છે, સીધોસાદો છે, દયાને લાયક અને પ્રેમને લાયક છે. એક જ મહોલ્લામાં ઘર હતાં અમારાં, એટલે અમે બધું રોજ જોતાં અને રોજ અંદરોઅંદર કહેતાં કે આ માણસ તો કમનસીબીમાં અટવાયેલો સાવ જ નિર્દોષ-ભોળો માણસ છે.’
ઉપહાસ કરતો એ અવાજ ફરીથી બોલ્યો, ‘ને તારે તો વળી કાંઈ જ લેવાદેવાનું નહોતું તેની સાથે. તો પણ વચ્ચે આવીને?’
– ‘ના, વચ્ચે નહીં. વચ્ચે આવવાનો તો સવાલ જ નહોતો. હું તો પાછળ-પાછળ આવી. મોમ્બીની પાછળ. એ હરામી-નીચ-ભાગેડ મોમ્બીની પાછળ. કેટલું ચાહતો તેને આ? નાનપણથી જ તેનો જીવ એ હરામખોર મોમ્બીમાં હતો. બાપનો માર પણ ખાઈ લેતો તેને રૂપિયા આપવા. ચોરી કરી લેતો, ફક્ત તેના શોખ પૂરા કરવા. તેને પરણવા સ્ટીલના કારખાને પણ જોડાયેલો. તોયે શું હતું કે એક દિવસ વગર બતાવ્યે સાલી ભાગી ગઈ ને આને કાયમને માટે ભાંગી ગઈ. સાલી પેટનીય કેવી પૅક! તેની બહેનપણી હું. અરે હું પણ કાંઈ જાણતી નહોતી. બસ, જાણતી તો આ કોરોઉનો વલોપાત, તેના દિલનું દર્દ, તેની કમનસીબી અને તેનો માસૂમ ચહેરો! ને તેને વધુ જાણવા-જાણવામાં તેના પ્રેમમાં તણાઈ ગઈ, આખેઆખી! ખબર નહીં કઈ અપશુકનિયાળ ઘડીમાં એવું થઈ આવ્યું કે તેના વગર હવે જિવાશે નહીં.’
ઉપહાસ કરનાર અવાજ હવે અટ્ટહાસ્યમાં બદલાઈ ગયો, ‘મૂરખ છે મૂરખ તું! આને અને પ્રેમ? ખબર નથી હિંસા જોઈને હરાયા ઢોર જેવું શૂરાતન ચડે છે તેને? તને કમરમાં આ ઘા તેણે જ તો આપ્યો છેને? અરે, જેની સાથે એક ઘાને બે કટકા કરવા જોઈતા હતા તેના આપેલા ઘા તું વર્ષોથી સહન કરે છે? ને હજીયે એવા પ્રેમ-બેમનો બફાટ કરે છે? ઘરનું કોઈ હા નહોતું કહેતું, ખબર છેને? અરે, આ ઢોરે શીખે તને ચોખ્ખું કહેલું કે મોમ્બી ગઈ પછી દુનિયાની કોઈ સ્ત્રીજાત માટે તેના દિલમાં કે ઘરમાં કોઈ જગ્યા નથી. ને તોયે આવી તું મૂરખ? તું પરાણે આવી, સામેથી તેને વરવા ભૂંડી!’
–‘હા, બધુંય સાચું. એ તો મારું જ દિલ આવી ગયેલું. હું ભૂલી પડી, આંધળી હતી. મને એમ કે ક્યારેક તો જગ્યા થશે મારી, પણ ન થઈ, સાત-સાત વર્ષેય નહીં. ન થઈ તો ન જ થઈ! હવે કયાં જાઉં? આમ તો મને ખરાબ રીતે રાખતો નથી, મળ્યું એ કામ લઈને પૈસા રળે છે, ભૂખી ન રાખે, પહેરાવે-ઓઢાડે, બહાર વહેવારેય ચોખ્ખો રહે. બસ! બોલવાનો જરાક કડવો છે તે ક્યારેક કડવાશ મગજે ચડી જાય. ખબર નહીં શું વિચારી તે સ્ટીલના કારખાનેથી જાતે બનાવેલું પેલું આરીવાળું કડું લઈ આવ્યો. ના હાથમાંથી એ કયારેય ન ઊતરે. પોતાની બિલાડીને પંપાળતી વખતે એ બરાબર ધ્યાન રાખે કે એ હાથેથી તેને અડે પણ નહીં. કડાની ઉપર નાના ખીલા જેવી ડિઝાઇન ગમે તેનું લોહી કાઢી નાખે. એનો હાથ ઊંઘમાં તેના પર પડે તો તેના પર પણ ઘા થઈ જતો ક્યારેક, તોયે તે પરવા ન કરે. મારી પાસે આવે ત્યારે તો જાણીને તેનાથી મારા પર ઘા થાય એમાં તેને મજા આવે છે જાણે! મારા મોઢેથી રાડ નીકળે તો તેને ગજબનો આનંદ અનુભવાય. એક જગ્યાએ ઘા પડી-પડીને હવે રુઝાવાનું નામ નથી લેતો. મને ક્યારેક લાગે મારી અંદર તેને તેનો બાપ, તેની મા ને તેની ભાગેડ પ્રેમિકા દેખાતી હશે જેને તકલીફ આપીને.. રે.. આવું બધું તો કોને કહેવું?’
થોઈના મોંમાંથી એક નિસાસો નીકળી ગયો. ટીવી ચાલુ કર્યું ને ખબર જોયા કે ચારે તરફ છમકલાં, તોફાન અને પ્રદેશની અરાજકતાના જ સમાચાર છે. કમરે લાગેલા ઘામાં વધુ બળતરા થવા લાગી. હૈયાનો ફફડાટ આજે શમતો નહોતો. આસપડોશનાં બૈરાં તો કહી પણ ગયાં હતાં, ‘ઘરમાં મરચાંના પાણીવાળી બૉટલો રાખજે. લાકડી, ફટકા, દંડિકા જેવું પણ સાથે જ રાખજે. જરૂર પડ્યે ક્યાંક તો કામ લાગશે જ. કોઈ અજાણ્યાનો દરવાજો નહીં જ ખોલવાનો. અરે, મદદ કરવા માટે પણ દરવાજો ન ખોલવો.’
અત્યારે શહેરમાં ન બનવાનું બની રહ્યું હતું. કેટલાંક ઠાવકાં બૈરાં તો એવું પણ કહી ગયા, ‘આને નિરાંત છે, છૈયું-છોકરું નથી એટલે ચિંતા નથી. બાકી છોકરાવાળાને અત્યારે જીવ હેઠો ન રહે.’ પછી થોઈ ફરીથી વિચારે ચડી ગઈ, ‘છોકરાં? ક્યાંથી થાય આમાં? હું થવા પણ નહીં દઉં, જેમ આજ સુધી નથી થવા દીધાં. આનો મિજાજ ઠીક હોય તો જ જોઈએ મને. એક ભૂલને બીજી ભૂલથી ઢાંકીશ તો નહીં જ. પ્રેમમાં આંધળી છું પણ મમતામાં તો આંખ હોય તો જ પાલવે.’
થોઈ આજે નક્કી નહોતી કરી શકી કે ક્યાંનો અવાજ વધારે હતો. બહારનો કે અંદરનો? પાંજરામાંનાં કબૂતરો પણ આજે વધુ જ ફફડતાં હતાં. ઘર બંધ કરવાની જાહેર સૂચનાઓ મળ્યા બાદ બધાં જ બારી-બારણાં બંધ કરાયાં હતાં. એટલે વરસાદની બીકે ઘરમાં રાખેલાં કબૂતરોના ચરકની વાસ અસહ્ય બની રહી હતી. ઘરની જૂની વાસમાં ભળેલી એ નવી વાસ ગૂંગળાવી દે એવી હતી. થોઈને લાગ્યું કે બળવો હંમેશાં બહાર જ નથી થતો, કોઈ પણ બળવાની શરૂઆત તો અંદરથી જ થાય છે. અંદર થતા બળવા માણસને જીવવા નથી દેતા. ક્યાંક કોરોઉને પણ આમ જ થતું હશે - ભૂલવા માગતો હશે બધું, પણ ભૂલી નહીં શકતો હોય; પોતાને સંભાળી નહીં શકતો હોય; મર્દ બનવાના ચક્કરમાં પોતાની પત્ની સાથે ખૂલીને વાત પણ નહીં કરી શકતો હોય અને એટલે જ હિંસા તેને એકમાત્ર રસ્તો લાગતી હશે. એટલે જ ટીવી પર ક્રાઇમ સિરિયલ જોઈનેય તેનામાં એક ઘેલું સવાર થઈ જતું હશે. શહેરના તોફાનમાં પણ તે અચૂક ભળેલો હોય. ‘આજે ખબર નહીં ક્યાં હશે?’ થોઈને ચિંતા થઈ આવી.
બહાર કશોક અવાજ થયો એ જોવા થોઈ દરવાજા પાસે જાય ત્યાં જ ઘરનો દરવાજો ધાડ કરતાં ખૂલ્યો. થોઈની આશંકા હતી એમ જ કોરોઉ તોફાનમાં ભળીને અને રળીને આવ્યો હતો. હાથમાં કારની તોડફોડમાં કામે લાગતી લાકડી પટકતાં જ કોરોઉ સોફા પર ઢળી પડ્યો. ખિસ્સામાંથી નોટ ભરેલું પાકીટ જાણે વજન વધારતું હોય એમ એને થોઈના હાથમાં પકડાવી કોરોઉએ થાક ઉતારવા પગ લંબાવ્યા. ‘આજ તો બહુ જ કામ હતું’, કોરોઉ બોલ્યો. હાથમાં આવેલા પાકીટમાં કેટલા રૂપિયા આવ્યા છે એની ગણતરી વગર જ થોઈએ એ પાકીટને સાઇડ પર મૂકી દીધું. રસોડામાં કશુંક ખાવાનું લેવા જતી થોઈને અટકાવી તેનો હાથ પકડી કોરોઉએ તેના હાથમાં એક ફોન મૂક્યો, ‘આ લે. કહેતી હતીને કે મોંઘો ફોન જોઈએ છે? લે, આજે મોટો હાથ લાગ્યો.’ થોઈને ઘડીભર એક કંપારી છૂટી ગઈ. ખબર નહીં તોફાનના કયા ભાગરૂપે આ ફોન ઘરમાં આવ્યો હશે? મન પોતાને જ કોસવા લાગ્યું, ‘તને આવો શોખ તો ન હોત તો જ સારું હોત.’ થોઈએ ફોન જોયા વગર જ એને કોરોઉના હાથમાં છોડી દીધો.
‘કેમ? શું થયું?’ કોરોઉએ કહ્યું.
એક વાર હિંમત કરી થોઈએ કહ્યું, ‘આ બધું ન કરે તો ન ચાલે? આવો પૈસો આપણને શું ખપનો?’
કોરોઉની આંખ ફરતી હતી, પણ તેના કાંઈ કહેવા પહેલાં જ થોઈ ટીવીનો અવાજ વધારી અંદર ભાગી. કોરોઉ તેની પાછળ ગયો હોત, જો એને ટીવીમાં કશુંક નવીનતમ જોવા ન મળ્યું હોત! તે ક્યાંય સુધી ટીવી પર ચૅનલ ફેરવી-ફેરવીને એક જ સમાચાર જોતો રહ્યો. તેને લાગતું હતું કે બે-ચાર દંડા અને થોડું-ઘણું તોફાન કરી થોડી નોટો મેળવી લેવામાં કશુંય જાય એમ નથી પણ અત્યારે ટીવી પર તે જે જોતો હતો એમાં તો શહેર સપનેય કલ્પ્યું ન હોય એવું કલેવર ધારણ કરી રહ્યું હતું.
થોઈને રસોડામાં પણ ફફડતાં કબૂતરોનો અવાજ પહોંચતો હતો. આગળ શું થશે તે પોતે જાણે ભવિષ્યવેત્તાની જેમ ભાખી શકતી હતી. બહાર જતાં કેટલીય વખત અંદરની સ્ત્રી રોકતી હતી, પણ પછી મૂંગે મોઢે જમવાનું મૂકી જલદીથી પાછી વળી ત્યાં જ કોરોઉએ પાછી બોલાવી. જેટલું પ્રેમપૂર્વક કહી શકતી હતી એટલા પ્રેમથી થોઈ બોલી, ‘આજે એક દિવસ તું આ કડું કાઢી નાખે તો ન ચાલે?’ કોરોઉનાં ભવાં તંગ થયા. ‘કમજાત, તને કેટલી વાર કહું? મારો બીજો જન્મ થશે ત્યારે જ આ કાઢીશ. તને એકલીને જ નથી વાગતું આ. આ જો, મનેય ઘા આપે છે આ.’ કોરોઉએ પોતાને જ્યાં એ કડું વાગતું હતું એ જખમ બતાવ્યો. થોઈએ ફરી વાત બદલવાનો પ્રયત્ન કર્યો, ‘ચીની જમવા આવી નહીં?’
કોરોઉએ આમતેમ નજર ફેરવી, ચીની ક્યાંય દેખાઈ નહીં. કોરોઉના જમવાના સમયે તેની બિલાડી ચીની ગમે ત્યાંથી તેની પાસે હાજર થઈ જ જતી હતી, પણ આજે ક્યાંય દેખાઈ નહીં એટલે કોરોઉને ચિંતા થવા લાગી. બન્નેએ એને ઘરમાં શોધી, પણ એ મળી નહીં. કોરોઉનો મિજાજ ફર્યો, ‘તો તેં એને જોવાની પણ દરકાર ન કરી? એક કામ ઢંગથી કરતી નથી કમજાત. ને મને સલાહ આપે છે? આવા માહોલમાં બહાર ગઈ હશે તો બચશે નહીં.’ ખાવાનું પડતું મૂકી ચીનીને શોધવા જતાં પહેલાં કોરોઉ થોઈ તરફ જોરથી ધસી ગયો. કમરના જે ભાગમાં ઘા લાગ્યો હતો ત્યાંથી જ તેને પકડીને કહ્યું, ‘આજે ચીનીને કાંઈ થયું તો તને નહીં છોડું સાલી! પાછો આવીને જોઉં છું તને બરાબર.’
મોમ્બી પછી પાળેલા કબૂતર અને આ ચીની જાણે કોરોઉનો જીવ હતાં. એ બન્નેને કંઈ થાય એટલે થોઈનું આવી જ બનતું. થોઈને લાગતું કે કબૂતર અને બિલાડાને સાથે રાખીને કોરોઉ રોજ બન્નેની પરીક્ષા કર્યા કરે છે. એક, જે બિલાડું જોઈ સતત ફફડ્યા કરતાં અને બીજું, જે કબૂતર જોઈ સતત લાળ પાડયા કરતું. ચીની ન મળે તો કોરોઉ પાગલ જેવો થઈ જતો અને આજે એવું જ થયું. કમરના ઘામાંથી ફરીથી લોહી વહેવા લાગ્યું. પીડા એટલી અસહ્ય બની રહી હતી કે થોઈ બેવડી વળી ગઈ અને આંખોમાંથી પાણી નીકળવા લાગ્યું. ‘પેલી ચીની હવે મળશે નહીં ત્યાં સુધી આવડો આયે ઘરમાં ટકશે નહીં. સારું જ થયું, મરે બેય નરકમાં!’ ચીની કેટલીય વખત બહાર જતી રહેતી. આજે પણ બહાર ગઈ હશે એ આશંકામાં કોરોઉ તરત બહાર જતો રહ્યો હતો. ‘આ કમજાત અત્યારે શું મરવા ગઈ બહાર? આખા શહેરમાં કરફ્યુ લાગ્યા છે. ક્યાં હશે?’
કોરોઉના જતાં જ ઘડીભર શાંતિ અનુભવતી થોઈના મનમાં વિચિત્ર વિચાર આવ્યો, ‘આવા તોફાનમાં કોણ કોને મારે છે એ કોને ખબર?’
મનની અંદરની સ્ત્રી ફરી ઉપહાસ કરતી ઊભી થઈ, ‘તો મારી બતાવ, તને રોકી કોણે છે? અરે, પાંજરે પુરાયેલી છે તું તેના પાંજરે! તારા જેવી મૂરખને પાંજરું ખુલ્લું હોય તોયે ઊડતાં ન આવડે.’ ને થોઈ ઘાવ પરના દુખાવાથી અકળાઈ હોય કે આ વાતથી પોતાના પર જ ગિન્નાઈ હોય એમ ટેબલ પર પડેલું ચાકુ પિંજરા તરફ ફેંકતાં જોરથી બોલી ઊઠી, ‘ચૂપ બેસ! આજે કરી બતાવું તને. કાં હું નહીં ને કાં...’. ફેંકાયેલું ચાકુ સીધું એક કબૂતરની ગરદન પર વીંધાયું.
એક ઘા ને બે કટકા થયા! એક કબૂતરની ગરદન છૂટી પડી ગઈ અને થોડી વાર ફફડીને એ શાંત થઈ ગયું. પાંજરામાંથી લાલ રંગનો ફુવારો વછૂટ્યો અને પાંજરા સહિત ઘરની દીવાલને લાલ રંગી ગયો. વાસી ચરકની વાસમાં એક બીજી વાસ ઉમેરાઈ. થોઈ ઘડીભર તો પાંજરાને જોતી જ રહી. આંખે લોહી તરી આવ્યું હતું. થોઈને પોતાની અંદર ગજબની ઊર્જાનો સંચાર થતો જણાયો. જાણે એકાએક હિંમત આવી ગઈ હતી તેનામાં! કમરનો જખમ ભુલાઈ ગયો હતો અને ચહેરા પર શૂરવીર જેવી શાતા ભળી હતી. કબૂતરની સાથે જાણે પોતાની અંદરનો ફફડાટ પણ શમ્યો હોય એમ તે સ્થિર થઈ ગઈ. દરવાજા પાછળ ક્યાંય સુધી આવતા તોફાની અવાજો વચ્ચે ઘરની અંદરની થોઈ શાંત દેખાતી હતી. પોતાને જાણે હવે કોઈ વસ્તુની અસર જ નહોતી થતી. એક કબૂતરને ખોવાને લીધે શોકમાં હોય કે ભયમાં હોય પણ અંદરનાં કબૂતરો ચૂપચાપ અવાજ કર્યા વગર બેસી રહ્યાં. ઘરમાં છવાયેલી ભયાનક શાંતિમાં થોઈની આંખો ઘેરાવા લાગી. થોડી વાર પછી જ્યારે આંખો ઊઘડી ત્યારે થોઈ પાંજરામાંનાં બધાં જ કબૂતરોને મમતાભરી નજરે નિહાળતી રહી. અંદરની સ્ત્રી જો અત્યારે બોલી હોત તો તેણે તેના આવા વર્તનનું કારણ ચોક્કસ પૂછ્યું હોત, પણ અત્યારે ઘડીભર અંદરનો અવાજ પણ વિરામ લઈ રહ્યો હતો. થોઈએ ફરી આંખો બંધ કરી.
lll
ચીનીને શોધતાં-શોધતાં કોરોઉ મહોલ્લાની બહાર સુધી જઈ ચડ્યો હતો. બહારના અવાજો શમી ગયા હતા. અમુક જાતેથી શમ્યા હતા, અમુક મજબૂરીમાં અને અમુકને પરાણે શમાવી દેવાયા હતા. આ બધા વચ્ચે રાતનો પ્રખર પ્રભાવ જીતી રહ્યો હતો. થોઈના ઘરમાં કબૂતરોને સાથી ખોવામાંથી કળ વળી હોય એમ ધીમે-ધીમે તેમનો ફફડાટ ફરી શરૂ થયો હતો. થોઈની ચિંતા ફરી જાગી. ‘બિલાડું મળ્યું તો હશેને? ક્યાંક કોરોઉ કરફ્યુમાં પકડાઈ તો નહીં ગયો હોયને? સત્તાના ઝઘડા નુકસાન તો નાના માણસોનું જ કરે એ તેને કોણ સમજાવે?’ થોઈએ ફોન કરવા ફોન હાથમાં લીધો. ફોન કરે એ પહેલાં સોશ્યલ મીડિયા પર નજર જતી રહી. એક વિડિયો વાઇરલ થયો હતો. ટોળાના માણસો એક છોકરી પર એ રીતે તૂટી પડ્યા હતા જાણે ભિખારીઓને મફતની મિજબાની મળી હોય. મીડિયા આખું કોઈની બરબાદીની પાઈ-પાઈ વસૂલ કરી રહ્યું હતું જાણે! થોઈને કંપારી છૂટી આવી. છોકરીના શરીરે પડેલા દરેક ઘા જાણે તેના શરીર પર ઊપસી આવ્યા હોય એવી બળતરા થવા લાગી. પોતે જાણે ત્યાં જ હોય અને દુનિયા તેનાં ફાટેલાં વસ્ત્રો વધુ ફાડીને મજા લઈ રહી હોય એવો અહેસાસ તેને ધ્રુજાવી ગયો. ઘરમાં કબૂતરોનો ફફડાટ એકદમ વધી ગયો હતો અને ઘાનો દુખાવો પણ જોર પકડી રહ્યો હતો. અંદરની બળતરા પણ આજે જોર પકડી રહી હતી. થોઈથી જોરથી ઊંહકારો નીકળી ગયો. મનની સ્ત્રી પૂછી રહી હતી, ‘ઘાની તો તને છેલ્લાં કેટલાંય વર્ષોની આદત છે, તો આજે આટલી તકલીફ કેમ?’
થોઈથી બોલી જવાયું, ‘છેલ્લો ઘા વધુ બળતરા કરાવતો હશે કદાચ!’
ઘડીભર મનમાં શું ચાલ્યું શું નહીં એ વિચારવાની ગતાગમ જ ન રહી. ટોળામાંના બે જણ તો જાણીતા હતા એવુંય ધ્યાન પડ્યું. ‘એ જ હરામી લોકો, કાયમ સાથે રહેનાર ભાઈબંધો! આજે સવારે એ જ બોલાવવા આવેલા કે શું? ઘટનાય સવારની જ છે આ તો. કોરોઉ ક્યાંક આ ટોળામાં જ?’ ન છૂટકેય વિડિયો થોડોક વધુ જોયો પણ પૂરો તો ન જ જોઈ શકાયો. કોરોઉ તો દેખાયો નહીં એમાં, પણ મન હવે શંકા-કુશંકા અને આક્રોશથી ધૂંધવાયેલું હતું. શું વિચારીને પણ બાજુમાં પડેલા ચાકુની ધાર પર હાથ ફેરવી થોઈને સારું લાગ્યું. આ વખતે હાથમાંથી નીકળતું લોહી તેને કોઈ અસર જ નહોતું કરતું જાણે. તે હિંમત કરીને ઊઠી ને ઘરની બધી બારીઓ ખોલી નાખી. ઘરમાં ફફડતાં બધા જ કબૂતરોને એક પછી એક આઝાદ કરી દીધા.
બારીમાંથી આવતી ઠંડી હવાએ ઘરમાં થોડી તાજગી તો ઉમેરી હતી, પણ ઘર હજી પણ લોહી અને ચરકની મિશ્રિત વાસથી ગૂંગળામણ ઊભી કરતું હતું. વિચારતાં-વિચારતાં, રાહ જોતાં-જોતાં દરવાજે નજર ખોડાઈ હતી. અડધી રાત વીતી ગઈ હતી. ધડ-ધડ અવાજથી થોઈ સચેત થઈને દરવાજે ધસી ગઈ. દરવાજો ખૂલતાં જ ચાકુ એક શરીરની આરપાર થઈ ગયું. કોરોઉ ઘાથી બચી શક્યો હોત જો તેણે થોઈના મોઢા પર ચીતરાયેલા ભયાનક ભાવ ન જોયા હોત! કોરોઉને તરફડતાં જોઈ રાહત અનુભવેલી થોઈને ભાન થયું ત્યારે જોયું કે કોરોઉના જમણા હાથમાં હાથ નાખીને આવેલી એક છોકરી પણ ત્યાં જ હેબતાઈને જડાઈ ગઈ હતી. થોઈએ ઓળખી તેને. આ તો એ જ વિડિયોવાળી છોકરી! કોરોઉના શરીરે લાગેલા ઘા કહેતા હતા કે કોરોઉ ટોળાથી બચાવીને લાવ્યો હતો તેને. હેબતાયેલી છોકરી કોરોઉના નીચે ઢળતા ઢીમને કોરી આંખે જોતી રહી. થોઈ આગળ વધે એ પહેલાં જ કોરોઉના ડાબા હાથમાં પકડી રાખેલું કડું થોઈના પગ પર પડ્યું ને ત્યાંથી લોહીની ધાર વહેવા લાગી.
(સમાપ્ત)


